VAHUE VAGOVYA MOTA KHORDA - 7 books and stories free download online pdf in Gujarati

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૭

સવાર થયું હતું પણ અંધકાર ગયો નહતો. એક પહાડી અવાજમાં હમીરભા શિવસ્ત્રોત સાથે ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરી રહ્યા હતા. સેજલબા શિરામણ બહાર કાઢી હમીરભાની પૂજા પુરી થવાની વાટ જોતા હતા. એટલામાં "ૐ નમ: પાર્વતે પતિ હર હર મહાદેવ હર" સાથે હમીરભાએ પૂજા પુરી કરી. એ પોતાના પૂજાના વસ્ત્રો કાઢીને રોજિંદા જીવનમાં પહેરતા એ કપડાં પહેરીને પછી એ શિરામણ કરવા બેઠા. તાંસળી ભરીને દૂધ લીધું, અધશેર ગોળ સાથે પાશેર ઘી અને અઢી ગાડાના પૈડાં જેવા રોટલા ઓહ્યા કરી નાંખ્યા. અને પછી એ જ રોટલાના થોડા વખાણ કરી સેજલબા પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા લાગ્યા. એટલે તરત જ સેજલબા અફીણનો ડબ્બો લઈને આવી ગયા. " આ લ્યો અને છાનામાના હાલતા થાવ તમારું ગામ તમારી રાહ જોતું હશે, મને ખબર જ છે કે મારા રોટલા બહુ સારા થાય છે. અને આ એકની એક વાત છેલ્લા આઠેક વર્ષથી સાંભળતી આવું છું." સેજલબા પણ પતિના પ્રેમનો સ્વીકાર કરતા હોય એમ થોડા સ્મિત સાથે અફીણનો ડબ્બો લાંબો કરી ઊભા રહ્યા. હમીરભાએ એમાંથી એક કણી અફીણની લીધી અને મોંઢામાં મૂકી. પછી પોતાની નજર દેવલ તરફ ફેરવી તો દેવલ હજુ ઓઢીને સૂતી જ હતી. કોઈ જોવે નહિ એમ અને મર્યાદાને ધ્યાનમાં રાખી સેજલબાના ગાલ ઉપર ધીમેથી એક ટપલી મારીને "મારા કુળને ઉજળું કરનારી નાર તું તો બહુ ડાહ્યી થઈ ગઈ છું, ચાલ હું ગામમાં એક આંટો મારીને આવું છું." હમીરભા હસતા હસતા બોલતા હતા. એના પ્રત્યુત્તરમાં સેજલબા પણ પોતાનો હાથ ઉગામીને "હવે જવું છે કે....." આટલું બોલતા તો એ હસી પડ્યા. હમીરભા પણ એક મીઠા હાસ્ય સાથે ઘરની બહાર નીકળી ગયા.

હમીરભાનો એક નિયમ હતો કે એ જ્યારે પણ થોડા નવરા હોય ત્યારે વહેલા સવારમાં ગામમાં એક ચક્કર લગાવવા જતા. આખા ગામમાં એક આંટો મારતા. આમ તો સ્વરાજ આવી ગયેલું પણ એ હજુ રાજા જેવું જીવન જીવતા. મનમાં તો એમ જ હતું કે આ ગામ મારું છે અને આ ગામની પ્રજા મારી છે. આથી જ તેમના સુખ-દુઃખ જોવા માટે નીકળતા. એ જ્યારે પણ નીકળતા ત્યારે બધું ધ્યાન રાખતા જેમ કે .. મારા ગામમાં કોઈ દુઃખી તો નથી ને, કોઈને કાંઈ તકલીફ તો નથી ને, કોઈ ઘર-ઘરેલુ ઝઘડો તો નથી ને, આવી અનેક બાબતો વિશે માહિતી મેળવવા માટે જ એ ગામમાં ચાલીને ફરતા. જે કોઈ મળે એને રામ રામ કરતા અને એના ખબર અંતર પૂછતા તથા આજુબાજુના પાડોશી વિશે પણ માહિતી મેળવતા. અને જો કોઈ એવી બાબત સામે આવે તો એનું નિરાકરણ પણ કરતા. આથી જ ગામલોકો પણ એમને રાજાની જેમ તો ના કહી શકાય પણ એક સરપંચ હોય એમ માન-સન્માન આપતા.

