Unique tale of incomplete love - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 2

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨



સુજાતા પોતાનાં રૂમમાં જઈ સૂઈ ગઈ. સુજાતાની વાતોનાં લીધે રાજુને પણ સારી ઉંઘ આવી ગઈ. સવારે ઉઠી સુજાતા શાળાએ જવા તૈયાર થતી હતી. ત્યારે સુજાતાનાં પપ્પાએ આવીને કહ્યું, "ચાલ બેટા, તૈયાર થઈ ગઈ? આજ હું તને શાળાએ મૂકવાં આવીશ."

કલ્પેશભાઈની વાત સાંભળી સુજાતાએ પૂછ્યું, પપ્પા તમારે આજે ઓફીસે નથી જવાનું?"

કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "જવાનું છે ને બેટા, પણ આજ મારે તારી શાળામાં એક કામ છે."

કામની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "એવું તો શું કામ છે પપ્પા? કે તમારે ક્યારેય નહીં ને આજ મારી શાળાએ આવવું પડે છે."

કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "તારાં માટે એ એક સરપ્રાઈઝ છે. એ તને શાળાએ જઈને જ ખબર પડશે."

સરપ્રાઈઝ સાંભળતા જ સુજાતા ઉછળી પડી. કલ્પેશભાઈએ સુજાતાને ખુશ જોઈને કહ્યું, "હવે ચાલ જલ્દી. મોડું થાય છે."

સુજાતા ફટાફટ પોતાનું બેગ પેક કરી કમલાબેન પાસેથી નાસ્તા બોક્સ લઈને કલ્પેશભાઈ સાથે કારમાં બેસી ગઈ. સુજાતાનાં બેસી ગયાં બાદ કલ્પેશભાઈએ કાર શાળા તરફ હંકારી મૂકી.

શાળાએ પહોંચી સુજાતા અને કલ્પેશભાઈ શાળાનાં પ્રિન્સિપાલની ઓફિસમાં ગયાં. ઓફિસમાં જઈને કલ્પેશભાઈએ કહ્યું, "મેં રાજુના એડમિશનની વાત કરી હતી-"

કલ્પેશભાઈ હજું આગળ કાંઈ બોલે એ પહેલાં જ પ્રિન્સિપાલે કહ્યું, "હાં, એ બાબત મને ખબર છે. તમે તેનાં જરૂરી ડોક્યુમેન્ટ આપી દો. હું હમણાં જ તેનું એડમિશન કરી આપું. પછી કાલથી રાજુ શાળાએ આવી શકશે."

કલ્પેશભાઈએ રાજુના બધાં ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલને આપી દીધાં. બધી માહિતી એકઠી કરી, કલ્પેશભાઈનાં હસ્તાક્ષર લઈને. પ્રિન્સિપાલે કહ્યું, "હવે કાલથી રાજુને શાળાએ મોકલી દેજો."

કલ્પેશભાઈએ પ્રિન્સિપાલનો આભાર માની ઓફિસની બહાર નીકળીને સુજાતાને પૂછ્યું, "કેમ બેટા, કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ?"

સુજાતાએ કલ્પેશભાઈને ગળે વળગીને કહ્યું, "બહું મસ્ત સરપ્રાઈઝ આપ્યું તમે પપ્પા. પણ, આ બધું આમ અચાનક કેવી રીતે નક્કી કર્યું તમે?"

સુજાતાનાં સવાલનો જવાબ આપતાં કલ્પેશભાઈએ કહ્યું, "કાલ તું અને રાજુ વાતો કરતાં હતાં એ વાતો મેં સાંભળી લીધી હતી. એટલે મેં ત્યારે જ રાજુનું એડમિશન તારી શાળામાં કરાવવાનું નક્કી કરી લીધું. જેથી તું હંમેશા તેનું ધ્યાન રાખી શકે."

કલ્પેશભાઈની વાતો સાંભળી સુજાતાએ કહ્યું, "અરે પપ્પા, હવે તો તમે જુઓ. હું રાજુનુ પૂરું ધ્યાન રાખીશ. તેને જેમ બને એમ જલ્દી પહેલાં જેવો બનાવી દઈશ."

સુજાતાની વાતોથી ખુશ થઈ કલ્પેશભાઈ પોતાની કારમાં બેસી ઓફિસે જવા નીકળી ગયાં. સુજાતા પોતાના ક્લાસરૂમમાં જઈ ભણવામાં વ્યસ્ત થઈ ગઈ.

