I still have my heartbeat in Gujarati books and stories free download online pdf in Gujarati

હજી પણ મારો ધબકારો ગુજરાતીમાં સાચવી રાખ્યો છે

‘જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની....’

ગુજરાત હવે 60 વર્ષ વટાવી ગયું છે. તેની સષ્ઠીપૂર્તિ થઈ ગઈ છે. મહાગુજરાતની ચળવળથી જન્મેલું આ રાજ્ય હવે પોતાના વાનપ્રસ્થના અંતિમ તબક્કાને પસાર કરીને સષ્ઠીપૂર્તિના ઉંબરે પહોંચ્યું છે. જ્યાં એક રૂપિયામાં શેર ઘી લેતો ગુજરાતી આજે સ્વીડન અને નેધરલેન્ડથી દૂધ અને મિલ્ક પાઉડર ખરીદતો થઈ ગયો છે. ગુજરાત સ્થાપના દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે અથવા તો ગુજરાતી ભાષાનો ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે બદલાતા ગુજરાત અને બદલાતી પ્રજાને જોવી પણ એક લાહવો છે.

આ સફરમાં ગુજરાતે ઘણા પરિવર્તન જોયા, પરિવર્તન લાવ્યા અને અનુભવ્યા પણ છે. મચ્છુ ડેમના પૂરના કારણે હજારો ગુજરાતીઓને ગુમાવ્યા અને 2001માં આવેલા ગોઝારા ભૂકંપના કારણે બંજર થઈ ગયેલા અંજારને પણ તેણે જોયું. આ જ ગુજરાતે પોતાના વિવિધ શહેરોમાં બનેલા રિવરફ્રન્ટ અને વિકાસના પથ પર લઈ જતાં આધુનિક અને મજબૂત રસ્તા જોયા છે. મોરારજી દેસાઈ અને જીવરાજ મહેતા જેવા સાધારણ માણસોને સત્તાની ધુરા સંભાળતા જોયા તો આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાને ગુજરાતની નજીક પહોંચાડનારા અને વિદેશીઓને ગુજરાતનું ઘેલું લગાડનારા નેતાઓ પણ અહીંયાથી જ આગળ વધ્યા છે. ગાંધી અને સરદારે દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો, અંગ્રેજોથી મુક્ત કર્યો પણ આજના 59 વર્ષના પ્રવાસમાં આપણે ક્યારેય આપણી માનસિકતાને અંગ્રેજીથી મુક્ત કરી નથી. આપણને કોઈ ગુજ્જુ કહીને બોલાવે ત્યારે આપણે નાનપ અનુભવીએ છીએ. એવું કરવું જ શું કામ.

ગુજરાતીની ખાવા-પીવાની, બોલવી, ઉંઘવાની વગેરે આદતો વિશે જોક્સ બને છે તો બીજી તરફ આવા જ કેટલાક ગુજરાતીઓ સમગ્ર વિશ્વને મોઢામાં આંગળા નાખી દેવા મજબૂર કરી દે તેવા કામ પણ કરે છે. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તેવું ન કહેવાય... તેણે તો હનુમાન છલાંગ લગાવી છે. આજે ગુજરાતમાં વિદેશથી રોકાણ કરવા આવતા લોકોની લાઈનો લાગે છે. અહીંયા રિયલએસ્ટેટ, જમીનો, હોસ્પિટલ, હોસ્પિટાલિટી, એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં છેલ્લાં ચાર દાયકામાં જે વિકાસ થયો છે તેવો કોઈપણ રાજ્યને જોવા મળ્યો નથી. અહીંયા રાણકી વાવ છે તો રિવરફ્રન્ટની પાળે વસતું અને વિકસતું નગર પણ છે. ગુજરાતીઓ વિશ્વમાં ચારે તરફ ફેલાયા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી... ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... આ માત્ર ઉક્તિ નથી પણ દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓએ તેને સાર્થક કરી છે.

સમયની સાથે સાથે ગુજરાતનો સમાજ અને સાહિત્ય પણ બદલાયા છે. 60ના દાયકાની જુનવાણી પેઢી તરીકે જન્મેલા ગુજરાતે ઘુંઘટા તાણીને ફરતી સ્ત્રીઓ જોઈ છે અને અત્યારે 60એ પહોંચેલી છતાં જિન્સ પહેરીને ફરતી ગુજરાતણો ઉપર ગર્વ કર્યો છે. અહીંયા મોલમાં પાંચ-દસ હજારનાં ચંપલ ખરીદતા લોકો છે અને માત્ર પાંચ-દસ રૂપિયાના રોજ માટે મજુરી કરતા માણસો પણ છે. અહીંયા ફાર્મ હાઉસમાં પાર્ટી કરતો વર્ગ છે તો ખેતરમાં મજૂરી કરતો પરિવાર પણ વસે છે. ઈકોનોમિકલ ઈન્ડિપેન્ડન્ટને સમજી શકે તેવા બુદ્ધિજીવીઓ વસે છે તો સ્ત્રીઓએ ઘરકામ સિવાય કંઈ જ નહીં કરવાનું તેવી કુંઠિત માનસિકતા ધરાવતા લોકોને પણ ગુજરાતે સંઘરી રાખ્યા છે. સ્ત્રીઓને અહીંયા માતા તરીકે પૂજવા માટે દસ દસ દિવસની નવરાત્રીઓ ઉજવાય છે અને આ જ માતાઓના પેટમાં રહેલી દીકરીઓને મારવા માટે ભ્રુણહત્યાઓના કેન્દ્રો પણ છાનાછપના ચલાવાય છે. આ સ્થિતિ ગામડાં કરતાં શહેરોમાં વધારે ભયાનક છે.

બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીથી માંડીને કલર ટીવી અને તેની આગળ લગાવાતા બ્લૂ કાચવાળા ટીવી તથાં આધુનિક એલસીડી, એલઈડી અને સ્માર્ટ ટીવી ખરીદનારો વર્ગ આ રાજ્યમાં છે. અહીંયા માગવાથી રૂપિયા નહીં આપનારા અને દાનમાં લાખોનું સોનું અર્પણ કરી દેનારા લોકો પણ વસે છે. સ્ટાર, સોની, કલર્સ જેવી ચેનલો ચાલે છે જ ગુજરાતીઓના કારણે. અહીંયા તારક મહેતાની સિરિયલ દરમિયાન ખખડાટ હસતા પરિવારો છે તો બીજી તરફ ઘરમાં જ ષડયંત્રો કરતાં, લગ્નેતર સંબંધો શિખવતા અને કરોડો રૂપિયાની ઉથલપાથલ કરાવતા પરિવારજનોની બોરિંગ ડેઈલી સોપ્સ જોનારા લોકો પણ છે.

વાનપ્રસ્થના અંતિમ તબક્કે પહોંચેલા આ ગુજરાતની સ્થિતિ અત્યંત વિકટ છે. અહીંનો સમાજ ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં અટવાયેલો છે. અહીંયા ચાર પેઢી એક સાથે જીવે છે. 40-50ના દાયકામાં જન્મેલા લોકો આજે પણ જીવે છે અને તેમના દુરાગ્રહો, હઠાગ્રહો અને પૂર્વગ્રહો હજી પણ પહેલાં જેવા જ છે. ત્યાર પછી 60-70ના દાયકાની પેઢી છે જેમની સ્થિતિ અત્યંત વિસ્ફોટક છે. કારણ કે તેઓ તેમના બે દાયકા પહેલાંની પેઢી માટે યોગ્ય સંતાન પૂરવાર થયા નહોતા. ત્યારાબાદ 85થી 2000 સુધી જન્મેલી પેઢી આધુનિકતાનો છેડો પકડીને આવી હતી. આ ત્રણેય પેઢીને એકબીજા સાથે ફાવતું નથી અને છતાં એકબીજા વગર રહેવાતું નથી.

70થી 80ના દાયકાની પેઢી ગુજરાતની વાસ્તવિક પેઢી છે. તેઓ પોતાના પૂરોગામી માટે યોગ્ય સંતાન ન બની શક્યા અને પોતાના અનુગામી પેઢી માટે યોગ્ય માતા-પિતા ન બની શક્યા. આ પેઢીએ એટલો ઝડપથી વિકાસ જોયો છે કે, તેઓ આ પરિવર્તનમાં ક્યાંય પોતાનું સ્થાન ગોઠવી શક્યા જ નહીં. તેમના પછીની પેઢી માટે આ લોકો ગ્રામીણ અને રૂઢિચુસ્ત છે જ્યારે તેમની પહેલાની પેઢી માટે આ લોકો નકામા છે. અત્યારે ત્રીસી વટાવેલા લોકો માટે હરેકૃષ્ણ-હરેરામ એક રેપસોન્ગ હોઈ શકે છે પણ તેમની પહેલાંની પેઢી માટે તો પવિત્ર ધૂન અને નિજાનંદમાં ખોવાઈ જવાનું બહાનું હતું.

રાયપુર, દરિયાપુર, ખાનપુર, જમાલપુર, શાહપુર જેવા કોટ વિસ્તારોની વચ્ચે ગુજરાતનું બાળક અમદાવાદ જન્મ્યું અને ઉછર્યું છે. અહીંયા આજે પણ એક વાટકી મીઠું કે એક ટામેટું લેવા બુમ મારો ત્યાં દસ ઘરેથી એકએક વાટકી આવી જાય અને કિલો મીઠું ભેગું થઈ જાય. સૂર્યના પહેલાં કિરણે જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર કહીને ઘરેથી જતાં લોકો આજે પણ અહીંયા જ વસે છે.