હમીરભા ધીમે ધીમે ગામમાં ફરી રહ્યા હતા. અડધો કલાક ફર્યા એમાં તો એમને લગભગ પંદરથી વીસ વખત ચા પણ પી લીધી. એ ગામની કોઈપણ વ્યક્તિનું અપમાન નહોતા કરતા અને પાછા ખોટી વ્યક્તિને છોડતા પણ નહીં. એટલે જો કોઈ તાણ કરે તો ત્યાં ચા પીવા બેસી જતા. એ ફરતા ફરતા શામજીભાઈના વાસમાં આવ્યા. શામજીભાઈની તબિયત થોડી ખરાબ હતી અને પાછું આજે ખેતરમાં કોઈ કામ નહોતું એટલે ઘરે સુતા હતા. ઝમકું લીંપણવાળા કાચા મકાનમાં વાળવાનું કામ કરતી હતી. "અલા શામજી શું કરેશ મારા ભાઈ" બહારથી જ ચાલતા ચાલતા અવાજ દીધો. આ એક જૂની પરંપરા હતી કે તમે કોઈપણ ઘરે જાવ તો પહેલા મોટેથી સાદ કરતા જેથી કોઈ સ્ત્રી પોતાની મર્યાદા અથવા લાજ ના કાઢી હોય તો કાઢી લે. આથી બહારથી જ બૂમ પાડતા. કારણકે ઘરના મુખ્ય દ્વાર બહુ સરખા બંધ થાય એવા નહોતા. "આવો ભા !" આટલું બોલતા ઝમકુંએ એમના મકાન જેવો જ કાથીનો નાનકડો ખાટલો પાથર્યો. અને ઉપર વેજાની એક શેતરંજી પાથરી પણ એ શેતરંજી પણ શામજીભાઈની ગરીબી બતાવે એવી હતી.

ઝમકું પાણી ભરીને આવી અને સાથે સાથે શામજીભાઈને જગાડવાનું કામ પણ કરતી આવી. હમીરભાએ ઝમકું પાસેથી પાણીનો લોટો લેતા જ કહ્યું "બેટા ઝમકી ! હવે જો અહીં રહીને થાકી ગઈ હોય તો કાલે તને મૂકવા આવું"

ઝમકું તો મોંઢું નીચું રાખીને પગના અંગુઠા વડે માટી ખોતરતી હોય એવી ક્રિયા સાથે બોલી "ભા ! મારે નથી જવું" એનો ચહેરો સાવ માયુસ હતો. આ છોકરીને હમીરભા તો જોઈ જ રહ્યા. એટલામાં શામજીભાઈ જાગીને મોંઢા ઉપર થોડું પાણી છાંટીને આવી ગયા. "આવો બાપુ આવો ! કંઈ કામ હતું ?" શામજીભાઈ ઝમકુની બાજુમાં ઊભા રહીને જ બોલ્યા.

"ના ....ના શામજી કશું કામ નથી પણ આ તો આજે ગામમાં આંટો મારવા નીકળ્યો હતો તો થયું લાવ તને અને ઝમકુને પણ મળતો જાવ." હમીરભા એકદમ શાંત ચહેરે બોલી રહ્યા હતા. એમના મગજમાં તો હજુ ઝમકુનો જવાબ જ ઘૂમતો હતો. "શામજી ! આમ તો તારી મને બધી ખબર જ છે છતાં જો કંઈ તકલીફ હોય તો બોલ, કોઈ જરૂર હોય તો બેધડક મને કહી દે"

"અરે! બાપુ તમે પણ..... મારી બધી તકલીફ મારા પહેલા તો તમને ખબર પડી જાય છે. એટલે જ મને કોઈ તકલીફ ક્યાંથી હોય ?, બસ ખાલી આ ઝમકુનું બધું પાર પડી જાય એટલે આ શામજી તો ગંગા નાહયો." શામજીભાઈ આટલું બોલી બાજુમાં ઉભેલી ઝમકુના માથા પર હાથ ફેરવવા લાગ્યા.

"તું ભલા માણસ શું કામ ચિંતા કરેશ ? હું છું ને ! બધું પાર પડી જશે, આજે હું એટલે આવ્યો હતો. સાંજે વ્યાળું-પાણી મારા ઘરે કરવાનું છે અને ત્યાં જ બેસીને ચર્ચા કરીશું, બરાબર...ને ઝમકું" હમીરભાએ શામજીભાઈ અને ઝમકું બન્નેને પ્રેમથી કહ્યું. "તો એમ કરો સાંજે આવી જજો" આટલું બોલી હમીરભા ઊભા થઇ ગયા. "ચાલ શામજી હું જાવ છું. રામ..... રામ" એટલું બોલી ઝમકુના ગાલ પર હાથ ફેરવીને "બેટા ! તું જરાય ચિંતા ના કરીશ. તને જે ગમશે એ જ કરીશું. એટલે મનમાં મૂંઝાતી નહિ ..હો" આટલું બોલી એ માણસ ઝમકુના ઘરેથી નીકળી ગયો.

ત્યારબાદ ઝમકુના વાસના જે લોકો પણ બહાર હતા એ બધાને મળતા હમીરભાએ ભીખુભાના ઘર બાજુ પ્રયાણ કર્યું. રસ્તામાં સામા મળતા નાનાં-નાનાં છોકરાને સાકરના કટકા આપતા આપતા એ ભીખુભાના ઘર સુધી પહોંચ્યા. "અલ્યા...એય. ... શું કરેશ ?" બારણાં બહારથી જ અવાજ દઈને એ ઘરમાં દાખલ થયા. ભીખુભા તો હજુ આઠ-દસ રોટલાના ઢગલા સાથે શિરામણ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં હમીરભા પહોંચી ગયા.

"આય...ભઈ.... આય તું સરખે ખાવા નહીં દે .. કાં" ભીખુભાએ હજુ ખાવાનું ચાલુ કર્યું નોહતું પણ પાટલી પર બેસી ગયા હતા. એ હમીરભાને જોઈને ઊભા થઇ ગયા. "અલ્યા ... કહું છું... સાંભળો છો... હમીર આવ્યો છે.. ચા મુકજો" ભીખુભાએ ઓસરીમાંથી જ એમના પત્નીને સાદ કર્યો. ભીખુભાના પત્ની તો હજુ એમનું શિરામણ બનાવીને રસોડામાં ઘી તાવવાનું કામ કરતા હતા.

"નહિ ...ભાઈ .. નહિ.. હવે ચા નહિ. કેટલી ચા પી લીધી છે ! તારા ત્યાં તો ગમે ત્યારે પી લઇશ. આ તો આજે તો ગામમાં આંટો મારવા નીકળ્યો હતો એટલે થયું કે તારા ત્યાં પણ થતો જાવ" હમીરભા ફળિયા પડેલા ખાટલાને પોતાની રીતે જ ઢાળતા જ બોલતા હતા. ખાટલો પથરાય ગયો એટલે બેય સાથે બેઠા.

"ઓહ..! તો એમ વાત છે. મહારાજ આજે નગરચર્યા કરવા નીકળ્યા હતા એમ.. ને" ભીખુભાએ તો ટેવ મુજબ હમીરભાની પીઠ પર ધબ્બો મારીને હાથ રાખતા જ કહ્યું." થોડીવાર બંને વચ્ચે મીઠી મજાક ચાલી. પછી થોડી વહેવારિક વાત ચાલી એકબીજાના ખબર અંતર પૂછ્યા. અને છેલ્લે બંને ઊભા થયા.

"ભાઈ તું હવે જમી લે..મને ખબર છે ક્યારનોય તું થોડી થોડીવારે રોટલા સામું જોવેશ. ખઈ લે ..ભઈ..... ખઈ લે...! અને બીજી વાત કે આજે સાંજે વ્યાળું પાણી કરીને મારા ઘર બાજુ આવજે શામજી અને ઝમકું પણ આવવાના છે. જો ઝમકું રાજી થાય તો કાલે એને મુકવા જવું છે. તો તારે સાથે આવવાનું છે" હમીરભા પહેલી વાત હસતા હસતા કરી પછી મુખ પરની મુદ્રા ગંભીર બનાવીને બોલ્યા.

"સારું ભાઈ ! કોઈ વાંધો નહિ હું સાંજે આવી જઈશ અને ચર્ચા પણ કરી લેશું. હું તો આમ પણ નવરો જ છું. બે દિવસ ફરી લઈએ." ભીખુભા પણ થોડી મુસ્કુરાહટ સાથે ગંભીર હતા. આ સાથે હમીરભા અને ભીખુભા અલગ પડ્યા. હમીરભા ઘરમાંથી બહાર નીકળ્યા અને ભીખુભા રોટલા પર તૂટી પડ્યા.

હમીરભા તો થોડા લોકોની મુલાકત લઈને પછી ગામના ચોરા પર પહોંચ્યા. ત્યાં બધાને રામ .. રામ કર્યા અને ડાયરામાં જોડાઇ ગયા. ગામલોકોએ પણ એમને યોગ્ય સ્થાન અને સન્માન જળવાય એમ થોડીવાર ઊભા થઈને આસન લેવા વિનંતી કરી. હમીરભા બેઠા પછી ડાયરાની શરૂઆત થઈ. કહુંબા-પાણી કરીને ગામની અલક-મલકની વાતો ઉખળવા લાગી. કોઈ વાત પર બધા જોર જોરથી હસી લેતા તો વળી કોઈ વાત પર બધા સાવ સ્તબ્ધ થઇ જતાં. કોઈ એના ખેતરની વાત કરતું તો વળી કોઈ બળદની વાત કરતું. કોઈ નાલાયક છોકરાની વાતો કરતું તો કોઈ પાડોશીની.

ગામનો ચોરો એક એવી જગ્યા હતી જ્યાં ગામની બધી સારી-નરસી હસ્તીઓ બેસતી. અને વાતોના વડા કરતી હતી. ત્યાંથી જે પણ વ્યક્તિ નીકળે એના વિશે વાતો નીકળતી. એટલે જ ડાયરો બેઠો હોય ત્યારે ત્યાંથી બધા નીકળવાનું ટાળતા. આવી જ વાતો વચ્ચે બપોરના બાર વાગી ગયા. બારના ટકોરા પડતા જ જાણે નિશાળની ઘંટડી વાગતા છોકરા નિશાળમાંથી નીકળે એમ બધા ઊભા થઇ ગયા. બધા એકબીજાને રામ રામ કરીને છુટા પડ્યા. હમીરભા પણ ઘર તરફ રવાના થયા.

"લાવો હાલો જમવાનું કાઢો." હમીરભાએ ડેલીમાં જતા જ સેજલબાને કહ્યું. "ચાલો ને તમારી જ વાટ જોવું છું" સેજલબાએ નાનકડા હાસ્ય સાથે કહ્યું. "કેટલી વાર થઈ, સવારે સાતના ટકોરે નીકળ્યા છો અત્યારે પાછા આવ્યા. ઓલી છોડી બિચારી તમારી રાહ જોઇ જોઈને નિશાળે ગઈ" સેજલબા થોડા મોટા અવાજથી બોલ્યા. હમીરભા તો ચૂપચાપ હાથ ધોઈને જમવા બેસી ગયા. " એમાં એવુ છે.... ને દેવલની બા ! મારું ખાતું નરસિંહ મેં'તા જેવું છે.એકવાર વાતે વળગી જાવ પછી મને સમયનું ભાન નથી રે'તું." હમીરભા હસતા હસતા કહેતા જતા હતા. આ વાત સાંભળીને સેજલબા પણ હસી પડ્યા. "બીજું હું તને શું કહું છું ? આજે સાંજે શામજી અને ઝમકુને અહીં જ જમવાનું કહ્યું છે એટલે વધુ બનાવજે. એમ તો ઝમકી આવશે સાંજે કામ કરાવવા પણ આ તો હું ભૂલી જાવ તો યાદ રાખજે. ભીખુ પણ જમીને આવશે. હું એને કહીને આવ્યો છું. જો શક્ય બને અને ઝમકી હા પાડે તો એને કાલે સુલતાનપુર મુકવા જવી છે." હમીરભાને અમુક આવી નાની વાતો ઓછી યાદ રહેતી. એટલે એ સેજલબાને યાદ રાખવાનું કહેવાની સાથે સાથે સુલતાનપુર જવા વિશે માહિતગાર પણ કરતા હતા.

"હા.... તો વાંધો નહિ એ તો બધું થઈ જશે.પણ જો તમને કહી દવ છું. બધી ભલામણ કરીને આવજો ફરીવાર આવું ના થવું જોઈએ એવું કહેજો પાછા." હમીરભાએ જમવાનું ચાલુ કરી દીધું હતું. અને સેજલબા બાજુમાં બેઠા બેઠા કહેતા હતા. " અને ભીખાભાઇ સાથે આવવાના હોય તો એમને કહેજો કે મગજ ઉપર કાબુ રાખે. ગમે એમ તોય આપણી ઝમકુને ત્યાં એકલા રહેવાનું છે એનું ધ્યાન રાખજો." સેજલબાએ તો અત્યારથી જ બધી ભલામણ કરવાનું ચાલુ કરી દીધું.

"અરે માતાજી ! મને બધી ખબર પડે છે. એ બધું હું મારાથી થાય એ પ્રમાણે કહી દઈશ. તમે મને શાંતિથી ખાવા દો તો સારી વાત છે." હમીરભા તો ખાતા-ખાતા અને થોડા હાસ્ય સાથે બોલી રહ્યા હતા. પછી બંને હસી પડ્યા. હમીરભાએ જમી લીધું અને બધું જમવાનું મુકાય ગયું. સેજલબા તો દેવલ નિશાળેથી એક વાગ્યે આવે પછી એની સાથે જ જમતા. હમીરભા જમીને કોઈ પુરાણ વાંચવા બેસી ગયા. સેજલબા ઘરનું કામ કરતા કરતા ક્યારેક ક્યારેક હમીરભાની મશ્કરી કરી લેતા. કારણ કે એક આ જ સમય એવો આવતો કે જેમાં આ પતિ-પત્ની એકલા હોય.

દેવલ નિશાળેથી આવી ગઈ. બંને માં-દીકરી જમવા બેઠા અને હમીરભા ખાટલામાં આડા પડ્યા. ઘડિયાળના કાંટા એકસાથે ફર્યા અને સાંજની આરતીની ઝાલરો વાગી. હમીરભા આરતીના દર્શન કરીને આવ્યા ત્યાં તો શામજીભાઈ પણ આવી ગયા હતા. ઝમકું તો પાંચ વાગ્યાની ત્યાં જ હતી. પહેલા હમીરભા અને શામજીભાઈ જમવા બેઠા એમના જમી લીધા પછી દેવલ, ઝમકું અને સેજલબા જમવા બેઠા. બધાએ જમી લીધું અને કામ પણ પતી ગયું અને હવે બેઠકની શરૂઆત થઈ. એટલામાં તો ભીખુભા પણ આવી ગયા.

