Tran Vikalp - 15 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 15

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૫

અનુપે સ્પષ્ટ શબ્દોમાં અજયને જણાવ્યુ હતું કે નિમિતા ફોન પોતાની પાસે રાખી ના શકે એવા કપડાં આપવા. સ્કર્ટમાં ખીસું નહીં જોવાની અજયથી ભૂલ થઈ હતી. કોઈનાથી અજાણતા ભૂલ થઈ હોય તો માફ ના કરનાર અનુપ આજે શાંત હતો. વાસના પૂરી કરવા માટે જાનવર જેવું વર્તન કરતાં અનુપે પોતાની હવસ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાથમાં આવી ગયેલી કોઈ છોકરીને અનુપ જવા દે એ અકલ્પનીય હતું, પણ આજે એવું બન્યું હતું. અજય અને રાકેશ બન્ને અનુપના વર્તનને સમજી શકતા નથી. બન્નેને અનુપ કરતાં પોતાના વિલાસી જીવનની વધારે પડી હતી. જો અનુપ પોતાની ઐયાસી બંધ કરે તો એમનો એશઆરામ બંધ થાય. જે બન્નેમાંથી કોઈ કરવા રાજી નહોતું. બન્નેનો ભોગવિલાસ ચાલુ રહે એના માટે અનુપ કુકર્મો કરતો રહે એ જરૂરી હતું.

અજય: “અનુપ, તેં આને કેમ જવા દીધી? સાલી મહા મહેનતે હાથમાં આવી હતી...”

રાકેશ: “હા અનુપ, એ ભેટી રડવા લાગી એમાં તારી ઈચ્છાઓ મરી પરવારી? તને એના ઉપર દયા આવી?”

અનુપ માર્દવ સ્મિત આપતા બોલે છે: “એ ભેટી એટલે તો ઈચ્છાઓ વધારે પ્રબળ બની છે... નિમિતાને મારે નસાની હાલતમાં નથી મેળવવી... મારે પૂરા હોશમાં એની સાથે મજા લેવી છે... એ બે હાથ વીંટાળવીને થોડીવાર મને ભેટી... તો મને પ્રેમનો અનેરો અહેસાસ થયો... જો પૂરા હોશમાં મને પ્રેમ કરે… તો મને કેટલો વધારે આનંદ મળે એ વિચારીને મેં નિર્ણય કર્યો છે... હું એને મારી પ્રેમજાળમાં એવી રીતે ફસાવીશ કે, એ એની જાતે કપડાં કાઢીને મારી પાસે આવશે.”

અનુપનું આ કથન સાંભળીને બન્ને મિત્રો એકબીજાને તાકી રહે છે. અનુપ ફરીથી સિગારેટ ફૂંકતો છતને જોવા લાગે છે.

***

એ રાત્રે હોસ્ટેલ આવ્યા પછી નિમિતા કોઈની સાથે ફોન પર વાત કરતી નથી. ઘરના સભ્યનો ફોન આવે છતાં નિમિતા વાત ના કરે એવું જીવનમાં પહેલી વાર બને છે. એ રાતે નિમિતાની ઉંધ હરામ થઈ હતી. પહેલા શૂટિંગના બધા સપના વેરવિખેર થયા હતા. અનુપે એની અપેક્ષા કરતાં પણ વધારે સારી રીતે સાચવી હતી. એ અનુપ ઉપર પૂરો વિશ્વાસ કરીને પોતાની કમજોરી ફોન છે, એવું માની ગઈ હતી. શબ્દોની અસર ખૂબ થતી હોય છે. કોઈનું મનોબળ વધારવા અને ઘટાડવામાં શબ્દો મહત્વનો ભાગ ભજવે છે. નિમિતાના મનથી ભાંગી ગયેલા મનોબળને અનુપના છળકપટથી ભરેલા શબ્દોનો સજ્જડ સહારો મળ્યો હતો. અનુપના ધાર્યા પ્રમાણે નિમિતા ઉપર એના શબ્દોની અસર થઈ હતી. નિમિતાના સપનાઓએ અનુપનો માર્ગ આસાન બનાવ્યો. નિમિતાની બુધ્ધિશક્તિની પ્રથમ હાર અનુપની ચાલબાજીની પ્રથમ જીત હતી.

