The game of destiny - 3 books and stories free download online pdf in Gujarati

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 3

શ્યામા અને દિકરી સુનંદા જંગલમાં લાકડા કાપવા જાય છે. બપોરના સમયે જમવા એક ઝાડ નીચે બેસે ત્યાં જ એક ઘેટાં નું બચ્ચું એમની નજીક આવે છે. બન્ને માઁ-દિકરી એને જોઈ જમવાનું બાજુમાં મૂકી એને પંપાળવા લાગે છે. ત્યાં અચાનક દસ -બાર વર્ષ ના એક છોકરાનો અવાજ સંભળાય છે...... સેતુ..... સેતુ.... ક્યાં છો તું???....

"પરિચય "

થોડીવાર બન્ને માઁ-દીકરી જંગલ માં આમતેમ જુવે છે, ત્યાં એક તરફથી કોઈ બારેક વર્ષ નો છોકરો આવતો દેખાય છે અને એ જ બૂમો પાડતો હોય છે કે.... 'સેતુ.... સેતુ.... તું ક્યાં છે???.... 'પછી એ છોકરો સાવ આ માઁ -દીકરીની નજીક આવે છે. છોકરાના મોં ઉપર ઉદાસી અને વ્યાકુળતા ના ભાવો સ્પષ્ટ પણે દેખાય રહ્યા હતા. ત્યારબાદ સુનંદા ના હાથમા પેલા ઘેટાં ના બચ્ચા ને જોઈ થોડીવાર તો એના ઉદાસીન ચહેરા પર ઉલ્લાસ નું સ્મિત આવી ગયું. પછી તેની નજર જેવી સુનંદા પર પડે છે કે એ છોકરો એવી રીતે ઝીણી આંખો કરીને જોવા લાગ્યો જાણે કે સુનંદા એ જાણીજોઈને એનું રમકડું છીનવી લીધું હોય.
ત્યારબાદ તરત જ એ છોકરા એ સુનંદા ના હાથ માંથી ઘેટાં ના બચ્ચા ને લઇ લીધું અને એના ઉપર પ્રેમ થી હાથ ફેરવવા લાગ્યો અને એકલો -એકલો બબડવા લાગ્યો, 'મારો વ્હાલો કરું,... મારો ડાહ્યો સેતુ....... કેમ એટલે દૂર આવી ગયો?.... જાણે કે ઘેટા નું બચ્ચું એને એના સવાલ ના જવાબ ભરતું હોય એમ એના સામું જોઈ કંઈક ઈશારા કરવા લાગ્યું અને બન્ને આમ પોતાની વાતોમાં પરોવાયેલા હતા, શ્યામા અને સુનંદા તો આ બન્ને ની વાતો ને માણી રહ્યા હતા.
શ્યામા હજુ એ છોકરાને એનો પરિચય પૂછે, ત્યાં જ વળી પાછો એક અવાજ આવે છે, 'વીરુ...... વીરુ.... બેટા વીરુ.... ક્યાં છો તું???.... 'અવાજ કોઈ વયસ્ક માણસ નો હોય એમ જણાતું હતું.
આ બધાથી સાવ અજાણ એવા શ્યામા અને સુનંદા તો એકબીજા સામું જોવા માંડ્યા.વયસ્ક માણસ ત્યાં પોહચી ને સેતુ ને (ઘેટાં નું બચ્ચું )પકડેલ છોકરા ને કહે છે, 'વીરુ, બેટા ક્યારનો તને શોધું છું !અડધું જંગલ રખડી લીધું. આમ કહ્યા વગર કાંઈ જવાતું હશે? ચાલ, હવે ઘેર ભેગા થઈએ, નહીંતર આ જંગલ માં જ સાંજ પડી જશે.'
આમ વીરુ ને મીઠો ઠપકો આપી એ માણસ એનો હાથ પકડી જતો હતો ત્યાં જ શ્યામા થી ના રેવાયું એટલે પૂછી લીધું, 'ભાઈ ક્યાંથી આવો છો? આ દીકરો તમારો છે?'
એ માણસે કહ્યું,'હા, મારો જ દીકરો છે બેન, અમે છેક દૂર ના એક મધુપૂર ગામે થી આવીયે છીએ'.આટલું કહી વધારે વાત ના કરતા એ જેવો વીરુ ને ઘરે લઇ જવા એનો હાથ પકડવા જતો હતો ત્યાં વીરુ ને ઝાડ નીચે પડેલા માઁ -દિકરી ના રોટલા ઉપર એકી નજર થી જોઈ રહ્યો દેખે છે. થોડીવાર તો જાણે એ માણસની આંખ માં ઝરમરીયા આવી ગયા, પણ પછી કઠોર હૈયું કરીને બોલતો હોય એમ બોલ્યો, 'ચાલ વીરુ, હવે મોડું થાય છે '.
શ્યામા આ બધું નિહાળી રહી હતી. એને લાગ્યું કે નક્કી આ બાળક ને ભૂખ લાગી હશે એટલે જ આમ રોટલા ઉપર જોતો હતો. આથી ગમેતેમ પણ માઁ નું હૃદય ને !એટલે એણે પેલા માણસ ને આજીજી કરતા કહ્યું, 'ભાઈ આ છોકરો ભૂખ્યો લાગે છે, થોડું જમી લેવા દયો. પછી જતા રહેજો'.
પેલો માણસ થોડી વાર વીરુ સામે જોઈ પછી બોલ્યો, 'બેન એ ભૂખ્યો નથી. પણ...... 'આટલું કહી એ માણસ જાણે કે આંખ ના ખૂણા માંથી પડવા જતા આસું ને કઠોર હૈયું રાખી રોકતો હોય એમ ઉભો રહી ગયો.
શ્યામા એ સહજતા થી પુછ્યુ, 'પણ શુ ભાઈ? 'શ્યામા ની આવી નિખાલસતા ભરી વાણી સાંભળી પેલો માણસ કહે છે, 'બેન સ્ત્રી ના રોટલા એ તો સ્ત્રી ના જ ને !!પુરુષ ને થોડા સ્ત્રી જેવા રોટલા આવડે?? બાઈ માણસ તો રસોડા ની રાણી કેવાય'. આમ કહી થોડી વાર સેતુ ને રમાડવામાં વ્યસ્ત દીકરા વીરુ સામું જોઈ એના માથે હાથ ફેરવી વળી કહે છે કે, 'બેન, આ મારા દીકરા ના નસીબ માં એની માઁ ના રોટલા ખાવાનું લખ્યું જ નથી.વીરુ ને જન્મ આપતા ની સાથે જ એની માઁ પરલોકે ચાલી ગઈ.એટલે વીરુ મારાં હાથની જ રસોઈ ખાઈને મોટો થયો અને મારાં રોટલા તો....... હવે શુ કવ? એટલે પેહલી વાર આવા સારા રોટલા અને શાક જોઈને વીરુ ને નવીનતા લાગી. બાકી તો હમણાં જ અમે જમ્યા'.

શ્યામા આ બધું સાંભળી ગળગળી થઈ ગઈ, એનાથી ના રહેવાયું, એણે તરત જ વીરુ નો હાથ પકડી ઘેટાં ના બચ્ચા ની બાજુમાં બેસાડી પોતાના હાથે એને જમાડવા લાગી, અને કહ્યું, 'દીકરા, જો તું જરાય ચિંતા ના કરીશ હો !તારે જે ખાવુ હોય મને કે હું કાલે બનાવીને લેતી આવીશ. વીરુ નું ધ્યાન તો જમવા પર જ હતું.
જમાડતા જમાડતા શ્યામા એ પેલા માણસ ને પૂછ્યું, 'ભાઈ તમે રોજ આવો છો અહીં? 'એ માણસે કહ્યું, 'રોજ તો નહોતા આવતા, પણ હવે રોજ આવવું પડે એમ છે. આ ઓછા વરસાદ ના લીધે આ વર્ષ ખૂબ નબળું છે તો ઘેટાં-બકરા ને ચરાવવા છેક આ જંગલ સુધી આવવું પડે. એટલે હવે તો રોજ આવવાનું થશે.'આમ કહી સૂર્ય ની સામે જોઈ પેલો માણસ બોલ્યો, 'ચાલ વીરુ, હવે મોડું થાય, સૂર્ય ઢળવા આવ્યો છે, ઠેકાણે પહોંચતા અંધારું થઈ જશે. તો હવે જંગલ માંથી વેળાસર નીકળવું પડશે.'આમ કહી બન્ને બાપ -દીકરો સેતુ ને લઇ પોતાના ઘેટા- બકરા ચારતા હતા ત્યાં જવા ચાલતા થયાં ત્યાં શ્યામા એ બુમ પાડી, 'ભાઈ કાલે વીરુ ને લઇ આ બાજુ આવજો.'પેલા માણસે હાથ ઉંચો કરી હા પાડી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.

હવે શ્યામા એ સુનંદા ને કીધું, 'ચાલ હવે આપડે પણ થોડાક લાકડા કાપી ઘર ભેગા થઈએ. આમ થોડીવાર લાકડા કાપી, ભારો બાંધી બન્ને ગામમાં જઈ સુથાર ને ત્યાં વેચી ઘરે આવી.રાત્રે જમી પરવારી ને શ્યામા એ ઓસરીમાં એક ખાટલા ઉપર બેઠેલા દેવદાસ ને જંગલ માં બનેલી આખી ઘટના કહી સંભળાવી. બધું સાંભળી દેવદાસે કહ્યું, 'સાંભળ વાલી, કાલે તમે જાવ ત્યારે એ છોકરા માટે કાંઈક રાંધી ને લેતા જજો, બિચારા માઁ વગરના છોકરાએ થોડું કાંઈ ભાળ્યું હશે!!આમ સાંભળી પતિવ્રતા શ્યામા એ તો પોતાની ચાલાકી થી વગર કહ્યે દેવદાસ પાસેથી વીરુ માટે જમવાનું લઇ જવા પરવાનગી માંગી લીધી હોય એમ મન માં જ ખુશ થઈ ગઈ.

બીજા દિવસે શ્યામા વહેલી સવારે ઉઠી વીરુ માટે ખીર બનાવી અને બધાને શીરામણ કરાવી હરહંમેશ ની માફક સુનંદા સાથે જંગલ તરફ જવા નીકળી ગઈ. આ બાજુ દેવદાસ પણ રોજ ની જેમ અનુરાધા અને વૈભવ ને લઇ બારણે તાળું મારી ખેતરે જવા નીકળી ગયો.
આજે તો જાણે શ્યામા નું લાકડા કાપવા માં મન જ ના હોય અને એ વીરુ ની રાહ જોતી હોય એમ લાકડા કાપતા- કાપતા થોડી વારે સામેના રસ્તા પર ડોકિયું કરતી હતી. માઁ ને આમ આતુરતા થી વીરુ ની રાહ જોતા જોઈ સુનંદા એ પૂછી લીધું, 'માઁ શુ તમને લાગે વીરુ આજે પાછો આવશે?? ' દિકરી ના પ્રશ્ન નો કાંઈ જવાબ જ ના હોય એની પાસે એમ શ્યામા વ્યાકુળ ભાવથી દિકરી સામું જોવા લાગી.

હવે વીરુ આવશે કે કેમ?.. આવતા.... ભાગ -4...."મિત્રતા ની પહેલ "....... માં