Tran Vikalp - 16 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 16

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૬

નિમિતાની જાહેરાત થયા પછી કંપનીને ખૂબ નફો થયો હતો. નિમિતાનું કામ જોઈને બીજી કંપની પણ એની પાસે એડ કરાવવા માટે પ્રયત્નશીલ બની હતી. નિમિતાનું સફળ મોડેલ બનવાનું સપનું પૂરું થયું હતું. હિરોઈન બનવા માટે એક ડગલું આગળ વધી હતી. નિમિતા સફળતાનો નસો અનુભવતી હતી. એ જ સમયે અનુપે સફળતાના નસામાં ચકચૂર નિમિતાને પોતાના વિચારો કરવા માટે મજબૂર કરી હતી. સપના પૂરા કરવા સિવાય નિમિતાનાં મગજમાં બીજા કોઈ વિચાર ભાગ્યે આવતા. એ વિચારોમાં અનુપે બ્રેક લગાવી હતી. અનુપ સાથે વિતાવેલી પળો નિમિતાનાં જીવનમાં સ્નેહનુ ઝરણું લઈને આવી હતી. અનુપના અધરના સ્પર્શથી નિમિતાનાં ગુલાબ જેવા હોઠ સાથે એના હ્રદયમાં પણ ગુલાબ ખીલ્યા હતા. અનુપ પ્રત્યેના આકર્ષણમાં પોતે ગળાડૂબ ક્યારે થઈ એ વિચારવાનો પણ અવકાશ નહોતો એની પાસે. ઓફિસમાં બનેલી એ અણધારી ઘટના વારંવાર યાદ કરીને પોતાની જાતથી શરમાતી હતી. નિમિતાનાં જીવનમાં પ્રેમનો પહેલો અંકુર ફૂટ્યો હતો.

***

બીજા દિવસે સવારે અનુપ આગળ ખેલ વધારવા માટે હોસ્ટેલ આવ્યો. રોજની જેમ નિમિતા યોગામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતી હતી. એના મનને એકાગ્ર કરવા માટે એ ધ્યાન મુદ્રામાં બેઠી હતી. આજે પણ શાંત વાતાવરણમાં મન એકાગ્ર થવાનું નામ નહોતું લેતું, પરંતુ આજે મનમાં ઉદાસીની જગ્યાએ પ્રેમનાં મીઠા સ્પર્શની અનુભૂતિ હતી. દિલના એક ખૂણામાં અનુપ પરણેલો છે, તે ખબર હોવા છતાં એ સ્વીકાર કરવાની ઈચ્છા નહોતી. અનુપ હાથનો ઇશારો કરી હેમા સાથે ફરીથી એ જ રીતે ખેલ આગળ વધારે છે.

અનુપ: “હેમાબેન, કાલે મારાથી સેજલ છે એવું સમજીને નિમિતા સાથે ખોટું કામ થયું... એ છોકરી કેવું વિચારશે કે હું કેવો સંસ્કાર વગરનો માણસ છું... જો મને ખબર પડી હોત કે નિમિતા છે, તો હું એવું અપકૃત્ય ના કરતો... તમે એ છોકરીને સમજાવજો, મારાથી અજાણતા એ કામ થયું છે...”

હેમા: “હું નિમિતાને સમજાવીશ... સેજલે છૂટાછેડા લેવાનું બંધ રાખ્યું કે નહીં એ કહો.”

