The truth of the dream books and stories free download online pdf in Gujarati

સ્વપ્નની સચ્ચાઈ

ભક્તિ એક લેખિકા હતી. તે પોતાની કલ્પનાશક્તિ થી સરસ સરસ નવલકથા લખતી. પરંતુ હમણાં છેલ્લા ત્રણ દિવસથી રોજ રાત્રે તેણે એક જ સપનું આવી રહ્યું હતું. સપનામાં તે એક હોસ્પિટલમાં હતી,ત્યાં કોઈ ડોક્ટર તેની પાછળ દોડી રહ્યો હતો. તે ઘાયલ હતી,દોડતા દોડતા તે પડી જાય છે અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે.....

આટલું જોતા જ તે જાગી ગઈ. રૂમમાં એસી ચાલુ હતું છતાં તે પરસેવાથી રેબઝેબ હતી. આજે ત્રીજો દિવસ હતો, તેને આ સપનુ ફરી રીપીટ થયું.તે ઊભી થાય છે અને પાણી પીવે છે એટલી વારમાં સમીર જાગે છે. તે ભક્તિ ને પૂછે છે,
" શું થયું?,કોઈ ભયાનક સ્વપ્ન જોયું?,આમ હાંફી કેમ રહી છે?"

ભક્તિ તેને પોતાના સ્વપ્નની વાત જણાવે છે,સમીર તેને શાંત પાડે છે અને નિરાંતે સુઈ જવા કહે છે પછી લાઈટ બંધ કરી બંને સુઈ જાય છે. પરંતુ ભક્તિના મનમાં હજી પહેલું સપનુ ચાલી રહ્યું હતું. તે ખૂબ જ પરેશાન હતી. આમ તો તે અંધશ્રદ્ધાઓ માં વિશ્વાસ કરતી ન હતી પરંતુ તે આ સ્વપ્ન પાછળનું રહસ્ય જાણવા માંગતી હતી. બીજા દિવસે સવારે ઉઠીને તે ઇન્ટરનેટ પર નિયતિ મિશ્રા નામ સર્ચ કરે છે, ભારે અચરજ વચ્ચે તે સમીરના હોસ્પિટલની જ પેશન્ટ હતી. ભક્તિ આ વાત સમીરને જણાવે છે.સમીર ચોકી જાય છે અને પૂછે છે કે,
"તે આ નામ કઈ રીતે જાણે છે?"

ભક્તિ જણાવે છે કે," મને જે સ્વપ્ન છેલ્લા ત્રણ દિવસથી આવી રહ્યું છે તેમાં હું નિયતિ તરીકે હોસ્પિટલના કોરિડોરમાં દોડી રહી હતી મારા હાથમાં કાચનો ટુકડો હતો અને મારા ગરદનના ભાગે ઈજા થયેલી હતી, મારી પાછળ કોઈ ડોક્ટર અજય દવે દોડી રહ્યા હતા થોડું દોડયા બાદ હું અચાનક ફસડાઈ પડી અને મારું ત્યાં જ મૃત્યુ થઈ ગયું"


સમીર, હું સાચું કહું છું આ સપના પાછળ કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ છેલ્લા ત્રણ દિવસથી મને આ સ્વપ્ન આવી રહ્યું છે. હું આ ઘટનાના મૂળ સુધી જવા માંગુ છું.

નિયતિ મિશ્રા કોણ છે?

થોડી વાર યાદ કર્યા પછી સમીર તેને જણાવે છે કે, "આશરે ચારેક મહિના પહેલા નિયતિ મિશ્રા નામની એક છોકરીને હોસ્પિટલના ન્યુરોસાયક્યાટ્રી ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવી હતી. તે ખૂબ ગંભીર અવસ્થા માં હતી અને તેને વારંવાર આપઘાત કરવાનું મન થયા કરતું.એ અભ્યાસમાં નિષ્ફળતાનાં ડરથી ડિપ્રેશનમાં જતી રહી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્રણ મહિના સુધી તેની સારવાર બરાબર ચાલી. તેની તબિયત માં પણ સુધારો હતો , તેણે આપઘાત કરવાનો વિચાર પણ છોડી દીધો હતો. પરંતુ અચાનક એક દિવસ ડોક્ટર અજય દવેને તે હોસ્પિટલના કોરિડોરમાં ઘાયલ અવસ્થામાં મળી આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેને આપઘાત કર્યો હતો. ભક્તિ આ બધું ધ્યાન પૂર્વક સાંભળી રહી પછી, તેણે સમીરને પૂછ્યું કે,

" પણ સમીર હું તો એને ઓળખતી પણ નથી અને મેં એને ક્યારેય જોઈ નથી. મને આમ સપના આવવાનું કારણ શું હોઈ શકે અમે બંને ક્યારેય મળ્યા પણ નથી. મને ખૂબ નવાઈ લાગી રહી છે, શું તને આની પાછળનું કારણ ખબર છે?"

ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓને શાંતિથી યાદ કર્યા બાદ સમીરે તેને જણાવ્યું કે આના માટે આપણે ભૂતકાળમાં જવું પડશે.


****


(ભૂતકાળ નો પ્રસંગ)

ભક્તિ......!!!

દૂર ઉભેલા સમીર એ મોટેથી બુમ પાડી,પણ ભક્તિ નું ધ્યાન જાય એટલી વારમાં તો પુરઝડપે આવતી કાર ભક્તિ સાથે અથડાઇને દૂર નીકળી ગઈ અને ભક્તિ ફુટપાથ પર ફેંકાઈ ગઈ,તેનું માથું ફુટપાથની એક તરફ આવેલ પત્થર સાથે જોરથી અથડાયું......

સમીર દોડતો દોડતો આવ્યો,ભક્તિના મોં અને નાક માંથી લોહી વહી રહ્યું હતું અને તે બેભાન થઇ ચૂકી હતી.સમીર એ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર ફટાફટ ભક્તિ ને ઉંચકી અને થોડી દૂર પડેલી પોતાની કાર માં સુવડાવી.હોસ્પિટલ એ ફોન કરતા કરતા પોતાની કાર સ્ટાર્ટ કરી.

(ફોન માંથી અવાજ આવ્યો)હેલો સર...

સમીરે કોઈ પણ બીજી માથાકૂટ કર્યાં વગર સીધું જ કહ્યું કે , "હું ડૉ.સમીર બોલું છું.ફટાફટ ઓપેરશન થિયેટર તૈયાર કરો ધેર ઇસ એન ઈમર્જન્સી.હું દસ મિનીટ માં પહોંચું છું એક સ્ટ્રેચર નીચે પાર્કિંગ એરિયામાં મોકલો."
આટલું કહી સમીર એ ફોન કાપી નાખ્યો.

તે ફટાફટ હોસ્પિટલ પહોચ્યો.તેનાં કહેવા મુજબ બધું તૈયાર હતું.તે ફટાફટ ઓપરેશન થિયેટર માં પોતાના કપડાં બદલીને પહોંચ્યો.ભક્તિ ને મુખ્ય ઇજા ઉપરાંત અન્ય કેટલીક આંતરિક ઇજાઓ થઇ હતી.માથું અથડાવાથી મગજ માં આગળ નાં ભાગ માં ખૂબ વાગ્યું હતું. ઓપરેશન પછી પણ ભક્તિ જોઇ શકશે એવું સમીરને નહોતું લાગી રહ્યું કારણ કે તેની આંખો માં પણ ઇજા થઇ આવી.સમીરએ ખૂબ ઝીણવટ પૂર્વક ઓપરેશન પૂરું કર્યું,આશરે ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું.

સમીર પોતાની કેબિનમાં આવ્યો,તે ખૂબ થાકી ગયો હતો.પોતાના મગજ માં તે અને ભક્તિ ત્યાં રોડ પર હતા ત્યાર થી લઈને અત્યાર સુધીની ઘટનાને સ્લોમોશન માં રિવાઇન્ડ કરવા લાગ્યો.પેલી કાર ની નંબર પ્લેટ યાદ કરવાની કોશિશ કરી પણ કઈ યાદ આવ્યું નહિ.આખરે કંટાળીને તે ટેબલ પર જ સુઈ ગયો.

સમીર અને ભક્તિ મોર્ડન જમાનામાં કહેવાતી લીવ ઇન રીલેશનશીપ માં આશરે પાંચેક વર્ષથી રહી રહ્યા હતા.સમીર સારા ખ્યાતનામ હોસ્પિટલ માં ન્યુરોસાયકોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યો હતો અને ભક્તિએ એમ.એ ગયા જ વર્ષે પૂરું કર્યું હતું.તે હવે એક શાળામાં શિક્ષક તરીકે જોબ કરતી.તે જયારે કોલેજમાં હતી ત્યારે પોતાનો એક પર્સનલ બ્લોગ બનાવેલો હતો જેમાં નવરાશના સમયમાં લેખનકાર્ય કરતી.પોતાના આ શોખને તેણે હજી પણ જાળવી રાખ્યો હતો અને હવે તો તે એક સારી કેળવાયેલી લેખિકા બની ગઈ હતી.સમીર અને તેની મુલાકાત પ્રથમવાર એક ફ્લાઇટમાં થઇ હતી,આખી ફ્લાઈટ દરમિયાન બંને એ ઘણી બધી વાતો કરી.ભક્તિ તો આ ભૂલી ગઈ હતી પણ સમીરને બરાબર યાદ હતું,થોડા દિવસ પછી ભક્તિ સાથે તે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યો.ધીમે ધીમે ભક્તિને પણ સમીરમાં રસ પડવા લાગ્યો અને એક દિવસ સમીરે તેને પ્રપોઝ કર્યું.ભક્તિ એક અનાથાશ્રમ માં ઊછરેલી હતી અને તે પણ સમીર ને પસંદ કરતી હતી આથી તેણે સમીરનું પ્રપોઝલ સ્વીકારી લીધું.એકલા રહેવા કરતા તે અહીંયા સમીર સાથે રહેવા માટે આવી ગઈ અને આજે રવિવાર હતો એટલે બંને બહાર ફરવા નીકળ્યા હતા.

સમીર ગાઢ ઊંઘમાં હતો.એક નર્સ એની કેબીનમાં દાખલ થાય છે અને કહે છે કે,

"સર , પેશન્ટ હોશમાં આવી ગયા છે."

આ સાંભળતા જ સમીર સફાળા બેઠો થાય છે અને ફટાફટ ભક્તિનાં રૂમમાં પહોંચે છે.

રૂમમાં એક બીજી નર્સ ભક્તિને પાછળ ઓશીકું રાખીને બેસાડી રહી હતી,ભક્તિ કાંઈજ નહોતી બોલી રહી કારણ કે તેની આંખ નું પણ ઓપરેશન થયું હતું અને તેને કઈ દેખાતું નહોતું બસ નર્સનાં કહેવા પ્રમાણે દવા લઇ રહી હતી .સમીર ઇશારો કરી નર્સને બહાર મોકલે છે.તે ભક્તિનાં બેડની નજીક રહેલ એક ખુરશી પર બેસે છે.ભક્તિનો હાથ પોતાના હાથમાં લે છે,ભક્તિ સમીરને ઓળખી જાય છે,તે કઈ જ બોલી નથી શકતી ફક્ત સમીર નાં હાથ ને પોતાના બંને હાથ વડે પકડી રાખે છે.એકાદી મિનીટ પછી થોડી સ્વસ્થ થઇ તે સમીરને પુછે છે કે,

" તેને શું થયું છે?,તે સાજી તો થઈ જશે ને?"

સમીર તેનાં હાથ પર ચુંબન કરતાં કરતાં કહે છે કે,"હું છું ને,તું બધું મારાં પર છોડી દે તું એકદમ સાજી થઈ જઈશ. અત્યારે તું કોઈ ચિંતા કર્યાં વગર ખાલી આરામ કરીશ તો જલ્દી સારું થઇ જશે."

ભક્તિ તેને હાં પાડે છે,સમીર તેને સુવડાવી દે છે અને પોતાની કેબીનમાં આવે છે.ત્યાં ટેબલ પર ભક્તિના સીટી સ્કેનીંગ અને MRI રિપોર્ટ પડ્યા હતા.સમીર ધ્યાન પૂર્વક એક પછી એક રીપોર્ટ વાંચવા લાગ્યો.આજે રવિવાર હતો આથી ઇવનિંગ માં ખાસ પેશન્ટ ન હતા.રિપોર્ટ વાંચ્યા બાદ સમીર ચોધાર આંસુએ રડવા લાગ્યો.ભક્તિ ની આંખોમાં ખુબ જ ગંભીર ઈજા પહોંચી હતી અને તે હવે જોઈ શકે તેમ નહોતી.તેની આંખો ની રોશની ત્યારેજ પાછી આવે જયારે તેની આંખમાં નવી કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં કરવામાં.આમાં વધુ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ નહોતી કારણે કે કોર્નિયા સરળતાથી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

એ દિવસે સમીર ઘરે ન ગયો અને ત્યાં હોસ્પિટલમાં જ ભક્તિ પાસે રોકાયો. તે ભક્તિ ના રૂમ માં સૂતો હતો.દવાની અસર ને કારણે ભક્તિ પણ અત્યારે આરામથી સૂઈ રહી હતી. અચાનક બહારથી ડોક્ટર અજય દવેનો અવાજ સંભળાય છે. તે મોટે મોટેથી બૂમો પાડી રહ્યા હતા.

" કોઈ છે, ફટાફટ આવો આ પેશન્ટએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

સમીર ફટાફટ ઊભો થાય છે અને અવાજની દિશામાં જાય છે. ત્યાં જઈને જુએ તો એક પેશન્ટ લોહીથી ખરડાયેલી અવસ્થામાં હોસ્પિટલના કોરિડોરમાં પડ્યું હતું. તેનાથી થોડે દૂર અજય દવે ઉભેલ હતા. પેશન્ટના હાથમાં કાચનો ટુકડો હતો અને તેના ગરદનના ભાગે ઈજા થયેલી હતી. તેનું ત્યાં જ અવસાન થાય છે. તેના ઘરના સભ્યોને ફટાફટ બોલાવવામાં આવે છે. જરૂરી વાતો થઇ રહી હતી ત્યારે જ અચાનક સમીરના મનમાં એક વિચાર ઝબકે છે, તે નિયતિના મમ્મી-પપ્પાને જણાવે છે કે,

" શું તેઓ કોર્નિયા નું ડોનેશન કરશે?"

પોતાની દીકરીની આંખોથી બીજા વ્યક્તિને રોશની મળે એ વાતથી તેના માતા પિતાને ખૂબ આનંદ થાય છે આથી તેઓ આ વાત માટે સહમત થાય છે. નિયતિના કોર્નીયા ને સફળતાપૂર્વક ભક્તિની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

ભક્તિ સમીરને પૂછે છે કે,

"તો મને જેણે કોર્નિયાનું દાન કર્યું તે નિયતિ હતી ખરું ને?"

સમીર કહે છે,

" હા પરંતુ અમુક પ્રોટોકોલ હોય છે એ અનુસાર પેશન્ટને દાતાઓના નામ જણાવવામાં નથી આવતા. આથી તું આ બાબતે કંઈ બોલતી નહીં પણ મને લાગે છે કે તને સ્વપ્ન આવવાનું કારણ પણ આ જ હોઈ શકે!!"ભક્તિ તેની વાત સાથે સહમત થાય છે.સમીર હોસ્પિટલ જવા નીકળે છે.

ભક્તિને આખો દિવસ કંઇ કામ સૂઝતું નથી તે એમ જ બેસી રહે છે અને પોતાને આવતા સપના વિશે વિચાર્યા કરે છે. વિચાર કરતા કરતા તે સોફા પર જ સૂઈ જાય છે. ગાઢ નિંદ્રામાં તેને ફરી એ સ્વપ્ન દેખાય છે. તેમાં નિયતિ હોસ્પિટલમાં પોતાના રૂમમાં સુતી હતી. અચાનક ડોક્ટર અજય દવે તેના રૂમમાં દાખલ થાય છે તે નિયતિને એક ઇન્જેક્શન આપે છે.પછી તેના શરીર પર હાથ ફેરવવા લાગે છે. અર્ધનિંદ્રીત અવસ્થા માં તે અજયનો પ્રતિકાર કરવાની પૂરી કોશિશ કરે છે પરંતુ તે નિષ્ફળ નીવડે છે.તે મદદ માટે બૂમો પાડવા લાગે છે, પરંતુ અજય તેને આમ કરતાં અટકાવે છે અને કહે છે કે, "તે ખૂબ સુંદર છે. હોસ્પિટલમાં પ્રથમ દિવસે આવી ત્યારથી તે નિયતિને ખૂબ પસંદ કરે છે. તે નિયતિને આરામ આપવા માંગે છે.કંઈ બોલ્યા વગર તું શાંતિથી સૂઈ રહે અને મજા માણ.પરંતુ નિયતિને તેનો સ્પર્શ જરાય પસંદ આવતો નથી. તે બેડ પરથી ઊભી થવાની કોશિશ કરે છે પણ ઊભી થઈ શકતી નથી. બાજુમાં પડેલા પાણીનો ગ્લાસ લે છે અને જોરથી ટેબલ સાથે અથડાવે છે.એ કાચના ટુકડા વડે અજય મારવાની ધમકી આપી તેને દૂર જવા કહે છે. અજય તેનાથી દૂર ખસે છે. પરંતુ તે ત્યાર બાદ ધીમે ધીમે નિયતીની નજીક આવે છે અને નિયતિ ના હાથમાં રહેલો કાચનો ટુકડો તેની જ ગરદનમાં ભરાવી દે છે. નિયતિ તેના ડરથી દોડતી દોડતી રૂમની બહાર આવી જાય છે. અજય તેની પાછળ દોડવા લાગે છે. નિયતિ કોરિડોરમાં દોડી રહી હતી પરંતુ તે દોડતા દોડતા પડી જાય છે અને ત્યાં જ તે સ્થળે જ તેનું મૃત્યુ થાય છે. અજય દવે તેની પાછળ દોડી રહ્યો હતો એ તેની નજીક આવે છે તેના તેની નાડી તપાસે છે. તેને ખ્યાલ આવે છે કે નિયતિ નું મૃત્યુ થઈ ગયું છે. તે નિયતિ થી દૂર જાય છે અને મોટેથી મદદ માટે બૂમો પાડવા લાગે છે એટલી જ વારમાં ત્યાં અજય ની બૂમો સાંભળીને સમીર હાજર થાય છે.

ડોરબેલ વાગે છે, ભક્તિ ની ઊંઘ ઉડી જાય છે.તે દરવાજો ખોલે છે .સમીર આવ્યો હતો.

આજે આટલી જલ્દી!(ભક્તિ પૂછે છે)

હા,આજે વ્હેલો ફ્રી થઈ ગયો એટલે.(સમીરએ કહ્યું)

સારું ચલો હું જમવાનું બનાવું છું. એટલી વારમાં તમે ફ્રેશ થઈ જાઓ. સમીર તેને હા પાડી રૂમમાં જતો રહે છે. ભક્તિ ફટાફટ કિચનમાં જાય છે અને ડિનર ની તૈયારી કરવા લાગે છે. રસોઈ બનાવતા બનાવતા તે પેલા સપના વિશે વિચારી રહી હતી. આજે તેને આખું સપનું આવ્યું હતું. તેને આજે સપના માં થોડી સચ્ચાઈ હોય એવું લાગે છે .જમતા જમતા તે સમીરને આખી વાત જણાવે છે. સમીર તેની વાત સાંભળીને ચોંકી જાય છે અને કહે છે કે, શું તને ખબર છે ડોક્ટર અજય દવે કોણ છે? તે અમારી હોસ્પિટલના ડાયરેક્ટર છે તેના પર કોઇ આરોપ લગાવતા પહેલા કોઈ પુરાવો હોવો જોઈએ. ભક્તિ તેને જણાવે છે કે સીસીટીવી ફૂટેજ ચેક કરવા જોઈએ કે, ખરેખર એ રાત્રિએ બન્યું શું હતું. સમીર તેની વાત સાથે સહમત થાય છે. બંને આજેજ જમીને હોસ્પિટલ જવાનું નક્કી કરે છે. જમીને સમીર ફટાફટ ડાઈનીંગ ટેબલ સાફ કરે છે એટલી વારમાં ભક્તિ કિચનમાં બધુ વ્યવસ્થિત મૂકી દે છે. આશરે નવ વાગ્યા હતા બંને હોસ્પિટલ જવામાટે નીકળે છે. સાડા નવે તે હોસ્પિટલ પહોંચે છે. ત્યાં ડોક્ટર અજય દવે પહેલેથી હાજર હતા. આમ ભક્તિ અને સમીરને આવતા જોઈ તે વિચારમાં પડી જાય છે. પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં જવાનું હોવાથી તે ફટાફટ જતા રહે છે. સમીર કંટ્રોલરૂમ ક્યાં આવેલો છે એ જાણતો હતો આથી બંને ફટાફટ કરો કંટ્રોલરૂમમાં પહોંચે છે. ત્યાં એક પ્યુન બેસેલો હતો જે બધા સીસીટીવી ફૂટેજ નું ધ્યાન રાખી રહ્યો હતો. સમીર તેને નિયતિએ આપઘાત કર્યો એ દિવસના સીસીટીવી ફૂટેજ બતાવવા જણાવે છે. પરંતુ પ્યુન તેને ઇનકાર કરે છે. સમીર તેને કહે છે કે આજની પહેલા તે કોઈ દિવસ આવું નથી કર્યું.હું આ હોસ્પિટલ માં જ ડોક્ટર છું. તમારે બતાવવું પડશે. પરંતુ પ્યુન તેને જણાવે છે કે જો તમારે સીસીટીવી ફૂટેજ જોવા હોય તો ડોક્ટર દવે ની લેખિતમાં પરમિશન લઇ આવો. આ સાંભળી સમીરને ડોક્ટર દવે પર થોડી શંકા જાય છે આથી તે પેલા ને ધમકાવે છે અને પોલીસને બોલાવવાની વાત કરે છે. આ સાંભળી એ ડરી જાય છે અને નિયતીએ આપઘાત કર્યો એ દિવસ ના ફૂટેજ કાઢે છે. ભક્તિને સ્વપ્ન આવ્યું હતું એ પ્રમાણે જ અજય નિયતિના રૂમમાં જઈ રહ્યો હતો. ભક્તિ અને સમીર બંને એકીટશે આ જોઈ રહ્યા. ભક્તિએ સમીરને જે જણાવ્યું હતું તે મુજબ જ એ દિવસે બન્યું હતું. બંને વિડીયો જોતા હતા ત્યાં જ પાછળથી અજય કંટ્રોલ રૂમમાં દાખલ થાય છે. સમીર અને ભક્તિ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે અજયને તેના પર શંકા ગઈ હતી આથી ઓપરેશન પૂરું કરીને તે સીધો કંટ્રોલ રૂમમાં આવ્યો અને તેની શંકા સાચી પડી તે સમીર પર હુમલો કરવા જતો હતો, ત્યાં પાછળથી પોલીસ તેને એવું કરતા અટકાવે છે.સમીરે જ્યારે ફૂટેજ જોયું ત્યારે જ તેણે પોલીસને સંપર્ક કરી દીધો હતો આથી પોલીસ ફટાફટ હોસ્પિટલ એ હાજર થઈ જાય છે. તેની સમયસૂચકતાને કારણે તે બંને મોટી મુસીબતમાં મૂકવાથી બચી જાય છે.

પોલીસ સીસીટીવી ફૂટેજ જોવે છે અને ડોક્ટર અજય દવેને જાતીય સતામણી અને મર્ડર કેસમાં ગિરફ્તાર કરવામાં આવે છે. હોસ્પિટલ કમિટી દ્વારા તેને ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દેવા માટે કહેવામાં આવ્યું અને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પોલીસ સમીર અને ભક્તિનો આભાર માને છે.નિયતિના માતા-પિતા પણ સમીરનો ખૂબ આભાર માને છે. હવે ભક્તિને સ્વપ્ન આવતું બંધ થઈ ગયું હતું અને આ રીતે પહેલા આપઘાત ગણાતાં મર્ડરની પહેલી સોલ્વ થાય છે.