બપોરે સુજાતા શાળાએથી ઘરે જઈને જમ્યા વગર જ સીધી રાજુનાં રૂમમાં પહોંચી ગઈ. રાજુ પોતાનાં બેડ પર બેસીને બુક વાંચી રહ્યો હતો. જે જોઈ સુજાતાએ બુક ખેંચી લીધી. સુજાતાને આવું કરતાં જોઈ રાજુએ કહ્યું, "અરે શું કરે છે તું?"

રાજુનાં સવાલનો જવાબ આપતાં સુજાતાએ કહ્યું, "તારાં માટે એક સરપ્રાઈઝ છે."

સરપ્રાઈઝ સાંભળતા જ રાજુએ કહ્યું, "તારી પાસે વળી મારાં માટે શું સરપ્રાઈઝ છે?"

સુજાતાએ રાજુને આંખો બંધ કરવાનું કહી પોતાનાં બેગમાંથી એડમિશન લેટર કાઢીને કહ્યું, "હવે આંખો ખોલ."

આંખો ખોલતાંની સાથે જ રાજુને નવી શાળાનો એડમિશન લેટર જોઈ એક આંચકો લાગ્યો. જે જોઈ સુજાતાએ કહ્યું, "કાલથી તું હવે મારી સાથે મારી શાળાએ આવીશ."

સુજાતાની વાત સાંભળી રાજુએ ગુસ્સા સાથે ડર મિશ્રિત સ્વરે સુજાતાને કહ્યું, "તને આવું કરવાનું કોણે કહ્યું હતું? આમ અચાનક મારી શાળા છોડી મારે બીજી શાળામાં નથી જવું."

રાજુની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "તારે બીજાની નહીં. મારી શાળામાં આવવાનું છે."

રાજુએ સુજાતાને સમજાવતો હોય એવાં સૂરમાં કહ્યું, "પણ મારે તારી શાળામાં પણ નથી આવવું. તું કેમ સમજતી નથી. હું મારાં મમ્મી-પપ્પાને તો ખોઈ ચૂક્યો છું. હવે મારાં મિત્રોને ખોવા નથી માંગતો."

રાજુની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "તો મેં ક્યાં તને તારાં મિત્રોથી અલગ કર્યો. તારા જૂનાં મિત્રો તો રહેશે જ. બસ હવે તારે નવાં મિત્રો બનાવી તારાં જીવનની નવી શરૂઆત કરવાની છે."

સુજાતાની વાત સાંભળીને રાજુએ ખૂબ જ ગુસ્સે થઈને કહ્યું, "હજું કેટલુંક નવું થવાનું બાકી છે? હવે મારે કાંઈ નવું નથી કરવું. હું મારી શાળામાં ખુશ છું. મારે કોઈ બીજી શાળામાં નથી જવું."

રાજુ ખૂબ જ ગુસ્સામાં બોલી રહ્યો હતો. જેથી તેનો અવાજ નીચે બેઠેલાં કલ્પેશભાઈ સાંભળી ગયાં, ને રાજુનાં રૂમમાં આવી પહોંચ્યાં. રાજુની બીજી શાળામાં નાં જવાની વાત સાંભળી કલ્પેશભાઈએ કહ્યું, "બેટા, શાંત થઈ જા. તું જેમ કહીશ એમ જ અમે કરીશું. પણ, બેટા તું એકવાર થોડાં દિવસ પૂરતો સુજાતાની શાળામાં અભ્યાસ કરી તો જો. પછી જો તને ત્યાં નાં ફાવે તો હું ફરી તારી શાળામાં તારું એડમિશન કરાવી આપીશ."

કલ્પેશભાઈની વાત સાંભળી રાજુએ કહ્યું, "પણ અંકલ જો મારે ફરી મારી શાળામાં જ જવું છે, તો પછી બીજી શાળામાં જવાનો શું મતલબ?"

રાજુના આવાં સવાલથી કલ્પેશભાઈએ કહ્યું, "બેટા તને એવું કોણે કહ્યું કે, તને સુજાતાની શાળામાં નહીં જ ગમે?"

કલ્પેશભાઈના એવાં સવાલથી રાજુને શું બોલવું એ નાં સમજાતાં રાજુ માત્ર કલ્પેશભાઈ અને સુજાતાની સામે જોતો રહ્યો.

રાજુને ચૂપ જોઈ સુજાતાએ કહ્યું, "તું માત્ર એક જ અઠવાડિયું મારી શાળામાં આવ. જો પછી તને ત્યાં નાં ફાવે તો બીજાં અઠવાડિયાનાં પહેલાં જ દિવસે તું તારી શાળામાં હોઈશ. એ જવાબદારી મારી."

સુજાતાની વાત સાંભળી રાજુએ તેની અને કલ્પેશભાઈની વાતમાં મૂક સહમતી આપી દીધી. રાજુની સહમતી મળતાં સુજાતા અને કલ્પેશભાઈ પોતપોતાનાં રૂમમાં જતાં રહ્યાં.

બંનેનાં ગયાં પછી રાજુ પોતાનાં જૂનાં દિવસો યાદ કરવાં લાગ્યો. રાજુ પોતાની મમ્મી અનુરાધાબેનનાં ફોટો આગળ જઈને કહેવા લાગ્યો, "મમ્મી તું મને એકલો છોડી શાં માટે ચાલી ગઈ? તું હતી તો બધું સારું હતું. તું નથી તો કાંઈ સારું નથી."

રાજુ જમવા પણ નીચે નાં ગયો. સાંજ સુધી તે પોતાનાં રૂમમાં જ રહ્યો. રાતનાં આઠ વાગતાં રાજુ સૂઈ ગયો.

રાજુ સવારે ઉઠીને તૈયાર થતો હતો. ત્યાં જ સુજાતા તેને બોલાવવા માટે આવી. રાજુનાં રૂમમાં આવીને તરત જ સુજાતાએ કહ્યું, "તૈયાર થઈ ગયો?"

સુજાતાનાં સવાલનો રાજુએ ઉદાસ ચહેરે એક જ શબ્દમાં જવાબ આપ્યો, "હાં."

રાજુને ઉદાસ જોઈને સુજાતાને બહું જ દુઃખ થયું. પરંતુ, તેણે અત્યારે કાંઈ નાં કહેવાનું જ ઉચિત સમજીને રાજુ સાથે નીચે નાસ્તો કરવાં માટે ગઈ.

નીચે કમલાબેન અને કલ્પેશભાઈ નાસ્તાનાં ટેબલ પર બેસી રાજુ અને સુજાતાની જ રાહ જોતાં હતાં. બંનેના આવતાની સાથે જ કલ્પેશભાઈએ કહ્યું, "અરે, આવી ગયાં તમે બંને? હવે જલ્દી નાસ્તો કરી લો. પછી હું તમને બંનેને શાળાએ મૂકી જાવ."

કલ્પેશભાઈની વાત પૂરી થતાં જ કમલાબેન બોલી ઉઠ્યાં, "શું તમે પણ? છોકરાંવને સરખો નાસ્તો તો કરી લેવાં દો."

કમલાબેને હજુ પોતાની વાત પૂરી કરી, ને રાજુ અને સુજાતાની પ્લેટમાં પૌંઆ-બટેટા પરોસ્યા, ત્યાં જ સુજાતાએ કહ્યું, "પપ્પા તમે તો મને ક્યારેય શાળાએ મૂકવાં નથી આવતાં. તો આજે કેમ આવવાનાં છો?"

"બસ, એમ જ બેટા. આજે રાજુનો‌ શાળામાં પહેલો દિવસ છે, તો થયું હું તમને મૂકી જાવ.

"ઠીક છે, પપ્પા. તો ચાલો હવે આપણે નીકળીએ." સુજાતાએ નાસ્તો કરી ઉભાં થઈને કહ્યું.

"હાં, ચાલો. પછી મારે ઓફીસે પણ જવાનું છે." કલ્પેશભાઈએ કારની ચાવી લઈ કાર તરફ આગળ વધતાં કહ્યું.

રાજુ અને સુજાતા બંને કારની પાછળની સીટમાં બેસી ગયાં. કલ્પેશભાઈએ કારને શાળા તરફ હંકારી મૂકી. રાજુ હજું પણ ઉદાસ ચહેરે કાંઈ પણ બોલ્યાં વગર બેઠો હતો. રાજુને આમ ઉદાસ જોઈ સુજાતાથી નાં રહેવાયું. સુજાતાએ કહ્યું, "તું પરેશાન શાં માટે થાય છે? મારી શાળા અને ત્યાં ભણતાં દરેક વિદ્યાર્થી અને ભણાવતાં દરેક સર અને મેડમ, બધાં બહું સારાં છે. તને એક જ દિવસમાં બધાં સાથે ફાવી જાશે."

સુજાતાની વાત સાંભળી રાજુએ કહ્યું, "સારું, હવે જે થવાનું હતું, એ તો થઈ ગયું. હવે જોઈએ આગળ શું થાય છે!"

રાજુનો ગંભીર અવાજ સાંભળી, વાતાવરણને હળવું કરવા માટે સુજાતાએ કહ્યું, "અરે, તું શાળાએ જાય છે, કોઈ યુદ્ધનાં મેદાનમાં નહીં. આટલો બધો ગંભીર શું બને છે?"

સુજાતાની વાતોની રાજુ ઉપર કોઈ અસર નથી થતી. એ જોઈ સુજાતાએ આગળ બોલવાનું ટાળ્યું. થોડીવારમાં બંને શાળાએ પહોંચી ગયાં. નીચે ઉતરી સુજાતા, રાજુ અને કલ્પેશભાઈ ત્રણેય પહેલાં પ્રિન્સિપાલની ઓફિસમાં ગયાં. જ્યાં પહોંચી સરે સુજાતાને તેનાં ક્લાસ ચાલું થઈ ગયાં હોવાથી ક્લાસરૂમમાં જવાનું કહ્યું, ને કલ્પેશભાઈ અને રાજુને ત્યાં બેસવાનું કહ્યું.

"આ લ્યો. આ પેપર પર હસ્તાક્ષર કરી આપો." સરે કહ્યું.

સુજાતાના ગયાં પછી, પ્રિન્સિપાલે કહ્યું, "ચાલો બેટા, હું તમને તમારો ક્લાસરૂમ બતાવી દવ."

સર રાજુને તેનાં ક્લાસરૂમ તરફ લઈ ગયાં, ને કલ્પેશભાઈ પોતાની ઓફિસે જવા નીકળી ગયાં.

રાજુ પ્રિન્સિપાલ સાથે પોતાનાં ક્લાસરૂમમાં પહોંચ્યો. પ્રિન્સિપાલસરે રાજુનો બધાં વિદ્યાર્થીઓ સાથે પરિચય કરાવ્યો, ને રાજુને બીજાં નંબરની બેન્ચ પર બેસવાનું કહ્યું. જ્યાં ધ્રુવ બેઠો હતો. ધ્રુવે રાજુને બેસવા માટે જગ્યા કરી આપી. રાજુ પોતાનું બેગ લઈને ધ્રુવ પાસે બેસી ગયો.

થોડીવારમાં ગુજરાતીનાં મેડમ આવ્યાં, ને બધાંએ ભણવામાં પોતાનું ધ્યાન લગાવ્યું. મેડમનો લેક્ચર પૂરો થતાં ધ્રુવ રાજુ સાથે વાતો કરવા લાગ્યો. ધ્રુવ સાથે વાત કરતી વખતે રાજુને જરાં પણ એવું નાં લાગ્યું કે, પોતે પહેલીવાર તેની સાથે વાત કરી રહ્યો હતો.

બ્રેકટાઈમમાં ધ્રુવે રાજુનો તેનાં બીજાં મિત્રો સાથે પરિચય કરાવ્યો. બધાં રાજુ સાથે એવું જ વર્તન કરતાં હતાં કે, જાણે બધાં એકબીજાને પહેલેથી ઓળખતાં હોય. બધાં સાથે વાતો કરતી વખતે રાજુને યાદ આવ્યું, "સુજાતાએ કહ્યું હતું કે, મારી શાળામાં બધાં બહુ સારાં છે. ખરેખર, બધાં બહું સારાં છે. પણ, મારાં જૂનાં મિત્રો નું શું?"

રાજુને બધાં સાથે ફાવી ગયું હતું. તેમ છતાં તે એ વાતને અપનાવવા તૈયાર નહોતો. હજું પણ તેને પોતાની જૂની શાળા અને મિત્રોની યાદ આવતી હતી. મિત્રોની યાદ તો બધાંને આવે જ. રાજુના બધાં મિત્રો પણ બહુ સારાં હતાં. તો એવાં મિત્રોની યાદ કોને નાં આવે!

ભણવામાં અને નવાં વિધાથીર્ઓની સાથે એક દિવસ તો પસાર થઈ ગયો. બપોરે રાજુ અને સુજાતા બંને સાથે જ ઘરે ગયાં. સુજાતાએ રસ્તામાં રાજુને પૂછ્યું, "કેવો રહ્યો પહેલો દિવસ?"

"સારો રહ્યો. બધા બહુ સારાં છે. હું એમાંથી કોઈને પહેલાં ક્યારેય નથી મળ્યો. છતાં પણ મને જરાય અજાણ્યું નાં લાગ્યું." રાજુએ ખુશ થઈને કહ્યું.