અનુપ: “ના, એ હજુ સુધી માની નથી... હેમાબેન એક વાત કહું... કાલે નિમિતા સાથે જે મેં થોડી પ્રેમની અનુભૂતિ કરી એવી સેજલ સાથે મને કોઈ દિવસ થઈ નથી... સેજલે મને કોઈ દિવસ પ્રેમ કર્યો નથીને, એટલે મને એના સ્પર્શમાં નિમિતાના પ્રેમ જેવો અહેસાસ નથી થયો... કાલે આખી રાત મેં નિમિતા વિષે વિચાર્યુ... સેજલ સાથે લગ્નના બંધનથી જોડાયેલો છું, નહિતો નિમિતાને મારી સાથે લગ્ન કરવા માટે હું પગે પડીને મનાવી લેતો... પણ મજબૂર છું... દીકરીનો બાપ છું... જો સેજલની ઈચ્છા પૂરી કરું તો નિમિતા સાથે લગ્ન કરી શકું છું, પણ એંજલને હું ખોવા નથી માંગતો... ખબર નથી ઉપરવાળાની શું ઈચ્છા છે? સેજલને છોડી નથી શકતો અને નિમિતાને મેળવી નથી શકતો... આજે નિમિતા આવશે ત્યારે હું શું મોઢું બતાવીશ એને... એ તો મારા માટે કેટલું ખરાબ વિચારે છે, એ પણ મને ખબર નથી...”

હેમા: “સર નિમિતા બહુ સમજદાર અને ઠરેલી છોકરી છે... એને સમજાયું હશે કે, સેજલના વિયોગમાં તમારાથી ભૂલ થઈ છે... એને ખબર છે કે સેજલ તમારાથી દૂર જવા માંગે છે... અને... ખરેખર જો નિમિતા પ્રત્યે તમને થોડી પણ પ્રેમની લાગણી હોય, તો હું માનું છું કે સેજલને છૂટાછેડા આપીને તમારે એની સાથે લગ્ન કરવા જોઈએ... હું મીના અને નિમિતા બન્નેને તમારી પૂરી વાત સમજાવીશ... એ લોકો પણ તમારા બન્નેના લગ્ન કરવા માટે રાજી થશે...”

અનુપ: “હેમાબેન, આ બધી વાત જેટલી બોલવામાં સહેલી લાગે છે... એટલી નથી... બસ તમે નિમિતા મારા વિષે કોઈ ગેરસમજ ઊભી ના કરે એ ધ્યાન રાખજો...”

અનુપ મોઢામાં સિગારેટ સળગાવતો અને જીત ઉપર મુસ્તાક થતો પરત જાય છે. હેમા બાગમાં પાણી રેડવા માટે બહાર આવે છે. નિમિતા તરફ ધ્યાન આપ્યા વગર એ એનું કામ કરવા લાગે છે. નિમિતા એની પાસે આવે છે: “ગુડ મોર્નિંગ હેમાબેન”

હેમા: “અરે નિમિતા... ગુડ મોર્નિંગ... અનુપ સર આવીને ગયા... કાલના એમના વર્તન માટે તારી માફી માંગી છે... તું તો જાણે છે, એ બિચારા પત્નીની જીદ સામે નિ:સહાય છે... આશા રાખું છું કે તું એમને માફ કરે...”

નિમિતા: “હા... હેમાબેન સમજુ છું એમની પરિસ્થિતી... મને એમના વર્તનથી કશું માઠું નથી લાગ્યું... ઉપરથી એમના માટે ચિંતા થાય છે...”

હેમા: “મને પણ થાય છે... આમ જ રહેશે તો કદાચ એ દરેક છોકરીને સેજલ સમજીને તારી સાથે કર્યું એવું વર્તન કરશે તો? નિમિતા મારી તને એક વિનંતી છે... તું એમને સારી રીતે સમજે છે... બીજી કોઈ છોકરી ના પણ સમજે... એમની આ ખરાબ સ્થિતિમાં તું એમના પખડે ઊભી રહે તો સારું... હું તને માત્ર મારી ચિંતા વ્યક્ત કરું છું... એના પર અમલ કરવો કે, નહીં એ તો તારે જ નક્કી કરવાનું રહેશે.”

હેમાએ એના વાક્ચાતુર્યથી નિમિતાના દિલમાં અનુપ પ્રત્યે નવી ઉભરાતી લાગણીને, એક પગથિયું વધારે ઉપર ચડાવ્યું હતું. અનુપ પ્રત્યે જાગેલા પ્રેમની નવી પરોઢ થઈ હતી. દિલમાં એક નવી લાગણીનું સિંચન થયું હતું. જેમ વરસાદના ઝરમર છાંટાથી ભીની સોડમ ધરતીનાં કણ-કણમાં મહેકે એ રીતે નિમિતાના રુંવે-રુંવે અનુપના સ્પર્શની સુંગંધ પ્રસરી હતી. અનુપના હોઠનો સ્પર્શ યાદ આવે તો એના તન-મનમાં વીજળી પ્રસરી જતી. નિમિતા પૂરી રીતે અનુપનાં પ્રેમમાં રંગાઈ હતી. એક રીતે એ અનુપની જાળમાં ફસાઈ હતી.

હેમા અને અનુપ એમના કપટથી નિમિતાને આસાનીથી છેતરી રહ્યા હતા, તે સમયે ઓફિસની બીજી દીવાલની બારી નીચે કોઈ બધી વાત સાંભળતું હતું. એ લોકોને ખબર નહોતી કે વિદ્યા બીજી બારી પાસે બેઠી હતી. વિદ્યા ઘણાં દિવસો પછી એના રૂમમાંથી બહાર આવી હતી. વિદ્યાને સમજતા વાર ના લાગી કે અનુપ અને હેમા કોઈ ભોલી અને નાદાન છોકરીને ફસાવી રહ્યા છે. વિધાએ જ્યારે નિમિતાને જોઈ ત્યારે સમજી ગઈ કે નિમિતાની સુંદરતાનો અનુપ દીવાનો થયો છે. એ અનુપને સારી રીતે ઓળખતી હતી. નિમિતાને બધી વાતથી અવગત કરવાનો વિદ્યાને વિચાર આવ્યો. સાથે એને બીક પણ લાગી કે જો અનુપને ખબર પડશે તો બીજી શું સજા થઈ શકે? હજી સુધી એ અનુપના અધમ કૃત્યના આઘાતથી બહાર આવી નહોતી અને અનુપની ઉપરવટ જવાની હવે એનામાં તાકાત પણ નહોતી. ઉપરાંત વિદ્યાને હોસ્ટેલ બહાર જવાની પણ મનાઈ હતી.

***

અનુપ ઓફિસમાં બેઠો નિમિતાની રાહ જોતો હતો. એ જાણતો હતો નિમિતા આવશે. નિમિતાનું ચિત્ત પણ શૂટિંગ, સ્વપ્ન, ઘરના સભ્યો વગેરેથી સેંકડો કિલોમીટર દૂર માત્ર અનુપના વિચારોમાં ખોવાયું હતું. અનુપ સોફા પર બેઠો દારૂ પીતો હતો: “નિમિતા, આવ બેસ… હું આશા રાખું છું કે, તે મને માફ કર્યો હશે...”

અનુપના હાથમાંથી ગ્લાસ લઈ નિમિતા બોલે છે: “સર, દિવસે પણ હવે ડ્રિંક ચાલુ કર્યું!”

નિમિતા હિરોઈન બનવા માંગતી હતી પણ અત્યારે અભિનયમાં અનુપનો જોટો મળે એવું નહોતું. પ્રેમમાં પાગલ દિવાના જેવું મોઢું કરીને બોલે છે: “શું કરું... મનને શાંતિ આપવા માટે આ જ એક સહારો છે... કાલે જરૂર નહોતી પડી... કાલે તારી બાહોમાં બધા દુ:ખ ભૂલી ગયો હતો... પણ, આજે એની મને જરૂર છે.” નિમિતાને અનુપની હાલત જોઈ દયા આવે છે: “સર, તમારે એંજલ માટે બધુ છોડી દેવું જોઈએ.”

અનુપ નિસાસો ઠાલવતાં બોલે છે: “એના માટે તો બધુ સહન કરું છું... બસ કોઈનો જીવનભર સાથ પામવા માટે આટલા બધા ભોગ આપવા પડે એ હવે સહન નથી થતું... હું પણ કેવી વાત લઈને બેઠો... આજે તો તારો દિવસ છે... મેં તને ખુશીના સમાચાર આપવાના બદલે મારા વલોપાત શરૂ કર્યા.”