***

બીજા દિવસે સવારે નિમિતા બાગમાં યોગાસન કરતી હતી. મંદ મંદ પવનથી પાંદડાઓનો અવાજ મધુર સંગીત રેલાવતો હતો. રોજ આ પાંદડાનું સંગીત નિમિતાની સવારને તાજગીમય ઉષ્મા આપતું હતું, પણ આજે ઠંડી હવામાં નિમિતાના તન-બદનમાં ઉચાટ વ્યાપેલો હતો. આસપાસના ખુસાનુમા વાતાવરણમાં યોગાસન કરવા છતાં નિમિતાના અજંપાથી ઘેરાયેલા મનને ચેન નહોતું. શુટિંગની નિષ્ફળતા સહવાતી નથી. સફળતામાં પરિવાર પ્રત્યેનો લગાવ બાધારૂપ છે, એ વાત એનું દિલ ભૂલી શકતું નથી. મગજમાં અનુપ અને એની કહેલી વાત સતત ચક્કર લગાવતી હતી. ઘરના લોકોને એની ચિંતા હોય એ સ્વાભાવિક હતું. દિવસનો મોટાભાગનો સમય પોતે ફોન પર વાત કરીને બધાની ચિંતા દૂર કરવા પ્રયત્ન કરતી હતી. હવે એ લોકોની સાથે શું વાત કરીને ફોન ઓછા કરવા તેનું ધર્મસંકટ હતું. જો વાત કરશે નહીં તો બધાની ચિંતામાં વધારો થશે. જો વાત ચાલુ રાખે તો કામ ઉપર અસર થાય છે. બધાને શું કહેવું એ શબ્દો શોધવામાં નિમિતા વિચારમગ્ન હતી, જ્યારે અનુપ જેવા અઠંગ ખેલાડીએ બીજું પાસું ક્યારે અને કેવી રીતે રમવાનું તે વિચારી લીધું હતું.

અનુપને ખબર હતી નિમિતા સવારે કસરત કરવા બાગમાં આવે છે. સવારમાં અનુપ હોસ્ટેલ આવી સીધો હેમાની ઓફિસમાં જાય છે. ઓફિસની બારીમાંથી નિમિતા દેખાતી હતી. હોસ્ટેલમાં પાંચ પગથિયાં ચઢીને જવાતું હતું. એટલે ઓફિસની બારી દસ ફૂટ જેટલી ઉપર હતી. બારીમાંથી બહારનું દ્રશ્ય સારી રીતે દેખાતુ હતું. રંગબેરંગી ફૂલોની વચ્ચે નિમિતા એક સુંગધીત ફૂલ જેવી અદ્દભુત દ્રશ્યમાન થતી હતી. અનુપ બારીમાંથી નિમિતાને જોતા જોતા હેમાના કાનમાં થોડી ગુસપુસ કરે છે. હેમા વાત બરાબર સમજી અનુપને અંગૂઠાનો ઈશારો કરે છે. અનુપ એની આગળની ચાલ રમે છે. નિમિતા સાંભળી શકે એમ બોલે છે: “હેમાબેન શું કરું? સેજલને સમજાવી પણ એ તો છૂટાછેડા માટે જીદ લઈને બેઠી છે... મારાથી મમ્મી કે પપ્પા બન્નેને વાત થાય એમ નથી... મારી આખી જિંદગી પ્રેમ માટે વલખાં મારતી વીતી ગઈ... હવે મારાથી પ્રેમ વગરનું જીવન જીવવું મુશ્કેલ છે... સેજલનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે હું એની બધી શરત માનવા તૈયાર છું... બસ એ ડાયવોર્સની વાત ભૂલી જાય... હું એને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું... મારી વાત તો એ નથી માનતી... કદાચ તમારી વાત મને... તમે સેજલને સમજાવી શકોતો સારું...”

નિમિતા બહાર બધુ સાંભળતી હતી. અનુપનો ઇરાદો નિમિતા પાસેથી સાંત્વના મેળવવાનો હતો. અનુપના ગયા પછી નિમિતા હેમાબેનની ઓફિસમાં આવી અધિરાઈથી સવાલ પૂછે છે: “હેમાબેન હમણાં અનુપ સર આવ્યા હતાને? એમની પત્ની છૂટાછેડા કેમ માંગે છે?”

હેમાને પણ આ ખેલમાં મજા આવી. નિમિતાને ફસાવાની બાકી રહેલી બધી કસર હેમા પૂરી કરે છે: “શું કરે બિચારા? સેજલને ખૂબ પ્રેમ કરે છે... પણ એ અનુપને સહેજપણ પ્રેમ કરતી નથી... એ તો અનુપના રૂપિયા સાથે પરણીને આવી હતી... છૂટાછેડા માટે પણ કરોડો રૂપિયા માંગે છે... કહે છે મા-બાપને તકલીફ ના આપવી હોય તો કોર્ટ બહાર સમાધાન કરી શકે છે... અનુપ સર એક વખત જેનો હાથ પકડે એને છોડતા નથી... એટલે જ એ પત્નીને પણ છોડવા નથી માંગતા...” હેમાનું બધું ધ્યાન નિમિતા તરફ હતું, નિમિતાના ચહેરા પર અનુપ માટે લાગણી સ્પષ્ટ દેખાતી હતી. હેમા પણ બોલવાનું ચાલું રાખે છે. “તું બહું નસીબદાર છું... તારા ખૂબ વખાણ કર્યા છે... તારા કામ ઉપર એમને બહુ વિશ્વાસ છે... એ પણ તને સફળ હિરોઈન જોવા માંગે છે... આજે ફરી તને ટ્રાયલ આપશે... એ બધાની ચિંતા કરે છે પણ એમનું ધ્યાન રાખનાર કોઈ નથી... તું બે શબ્દો બોલી એમનું દુ:ખ દૂર કરી શકે તો કરજે.”

નિમિતાનાં ચંચળ મનમાં અનુપ માટે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે. એક વાર દિલમાં કોઈના માટે થોડીક લાગણી ઉદ્દભવે પછી મન અને મગજ વચ્ચેનો તાલમેલ ખતમ થાય છે. નિમિતાનાં દિલ અને દિમાગ વચ્ચે પહેલેથી મહત્વાકાંક્ષાઓને લઈને વિરોધાભાસ હતો. એમાં આજે અનુપના વિચારોએ દિલના એક ખૂણામાં પગપેસારો કર્યો હતો. એ વિચારોએ અનુપને બોસ તરીકે નહીં પણ સાચા મિત્રના સ્વરૂપે સ્વીકાર્યો હતો, મિત્રના સુખ-દુ:ખમાં ભાગીદાર બનવા માટે નિમિતા ઉતાવળી બની વિચારે છે: ‘સારા માણસોને જ કેમ ખરાબ માણસો સાથે પનારો પડતો હશે?’

***

એ દિવસે નિમિતાનું શૂટિંગ શરૂ થાય છે. નિમિતા થોડી ગભરાયેલી હતી. જો આજે પણ ઓડિશન ઓકે નહીં થાય તો કદાચ ત્રીજો ચાન્સ નહીં મળે. વિશાળ રણમાં ભટકેલ મુશફર પાણી શોધે એવી નજરથી નિમિતાની આંખો અનુપને શોધતી હતી. અનુપ કેમેરામેન પાસે બેઠો હતો. અનુપ આંખોના ઇશારાથી નિમિતાને દિલાસો આપે છે. એના એક ઇશારાથી નિમિતાના શરીરમાં નવી ચેતના ફેલાય છે. એની અડધી પરેશાની માત્ર અનુપની સ્માઇલથી દૂર થાય છે. અનુપના એક દિલાસાએ નિમિતાના મન અને મગજ બન્ને પર કાબૂ મેળવ્યો હતો. અત્યારે નિમિતા સૌથી વધારે અનુપ પર વિશ્વાસ કરતી હતી.

નિમિતાની ઓડીશનમાં કોઈ ભૂલ નહોતી પણ અનુપ એની બોલવાની છટાથી કામમાં થોડી ભૂલો બતાવે છે. ત્રણ-ચાર રીટેક લીધા પછી શૉટ ઓકે થાય છે. ત્યાં હાજર હતા એ બધા નિમિતાને શુભકામના આપે છે. અનુપને બાહોમાં લઈને નિમિતાના વખાણ કરવા હતા પણ દૂરથી માત્ર માથું હલાવી ખુશી વ્યક્ત કરે છે. નિમિતા બધાની હાજરીમાં દોડી અનુપ જોડે જાય છે. અનુપના હાથ પકડી બોલે છે: “થેંક્યું સર, તમે મારા સાચા શુભચિંતક છો.” આટલું બોલી અનુપને ભેટે છે. નિમિતા આસપાસ બધાની હાજરી છે, તે ભાન ભૂલી હતી. નિમિતાનું આ આલિંગન અનુપને કડકડતી ઠંડીમાં અચાનક ગરમીનો અહેસાસ વ્હાલો લાગે એટલું પ્યારું લાગે છે. નિમિતાના આ આગવા સ્પર્શથી અનુપને શરીરનો પૂરો થાક એક પળમાં ઉતરી ગયો હોય એવી અનુભૂતિ થાય છે. જીવનમાં પ્રથમ વખત કોઈ સ્ત્રીને આલિંગન કરવાથી જીવને આવી શાંતિ મળે છે, એ ખબર પડે છે. આંખ બંધ કરીને પણ પ્રેમનો અહેસાસ અનુભવ થાય છે, એ ભાન થાય છે.

***

નિમિતાની પહેલી એડ. ટીવી, ન્યૂઝ પેપર વગેરેમાં પબ્લીશ થાય છે. એડ. ને ઘણો સારો પ્રતિસાદ મળે છે. અઠવાડીયામાં નિમિતાની બીજી બે એડ.નું શૂટિંગ થાય છે. બીજી બે એડ. ને પણ સારો પ્રતિસાદ મળે છે. નિમિતા એની સફળતાના આનંદમાં મદહોશ હતી. અનુપનો ઇરાદો નિમિતા સફળતા સિવાય બીજી કોઈ વાત વિચારે નહીં એ હતો, એમાં એ સફળ પણ થયો હતો. નિમિતાએ ઘરના સભ્યો સાથે કામમાં વધારે ધ્યાન આપવું પડે છે એવું સમજાવીને ફોન પર વાતચીત ઓછી કરી હતી.

આ સમય દરમિયાન અનુપ અને નિમિતા વધારે નજીક આવે છે. વાત-વાતમાં નિમિતાનું અનુપનો હાથ પકડવું, સાથે બેસવું, નાની વાતમાં હસવું, દિવસમાં ત્રણ-ચાર વાર ભેટવું બધી સાહજિક પ્રક્રિયા ચાલુ હતી. મોકો જોઈને અનુપ એના પ્રેમવિહીન જીવનની વાત પણ કરી લેતો. નિમિતા બધી વાત શાંતિથી સાંભળી અનુપને આલિંગન આપીને કહેતી: “સર, સારા માણસોને ભગવાન વધારે દુ:ખ નથી આપતા… તમારા જીવનમાં પણ પ્રેમનાં ફૂલો એક દિવસ ખીલશે... મારી વાત યાદ રાખજો.”

એક વાર ચાન્સ જોઈને અનુપ આગળનો દાવ રમે છે. ઓફિસ આવીને સીધો એની ઓફિસમાં જાય છે. એ જાણતો હતો નિમિતા એને બહાર નહીં જુએ તો ઓફિસમાં આવશે. એવું જ બન્યું, નિમિતા સીધી અનુપની ઓફિસમાં આવી. અનુપ એની ખુરશી પર આંખો બંધ કરીને ખોટા આંસુ સારતો હતો. નિમિતા આવી એ ખબર પડી, છતાં બેખબર બની એની ચાલ બખૂબી રમતો હતો. અનુપની આંખમાં આંસુ જોઈને નિમિતા એના ખભા ઉપર હાથ મૂકે છે. અનુપ રાહ જોતો હતો કે નિમિતા ક્યારે ટચ કરે. અનુપ સીધો નિમિતાને કમરથી પકડે છે અને માથું એની છાતી પર મૂકી બોલે છે: “સેજલ, તું આવી ગઈ... મને ખબર હતી એક દિવસ તને મારા પ્રેમનો અહેસાસ થશે...”

નિમિતા અચાનક અનુપના હાથના ધેરાવમાં કેદ થઈ, પણ એને કશું અજુગતું નથી લાગતું. અનુપની હાલત જોઈ એને દયા આવે છે અને એનો હાથ અનુપનાં માથામાં અનાયાસે ફરે છે. અનુપને માથાના દરેક વાળમાં નિમિતાનો મુલાયમ સ્પર્શ ગુલાબની પાંખડી જેવો નરમ લાગે છે. અત્યાર સુધી હજારો છોકરીઓ સાથે મજા કરી પણ આવો નરમ હાથનો સંસર્ગ આજે છળકપટથી મળ્યો હતો. અનુપ એ સ્પર્શને દિલના ખૂણેખૂણામાં અનુભવ કરતો હતો. થોડીવાર પછી નિમિતાનો હાથ ફરતો બંધ થાય છે.

નિમિતાને છોડવાના બદલે અનુપ એનો હાથ પકડી પોતાના ખોળામાં એક ઝાટકામાં ખેંચે છે. નિમિતા કઈ સમજે કે બોલે તે પહેલા એ અનુપના ખોળામાં હોય છે. અનુપ પણ એક ક્ષણ ગુમાવ્યા વગર એના હોઠ નિમિતાના નરમ મુલાયમ હોઠ ઉપર મૂકીને ગાઢ ચુંબન કરે છે. બે-ત્રણ મિનિટ સુધી અનુપ એના હોઠનું ચુંબન લગાતાર ચાલુ રાખે છે. નિમિતા અણધાર્યા ચુંબનથી પહેલા હેબતાઈ હતી, પણ પછી એ અનુપના ચુંબનમાં એકરૂપ બની હતી. એના હાથ ફરીથી અનુપના વાળમાં ફર્યા સાથે અનુપના હાથ પણ નિમિતાના નરમ વાળમાં ફર્યા હતા. ઓફિસની વ્હીલચેર પર થોડીક પ્રેમાંધ ક્ષણો વીતી હતી. નિમિતાનું પહેલું ચુંબન અનુપ માટે પણ પ્રેમની અનુભૂતિનું પ્રથમ વાર બે અધરનું મિલન હતું. અનુપ એના હોઠ દૂર કરી નિમિતાને પોતાની બાહોમાં ભીસીને શાયરી બોલે છે:

“પ્રેમની મંજિલ પામવા તારો હાથ પકડીને ચાલવું છે.

હોય જો તારી મરજીતો તારો પ્યાર બનીને ચાલવું છે.

અનુપના મુખમાંથી સરેલા શાયરીનાં બોલથી નિમિતાનાં અંતરના કણે-કણમાં પ્રેમનાં બીજ અંકુરીત થાય છે. નિમિતા પણ અનુપની બાહોમાંથી છૂટવા માટે કોઈ પ્રયત્ન નથી કરતી. બીજી થોડી ક્ષણ ખામોશી છવાય છે. એ ખામોશીમાં નિમિતાનાં પહેલા પ્રેમનો અહેસાસ હોય છે, તો અનુપનાં હ્રદયમાં માછલી જાળમાં ફસાઈ ગઈ છે એ ઘમંડ પોરસાય છે.

અનુપ આંખો બંધ કરીને નિમિતાનો ચહેરો પોતાના હાથમાં લઈ ફરી બોલે છે: “સેજલ હવે મને છોડીને નહીં જાય ને?” નિમિતા ચૂપચાપ અનુપના ચહેરાને જુએ છે. અનુપના રૂપમાં એને પત્ની પાછળ પ્રેમમાં પાગલ પતિ દેખાય છે. મનમાં વિચારે છે ‘આટલા પ્રેમાળ પતિને સેજલ શું કરવા છોડવા તૈયાર છે?’

ધીમેથી અનુપ એની આંખો ખોલે છે, નિમિતાને જોઈને એનુ નાટક આગળ ચલાવે છે. નિમિતાને આસ્તેથી ખોળામાંથી નીચે ઉતારે છે અને મોટો અપરાધ થયો હોય એમ બોલે છે: “અરે નિમિતા, તું કેવી રીતે અહી આવી? હમણાં મારી પાસે સેજલ હતી... એ ક્યાં ગઈ?” અનુપ આજુબાજુ બહાવરો બનીને સેજલને શોધવાનું ચાલુ રાખે છે. સેજલ સાથે અનુપે પ્રેમની પળો વિતાવી છે, એ જતાવવું નિમિતાને વિશ્વાસમાં લેવા માટે જરૂરી હતું. નિમિતાનાં મગજમાં અનુપ માટે ઉત્તપન્ન થયેલી લાગણી જાળવી રાખવા માટે આવશ્યક હતું. ચારેબાજુ જોઈ અનુપ નિરાશ થઈને નિમિતા પાસે આવે છે.

નિમિતાનો હાથ પકડી બોલે છે: “નિમિતા, હમણાં મારી પાસે સેજલના બદલે તું હતી?” નિમિતા માત્ર માથું હલાવી જવાબ આપે છે. અનુપ ફરી એના અભિનયના રંગમાં આવે છે: “ઓહ, આઈ એમ સોરી... મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ... નિમિતા મને માફ કરી દેજે...” અનુપ આ બોલીને નિમિતા સામે બે હાથ જોડી ઘૂંટણ પર બેસે છે. નિમિતા હળવે હાથે અનુપને ખભાથી પકડી ઊભો કરે છે અને એક પણ શબ્દ બોલ્યા વગર ઓફિસની બહાર જતી રહે છે. અનુપ એના હોઠ પર હાથ લગાવી બોલે છે ‘સાલી ગજબની હોઠોને મજા આપી ગઈ. હવે પથારીમાં કેવી મજા આપે છે એ જોવું છે.’

ક્રમશ: