Suryoday - ek navi sharuaat - 24 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૪ 

ભાગ :- ૨૪

આપણે ત્રેવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ શ્યામને મળવા બોલાવે છે અને ત્યાં શ્યામ, સાર્થક અને સૃષ્ટિ વચ્ચે ખુબજ ગમગીન બનેલા વાતાવરણમાં વાતચીત થાય છે. બધાજ પોતપોતાની વાત સાચી છે એ કહેવા, પૂરતો પ્રયત્ન કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

શ્યામ, સાર્થક અને સૃષ્ટિ વચ્ચેની વાત આજે જાણે કોઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી, આજે જ કોઈ નિર્ણય લઈ લેવાના હોય એમ એક પછી એક તર્ક કરતા તેઓ આગળ વધે છે. હમેશાં તર્કોના સાથમાં પ્રેમ અને લાગણીઓ હારતા શ્યામે જોઈ છે એટલે એ પણ હવે વિચલિત મને આ સ્થિતિનું શું યોગ્ય સમાધાન થાય એવું વિચારવામાં લાગી જાય છે. આમ શ્યામને વિચારતો જોઈ સૃષ્ટિ બોલી ઊઠે છે કે, "હમણાં જે સાર્થકે કહ્યું એ બાબતે તારું શું કહેવું છે.!?"

"સૃષ્ટિ દરેક બાબતને લઈ દરેકના વિચારો એક થાય અથવા મળતા આવે એવું જરૂરી નથી. હું માત્ર મારા વિચારો કહી શકું એ પણ મારી બુદ્ધિ ક્ષમતા મુજબ. એનો મતલબ એવો ક્યાંય પણ ના થાય કે તું અથવા સાર્થક ક્યાંક ખોટા છો. તમે બંને તમારા મતે સાચા છો. તને પ્રેમની ચિંતા છે, સાથ જોઈએ છે. સામે સાર્થકને ભવિષ્યની ચિંતા છે, મમ્મી પપ્પા, ઘર, સમાજ અને સમાજ સામે પોતાનું કહી શકાય એવું એક પાત્ર..." શ્યામ બોલી ઉઠ્યો.

શ્યામને વચ્ચે જ ટોકતા સૃષ્ટિ બોલી ઉઠી..."શું તું પણ સાર્થકને સાથ આપી રહ્યો છે.!? એક સ્ત્રી કે જે બહુ બધા સમાજના સંબંધો, બંધનો તોડી, પોતાનુ સર્વસ્વ અર્પણ કર્યું એ શું પૂરતું નથી હોતું.!?"

"સૃષ્ટિ મારા કહેવાનો મતલબ એવો તો ક્યાંય નથી. બધાજ પોતાની રીતે સાચા હોય એ છતાં કોઈ રસ્તો તો કાઢવો જ રહ્યો. મને એવું લગી રહ્યું છે કે અત્યારે પ્રેમ આગળ તારી જીદ અને સ્વાર્થ હાવી થઈ રહ્યો છે. મને ખબર છે મારા શબ્દો હંમેશાંની જેમ તને નહી ગમે. તું એ પણ જાણે છે કે હું તારું ખરાબ નહી ઈચ્છું એ છતાં તું જે પણ નિર્ણય લે સમજી વિચારીને લેજે." શ્યામ ભૂતકાળમાં સૃષ્ટિ જોડે થયેલી ચર્ચાના અનુભવને આધારે બોલ્યો...

સાર્થક, શ્યામ અને સૃષ્ટિની વાત સાંભળી રહ્યો હતો અને સૃષ્ટિ જે વાત હંમેશા કહેતી હતી કે એકદમ બેધડક જે હોય એ જ બોલી નાખનાર શ્યામ જ હોઈ શકે એનો રૂબરૂ અનુભવ કરી રહ્યો હતો. શ્યામ પણ મારા પક્ષમાં બોલી રહ્યો છે એ પણ એના મનમાં આવી રહ્યું હતું અને સાથે સતત પોતાના સંબંધ ઉપર થઈ રહેલ શંકા કુશંકાને લીધે એનું મન વ્યગ્ર થઈ રહ્યું હતું.

"શ્યામ મને મારો જવાબ મળી ગયો છે. મારા મતે એવું લાગી રહ્યું છે કે મારે આ સંબંધ જતો કરવો જોઈએ. તો જ હું અને સાર્થક સારી રીતે જીવી શકીશું. સાર્થકને મેં અનહદ પ્રેમ કર્યો છે અને સામે સાર્થકે પણ મને અનહદ પ્રેમ આપ્યો છે. પણ જો એના લગ્ન એટલા જ જરૂરી હોય તો આ સંબંધને અહીંજ પૂર્ણવિરામ આપી દઈએ." એકદમ સ્થિર મનથી સૃષ્ટિ બોલી ઊઠી.

"સૃષ્ટિ તું જે પણ આખરી નિર્ણય લે એ એકદમ શાંત અને સ્થિર મનથી લે આમ ઉતાવળમાં નિર્ણય ના લે. સંબંધને પરિપક્વ કરવામાં આટલો સમય આપ્યો તો હવે આટલી ઉતાવળ ના કર. થોડો સમય લે અને થોડો સમય પોતાની જાતને આપ." શ્યામ બોલી ઉઠ્યો...

સૃષ્ટિને પણ આ વાત યોગ્ય લાગી. એટલે એ ત્રણે આ વાત પછી છૂટા પડયા અને પોતાના ઘર તરફ જવા રવાના થયા. સાર્થક અને સૃષ્ટિ જોડે નીકળ્યા જ્યારે શ્યામ પણ પોતાના ઘરે જવા રવાના થયો. આખા રસ્તે સાર્થક અને સૃષ્ટિ પોતાના સબંધ અને ભવિષ્ય વિષે વિચારતા ચૂપ જ રહ્યા અને આખરે સૃષ્ટિ પણ બીજી કંઈપણ વાત કર્યા વિના સાર્થકથી છૂટી પડી.

શ્યામ ઘરે આવી વિચારી રહ્યો હતો કે આ તો કેવો પ્રેમ થઈ જાય છે. એક સમય એવો હોય જ્યારે એકમેક માટે કંઈપણ કરી છૂટવા તૈયાર પાત્રો એક તબક્કે એકમેકની વાત સમજવા પણ તૈયાર નથી હોતા. પોતાની ખુશી માટે, પોતે પળપળ સાથે રહી શકે એ માટે કઈ પણ કરી જતા પાત્રો આગળ જિદ્દી બની જાય છે. જે પાત્ર મેળવવા ક્યારેક જીદ, અહમ્ છોડી, બધુજ છોડી ફક્ત ને ફક્ત પ્રેમ, લાગણીઓ સિંચવવા વિચાર્યું હતું એજ પાત્ર સામે આજે એજ બધા ભાવ સર્વોપરી બની જાય છે. જોકે આ પણ એક ડહાપણ જ કહેવાય. હું વિચારું છું એવા બધા ના જ હોઈ શકે. કદાચ હું પણ મારા વિચારો અત્યારે શબ્દોમાં કહું છું પણ જીવનમાં તો સમય દોરી જાય એ તરફ દોડતો જાઉં છું. મેળવવું તો કોને નથી હોતું.!? હું પણ મેળવવા ઈચ્છતો જ હતો ને...... વિચારતા જ અનુરાધા મનમાં આવી ગઈ અને આંખેથી એક અમી સરકી તુટી પડ્યું.

આ તરફ સૃષ્ટિના મનમાં પણ તોફાન સર્જાઈ રહ્યું હતું. એને એવું પણ લાગી રહ્યું હતું કે શ્યામ પણ કેમ મને ના સમજી શક્યો.!? હું ક્યારેય સાર્થકનું ખરાબ વિચારી કે કલ્પી શકું.!? હા... મારો સ્વાર્થ કહો તો સ્વાર્થ, જીદ કહો તો જીદ પણ એ શેના માટે..? કોના માટે..? માત્ર ને માત્ર સાર્થક સાથે રહી શકું અને એને સાથ આપી ખુશ કરી શકું એ જ ને...! પણ હવે મારે બદલાવું પડશે કદાચ સાર્થક પણ આ જ ઈચ્છે છે અને શ્યામનો કહેવાનો પણ આ જ અર્થ હતો, એટલે હું મારા પ્રેમ માટે મારાથી થતું કરીશ. હું હવે સાર્થકને સાથે રાખવાના વિચારો ખંખેરવા ઈચ્છું છુ. સદા માટે નહી પણ આ પળ માટે, અત્યારે સાર્થકની ખુશી માટે આ જરૂરી છે. હવે હું નહી રોકું સાર્થકને. આખરે એની ખુશી જ મારી ખુશી છે. હવે સૃષ્ટિ હળવી થઈ રહી હતી અને ક્યારે ઊંઘ આવી ખબર જ ના રહી.

સાર્થક પોતાની જાતને સવાલો પૂછી રહ્યો હતો. "જે વ્યક્તિએ મને આટલુબધું આપ્યું, પોતાનું સર્વસ્વ મને આપી દીધું એના માટે એના જીવનની ખુશી માટે હું કઈજ નથી કરી શકતો. કદાચ મારા મમ્મી પપ્પાના સપના કરતાંયે વધુ મારે લગ્ન જીવનની જરૂર છે, એ વાત નિખાલસ પણે હું એને કહી ના શક્યો. વાત છૂપાવી હું મારી જાતને સંતોષ આપી રહ્યો હતો, મારા સપનાઓ સાકાર થતા જોઈ રહ્યો હતો અને આ તરફ પળ પળ સૃષ્ટિને હું દુઃખી કરી રહ્યો હતો.! આ તો કેવો પ્રેમ, કેવી લાગણીઓ..!! નફરત છે મને મારાથી.!!"

ક્યાંય સુધી સાર્થક પોતાની જાતને ધિક્કારતો રહ્યો. એના મનમાં સૃષ્ટિ સાથે ગાળેલી મધુર યાદ એક પછી એક કોઈ ફિલ્મની રીલની જેમ ફરી રહી હતી. સૃષ્ટિનો અનહદ પ્રેમ, એનો અદ્ભૂત સાથ, એના આવ્યા પછી પોતાનામાં આવેલો નવો જ આત્મવિશ્વાસ અને એણે દાખવેલો વિશ્વાસ... શું નહતું આપ્યું સૃષ્ટિએ.!? ક્યારેક માતા બની સ્નેહ તો ક્યારેક પ્રેમિકા બની પ્રેમ, ક્યારેક મિત્ર બની એને સંભાળી લીધો હતો તો ક્યારેક પત્ની બની એની ભાવતી વાનગીઓ ખવડાવી હતી. કેવા સુંદર દિવસો હતાં એ જ્યારે સૃષ્ટિની મદદથી શરૂ કરેલી ઑફિસમાં લંચ બ્રેકમાં ખાવાથી માંડીને કામની વાતો સુધી બધું શેર કરતા. "હું કેવી રીતે ભૂલી શકું કે મેં મારી વસુને માતાજીની સાક્ષીમાં પત્નીનું સ્થાન આપ્યું હતું અને મારા ભરોસે જ એણે એનું તન મને અર્પણ કર્યું હતું." એ જોરથી વસુ એવું ચિખી ઉઠે છે. એની આંખો અનરાધાર વહી રહી હોય છે. ક્યાંય સુધી રડી રડીને આખરે એની આંખો થાકી જાય છે અને આખરે મનોમન એક નિર્ણય કરી એ ગાઢ નિંદ્રામાં સરી જાય છે.

*****

શ્યામ, સાર્થક અને સૃષ્ટિની આ ચર્ચાનો અંત શું યોગ્ય આવશે?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આખરે સાર્થક મનોમન શું નકકી કરે છે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