"મેં તો તને કહ્યું જ હતું. તને મજા આવશે. પણ, મારું માને કોણ?" સુજાતાએ રાજુ સામે મોઢું બગાડીને કહ્યું.

સુજાતાનાં હાવભાવ જોઈને રાજુએ કહ્યું, "હાં, સારું લ્યો. મેં તારું નાં માન્યું એ બદલ ક્ષમા કરો અમને."

રાજુની વાત સાંભળી બંને હસવા લાગ્યાં. વાતો અને મસ્તી કરતાં-કરતાં બંને ઘરે પહોંચી ગયાં. જેવાં બંને ઘરમાં પ્રવેશ્યાં, એવું જ કમલાબેને રાજુને પૂછ્યું, "શાળાનો પહેલો દિવસ કેવો રહ્યો બેટા?"

રાજુ હજુ કાંઈ બોલે એ પહેલાં જ સુજાતાએ ટીખળ કરતાં કહ્યું, "મમ્મી તને યાદ નાં હોય તો જણાવી દવ. રાજુ આજે પહેલીવાર શાળાએ નહોતો ગયો."

"તું ચૂપ બેસ. મને ખબર છે, એ આજે પહેલીવાર શાળાએ નહોતો ગયો. પણ નવી શાળામાં તો તેનો પહેલો દિવસ હતો ને?" કમલાબેને સુજાતાને વઢીને કહ્યું.

"હાં, સારું. પૂછ્યાં કર નિરાંતે. હું તો જાવ છું, ઉપર મારાં રૂમમાં." સુજાતા મોઢું મચકોડીને સીડી ચડવા લાગી.

કમલાબેન ફરી રાજુને તેની શાળા વિશે પૂછવા લાગ્યાં, તો રાજુએ કહ્યું, "આજનો દિવસ તો સારો જ ગયો. શાળામાં બધાં બહુ સારાં છે, પણ-"

રાજુને બોલતાં અટકતો જોઈ કમલાબેને કહ્યું, "બધું સારું છે, તો બીજો શું વાંધો છે બેટા? જે હોય એ કહી દે."

કમલાબેનની વાત સાંભળી રાજુએ કહ્યું, "આમ અચાનક જૂની શાળા અને મિત્રોને છોડવાનું દુઃખ થાય છે."

રાજુની વાત સાંભળી કમલાબેને કહ્યું, "અરે બેટા, એમાં ઉદાસ નાં થવાનું હોય. તારા જૂનાં મિત્રોને તારે છોડી થોડાં દેવાનાં છે. એતો હંમેશા તારી સાથે જ રહેવાનાં.

"તારી હાલત ખરાબ છે, તને એકલો નાં છોડી શકાય. તો એ માટે જ તારાં અંકલે તારું સુજાતાની શાળામાં એડમિશન કરાવ્યું છે. આમ પણ બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે, જેની સામે દરેક વ્યક્તિએ એનો સ્વીકાર કરવો જ પડે છે, તો હવે ઉદાસ થવાનું છોડી દે. જે થાય એ સારાં માટે જ થાય છે."

કમલાબેને પોતાની વાત પૂરી કરી, ત્યાં જ સુજાતા પોતાનાં રૂમમાંથી નીચે આવી, અને કહેવા લાગી, "એજ વાત હું પણ તેને ક્યારની સમજાવું છું, પણ એ સમજે તો થાય ને!"

"સમજી જશે. બસ થોડો સમય લાગશે. હવે તું ઉપર જઈને કપડાં બદલી લે. હું જમવાનું તૈયાર કરું." સુજાતાની વાત સાંભળી કમલાબેને કહ્યું.

"ઓકે, આન્ટી."

રાજુ ઉપર જઈને કપડાં બદલી નીચે આવ્યો. પછી કમલાબેન, સુજાતા અને રાજુ ત્રણેય જમવા બેઠાં. જમીને રાજુ અને સુજાતા પોતાનાં રૂમમાં જઈને શાળાનું હોમવર્ક કરવાં લાગ્યાં.

ધીમે-ધીમે રાજુ શાળામાં મન લગાવીને અભ્યાસમાં ધ્યાન આપવા લાગ્યો, ને સુજાતા સાથે રાજુની મિત્રતા ગાઢ બનતી ગઈ. રોજ શાળાએ સાથે જવું, આવતી વખતે શાળામાં જે થયું હોય, તેની વાતો કરતાં-કરતાં ઘરે આવવું. આ બધું તેનો નિત્યક્રમ બની ગયું હતું.


(ક્રમશઃ)