કહેવાય છે સવારનું સપનું સાચું થાય છે. મીર, જેનુંએક જ સપનું " મિહિર સાથે જીવન વીતે " .
વર્ષો વીતી ગયા , બીજું કોઈ સપનું એના દિલમાં, મનમાં કે આંખોમાં આવ્યું જ નહીં. એ હંમેશા વિચારતી, કે મેં એના સિવાય કોઈને પ્રેમ કર્યો જ નથી તો પણ કેમ એ મારા નસીબમાં નથી. પણ કોઈ દિવસ એને પસ્તાવો ન થયો પ્રેમ કરવાનો. જ્યારે પ્રેમ સમજતી પણ ન હતી ત્યારથી એને મિહિર ગમે. એનેજોવાનું ગમે. એ જોતી એને, ત્યાં સુધી કે એ દેખાતો બંધ ન થાય. કોઈ વાર વિચાર પણ આવતો કે એ શું વિચારશે મારા માટે ? તો પણ એને જોવાનું એ ચૂકતી નહીં એને લાગતું કે મિહિરની આંખો પણ એને શોધે છે જ્યારે નથી હોતી. એણે છુપાઈને જોયું છે આ.એ હંમેશા કહેતી કે એણે મને પ્રેમ નથી કર્યો એમ હું કેવી રીતે માનું ? એના મુખ પર મને એ ચમક દેખાય છે જે એને જોઈને મારા ચહેરા પર આવે છે. એણે એની ખાસ સહેલીને નવરાત્રિમાં બતાવ્યું પણ હતું કે જો જેમ એની નજીક જતાં મારા ગરબાના તાલ તૂટે છે એમ મારી નજીક આવતાં એના તાલ પણ તૂટે છે. પણ એવી જ એક નવરાત્રિ એને દૂર કરી ગઈ. એની સહેલીઓ કહેતી કે જો એને પ્રેમ હોત તો એ તને કહેત તો ખરો. પણ એ તો કોઈ બીજાનો થઈ ગયો. આ તો ઉંમરનું આકર્ષણ હોય તું ભૂલી જશે એને સમય જતાં. અને ત્યારથી મીર ગરબા રમવાનું ભૂલી ગઈ. ગરબાના સૂર છેડાય ને મીરની આંખો વરસે. દુનિયાથી એ આંખો છુપાવતી થઈ ગઈ.
પછી તો મીરને પણ એવું લાગ્યું કે બની શકે આ લોકો કહે છે તે સાચું હોય. ને એણે પોતાનું બધું ધ્યાન ભણવામાં લગાડી દીધું. પણ કોઈ વાર વિચાર આવતો કે એ પણ કદાચ મારી જેમ ના સાંભળવાથી ડરતો હોય અને એટલે જ નહીં કહ્યું હોય. પણ હકીકત એ હતી કે એ હવે બીજાનો હતો.
વરસો વીતતાં ગયા. એણે પણ સંસાર વસાવ્યો. ખૂબ સુખી સંસારમાં. કોઈ વાતની ખોટ નહીં.
એને એમ હતું કે કદાચ આકર્ષણ હશે ભૂલી જવા પણ એ ખોટી પડી. એના જીવનમાં નાની અમથી પણ ખુશી આવે તો પહેલો વિચાર આવતો ' મિહિર, તું ક્યાં છે ? મારે તારી સાથે મારી ખુશી વહેંચવી છે. ' એના સંતાનની પ્રગતિ થાય તો એ એણે મિહિરને કહેવું છે. એના સંસારમાં કોઈ પણ ખુશી હોય થો મિહિર સાથે વહેંચવી છે. પતિના પ્રમોશનની વાથ એને કહેવી છે પણ બધું જ વ્યર્થ હતું. હવે એને સમજાઈ ગયું આ આકર્ષણ નહીં પ્રેમ છે. પણ અધૂરો. બસ આમ જ મીરની જીંદગી વિતતી રહી. ડગલે ને પગલે એમ થતું મિહિર, તું આવે તો તને કેટલીયે વાતો કહેવી છે.
એ રોજ વિચારે કે એકવાર મિહિર સાથે મિલનનું ફક્ત એક સપનું સવારે આવે. તો સાચું થઈ જાય. પણ જીવનની સંધ્યા આવી ગઈ. મિહિર એનો નથી એ હકીકત એના સપના પર ભારી પડી ગઈ. મિહિર સાથેના મિલનનું સવારનું સપનું એને ક્યારેય આવ્યું જ નહીં ને એ અધૂરા પ્રેમ સાથે મૃત્યુની કગાર પર આવી ગઈ. પણ આજે ય મીર એક જ વાત કરે છે કે મિહિરે મને પ્રેમ કર્યો કે ન કર્યો મને કંઈ ફરક નથી પડતો. મેં તો ફક્ત એને જ પ્રેમ કર્યો છે એટલું બસ છે મારા માટે.
એ દગો નથી કરતી પતિ સાથે. કોઈ પણ દિવસ એની અને મિહિરની મુલાકાત તો શું વાત પણ થઈ ન હતી. બંને ફક્ત જોતાં એકબીજાને ને એનાથી ખુશ હતા. પણ લગ્ન પછી તો મિહિરે શહેર જ છોડી દીધું હતું. વરસો વીતી ગયા એકબીજાને જોયાને. પણ કહેવાય છે ને કે પહેલો પ્રેમ ભૂલાતો નથી એ વાત સાવ સાચી છે એના માટે. મીર આજે પણ મિહિરને રસ્તાઓ પર શોધે છે કે કદાચ કોઈ દિવસ એ જોવા મળી જાય.