ચાંદની રાતમાં ફળિયામાં બે ખાટલા પથરાય ગયા હતા. એકમાં એકલા ભીખુભા બેઠા અને બીજા ખાટલામાં હમીરભા બેઠા એની બાજુમાં નીચે શામજીભાઈ બેઠા. હમીરભાએ ખાટલા ઉપર બાજુમાં બેસવાનો આગ્રહ કર્યો પણ એ માન્યા નહી. હમીરભાની સામે જ થોડા દૂર દેવલ, ઝમકું અને સેજલબા જમીન પર બેઠા હતા. હવે હમીરભાએ શરૂઆત કરી.

"બેટા ઝમકી ! જવું છે... ને તારે"

"ભા ! જવું તો છે પણ મન નથી માનતું."

"એવું કેમ બોલેશ ? તારા મનમાં જે હાલતું હોય એ બોલ."

"ભા ! હું તો અહીં આવી એને બે દિવસ થયા એટલે નક્કી જ કરી લીધું હતું કે મારે મારા બાપાની સેવા કરવી છે. અને આખી જિંદગી ગમમાં જ કાઢી નાખવી છે પણ...." આટલું બોલી ઝમકું અટકી ગઈ

"પણ શું ? જે હોય એ કહી દે..ને તારા ભાને" સેજલબાએ સૂર પુરાવ્યો એ વચ્ચે જ બોલી ઉઠ્યા.

"બા ! પણ ચાર-પાંચ દિવસ થયા એટલે મારો બધો હરખ ઉતરી ગયો. કોઈ મને શંકાની નજરથી જુવે છે તો કોઈ મેલી નજરથી જુવે છે. હું મારા ધણીનો માર તો સહન કરી લઇશ પણ મારાથી લોકોની આ દ્રષ્ટિ નથી જીરવાતી" ઝમકું આટલું બોલતા બોલતા તો રોઈ પડી. સેજલબાએ થોડી શાંત પાડી.

"કોણ છે એ ? તું ખાલી નામ દે ... ને અત્યારે જ અહીં લાવું અને મારી-મારીને એના હાડકાં ખોખરા કરી નાખુ." ભીખુભા તો એકદમ ઊભા થઈને ગુસ્સામાં બોલવા લાગ્યા. શામજીભાઈ તો સાવ ચૂપ થઈને દીકરીના ફેંસલાની રાહ જોતા હતા.

"ભાઈસા'બ !.... ભાઈસા'બ.! તમે બેસી જાવ આ બધું તો સહન કરવું જ પડે. એમાં કોઈ નવી વાત નથી. તમે કેટલાકને મારતા ફરશો. ગામના મોંઢે ગરણા બાંધવા થોડા જવાય. અને જો ઝમકું તું મને મારી દેવલ જેટલી જ વા'લી છે. પણ દીકરી હંમેશા સાસરિયામાં જ શોભે. એ ગામમાં રહે તો એના બાપની આબરૂ જાય. એટલે વિચારી લે" સેજલબાએ પહેલાં ભીખુભાને શાંત કર્યા પછી ઝમકુ તરફ જોઈને કહ્યું. દેવલ સેજલબાના ખોળામાં સુઈ ગઈ હતી. એટલે જ કદાચ ધીમે ધીમે બોલી રહ્યા હતા.

"તો ઠીક છે બા ! હું કાલે ભા એમની સાથે જઈશ. પણ બા આજ જેવી કાલ્ય નહિ ઉગે હો !" ઝમકું થોડા ભારે ગળા સાથે બોલી રહી હતી.

"બેટા ! એવી ચિંતા ના કરીશ. હું અને ભીખુકાકા બેય આવીને વિઠલ અને પેલા હરામી શંકરાને સમજાવી દેશુ. ફરીવાર તારી સાથે એવું નહિ કરે. એની જવાબદારી હું લવ છું." હમીરભાએ ઝમકુને આશ્વાસન આપ્યું.

"જો સાંભળો ! શંકરાને થોડો મારવો પડે તો મારજો પણ વિઠલને તો શાંતિથી સમજાવજો. આપણી દીકરીને એની સાથે રહેવાનું છે એનું ધ્યાન રાખજો." સેજલબાએ હમીરભાને ઉદ્દેશી એક સ્ત્રીની ફરજ તરીકે કહ્યું.

"અરે ! એટલી તો મને પણ ખબર પડે છે." હમીરભાએ ટૂંકમાં જવાબ આપી દીધો અને એ સીધા ભીખુભા પર આવ્યા. "તો ભાઈ તારે સાથે આવવાનું છે એટલે તું તૈયાર થઈ જજે. અને તારી બગી સાફ કરી રાખજે. એને હું મારી ઘોડી સાથે બંધીશ એમાં હું અને ઝમકું બેસશું અને તું તારો ઘોડો લઈ લેજે એટલે બગી ઉપર વધારે વજન ના પડે" હમીરભા આમ તો એક આયોજન બતાવતા હતા પણ આ વાત પરથી બધા હસી પડ્યા. "શામજી તું રાજી છું ને. તારે કંઈ કહેવું હોય તો બોલ." હમીરભાએ શામજીભાઈને પૂછ્યું.

"તમે જે કરો એ બરાબર. મને ક્યાં અત્યાર સુધી મારી દીકરીની ચિંતા કરવા દીધી છે." એ બાપ તો આંસુ સારતો બોલી રહ્યો હતો.

"અરે ગાંડા ભઈ ! એમાં રોવાનું થોડું હોય." આટલું બોલી હમીરભાએ બાજુમાં નીચે બેઠેલા શામજીભાઈ પર હાથ રાખ્યો."તો હાલો ત્યારે સવારે મળીએ અને ભઈ ભીખુ વે'લો જાગજે સાંજ થતા આપણે સુલતાનપુર પહોંચી જવાનું છે." આ સાથે જ બધા આલગ થયા.

સેજલબાએ દેવલને જગાડીને સરખી સુવડાવી. અને પાછી એ જ વાત પર આવીને હમીરભાને સલાહ આપવા લાગ્યા. હમીરભાએ તો હા એ હા ! ભણીને સૂવાની તૈયારી કરી. ભીખુભા તો એમના ઘરે જઈને સુઈ ગયા. શામજીભાઈ અને ઝમકુ એમના ઘરે પહોંચ્યા. એ ગરીબ બાપ તો સાવ માયુસ બનીને છાનોમાનો સુઈ ગયો અને ઝમકુ એ બાપને ચાંદનીના અંજવાળામાં જોતી જ રહી અને રોતી રહી. ઝમકુ ઉપરવાળાનો દિવસ ના ઉગવા માટે વિનવી રહી હતી. પણ એનું કોણ માને !

દિવસ ઊગી ગયો. હમીરભા પોતાનું કામ પતાવી, પાઘડી બાંધી, સેજલબાની સલાહ લઈ અને પોતાની ઘોડી લઈને નીકળી ગયા. ભીખુભા પણ બગી ઘરની બહાર સાફ કરીને ઊભા રહ્યા હતા. હમીરભાની ઘોડી સાથે બગી જોડીને તે બંને શમજીભાઈના ઘરે ગયા. ત્યાંથી શમજીભાઈએ દીકરીને ફરીવાર વિદાય આપી. હવે હમીરભા અને ઝમકુ બગીમાં બેઠા જ્યારે ભીખુભા પોતાના ઘોડા પર સવાર થઈને સાથે ચાલ્યા. આ ત્રણેયે સુલ્તાનપુરની વાટ પકડી.

ક્રમશ: ......... ....

લેખક: અરવિંદ ગોહિલ