ગુજરાતી હવે ગ્લોબલ થતો ગયો છે. વિશ્વમાં તેની વસતી વધતી ગઈ છે. વ્હાઈટહાઉસથી માંડીને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સુધી જનારા લોકોમાં ક્યાંક ને ક્યાંક મૂળ ગુજરાતી છુપાયેલો છે. અમેરિકામાં દસ મોટેલ અને સ્ટોર કરીને વીસ વર્ષે પાછો આવેલો ગુજરાતી પહેલાં પોતાના ગામડે જાય છે. સુરતમાં હીરા ઘસવા કે અમદાવાદની મિલમાં કામ કરવા આવેલો કાઠિયાવાડી સાતમ-આઠમ આવતા તો બધું જ પડતું મૂકીને પોતાના વતનની વાટ પકડે છે. નવરાત્રીની નવ-નવ રાતમાં ઝુમતા અને હિલોળા લેતા ગુજરાતીઓ ત્યાર પછી આવતી દિવાળીએ તાંબા અને પિત્તળની જેમ ચમકે છે.

ગુજરાતી જમીન સાથે જોડાયેલો માણસ છે. તે દેશ-દુનિયામાં ગમે ત્યાં જાય તે પોતાની સાથે ગુજરાત લઈને ચાલે છે. પેરિસના પ્રવાસે જતાં ગુજરાતીની બેગમાં થેપલાં અને ખાખરા મળી જશે. માઈન્ડ યોર ઓન બિઝનેસ જેવી સુફીયાણી અંગ્રેજી સલાહ આપનારા ઘરે આવીને છોકરાને ડોબા તે શું કર્યું એવું પણ સરળતાથી કહી શકે છે. બસ્સો કરોડની કંપનીને ચપટીમાં ખરીદનારો ગુજરાતી શાકભાજી ખરીદવા સમયે ભાવ કરાવતો હોય છે. આ ગુજરાત અને આ ગુજરાતી છેલ્લાં 59 વર્ષમાં બદલાયા છે.

ગુજરાત અને ગુજરાતીની આ પેઢી હવે વાનપ્રસ્થ પૂરો થવાના આરે પહોંચી છે ત્યારે તેણે એ સમજી જવું પડશે કે, આધુનિક ગુજરાતી કંઈક નોખો છે. આ પેઢીને વાતો અને કહેવતો કરતાં પ્રેક્ટિકલ સોલ્યુશનમાં વધારે રસ છે. તે તર્ક કરતી પેઢી છે. વડીલોની વાતો કરતાં વ્હોટ્એપના મેસેજ તેમને ઝડપથી સમજાય છે. લોકોના ફેસ જોઈને તેનું નિરિક્ષણ કરવાં કરતાં તેની ફેસબુક પોસ્ટ જોઈને તેના વિશે ધારણા બાંધનારા લોકો વધારે છે. હવે આ પેઢીને જ્યારે ગુજરાત સોંપવાનું છે ત્યારે તેમને માત્ર વિરાસત, વારસો કે વિકાસની વાતોથી સમજાવી નહીં શકાય. તેમને વિકાસ બતાવવો પડશે અને વિકાસ કેવી રીતે થયો હતો તેની સમજ પણ આપવી પડશે. સોશિયલ મીડિયાથી જીવતા અને બેટરી અને ચાર્જરની વચ્ચે અટવાયેલા આધુનિક સમાજમાં ઈન્ટરનેટ દ્વારા પ્રાણ પૂરવા પડશે.

ગુજરાતના આ જન્મદિવસે એક સંકલ્પ તો કરવો જ પડશે કે સ્વર્ણિમ ગુજરાતના ગાણા ગાવાના બદલે તેને સ્વર્ણિમ રાખવા માટે વધારે કામ કરવું પડશે. તેને સ્વચ્છ રાખવા ગાંધીનું અભિયાન જોઈશે અને સમૃદ્ધ કરવા સરદાર જેવું નેતૃત્વ અને મહેનત જોઈશે. આ તબક્કે યોગ્ય નેતૃત્વ નહીં મળે તો વાનપ્રસ્થ પૂરો કરી ચુકેલું ગુજરાત ઘડપણનો આંચળો ઓઢી લેવામાં રાહ નહીં જૂએ. ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાત અને ગુજરાતીઓને ડો. રઈશ મણિયારના શબ્દોમાં જ શુભેચ્છા આપું,

મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,

ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;

મલક કઇં કેટલાય ખૂંદયા , બધાની ધૂળ ચોંટી છે પણ ,

હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે !

ravi.writer7@gmail.com