અનુપ ધીરેથી નિમિતાનો એક હાથ પોતાના બન્ને હાથની હથેળી વચ્ચે લઈને બોલે છે: “તને ખબર છે, તારી એડ જાહેર થયા પછી આપણી કંપનીની વસ્તુઓનાં વેચાણમાં વધારો થયો છે... એનો જશ તને મળવો જોઈએ... આજે તારી સફળતા માટે મેં ઓફિસમાં પાર્ટી રાખી છે... તું આ પાર્ટીમાં ચારચાંદ લાગે એ માટે મારૂ માન રાખીને રોકાઇશ?” ઓફિસમાં પાર્ટી થાય છે, એ નિમિતા જાણતી હતી પણ ક્યારેય પાર્ટીમાં રોકાતી નહોતી. એને રોકવા માટે અનુપે તીર ચલાવ્યું હતું અને એ બરાબર નિશાના પર લાગ્યું હતું.

નિમિતા પણ બીજો હાથ અનુપની હથેળી પર મૂકી બોલે છે: “સર, મારી સફળતા તમારા થકી મને મળી છે... હું તમારી જીવનભર આભારી રહીશ... તમારે મને પૂછવાનું ના હોય... કહેવાનું હોય કે મારે પાર્ટીમાં રોકાવું પડશે... હું રોકાઇશ.”

અનુપ એની પાસે એક બોક્સ હતું એ નિમિતાને આપે છે: “નિમિતા આ મારા તરફથી તને ગિફ્ટ છે... પાર્ટીમાં આ પહેરીને આવશે તો મને વધારે ખુશી થશે.” નિમિતા બોક્સ ખોલીને જુએ છે તો એમાં પિન્ક કલરનું ફેન્સી ગાઉન હતું. એ જોઈને નિમિતા દંગ થાય છે. ગાઉનમાં યલો જરીના ખુબજ સુંદર ફૂલો તથા લીલી જરીના પાંદડાની ડિઝાઇન હતી. ગાઉન ખરેખર બહુજ સુંદર હતું.

નિમિતા: “સર, આટલું સુંદર અને કીમતી ગાઉન તમે મારા માટે લાવ્યા છો! બહુ જ સુંદર છે.

નિમિતાની ખુશી જોઈને અનુપ એનું છેલ્લું બાણ ચલાવે છે: “નિમિતા, મારા કાલના વર્તન માટે મને માફ કરજે... પણ એક વાત સત્ય છે કે તારા સંસર્ગથી મારા મનને બહુ શાંતિ મળી છે... મને એવું લાગે છે કે તારા પ્રેમ વગર મારૂ જીવન અધૂરું છે... તારા વગર રહેવું મને બહું આકરું લાગે છે... ધારુ તો સેજલને છૂટાછેડા આપી તને પત્ની બનાવી શકું છું... તું મારા જીવનમાં પ્રેમની ખાલી જગ્યા ભરવા માટે નિમિત્ત બનીશ? સેજલને ખુશ કરવામાં નિષ્ફળ છું, પણ તારી જિંદગીમાં બધી ખુશીઓ લાવીશ... પાર્ટીમાં તું મારૂ આપેલું ગાઉન પહેરીને આવીશ તો હું સમજીશ કે તારી ‘હા’ છે... જો તારી ‘ના’ હોય તો હું મારી ઉદાસ જિંદગીમાં પાછો વળી જઈશ... તને કોઈ પ્રકારની બળજબરી મારા તરફથી નથી... બહું વિચારીને પાર્ટીમાં આવજે.”

નિમિતા સાંભળીને પૂતળાની જેમ મટકું માર્યા વગર અનુપને જોતી રહી. અનુપ મંદ-મંદ મુસ્કાન સાથે નિમિતાને વિચાર કરતી મૂકી બહાર જાય છે. ઓફિસમાં નાની નાની વાત પર પાર્ટી અવાર-નવાર થતી, પણ નિમિતા કોઈ દિવસ રોકાતી નહોતી. આજે અનુપે નિમિતાને પાર્ટીમાં રોકવા માટે મનાવી હતી. અનુપના રાક્ષસી વિચારોએ એનો છેલ્લો દાવ રમી બાજી પાથરી હતી. પાર્ટીના બહાના નીચે આજે એ નિમિતાને સંપૂર્ણપણે મેળવવાના એના કામને અંજામ આપવા માટે તૈયાર હતો.

નિમિતા પોતાની સફળતા માટે ઓફિસ તરફથી પાર્ટી રાખવામાં આવી છે એ વાતથી ખુશ હતી, તો અનુપ સાથે થયેલી વાતથી ચિંતામગ્ન હતી. વાતોમાં અનુપે ઈશારો આપ્યો હતો એને પત્ની બનાવવાનો. અંદરખાને એ પણ અનુપને અતૂટ પ્રેમ કરવા લાગી હતી. એના મગજમાં વિચારોનું તોફાન શરૂ થાય છે. દિલના એક ખૂણામાં પત્ની શબ્દએ જીત મેળવી હતી. પહેલા પ્રેમમાં ચકચૂર થઈને મદહોશ થવા એનું મન અનંત વેગથી દોડ્યું હતું. આજે એને ફરી એકવાર એના પપ્પા સાચા લાગે છે. જો લગ્નજીવનમાં ખુશી પ્રાપ્ત ના થાય તો છૂટા થવામાં અને બીજા લગ્ન કરવામાં કશું ખોટું નથી. જ્યારે મમ્મી અને પપ્પા જુદા થયા ત્યારે પહેલી વાર એના જીવનમાં ત્રણ વિકલ્પ આવ્યા હતા. એ વખતે નિમિતાએ મમ્મી અને નાના બન્નેને છોડી પપ્પા સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. દરેક વ્યક્તિનાં જીવનમાં બદલાવનું કારણ પણ કોઈ વ્યક્તિ હોય છે. નિમિતાની વિચારધારાને બદલવાનું કારણ એના મમ્મી અને પપ્પાનો સંબંધ હતો.

આજે ફરી એક વાર નિમિતાનાં જીવનમાં ત્રણ વિકલ્પ આવ્યા હતા. ૧) અનુપની કંપની છોડી બીજી કંપનીમાં મોડેલિંગ કરવું. ૨) અનુપને ‘ના’ પાડી એની કંપનીમાં મોડેલિંગ ચાલુ રાખવું. ૩) અનુપના પ્રેમનો સ્વીકાર કરવો. નિમિતા વિચારોનાં વમણમાં અટવાઈ હતી. એની નજર સમક્ષ મમ્મી અને પપ્પાના ચહેરા આવતા, તો બીજી ક્ષણે નિયતિ કહેતી ‘દીદી કોઈ ખોટું પગલું ના ભરીશ.’ પરિવારના દરેક સભ્યના સ્વભાવ મુજબ કોણ શું કહેશે એ તુક્કા લગાવે છે. બધાનાં ખ્યાલો યાદ કરતાં એક વાત ખબર પડે છે કે, એના અને અનુપનાં સંબંધને કોઈ સ્વીકારશે નહીં. નિમિતા જાતે જ ત્રીજા વિકલ્પ ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. ઘરમાં કોઈને હમણાં નહીં જણાવવાનું પણ નક્કી કરે છે.

પાર્ટીનો સમય થાય છે એટલે અનુપનું આપેલું ગાઉન પહેરી નિમિતા પાર્ટીમાં હાજર થાય છે. અનુપને વિશ્વાસ નથી આવતો કે નિમિતાનો જવાબ ‘હા’ છે. એ જાતે પોતાના ગાલ ઉપર ટપલી મારી સપનું છે કે નહીં એની ખાતરી કરે છે. નિમિતા ઝગમગ ગાઉનમાં ખૂબ સુંદર પરી જેવી દેખાતી હતી. ચહેરા પર આછો મેકઅપ હતો. પણ આંખોમાં અનુપ માટે અપાર પ્રેમ ઝળકતો હતો. એને જોઈને બધા શુભેચ્છા આપે છે. એ સીધી અનુપ જોડે જઈને ભેટે છે: “મારો જવાબ મળી ગયો!”

અનુપ પણ એને કમરથી ઊંચકીને ગોળ ચક્કર લગાવે છે. બધા અવાચક બનીને અનુપ અને નિમિતાને જોઈ રહે છે. અજય અને રાકેશને સમજતા વાર નથી લાગતી કે અનુપ બાજી જીતી ગયો છે.

અનુપ ધીમેથી નિમિતાને નીચે ઉતારી બાહોમાં એને જકડી બોલે છે:

“તારા ચહેરા પર મારા પ્રેમનો રંગ ચડ્યો છે,

મારા જીવનમાં તારા પ્રેમનો ઉજાસ થયો છે.”

નિમિતાનાં ચહેરો ખરેખર લાલ થાય છે. એના હાથ અનુપના વાસાં પર ફેરવતા બોલે છે:

“તારા વગર અધૂરી છે જિંદગી, થામી લે મારો હાથ,

સાથે મળીને પૂરા કરીશું, આપણાં પ્રેમથી દરેક અરમાન.”

અનુપ બીજી શાયરી બોલે છે:

“તારી આંખોમાં કેવી કસીસ છે એ ના પુછીશ.

અંકુશ વગરનું દિલ કેવું ખેંચાય છે એ ના પુછીશ.”

થોડી ક્ષણો દરેકના ચહેરા પર આશ્ચર્ય જોવા મળે છે. નિમિતા અને અનુપ થોડી વાર એ સ્થિતિમાં અલૌકિક અનુભૂતિનો આનંદ માળતા ઊભા રહે છે. નિમિતા પહેલી વાર અનુપને નામથી બોલાવે છે: “અનુપ, મારો સાથના છોડીશ.” અનુપ પણ હામી ભારે છે: “નહીં છોડું... તું છોડાવા માંગીશ, તો પણ નહીં છોડું.” એકબીજાનો હાથ છોડ્યા વગર બન્ને પાર્ટીમાં ખૂબ મજા કરે છે. પાર્ટી પૂરી થયા પછી બધા જાય છે. નિમિતા પણ જવા માટે તૈયાર થાય છે. અનુપ બસ થોડી વાર વધારે બેસ હું તને હોસ્ટેલ છોડવા આવીશ, કહીને રોકે છે. એ રાત્રે નિમિતા થોડી આનાકાની પછી અનુપની ઈચ્છા સામે હાર માની, બધી સીમા વટાવી પોતાના તનનું સમર્પણ કરે છે. અનુપના જીવનમાં પહેલી વાર વાસનાનું સ્થાન ‘કામ’ દ્વારા થાય છે, જેમાં ‘કામ’ની પૂર્તિનો અહેસાસ થાય છે. નિમિતાનો માસૂમ પ્રેમ જોઈ અનુપને પહેલી વાર દુ:ખ થાય છે, કે છળકપટની વાતનો સહારો લઈ પ્રેમ મેળવ્યો છે. અનુપ એના નાટકને હકીકતનું સ્વરૂપ આપવા માટે નિશ્ચય લે છે. અનુપ પિતા હર્ષદરાયને પોતે બીજા લગ્ન કરવા માંગે છે એ જણાવે છે. સાથે અજય અને રાકેશને પણ કહે છે. હર્ષદરાય દીકરા માટે બધુ કરવા હમેંશા તૈયાર હોય છે. પણ બીજા લગ્નની વાત એમને પસંદ આવતી નથી.

ક્રમશ: