પ્રકરણ - ૭/સાત
ગતાંકમાં વાંચ્યું...
અનન્યા એની માસી માલતીબેન સાથે અનંતરાયને મળવા આવે છે. હોળી નજીક આવી રહી છે. અનન્યા હોળી માટે પોરબંદર જઈ રહી છે. રાજીવના મનમાં ખીમજી પટેલ અને કમરપટ્ટાના રહસ્યમઢી શંકા-આશંકા ઘુમરીઓ ખાધા કરે છે. ...
હવે આગળ......
"રાજીવ, ઉઠ, આજે આઠ વાગી ગયા તો પણ હજી સૂતો છે. તબિયત તો સારી છે ને," સુજાતાએ રાજીવના કપાળે અને ગળે હાથ મૂકી ટેમ્પરેચર ચેક કર્યું. "આજે ઓફિસે જવાનો મૂડ નથી કે શું? કે આખી રાત અનન્યા સાથે સપનામાં હોળી રમી રહ્યો હતો. ઉઠ દીકરા." રાજીવે ઓઢેલું બ્લેન્કેટ ખેંચી સુજાતાએ રાજીવને ઢંઢોળી નાખ્યો.
"મમ્મી.. ઈઈઈઈઈઈ........." આંખો ચોળતા ને પડખું ફેરવતા જ રાજીવે ઘડિયાળમાં જોયું તો આઠ ને દસ થઈ ગઈ હતી." ઓહ.. નો....ઓ........" ફટાફટ ઊભો થઈ સુજાતાને ગાલે કિસ કરી બાથરૂમમાં ઘૂસી ગયો. "શું કરવું આનું?"બબડતી બબડતી સુજાતા બેડશીટ વ્યવસ્થિત કરી બહાર નીકળી.
અડધા કલાકમાં રાજીવ તૈયાર થઈ નીચે આવી ડાઇનિંગ ટેબલ પર મુકેલી પ્લેટમાંથી બ્રેડ બટર ની સ્લાઈસ લઈ કાર તરફ રીતસર દોટ મૂકી."અરે.... રા...જી...વ...., આટલી બધી ઉતાવળ, ધીરે દીકરા," સુજાતા પ્લેટ લઈ એની પાછળ દોડી પણ ત્યાં સુધી રાજીવ કાર સ્ટાર્ટ કરી ચુક્યો હતો."મમ્મી, હું ઓફિસે પહોંચીને કાંઈક ખાઈ લઈશ અથવા જ્યુસ પી લઈશ. બા....... ય...., ટેક કેર....પપ્પાનું ધ્યાન રાખજે," રાજીવે કાર ઓફિસની દિશામાં દોડાવી.
બીજા દિવસે હોળી ને પછી ધુળેટી, મિત્રો અને સુજાતા અને અનંતરાય સાથે મન મૂકીને હોળી રમવામાં, રંગવામાં અને રંગાઈ જવામાં ક્યાંય રાજીવ પાછો ના પડ્યો.
*** *** ***
પોરબંદરમાં અનન્યા પિતા મનહરભાઈ અને માતા કામિનીબેન અને પુરા પરિવાર સાથે હોળી રમી રહી હતી, સાથે એની સખીઓ એના કઝીન ભાઈ બહેન બધા જ એકબીજા પર રંગ લગાડી ધમાલ મચાવી રહ્યા હતા. બધા લોકો અનન્યાને ચિડવી રહ્યા હતા. "આજે તો અનન્યાને એવી રંગવી છે કે હવે પછીની બધી હોળી અમારા વગર ફીકી લાગે," એક ફ્રેન્ડે અનન્યાને રંગ લગાડતા કહ્યું. અનન્યા શરમાઈને એમનાથી બચવા અહીં તહીં દોડી રહી હતી."જીજુના પ્રેમ રંગમાં રંગાઈને અમારા સ્નેહનો રંગ ભૂલતી નહીં," એક કઝીને અનન્યાના ગાલે રંગ લગાડતા કહ્યું. આમ ને આમ બપોર થઈ ગઈ. બધા ખૂબજ થાકી ગયા હતા. નાહી ને જમી પરવારી બધા આરામ કરવા લાગ્યા.
અનન્યા એના રુમમાં બેઠી કોઈ વિચારોમાં ખોવાયેલી હતી. "ક્યાં ખોવાયેલી છે મારી પરી," મનહરભાઈ અનન્યાની બાજુમાં બેડ પર બેઠા ને કામિનીબેન સામે ચેર પર બેઠા. જોયું તો અનન્યાની આંખોમા આંસુ તગતગી રહ્યા હતા. હમણાં રડી પડશે એવું લાગી રહ્યું હતું. "પપ્પા-મમ્મી, થોડા સમયમાં હું તમારી પરી મટીને પરાઈ થઈ જઈશ. આ ઘર, તમને બધાને, અહીં લાગણીઓથી સિંચાઇને પાંગરતા મારા સંભારણા, મારી એક એક વસ્તુ," આંસુ અનન્યાના ગાલેથી વહી રહ્યા હતા. "પપ્પા આ જુઓ મારી ફર્સ્ટ બર્થ ડે ગિફ્ટ, આ ઢીંગલી તમે લઈ આવ્યા હતા. આ મારી બેગ, મારી ડાયરી, અત્યાર સુધીમાં તમે દર વર્ષે દિવાળી પર જે શુકન આપતા એ આ પીગીબેંકમાં જમા કરતી હતી." અનન્યાએ પીગીબેંક ખોલી બેડ પર ખાલી કરી, પાંચ રૂપિયાની નોટથી લઈ બે હજાર સુધીની નોટોની નાનકડી ઢગલી બેડ પર પથરાઈ ગઈ. "આ મારું ટેડી, આ મારી નાનકડી પાયલ, યાદ છે મમ્મી હું આખા ઘરમાં છુપાતી ફરતી ને પાયલના રણકારથી મને તું શોધી લેતી. મારી સાથે રમતી,"અનન્યા કામિનીના પાલવમાં મોઢું છુપાવી ડૂસકાં ભરવા લાગી. "મમ્મી-પપ્પા, મારી એક જ વિનંતી છે તમને કે મારો રૂમ જેમ છે એમ જ રાખજો. હું જ્યારે જ્યારે પિયર આવીશ ત્યારે મારી યાદો તાજા કરીશ, વચન આપો બંને," મનહરભાઈ અને કામિનીબેન બંને અનન્યાને વળગી પડ્યાં ને ત્રણે જણ મોકળા મને રડી પડ્યા."અનન્યા, બેટા, અમારા માટે તો તું કાયમ પરી જ રહીશ. અમારી હસતી રમતી, ધમાચકડી મચાવતી, ચહેકતી ચકલી. તારો રૂમ જેવો છે એવો જ રહેશે," પોતાના પાલવથી કામિનીએ અનન્યાના ગાલ લૂછયા. "અનન્યા, હવે નો મોર રોના ધોના, મારી પરી રડે એ મને જરાય ના ગમે હોં," મનહરભાઈએ ખિસ્સામાંથી એક નાનકડું ગિફ્ટ બોક્સ અનન્યાના હાથમાં મૂક્યું. અનન્યાએ બોક્સ ખોલ્યું તો એમાંથી ચાંદીની ગણપતિની નાની પણ મનમોહક મૂર્તિ નીકળી. અનન્યાએ શ્રધ્ધાથી મૂર્તિ માથે અડાડી ને પાછી બોક્સમાં મૂકી."અનન્યા, દીકરા, જીવનમાં જ્યારે પણ તને કોઈ મૂંઝવણ કે ઉલઝન સતાવે, ત્યારે તું આ ગણપતિની મૂર્તિને શ્રધ્ધાથી પ્રાર્થના કરજે, તારી બધી મુશ્કેલીઓનો અંત તુરંત જ આવી જશે. ચાલ હવે ફ્રેશ થઈને બહાર આવ, સાથે ચા પીએ," કહેતાં મનહરભાઈ અને કામિનીબેન પોતાની આંખો લૂછતાં બહાર અનન્યાની રૂમમાંથી બહાર નીકળ્યા.
*** *** ***
રોજ કરતા આજે રાજીવને ઓફિસે પહોચતા થોડું લેટ થઈ ગયું હતું. પ્યુન રામલાલ રાજીવની રાહ જોઈ રહ્યો હતો કારણકે આજે પારેખ એન્ડ સન્સના સ્ટાફ માટે ખુશીનો દિવસ હતો. અનંતરાય વર્ષમાં બે વાર સ્ટાફને બોનસ આપતા હતા, એક દિવાળી પર ને બીજું હોળી પર. આમ તો હોળીના દિવસે જ બોનસ આપી દેવામાં આવતું પણ અનંતરાયની નાદુરસ્ત તબિયતને લીધે અને કામના ટેંશનમાં રાજીવ ભૂલી ગયો હતો. સવારે જ્યારે અનંતરાયે એને યાદ અપાવ્યું ત્યારે રાજીવે ગિલ્ટી ફીલ કરી અને ઓફિસે પહોંચતા પહેલાં જ ઓફિસના મેનેજર, મિ. દિપક જાનીને બધાના કવર તૈયાર રાખવાનું જણાવી દીધું. અનંતરાયનો એક સિદ્ધાંત હતો કે ઘર હોય કે ઓફિસ, પણ ત્યાં કામ કરતી દરેક વ્યક્તિને પરિવારનો હિસ્સો જ ગણવો અને એમના થકી જ આપણે સુખી થઈએ એટલે એમને પણ એટલો જ હક છે કે એ લોકો પણ દરેક વાર, તહેવાર, પ્રસંગ એમના પરિવારજનો સાથે ઉજવી શકે. આપણા બાળકોની જેમ એમના બાળકો પણ એ દરેક ખુશી માણી શકે. રાજીવે ઓફિસે જઈ સૌ પ્રથમ દરેકની માફી માગી બોનસ આપવાનું નક્કી કર્યું.
ડાર્ક બ્લુ ડેનિમ પર વ્હાઇટ ને રેડ આડા સ્ટ્રેપ્સના ટી શર્ટમાં શોભતો રાજીવ જેવો ઓફિસમાં એન્ટર થયો ત્યાં જ એના મોબાઈલ પર મિ. આનંદ શાહનો કોલ આવ્યો, "ગુડ મોર્નિંગ મિ. રાજીવ, સોરી, તમને સવારમાં જ કોલ કરીને ડિસ્ટર્બ કરવા માટે. તમારી રિશેપ્સનિસ્ટ મિ. જેનીનો મેઈલ ચેક કર્યો. અમે તમારી સાથે કામ કરવા રાહ જોવા રેડી છીએ. આપના તરફથી પોઝિટિવ સહકારની અપેક્ષા રાખીએ છીએ."
"ગુડ મોર્નિંગ, મિ. શાહ. હું જલ્દી જ આપને મારો નિર્ણય જણાવીશ," કહી રાજીવ ફોન કટ કરી પોતાની ચેમ્બરમાં જઈ ચેરમાં બેસીને પહેલાં પ્યુન રામલાલથી શરૂઆત કરી બધાને વારાફરતી બોલાવી માફી માગી બોનસ એમાઉન્ટનું કવર આપ્યું. પછી રૂટિન કાર્યમાં પરોવાઈ ગયો.
"મિસ જેની, પ્લીઝ કમ ઇન માય ચેમ્બર," ઇન્ટરકોમથી મિસ જેનીને બોલાવી. બે મિનિટમાં તો મિસ જેની હાઈ હિલ સેન્ડલ ઠપકારતી આવી પહોંચી. ની લેન્થનું ડાર્ક મરૂન સ્કર્ટ ઉપર ફ્લોરલ પ્રિન્ટનું ટોપ પહેરેલી જેની આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી. જેની સાત વર્ષથી એ પારેખ એન્ડ સન્સ સાથે જોડાયેલી હતી પણ કયારેય ફરિયાદનો મોકો આપ્યો નહોતો. શ્યામ વર્ણ પણ મોટી કાજલઘેરી આંખો, સપ્રમાણ બાંધો અને ફાકડું ઈંગ્લીશ બોલતી જેની મિલનસાર હતી.
"મે આઈ કમ ઇન સર," ચેમ્બરનો દરવાજો નોક કરી રાજીવે ઈશારાથી અંદર બોલાવતા અંદર પ્રવેશી રાજીવની સામેની ચેર પર પગ પર પગ ચડાવી બેસી ગઈ. "સર, આ છે નેક્સ્ટ મિટિંગનું શેડ્યુલ." રાજીવના હાથમાં એક પેપર આપ્યું.
"મિસ જેની, મેં તમને એટલા માટે જ બોલાવી છે કે નેક્સ્ટ વીકમાં જેટલી પણ મિટિંગ છે એ બધી જ નેક્સ્ટ મંથ સુધી પોસ્ટપોન કરી દો. હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન જાઉં છું અને ક્યારે પાછો આવીશ કાંઈ ખબર નથી. નો કવેશ્ચન અબાઉટ ઇટ, ઇટ્સ સમથિંગ પર્સનલ એન્ડ કોન્ફિડેન્શીયલ. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઓફિસમાં પણ બધાને ખબર કરી દેજો. એક મહત્વનું કામ તમને સોપુ છું. પપ્પાની હેલ્થ અને ઓફિસની રજેરજની માહિતી મને અપડેટ કરતા રહેજો," રાજીવ એકધાર્યું બોલ્યે જતો હતો અને જેની એની ડાયરીમાં બધી ઇન્સ્ટ્રક્શન નોટ કરતી હતી."એન્ડ વન મોર થીંગ, કોની પાસે ક્યારે કેટલું બોલવું એ તમને બરાબર ખબર છે મિસ જેની. પ્લીઝ કો-ઓપરેટ મી. યુ કેન ગો નાઉ," રાજીવ પાછો લેપટોપમાં ખોવાઈ ગયો.
"યસ સર, ડોન્ટ વરી અબાઉટ ઓફિસ એન્ડ અનંત સર. આઈ વીલ ટ્રાય માય બેસ્ટ. હેવ અ નાઇસ ડે સર એન્ડ ઓલ ધ બેસ્ટ. ટ્રસ્ટ મી." હેન્ડ શેક કરી જેની પોતાની જગ્યાએ જતાં જતાં આખા સ્ટાફને યોગ્ય રીતે ઇન્ફોર્મેશન આપતી ગઈ.
"હાય, કેવી રહી હોળી," જેનીના જતાં જ રાજીવે અનન્યાને કોલ કર્યો," ધ્યાનથી સાંભળજે, એક ખાસ કામ માટે મેં તને કોલ કર્યો છે અનન્યા, આવતીકાલે હું એક અંગત કારણસર બહાર જઈ રહ્યો છું. આપણી સગાઈ આડે માત્ર દસ જ દિવસ બાકી છે, કદાચ હું એટલા સમયમાં પાછો ન પણ આવી શકું તો તું અહીં બધું સંભાળી લેજે અને આપણી સગાઈ પોસ્ટપોન કરી નેક્સ્ટ મંથની ડેટ ફિક્સ કરી લેજે. મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. હું ક્યાં જઈ રહ્યો છું એ ફક્ત અને ફક્ત તું જ જાણે છે. મમ્મી-પપ્પા પણ નહીં." ટૂંકમાં રાજીવે અનન્યાને આ સમયગાળા દરમિયાન થયેલી ઘટનાથી રાજપરા, ખીમજી પટેલ અને કમરપટ્ટાનો ઉલ્લેખ કર્યા વગર જ વાકેફ કરી.
"ઓકે ડિયર, હું અહીં બધું જ સાચવી લઈશ. પણ તું એક અજાણી વ્યક્તિને મળવા અજાણી જગ્યાએ જઈ રહ્યો છે તો સંભાળજે. જે વ્યક્તિના કોલથી પપ્પાના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે તો એ વ્યક્તિ કેવી હોઈ શકે એનો અંદાજ તો તને આવી જ ગયો હશે. દરેક પગલું સાચવીને ભરજે. તારું ધ્યાન રાખજે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી આગળ વધીશ તો મંઝિલ જરૂર મળશે. મને દરેક માહિતી આપતો રહેજે." અનન્યાના ગળે ડૂમો ભરાઈ આવ્યો. "લવ યુ એન્ડ મિસ યુ ટુ....."
"લવ યુ એન્ડ મિસ યુ ટુ. અનન્યા મને તારી હૂંફ અને સાથની સખત જરૂરત છે. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. અને એક વાત, કાલ સાંજ સુધીમાં તો રોશની અને મનીષકુમાર પણ આવી જશે. ઓકે સ્વીટહાર્ટ, હવે ફોન મુકું છું. ઓફિસનું કામ પતાવી સાંજે ઘરે જઈ ફ્રી થઈને કોલ કરીશ, બાય" રાજીવે ફોન કટ કર્યો સામે છેડે અનન્યા દિગ્મૂઢ બની પૂતળાની જેમ બેસી રહી. એના મનમાં ઘુમરાતા ડર અને શંકાના વમળમાં ઘુમરીઓ ખાતી રહી.
સાંજે ઘરે આવી, ફ્રેશ થઈ જમીને અનંતરાયના રૂમમાં જઇ રાજીવે એમને પોતાના બહાર જવા વિશે જણાવ્યું.
"આમ અચાનક, રાજીવ, દસ દિવસ પછી સગાઈ છે તારી. તું ક્યાં જવાનો છે એ નથી ખબર, ક્યારે પાછો ફરીશ એ પણ નથી જણાવતો. હું તને ક્યાંય નહીં જવા દઉં,"અનંતરાયે રાજીવનું બાવડું પકડી રાખ્યું.
"પપ્પા, પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો. હું જલ્દી પાછો ફરીશ, આઈ પ્રોમિસ. હવે કોઈ સવાલ નહીં. તમારે તબિયતનું ધ્યાન રાખવાનું છે અને ઓફિસની કોઈ ચિંતા નહીં કરતા. બધું થઈ રહેશે. કાલે તો રોશની અને મનીષકુમાર પણ આવી જશે અને પ્લીઝ મમ્મીને હમણાં કાંઈ નહીં કહેતા," રાજીવે અનંતરાય સામે હાથ જોડ્યા. વધુ કાંઈ ન કહેતા અનંતરાયે મુક સંમતિ આપી. રાજીવ પોતાના બેડરૂમમાં આવી રાજપરા જઇ રહસ્ય સુધી પહોંચવાનો નિર્ણય કરી બીજા દિવસે જવાની તૈયારી કરવા લાગ્યો
"રાજીવ ક્યાં, કયા કામે, કયા ગામે, કોને મળવા, શું કરવા જઈ રહ્યો છે," અણઉકેલ્યા પ્રશ્નોની અવઢવમાં અનંતરાય અને અનન્યા બંને ગોથાં ખાઈ રહ્યા હતા અને આવનારી અકલ્પિત ઘટનાઓથી અજાણ પોતાની રીતે તારણ મેળવવાની નાકામ કોશિશ કરી રહ્યા હતા.
વધુ આવતા અંકે..........
આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.