Tran Vikalp - 14 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 14

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૪

નિમિતાના સવાલથી હેમાની કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત થઈ હતી. હોસ્ટેલના ડાઈનિંગ રૂમમાં એકાએક ભૂકંપ આવ્યો હોય એમ હેમાના પગ નીચેની જમીન ધૃજી હતી. જે વાત નિમિતાથી છાની રાખવાની હતી તે વાતની જડ સુધી એ કેવી રીતે પહોંચી હતી? હેમાએ હોસ્ટેલની બધી છોકરીઓને સાવધાન કરી હતી. તો લીલાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ એ હેમા માટે મોટો કોયડો હતો. નિમિતાને કોઈપણ પ્રકારનો શક થાય તો બાજી બગડી શકે છે. એને સંકજામાં લેવા માટે જે વ્યૂહરચના ઘડવામાં આવી હતી તેમાં કોઈ કચાશ રાખવામાં નહોતી આવી. તો શું બે દિવસની અંદર ખેલ ખતમ થઈ જશે? હેમા વિચારોમાંથી બહાર આવે છે. એ પણ જલદી ખેલ આગળ વધારે છે અને બાજી ફરીથી સંભાળે છે.

હેમા: “અરે નિમિતા તું જમવાના સમયે વાતો બહુ કરે છે... શાંતિથી ભોજન કરવું જોઈએ... એ તો તું જાણતી હશે?”

નિમિતાને આ વર્તન જરા પણ પસંદ આવતું નથી, એ શાંતિથી જમવામાં ધ્યાન આપે છે. હેમાને પરિસ્થિતી ફરીથી કાબુમાં લેવા માટે સમય મળે છે. બીજી છોકરીઓ પણ સચેત થઈ હતી અને જમવાનું પૂરું કરીને પોતાના રૂમમાં જતી રહે છે. ત્યાં સુધી લીલા થાળી લઈને પાછી આવી. હેમાનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. લીલા સામે જોઈને બોલે છે: “લીલા તેં જમી લીધું?”

લીલા: “ના બેન હવે બેસું છું.”

નિમિતાનું ધ્યાન જમવામાં લાગતું નથી. એ હેમા અને લીલા સામે વારાફરતી જોયા કરે છે. નિમિતાના મનમાં કોઈપણ શક રહી જાય એવું હેમા કરવા નહોતી માંગતી.: “સારું તું પણ જમી લે અને પછી મારા રૂમમાં આવજે, કાલે આપણે અનાજ-કરિયાણું લેવા જવાનું છે તો લિસ્ટ બનાવવું છે.” લીલા માથું હલાવી જાય છે એટલે હેમા ધીમેથી નિમિતા સામે જુએ છે. એનું જમવાનું પૂરું થયું હતું.

હેમા: “અરે નિમિતા અહિયાં છોકરીઓ રહે છે, તે બીમાર હોય તો પણ મારે જ બધું ધ્યાન રાખવું પડે ને? એક છોકરીને કાલથી તાવ આવતો હતો એટલે મેં એને આરામ કરવાનો કહ્યો અને લીલાને એનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.”

હેમા બોલીને નિમિતા તરફ જુએ છે, એના ચહેરા ઉપર જવાબથી સંતોષ સ્પષ્ટ દેખાયો. હેમાએ હાશ અનુભવી. એ રાત્રે હેમાએ લીલાને સમજાવ્યું કે વિદ્યાનાં રૂમમાં જતી વખતે નિમિતા ના જુએ એ ધ્યાન રાખવું. આ વાત અનુપને નહીં કહેવાનું પણ હેમા વિચારે છે.

બધી છોકરીઓનું ધ્યાન હેમાબેન મોટિબેન અને માતાની જેમ રાખે છે એ જોઈને નિમિતાને હેમા પ્રત્યે માન ઉપજે છે. એ રાતે નિમિતા ઘરનાં બધા સભ્યોની સાથે હેમાની દરિયાદિલીના વખાણ કરે છે. બધાને રાહતની લાગણી થાય છે કે નિમિતા એકલી નથી એની સાથે મા જેવી મોટિબેન પણ છે.

***

નિમિતાને હોસ્ટેલ આવ્યાને એક અઠવાડીયુ થાય છે. ત્યાં સુધી એના શૂટિંગનાં ટ્રાયલ શરૂ નહોતા થયા. એ થોડી ગુસ્સામાં તો થોડી નિરાશ હતી. ત્રણેય મિત્રો અને હેમાને નિમિતાનો ઉત્સાહ ઓછો થતો જોઈને બહું આનંદ થાય છે. એ ચારેય એના મગજ સાથે રમત રમતાં હતા. એ લોકો નિમિતાને અચાનક કેમેરા સામે ઊભી કરવાના હતા. જેથી એ સારું કામ ના કરી શકે. એનું મગજ માત્રને માત્ર મોડેલ બનવાનાં સપના પૂરા કરવા માટે દરેક હદ પાર કરવા મજબૂર બની જાય. એનું ચબરાક મગજ કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે એ તરફ ધ્યાન ના આપે. આ ખેલ ખૂબ સહેલાઈથી આગળ વધતો હતો.

રોજ નિમિતાની વાસંતી, કાન્તા, રણછોડભાઈ, રાજેશ, રક્ષા, મયુર, નિયતિ, આનંદ અને ધૃવ સાથે એક વખત વાત અચૂક થતી. એ બધા નિમિતાને ધીરજ રાખવા માટે કહેતા. આટલા દિવસમાં અનુપ અને હેમાને પણ અંદાજ આવ્યો હતો કે નિમિતા ભલે ઘરથી દૂર હતી પણ એના ઘરનાં તમામ સભ્યો સાથે પૂરા દિવસની બધી વાત કહેતી હતી, તે રીતે જોવામાં આવે તો નિમિતા એકલી હોવા છતાં એકલી નહોતી.

અનુપ અને એની ટોળકીને અંદાજ આવ્યો કે વધારે દિવસ માટે અને કોઈપણ મુશ્કેલી વગર નિમિતાને સંકજામાં લેવાની એટલી સરળ નથી. અનુપ પણ એક વાર નિર્ણય લે પછી એ પૂરો કર્યા વગર જંપીને બેસે એવો નહોતો.

અનુપ: “રાકેશ, મને કોકેનવળી સિગારેટ બનાવીને આપ... આજે નિમિતાની એના ઘરના લોકો સાથે વાત કરવાની બંધ કરવા માટે યુક્તિ શોધવી છે... શાલી હાથમાં આવતી નથી અને ઘરનાં લોકો પીછો છોડતા નથી.” અજય અને રાકેશ બન્ને સાંભળી ખુશ થાય છે અને એકબીજાની સામે આંખોથી ઇશારા કરે છે.

અજય: “રાકેશ, જલદી કર… અને એક નહીં બે સિગારેટ બનાવીને આપ તો એનું મગજ સારું કામ કરે.” રાકેશ ઝડપથી કોકેનવાળી સિગારેટ બનાવીને અનુપને આપે છે. અનુપ એક પછી એક કસ લે છે. એની આંખોની સામે રંગીન દુનિયાનું દ્રશ્ય રચાય છે. અનુપને કોકેનની આદત અજય અને રાકેશે લગાડી હતી. અનુપને સેજલથી દૂર રાખવા તથા પોતાની રંગરલિયા ચાલુ રાખવા માટે અજય અને રાકેશે ડ્રગ્સનો સહારો લીધો હતો. પરંતુ એ બન્ને આ આદતથી દૂર રહ્યા હતા. પોતાની ઐયાશી પૂરી કરવા માટે અનુપ લાખો રૂપિયાનું કોકેન ખરીદતો. અજય અને રાકેશ જાણતા હતા કે કોકેન લીધા પછી અનુપનું મગજ શેતાની વિચારોમાં કામ કરતું હતું. અનુપ એક સિગારેટ પૂરી કરી બીજી શરૂ કરે છે ત્યાં સુધી એકપણ શબ્દ બોલતો નથી. ઉપર છતને જોતો વિચારમગ્ન થયો હતો. બીજી સિગારેટ અડધી થઈ તો પણ અનુપ કોઈ બીજી દુનિયામાં ગયો હોય એમ છતને જોતો હતો એટલે અજય અને રાકેશની ચટપટીમાં વધારો થયો.

અનુપ અડધી સિગારેટ એસટ્રેમાં મૂકી ઊભો થાય છે: “અજય, રાકેશ ચાલો નીચે... આજે એ નિમિતાનું પહેલું સપનું તોડવાનો દિવસ છે... બસ તમે બન્ને હું જે કહું તે પ્રમાણે નીચે મારી યોજનાને સફળ બનાવવા માટે સાથ આપજો.” અનુપ બન્નેને થોડી સૂચના આપે છે. ત્રણેય નીચે આવે છે ત્યારે કેમેરામેન કોઈ છોકરીને સમજાવતો હતો. નિમિતા શાંતિથી એ છોકરીનું કામ જોતી હતી. અનુપ એની ઓફિસમાં જઈને બેસે છે. અજય કેમેરામેન જોડે જાય છે અને રાકેશ બધી છોકરીઓને શાંતિથી ખુરશી પર બેસવા કહે છે.

રાકેશ: “આજે આપણે એક નવી છોકરીને શૂટિંગ માટે પ્રોત્સાહન આપવાનું છે... અજય સર જાતે એ છોકરીને કેવી રીતે જાહેરાત કરવાની છે, તે સમજાવશે અને એ પોતે શૂટિંગ પણ કરશે.” બોલીને રાકેશ તાળી પાડે છે, બીજી છોકરીઓ પણ તાળી પાડે છે પણ નિમિતા સ્થિર થઈને અજયને જોતી હતી. એ નજરમાં અજય એને પસંદ કરે છે કે નહીં એ જાણવાની અધીરાઇ હતી. ઓફિસના ફિલ્મવાળા કાચમાંથી અનુપનું સમગ્ર ધ્યાન નિમિતા તરફ હતું, એ મનમાં પોતાની જાતને સાબાશી આપે છે કે પંખી પાંજરામાં પુરાવા માટે અધીરું બન્યું છે.

અજય જાણીને થોડી મિનિટો કેમેરામેન પાસે બીજી વાતો કરે છે. રાકેશ પણ એની સાથે જોડાય છે. નિમિતાનું બધું ધ્યાન અજય તરફ હોય છે, એ જોઈને અજય અને રાકેશના ઉત્સાહમાં વધારો થાય છે. અજય શાંતિથી નિમિતા પાસે આવે છે: “નિમિતા, અઠવાડીયાથી વધારે સમય તેં અહિયાં શૂટિંગ જોયું છે તો હવે તું શૂટિંગ કરવા માટે તૈયાર હશે, સાચુંને? આજે તારો ફર્સ્ટ ટ્રાયલ લેવાનો છે.”

નિમિતાને જાણે ભગવાન મળ્યા હોય એવી અનુભૂતિ થાય છે. “સર હું તો પહેલા દિવસથી તૈયાર છું… મેં બહુ મહેનત કરી છે... બસ એક મોકો મળે એ રાહ જોતી હતી...” નિમિતાના લાલ ગાલ ઉપર વધારે લાલી ઊભરી આવી હતી. જીવનના પહેલા શૂટિંગની, સપનાઓના ટોપલમાંથી આકાશમાં પહેલી પતંગ ઉડાડવા માટે એ સજ્જ હતી. એનું પૂરું શરીર પહેલી ઉડાન માટે તલપાપડ હતું.

અજય: “નિમિતા, તારે આજે નેઇલપોલિશ માટે શૂટિંગ કરવાનું છે... તો પહેલા આ નેઇલપેઈન્ટ કરી દે અને આ સ્કર્ટ અને ટોપ પહેરીને આવી જા.”

અજયે બે વેંતનું સ્કર્ટ અને સ્લીવલેસ ટોપ નિમિતાને આપ્યું, જેથી નિમિતા કપડામાં મોબાઈલ મૂકી ના શકે. અજયના કહ્યા પ્રમાણે નિમિતા નખ પર કલર કરી, આપેલા કપડાં પહેરી સ્પોટલાઇટ સામે આવે છે અને મોહક સ્માઇલ આપે છે. ટૂંકા પણ સુંદર કપડામાં નિમિતા મનમોહક લાગતી હતી. શરીરનો વધારે હિસ્સો ખુલ્લો હોવા ક્યાંય નગ્નતા બહાર દેખાતી નહોતી. ટૂંકા વસ્ત્રોમાં પણ નિમિતાએ પોતાના શરીરને પૂરી રીતે કપડાથી સજ્જ કર્યું હતું. નિમિતના કપડાં પહેરવાની રીત પર અનુપ ફીદા થયો હતો.

અજય પોતાના ઉપર કાબૂ રાખીને નિમિતાની કમર પકડી, હાથ અને પગની સ્ટાઈલ બતાવી ઊભા રહેવાનું બતાવે છે અને ચહેરાના હાવભાવ કેવા રાખવા તે પણ બતાવે છે. અજય પોતે કેમેરા પાછળ આવે છે અને રાકેશ બીજી છોકરીઓ સાથે બેસે છે.

અજય: “નિમિતા, હું સ્ટાર્ટ કહું એટલે મારા કહ્યા પ્રમાણે પૂરા શરીરનાં અંગો એકસાથે એક્શનમાં આવવા જોઈએ એ ધ્યાન રાખજે.” અજય સ્ટાર્ટ બોલે છે, તરત નિમિતા બિલકુલ અજયનાં કહ્યા પ્રમાણે શરૂઆત કરે છે. અજયને નવાઈ લાગે છે, કે એક વાર સમજાવ્યું અને નિમિતા બધું સમજી એ પ્રમાણે કામ કરતી હતી. એને નિમિતાનાં વખાણ કરવાનું મન થયું પણ અનુપના કહ્યા પ્રમાણે આજે નિમિતાનાં સાપનાઓને કચરી નાંખવાના હતા. અનુપ પણ નિમિતાનું કામ જોઈને દંગ થાય છે. અજય થોડી વાર ભાન ભૂલ્યો હતો. નિમિતા હજી પણ એ પ્રમાણે અદાઓ કરતી એક્ટિંગ કરતી હતી.

અજય ગુસ્સાથી બોલે છે: “નિમિતા, બિલકુલ બકવાશ કામ છે તારું... હાથ અને પગ વિરુધ્ધ દિશામાં જાય છે. હાથ-પગ સંભાળે છે તો હોઠ પરની હસી ગાયબ થાય છે. નખતો કેમેરા સામે બરાબર દેખાતા નથી... ફરી વખત સ્ટાર્ટ કરવું પડશે.”

નિમિતાને આ શબ્દોથી અચરજ થાય છે. એ પહેલા ટ્રાયલમાં જ ખૂબ સરસ કામ કર્યું સાંભળવા માંગતી હતી. એનાથી ઊલટું થયું હતું. પોતે બધું બરાબર કર્યું છે તો ક્યાં ખામી રહી તે સમજી શકતી નથી. એ ફરીથી શરૂ કરે છે. એ વખતે પણ તે બધું બરાબર કરે છે. પણ અજય ફરી એને પહેલાં કરતાં પણ વધારે લડે છે. આ પ્રમાણે દસથી પણ વધારે વખત અજય થોડું-થોડું બોલીને નિમિતાનો ઉત્સાહ ભાંગતો રહ્યો. એની આકાશમાં ઊડતી પતંગને ભાર દોરીથી કાપતો રહ્યો. નિમિતા આ ખેલથી અજાણ પોતાના ઉપરનો વિશ્વાસ ગુમાવવાની કગાર ઉપર આવી હતી. રાકેશ પણ ખેલની મજા લેતો નિમિતાને સંભાળવા માટે આતુર હતો.

રાકેશ: “અજય, તું નિમિતા સાથે બહુ વધારે કડક વર્તન કરીને અપશબ્દો બોલું છું... છોકરી પહેલી વખત કેમેરા સામે આવી છે... તારે શાંતિથી કામ લેવાનું હોય એના બદલે તું...” રાકેશ મોકાનો લાભ લેવા નિમિતાનાં વાંસા પર હાથ ફેરવે છે. અનુપ એ પળની રાહ જોતો હતો, એ તરત બહાર આવી નિમિતા પાસે આવે છે.

અનુપ: “રાકેશ, શું થયું નિમિતા હમણાં રડશે એવું લાગે છે?” નિમિતા બહુ હિમંત વાળી હતી એની આંખમાં જલદી આસું આવતા નહોતા. અનુપના શબ્દો કાને પડતાં એ ખરેખર રડવા લાગે છે. અનુપ એને હળવું આલિંગન આપે છે. મધદરિયે ડૂબતી નિમિતાની નાવડીને ખલાસી મળ્યો હોય એમ એ અનુપને ભેટીને રડવા લાગે છે. પહેલી જીત મળવાથી અનુપના જુસ્સામાં વધારો થાય છે. એ નિમિતાને સાંત્વના આપવા માટે પીઠ પર હાથ ફેરવે છે. નિમિતા બન્ને હાથ અનુપની કમર પર વીંટળાવે છે અને માથું અનુપની છાતી પર મૂકે છે. રડવાથી નિમિતાનો ચહેરો અને આંખો લાલ થાય છે. મેકઅપ આંસુઓ સાથે સુરાહીદાર ગરદન ઉપર ફેલાય છે. આ રીતે નિમિતા પોતાને ભેટી હતી એટલે અનુપને નમણી નાગરવેલ એને વીંટળાઇ હોય એવું લાગે છે. નિમિતાના ડૂસકાંનો અવાજ અનુપને સુરીલા સંગીત જેવો લાગે છે. નિમિતાના આ રીતે ભેટીને રડવાથી અનુપના વાસનામય શરીરને કોઈ દિવસ ના અનુભવ્યો હોય એવા જુદા રોમાંચની અનુભૂતિ થાય છે.

નિમિતાનાં સપનાની દુનિયા માટે અનુપ તારણહાર બનીને આવ્યો હતો. એની સુંદરતાના કારણે એ કેવી મુસીબતમાં મૂકાવાની છે તેનાથી અજાણ, એ અનુપના બાહુપાશમાં સામે ચાલીને ભીંસાતી હતી. અનુપની કમર પર એની પકડ વધતી હતી, એ સાથે અનુપની નસોમાં લોહીનું પરિભ્રમણ તેજ થતું હતું. અનુપ હાથ પકડીને નિમિતાને એની ઓફિસમાં લઈ જાય છે. બીજી છોકરીઓ ચૂપચાપ નિમિતાને બરબાદી તરફ જતી જુએ છે. અજય અને રાકેશ એકબીજાને આંખ મારીને જીતનો આનંદ લૂટે છે અને બન્ને પણ અનુપની ઓફિસમાં જાય છે.

ઓફિસમાં આવીને નિમિતા થોડી સ્વસ્થ થાય છે. એને પરિસ્થિતીનું ભાન થતાં બોલે છે: “સોરી સર... મારે આવું વર્તન ના કરવું જોઈએ... મને ખબર નથી પડતી કે મારાથી ભૂલ ક્યાં થઈ... અજય સરને કહો મને ફરી સમજાવે, હું ફરી કોઈ ભૂલ નહીં કરું.” અનુપનો હાથ હજી પણ નિમિતાની પીઠ પર ફરતો હતો. એ બન્ને જે સોફા પર બેઠા હતા એની બાજુમાં સિંગલ સોફા પર અજય બેસે છે. રાકેશ થોડે દૂર પાણીના જગમાંથી ચાર ગ્લાસ પાણી ભરે છે અને એક ગ્લાસમાં નસાની ગોળી ઉમેરી હલાવે છે. રાકેશનું આ કામ અજય અને અનુપ જુએ છે, પણ નિમિતાનું ધ્યાન નહોતું.

જ્યારે પણ કોઈ છોકરી સીધી રીતે શરીરસુખ આપવા તૈયાર ના થાય ત્યારે છોકરીને નસાની ગોળી પાણીમાં ઓગળીને આપતા. આ કામ હંમેશા રાકેશ કરતો. અનુપને કોકેનનો નશો આપવાનું, દારૂનો ગ્લાસ ભરવાનું, જરૂર પડે તો વાયગ્રા આપવાનું બધુ કામ રાકેશ ખૂબ સારી રીતે કરતો. અજય માટે પણ રાકેશે બધી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી લીધી હતી. રાકેશ પાણીનો ગ્લાસ નિમિતાના હાથમાં મૂકવાની તૈયારીમાં હતો પણ નિમિતાના મોબાઈલ પર ફોન આવે છે.

નિમિતાએ સ્કર્ટના ખીસાંમાં મોબાઈલ મૂક્યો હતો એની ખબર અજય કે રાકેશને નહોતી. એ ઊભી થઈને ચપળતાથી મોબાઈલ કાઢીને વાત કરવા માટે એક ખૂણામાં જાય છે. અનુપ નસા વાળું પાણી વોશરૂમમાં ઢોળી દે છે. અનુપના આ રીતે પાણી ઢોળી દેવાથી અજય અને રાકેશ એના તરફ જોઈ રહે છે પણ અનુપનું બધુ ધ્યાન ફોન પર વાત કરતી નિમિતા અને એના સુંદર શરીર પર હોય છે. અજય અને રાકેશને થયું કે નિમિતા કોઇની સાથે ફોન પર વાત કરવા ગઈ એ અનુપને ગમ્યું નથી. આટલા ટૂંકા સ્કર્ટમાં પણ ખીસું હતું એ અજયના જોવામાં નહોતું આવ્યું.

નિમિતા વાત કરી પાછી એની જ્ગ્યા પર બેસે છે.: “સોરી સર, મારા દાદી હતા... એમને મારી ચિંતા બહું થાય છે...”

અજય અને રાકેશનું અનુમાન હતું કે અનુપ ખુબ ગુસ્સે થશે પણ બન્નેના માનવાથી વિરુધ્ધ અનુપ શાંત હતો. એના શેતાની મગજમાં બીજો કોઈ ખેલ રચાયો હતો. આજે નિમિતા સાથે નસાની હાલતમાં એની તમામ ઇચ્છા પૂરી થાય એવી હતી, પણ એ કરવા એ તૈયાર નહોતો. એ નિમિતાનો હાથ પકડી બોલે છે: “હા, ઘરના સભ્યોને પોતાના લોકોની ચિંતા તો થાય જ ને... નિમિતા, મને ખબર પડી છે ત્યાં સુધી તારું ધ્યાન ફોન પર વાત કરવામાં વધારે હોય છે... એટલે જ કદાચ આજે તું સારું કામ કરી શકી નથી... ચિંતા ના કરીશ... કાલે ફરી ટ્રાયલ લેવામાં આવશે... તારે સારી મોડેલ બનવું હોય તો ફોન પર વાત કરવાનું ઓછું કર... કામમાં વધારે ધ્યાન આપ તો આગળ આવીશ... નહિતો સપનાઓને ડબ્બામાં પુરવાનો વખત પણ આવી શકે છે... હવે તું હોસ્ટેલ જા... કાલે સવારે વહેલી આવી જજે.” આટલું બોલીને અનુપે ઊભો થઈને એના ટેબલ તરફ જાય છે. અજય અને રાકેશ મોઢું ફાડીને અનુપને જોતાં હતા.

અનુપના બોલેલા શબ્દો પર નિમિતા વિચાર કરવા મજબૂર બને છે કે, ‘શું સાચે ફોન પર વાત કરવામાં મારું ધ્યાન વધારે રહે છે, જે મને મારા કામમાં નડતર કરે છે.’

ક્રમશ: