Tran Vikalp - 10 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 10

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૦

સંતોષ ડ્રાઈવર સાથે વાત કર્યા પછી માધવને ફોન કરે છે. માધવ પણ સંતોષના ફોનની રાહ જોઈ રહ્યો હતો. “માધવ, મારે ડ્રાઈવર સાથે વાત થઈ... નિયતિએ એક જ ફોન કર્યો હતો... એની નાનીને... બીજું... તાર અજબ પ્રેમ સાચો પડ્યો... તારા તુક્કાએ ગજબ કર્યો... માત્ર એક વાત તને કામ લાગે એવી છે કે… નિયતિ કાલે વેરાવળ જવાની છે.”

માધવને તીર નિશાના ઉપર લાગ્યું તેની ખુશી થાય છે સાથે અચરજ પણ થાય છે: “વેરાવળ! ત્યાં એને શું કામ હશે? બીજી કોઈ વાત જાણવા નથી મળી? નિમિતા, એની મમ્મી?”

“ના... બસ કાલે વેરાવળ જશે... અને તે પણ કેમ એ ખબર નથી... મારે શું કરવાનું છે? કાલે તેની પાછળ વેરાવળ જવાનું છે કે પાછો અમદાવાદ આવું?”

માધવ એના મગજ સાથે થોડી ગડમથલ કરીને બોલે છે: “તું ત્યાં કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાઈ જા... કાલે તારે પણ વેરાવળ જવાનું છે... કાલે સવારે વહેલાં એના ઘરની બહાર આવી જજે... એ કેટલા વાગે જશે તે ખબર નથી તો સાવધાન રહેજે.”

“હા... માધવ, તું ચિંતા ના કરીશ... હું અહિયાં કોઈ વ્યવસ્થા કરું છું મારી... કાલે હું નિયતિની પાછળ વેરાવળ ચોક્કસ જઈશ.”

સંતોષ ફોન મૂકીને નાસ્તાની દુકાનમાં જે ભાઈ હોય છે તેમની સાથે વાત કરે છે. તન્વી પણ એ વાત સાંભળવાનો પૂરો પ્રયત્ન કરે છે.: “ભાઈ આટલામાં કોઈ ગેસ્ટ હાઉસ છે?”

“ના ભાઈ નજીકમાં કોઈ ભાડે રહેવાની સગવડ નથી... અહીથી પાંચ કિલોમીટર દૂર તમને મળી જશે.”

એટલું દૂર કોઈ રૂમ લઈને રહેવાથી મુસીબત થઈ શકે છે એમ વિચારી રાત ગાડીમાં જ રહેવું પડશે એવું મનમાં બોલીને સંતોષ ગાડીમાં જઈને બેસે છે. તન્વી ત્યાં આજુબાજુ ડાફોળિયા મારતી હોય તેમ દેખાવ કરીને સંતોષ જે બોલે છે તે બધુ સાંભળે છે. થોડી ખુશ પણ થાય છે, ‘આ વાત ઘરમાં કહેવાથી બધા મારી આગળ-પાછળ ગોળ આંટા મારશે. પણ હું સહેલાઇથી બધુ નથી કહેવાની. એ લોકો આજીજી કરશે ત્યારે થોડું માન માંગીશ. એ બે બહેનોના કારણે મયુર ઓસ્ટ્રેલીયા આવતો નથી, મજબૂર કરીશ એને. પેલી આરૂડીને બે-ચાર ટોણાં મારીશ પછી કહીશ.’ સ્કૂલબસ આવે છે, તન્વી પોતાના દીકરાને લઈને પુરઝડપથી ઘરે પહોંચી જાય છે.

ઘરમાં આવીને તરત તન્વી મોટે મોટેથી રાડો પડે છે: “મયુર… મયુર... કયાં ગયો... જલ્દી પોલીસને ફોન કરીને બોલાવ... આ નિયતિની પાછળ પણ એક ગાડી આવી છે... ગુંડાઓ આવે તે પહેલાં પોલીસને બોલાવ.” તન્વી એકીશ્વાસે બોલીને પોતાને બહુ ફિકર થાય છે એવું બતાવવા ચહેરા ઉપર ડરની રેખાઓ ઉપસાવે છે. ઘરના સભ્યોના કાનમાં એના શબ્દો પડે છે. બધા સ્તબ્ધ થઈને એકબીજાની સામે જુએ છે. એક પ્રકારનો ભય દરેકના મુખ ઉપર જોવા મળે છે. ઘરમાં થોડી મિનિટો અગાઉ ખુશનુમા વાતાવરણ હતું. એ ખુશી એક પળમાં ગાયબ થાય છે. બધાના મનમાં એક સવાલ થાય છે કે શું થશે? ખરેખર આ વખતે પણ કોઈનું મૃત્યુ નિશ્ચિત છે?

તન્વીએ જે વાત કરી એનાથી ઘરમાં તોફાન પહેલાંની શાંતિ પથરાઈ હતી. કાન્તા બેભાન થવાની તૈયારીમાં હતી. નિયતિએ એની નાનીને પકડીને સોફા ઉપર બેસાડયા. રક્ષાના હાથમાં મુખવાસની કાચની બોટલ હતી જે જમીન પર પડીને ટુકડા થઈ. રાજેશની ખુરશીની બાજુમાં મયુર આવીને ઊભો રહે છે અને એના પપ્પાનો હાથ પકડે છે. કિશન વારાફરતી બધાના સામે જોઈને શું કરવું જોઈએ એ વિચારે છે. હર્ષદરાય નિયતિની સચ્ચાઈ જાણતા નથી તો એ માણસો કેવી રીતે મોકલે એ કિશનને સમજવું હતું. નિયતિના મનમાં પણ ઊથલ-પાથલ શરૂ થઈ હતી. માધવે એના પપ્પાને બધી વાત કરી હશે?

કિશન પલકવરમાં તન્વી નજીક આવે છે: “તન્વી, તને કેવી રીતે ખબર પડી કે કોઈ પાછળ આવ્યું છે? બહાર તેં શું જોયું... જરા શાંતિથી બોલ... પહેલાં બેસી જા...” કાશી સામે જોઈને બોલે છે: “કાશી, જરા તન્વીને પાણી આપ તો.”

નિયતિ એના ભાણિયા ને કહે છે: “હેત, બેટા તું પણ કાશી જોડે જા... તને ભૂખ લાગી હશે.”

મયુર અકળાઇને તન્વી સામે ડોળા કાઢે છે: “ફુઆ આ તન્વીને ખોટા નાટક કરવાની આદત પડી છે... હું જોઈને આવું છું કે ખરેખર કોઈ આવ્યું છે કે પછી...”

તન્વી જે વિચારીને બધાની નજરમાં હોશિયાર બનવાનો પ્રયત્ન કરતી હતી એ થવાના બદલે પાસા ઊલટા પડતાં દેખાય છે, એ જોઈને દયામણી બની કપાળ ઉપર હાથ મૂકે છે: “નસીબ ફૂટેલું છે મારૂ... ઘરનાં લોકોને તો ઠીક મારા પતિને પણ મારા પર વિશ્વાસ નથી... હું બધાને સાવધાન કરવા માંગુ છું પણ કોઈ વાત માનતું જ નથી...” મયુરનું સમગ્ર ધ્યાન એના ઉપર છે એ જોઈને લાચાર હોવાનું નાટક કરે છે અને શાંત અવાજે બોલે છે: “મયુર, હું સાચું કહું છું.”

તન્વી વધારે બોલીને નાટક કરે એ પહેલાં નિયતિ: “મયુરભાઈ તમારે બહાર જવાની જરૂર નથી... બોલો ભાભી... હું કરું છું તમારા ઉપર વિશ્વાસ.”

તન્વી એ સાંભળીને મોકો જોઈને ચોક્કો મારવા માંગતી હતી. ટોણો મારવા માટેનો મોકો નિયતિએ જાતે એને આપ્યો હતો. મનમાં ખુશી અને ચહેરા ઉપર બહુ મોટી મુસીબત આવવાની હોય એવો ભાવ ઉપજાવે છે.: “તારા લીધે તો મુસીબત આવી છે... તારે અને તારા પપ્પાને બદલો લેવો હતો... બદલો લીધા પછી બહુ હોશિયારી મારીને નિમિતા તારી બહેન છે એ કહેવાની શું જરૂર હતી... તારે માધવ જોડે પરણવું હોયતો ચૂપચાપ પરણી જવું હતું... નિમિતા જીવે છે તો પણ મદડાની જેમ... એક બાળકને જન્મ આપીને કુવારી મા બની છે... શું જાણીને પેલો વ્યાસ એ બાળકને આપનાવી લેશે? બન્નેને અને ઘરના બધાને મારી નાંખશે તો? હવે ફરી ઘરમાં... ખબર.......નથી......શું મુસીબત.....”

મયુર પણ તન્વીને ઓળખતો હતો એ એની વાત વચ્ચે કાપે છે: “તન્વી… બહાર શું જોયું તે બોલ...”

બધા પોતાની સામે જુએ છે એ જોઈને તન્વી ઉદાસ ચહેરો કરી બોલે છે: “બહાર નિયતિ જે ટેક્ષીમાં આવી એનો ડ્રાઈવર બીજા એક ભાઈ સાથે વાત કરતો હતો... એ ભાઈએ માધવને ફોન કરીને કહ્યું કે કાલે નિયતિ વેરાવળ જવાની છે!” નિયતિને ઝટકો લાગે છે: “શું! એ ભાઈએ માધવને ફોન કર્યો?”

તન્વી ચિડાઇને નિયતિ સામે કતરાતી આંખોથી જુએ છે: ”હા હવે કહ્યું તો ખરું... પેલો ભાઈ પણ કાલે તારી પાછળ વેરાવળ આવવાનો છે. નિમિતા જીવે છે, એ અને એનો બાબો શુભ વેરાવળ રહે છે એ પણ કાલે એને ખબર પડી જશે... શુભનો પિતા કોણ છે એ એની મા પણ નથી જાણતી... માધવ શું કરી લેવાનો છે? એ તો બાળકને અડશે પણ નહીં.”

નિયતિના હોઠો પર અચંબિત હાસ્ય પ્રસરે છે. એ જોઈને કાન્તા અને રક્ષા વિમાસણ અનુભવે છે. નિયતિ હસે છે એ જોઈને તન્વી ચૂપ થઈ જાય છે.

કાન્તા: “આરૂ, દીકરી પોલીસને બોલાવવાના બદલે હસું છું?”

કિશન પણ હસીને બોલે છે: “એ હસે છે... કારણકે ચિંતાની કોઈ વાત નથી... એ માણસ માધવના કહેવાથી આવ્યો છે... હર્ષદરાયે કોઈ માણસ મોકલ્યા નથી.....” નિયતિ અને કિશન સિવાય બધા હજી પણ આધાતમાંથી બહાર આવ્યા નથી.

રક્ષા: “એટલે!”

નિયતિ એકદમ ખુશીથી તન્વીને ભેટી પડે છે: “ભાભી એ ભાઈ બ્લૂ કલરની ટાટા ઇન્ડિકા કાર લઈને આવ્યા છે?”

આ વખતે તન્વીને નવાઈ લાગે છે: “હા! તને ખબર..... છે!.....” નિયતિ એના બન્ને હાથ મોઢા ઉપર લાવીને ખડખડાટ હસે છે. સાથે કિશન પણ હસીને સોફા ઉપર બેસી જાય છે. બીજા બધા પણ શાંત થાય છે માત્ર તન્વી સિવાય. નિયતિનો ચહેરો એકાએક ખીલ્યો હતો. અનેરા જોસ અને ઉમંગ સાથે એ ઝૂમી ઉઠી.: “નાની, મામા, મામી, ભાઈ, ભાભી, પપ્પા બધાંને કહું છું… માધવે પેલા ભાઈને મારી પાછળ વેરાવળ આવવાનું કહ્યું છે... આ ઘરમાં હવે કોઈનું અપમૃત્યુ નહીં થાય... એટલો વિશ્વાસ મને માધવ ઉપર છે.”

રાજેશ: “કેમ? ખબર નથી પડતી દીકરી તું વધારે પડતા આત્મવિશ્વાસથી કેમ કહે છે?”

કિશન: “રાજેશ, આપણી નિયતિ કોઈ કામ કાચું નથી કરતી... એ માધવને ત્રણ વિકલ્પ આપીને આવી છે... માધવ હજી સુધી જાણતો નથી કે નિમિતા જીવે છે... પણ નિયતિએ માધવને અણસાર આપ્યો છે કે એને ઘણું જાણવાનું બાકી છે... એટલે માધવે કોઈ વિકલ્પ સ્વીકાર્યો નથી... એ આવશે અને પૂરી વાત જાણ્યા પછી જાતે કહેશે કે કયો વિકલ્પ એ પસંદ કરે છે... સાચુંને દીકરી?”

નિયતિ: “હા બિલકુલ સાચું... અને એટલે જ હું ખુશ છું... એ મને મળવા અને પૂરી હકીકત જાણવા માટે વેરાવળ આવશે... નાની, મામી એણે મને નોધારી નથી છોડી... દીદીને અને શુભને એમનો હક્ક આપશે... મને ખાતરી છે એ નાના અને મમ્મીના આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટે બનતા બધા પ્રયત્ન કરશે.” નિયતિ ખુશીથી રાધા અને રણછોડભાઈના ફોટાને જોવા લાગી. બીજા બધા નિશ્ચિંત થાય છે.

મયુર: “આરૂ, તું એકલી વેરાવળ નાં જઈશ… હું આવીશ.” તન્વીને અકળામણ થાય છે. પોતાના ઉપર ગુસ્સો આવે છે. ચૂપ રહેવાની જરૂર હતી. પોતે કેમ નાં વિચાર્યુ કે એ માણસ કાલે વેરાવળ જવાની વાત બોલ્યો હતો. મારી મૂર્ખામીના કારણે આ ચૂડેલ ખુશ થઈ ગઈ. તન્વી: “મયુર, તારે શું કરવા જવાની જરૂર છે... નિયતિ, અહિયાં કદાચ કોઈ આવે તો... કોઈ તો...”

નિયતિ: “અરે ભાભી મે ભાઈને આવવાનું કહ્યું નથી... હું એકલી કાલે સવારે ૭ વાગે જઈશ... નાની ચાલો આજે હું તમારા રૂમમાં રહીશ.”

તન્વી થોડી શાંત થાય છે પણ કિશન ગહન વિચારમાં અટવાય છે. રાજેશ પણ થોડી ચિંતા કરે છે. હર્ષદરાયને હલકામાં લેવાની ભૂલ કરવી કદાચ ભારે પડી તો? બન્નેના વિચાર એક દિશામાં ગતિ કરતા હતા. એકબીજાના મનમાં ચાલતી વાત સમજી ગયા હોય એમ એ બન્ને થોડી ગોષ્ઠી કરે છે. તન્વી સિવાય બીજા કોઈનું ધ્યાન કિશન અને રાજેશ તરફ નહોતુ. બન્ને કોઈ નિર્ણય લઈને વાતચીત પૂરી કરે છે.

રાજેશ: “રક્ષા, મમ્મી, મયુર કાલે આપણે પૂરા પરિવાર સાથે વેરાવળ જવાનું છે... જ્યાં સુધી હર્ષદરાયથી આપણને કોઈ જોખમ છે, એ શંકા દૂર ના થાય ત્યાં સુધી પૂરો પરિવાર સાથે રહેશે... આ ઘર સુધી કદાચ એ આવી શકે છે, પણ આપણે વેરાવળમાં હોઈશું એ સપનામાં પણ વિચારી શકશે નહીં... કાલે ૭ વાગે આપણે અહીંથી નિકળીશું... તન્વી આશા રાખું છું તને કોઈ વાંધો નહીં હોય?” તન્વીને નિયતિ અને નિમિતા બન્નેથી અણગમો હતો. પણ વેરાવળ જવાથી જીવનું સંકટ નહીં રહે તે વાત એ સ્વીકારે છે. માથું હલાવી એ મૂક સંમતિ આપે છે.

***

માધવ કાગળ અને પેન લઈને નિમિતાની સાથે અનુપે શું કર્યુ હતુ તેની વિગતો યાદ કરી લખવાની કોશિશ કરે છે. જે યાદ આવે તે લખ્યા કરે છે પણ કોઈ એવી વાત યાદ આવતી નથી જેનાથી કોઈ તારણ ઉપર તે આવી શકે. નિયતિએ બે વાત કહેવાની બાકી રાખી છે એ વારંવાર એને યાદ આવે છે. માધવ એટલું તો સમજી શક્યો હતો કે એના પપ્પા અને ભાઈએ રાજકોટમાં કોઈ ભયંકર કામ કર્યુ હતું. કોઈ વ્યક્તિ બીજા વ્યકિતની મોત માટે જવાબદાર બનવાનું શું કરવા પસંદ કરે. એવું બન્યું હશે જે કલ્પના બહારનું છે. માણસ અપરાધી ત્યારે બને છે જ્યારે તેની સાથે બહુ અન્યાય થયો હોય. સહનશક્તિની એક મર્યાદા હોય છે જે પૂરી થાય તો બળવો થાય છે. નિયતિ પણ હદ પૂરી થયા પછી બદલો લેવા આવી હતી.

નિમિતા સાથે માધવે કોઈ દિવસ કામ કર્યુ નહોતુ. નિમિતાને લગતી કોઈ વાત માધવને કામની લાગતી નથી. એ કાગળ ફાડી નાખે છે. નવા કાગળ ઉપર નિયતિ ફોન પર કોની સાથે વાત કરતી હતી એ લોકોના નામ લખે છે. એક પછી એક નામ લીસ્ટમાં ઉમેરાય છે. દીદી, ભાઈ, નાની, પપ્પા, મામા, દાદી, મામી, વિદ્યાદીદી! ચારણીમાંથી પાણી નીતરે તે પ્રમાણે એની જેટલી યાદશક્તિ હતી તે બધી નીતરાવી દે છે. તો પણ એને એવું કશું મળતું નથી જે પોતાની બેચેની અને મૂંઝવણ દૂર કરે.

જ્યારે બહુ વધારે પડતાં વિચાર આવે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શકાતું નથી. એના મગજમાં વિચારોની ઊથલ-પાથલ પૂરા જોશથી થતી હતી. ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે મગજ શાંત રાખવું પડે છે. માધવ પોતાના મનને શાંત કરે છે. કાગળમાં લખેલા નામ જોતાં પોતાની જાત સાથે વાત કરે છે. ‘નિયતિ એની દીદી સાથે વાત કરતી હતી. એ દીદી એટલે નિમિતા? તો પછી નિમિતા કેનેડા રહે છે? અથવા બીજી બહેન કેનેડા રહે છે જેની સાથે તે રોજ વાત કરતી હતી?’ માધવ યાદશક્તિ ઉપર થોડો વધારે જોર આપે છે. ‘અરે ગાંડા નિયતિ એની સ્નેહાદીદી સાથે વાત કરતી હતી. એક વાર એને video call પર જોઈ છે. નિમિતા સાથે વાત કરી હોય એવું યાદ આવતું નથી.’ માધવ આંખો બંધ કરીને ફરીથી યાદ કરવાની કોશિશ કરે છે. ‘એણે કોઈ દિવસ એની મમ્મી સાથે વાત કેમ નથી કરી? નિયતિની બે વાત જરૂર નિમિતા અને એની મમ્મી સાથે જોડાયેલી હોવી જોઈએ. વિદ્યાદીદી એટલે નિમિતાની સાથે નોકરી કરતી હતી તે વિદ્યા હોઈ શકે છે. જ્યારે નિમિતા એના નાના સાથે રાજકોટ ગઈ ત્યારે વિદ્યા પણ સાથે ગઈ હતી. નિયતિની વિદ્યા સાથે વાત થતી અને નિમિતા સાથે નહીં! શું નિમિતા ખરેખર આ દુનિયામાં નથી?’

માધવના આ સવાલે એને પોતાને એક ઝટકો આપ્યો હતો. ‘શું પપ્પા કોઈનું ખૂન પણ કરાવી શકે છે? તો પછી બીજા પણ અનેક એવા ગુના કર્યા હશે જેની મને ખબર નથી?’ માધવે કેટલા કાગળ ઉપર બધી માહિતી લખી હતી તે એને અંદાજ નહોતો. એની નજર ફરી નામ લખેલા કાગળ પર પડે છે. ‘આ બધા નામમાં એક નામ હજી પણ દેખાતું નથી. નિયતિએ કોઈ દિવસ નાના સાથે પણ વાત કરી નથી. ઓ ભગવાન! એણે કહ્યું હતું કે નાના બે વર્ષ પહેલા દેવલોક થયા. નિમિતાને લેવા પણ બે વર્ષ પહેલા એ આવ્યા હતા. વાત નાનાની પણ હોઇ શકે? નક્કી પપ્પાએ શંભુને મોકલ્યો ત્યારે નિયતિના નાના, નિમિતા અને મમ્મીને કશું થયું છે અને એ એટલું ભયંકર હશે કે એ બદલો લેવા આવી હતી.’

કેટલો સમય કોયડો ઉકેલવા માટે થયો તે માધવને ધ્યાન નથી. આટલી મથામણ કર્યા પછી પણ વિગતો ધૂંધળી જણાતી હતી. સંપૂર્ણ હકીકત જાણવા માટે કોઈ ઉપાય દેખાતો નથી. એને ઘોર અંધકાર સિવાય કશું નજરમાં આવતું નથી. એવું શું થયું હતું બે વર્ષ પહેલાં? કોની પાસેથી જાણી શકાય? પપ્પાને કોઈ વાત પૂછી શકાય તેમ નથી. ભાઈ આ દુનિયામાં નથી. કોની પાસે નિમિતાની માહિતી મળે તે સમજાતું નથી. બન્ને બહેનો એક પહેલી બની ગઈ હતી. ઓફિસમાં જો કોઈને પૂછે તો કોને પૂછે? ઓફિસમાં અને ફેક્ટરીમાં કામ કરતા દરેક કર્મચારીના મોઢા એક પછી એક માધવની આંખો સામેથી પસાર થાય છે. પાંજરામાં પુરાયેલા જાનવર જેવી હાલત માધવને પોતાની લાગે છે. એક વાર કશું કરવાનો સંકલ્પ કરો તો કુદરત પણ તમને સહાયતા કરે છે. માધવની બંધ આંખોમાં હેમાનો ચહેરો ઘુમવા લાગે છે. અંધારામાં એક રોશનીનું કિરણ માધવને મળે છે. હેમા પાસેથી નિમિતા અને નિયતિ બન્નેની માહિતી મળશે તે વિશ્વાસ એના હોઠો પર હાસ્ય લાવે છે. હેમા સાથે વાત કરવા માધવ હોસ્ટેલ જવા નીકળે છે.

ક્રમશ: