Saahasni Safare - 8 - last part books and stories free download online pdf in Gujarati

સાહસની સફરે - 8 - છેલ્લો ભાગ

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૮ : સફરનો વિસામો

બધાં તૈયાર થયાં. એક એક કરીને પેલી નીકમાં ઊતર્યાં. નીકળ્યાં તળાવને કાંઠે. બધાંએ તળાવમાં ભૂસકા માર્યા. સૌને તરતાં આવડે છે. રૂપા અને સોના પણ તરવામાં હોશિયાર છે.

તરીને સામે કાંઠે નીકળી ગયાં.

પેલા સ્મશાન પાસે ગયાં. પછી પેલી ઝાડી તરફ ચાલ્યાં, જ્યાં ઘોડા બાંધ્યા છે.

શ્મશાન જોતાં વીરસેન હસી પડ્યો.

રૂપા કહે, ‘ભાઈ, કેમ હસ્યા ?’

વીરસેને વાત કરી. પોતે કેવી રીતે ઇરાનના હકીમનો સ્વાંગ સજ્યો અને કેવી રીતે શ્યામસિંહને ઉલ્લુ બનાવ્યો એની વાત કરી. એનું હકીમ તરીકેનું લાંબુંલચ નામ ઝકમન કબૂડીબાબા સાંભળીને સૌ હસી પડ્યાં. શ્યામસિંહ કદી પણ એ નામ સાચી રીતે બોલી નહોતો શક્યો. એ ઝૂડીબાબા ને મકનબાબાના ગોટાળા કરતો એની વાત સાંભળીને સૌને ખૂબ મઝા આવી.

પછી વીરસેને શ્યામસિંહના સૈનિકોની મૂરખાઈની વાત કરી. એ વાત પર તો સૌ એટલું હસ્યા કે પેટ દુખી ગયાં. ઝકમન કબૂડીબાબા ડૂબી મૂઆ ને એમની દાઢી તરતી રહી ગઈ, એ સાંભળીને સૌને ભારે મઝા પડી ગઈ.

એમ વાતો કરતાં ને આનંદ કરતાં સૌ પેલી ઝાડીમાં પહોંચ્યાં. ત્યાં ઘોડા છોડીને ઊભા રહી ગયાં. કાલુ સરદારની રાહ જોવા લાગ્યાં.

થોડી વારે કાલુ સરદાર પણ આવી લાગ્યા.

વીરસેને પૂછ્યું, ‘મિત્ર, તમારો શો હિસાબ પતાવવાનો હતો, તે અમને કહો.’

કાલુ સરદાર કહે, ‘અમારે જાલીમસિંહને સજા કરવી હતી. એ દેશદ્રોહી માણસ છે. દેશદ્રોહી અને મિત્રદ્રોહી. એને મોતની સજા કરવી જોઈએ. પણ અમે એને માર્યો નથી. ફક્ત એની જૂઠાબોલી જીભ જ કાપી છે.’

વીરસેન કહે, ‘તમે યોગ્ય જ કર્યું છે, સરદાર. ચાલો, હવે અહીંથી નાસી નીકળીએ. કપાયેલી જીભે પણ જાલીમસિંહ બધાને જગાડી શકે છે. સૌ જાગતાં દોડાદોડ થઈ પડશે.’

ઘોડા તૈયાર જ હતા.

સૌ સવાર થઈ ગયાં. કાલુ સરદારનો ઘોડો મોટો હતો. રૂપા એમની સાથે બેસી ગઈ. સોના શરગતિ પર વીરસેનની સાથે બેઠી.

ઘોડા દોડી નીકળ્યા.

બીજા દિવસની સવાર થઈ. એક ગામ આવ્યું. ત્યાં આરામ કર્યો.

પાછાં ચાલ્યાં. સાંજે પણ્યબંદર પહોંચી ગયાં. ત્યાં પેલા હકીમજીને ઘેર ઉતારો કર્યો.

બધાં મીરાને મળ્યાં. રૂપા-સોનાને પાછાં આવી ગયેલાં જોઈ મીરાની ખુશીનો પાર ન રહ્યો. રૂપા-સોના રૂપાળાં છે. મીરા પણ એટલી જ રૂપાળી છે. ગુણવતી છે. શીલવતી છે. સરખેસરખી સખીનોની દોસ્તી જામી ગઈ. ખુશાલીના તો જાણે સાગર ઊછળ્યા. હકીમજી અને એમનાં બીબીજીનાય આનંદનો પાર નથી. એ કહે છે કે અમારી આખી જિંદગીમાં આટલાં બધાં, આટલાં સરસ માણસ અમારે ઘેર એકઠાં થયાં નથી. બદમાશ માણસો પાસેથી ત્રણ-ત્રણ રૂપાળી દીકરીઓને છોડાવી લાવવામાં આવે અને એમાં અમારી દવા નિમિત્ત બને એના જેવું રૂડું શું ? અને વળી આવાં બધાંય જુવાનિયાં અમારે ઘેર ઉતારો કરે એ તો કેટલા મોટા આનંદની વાત છે !

હકીમજીને ઘેર આ લોકો બધાં વાતો કરતાં મોડી રાત સુધી જાગ્યાં. પછી સૌ ઊંઘી ગયાં. સવાર પડી. હકીમજીએ સૌને સારાં સારાં ભોજન જમાડ્યાં. પછી સૌએ રજા લીધી. હકીમજીએ આશીર્વાદ આપ્યા.

ફરી પાછા ઘોડા પલાણ્યા. ચાલી નીકળ્યાં.

દિવસ આખો મુસાફરી કરે. રાતે રાતવાસો કરે.

એમ દડમજલ કરતાં કાલુ સરદારનો લાટ પ્રદેશ આવી ગયો. વીરસેન કહે, ‘હવે તમે અહીં રહી જાવ, મિત્ર.’

પણ કાલુ સરદાર કહે, ‘હજુ તમારે ત્રણ દિવસની મુસાફરી કરવાની છે. રસ્તામાં કોઈ ચોર-લૂંટારા મળવાનો ડર છે. અમે તમને છેક ઘર સુધી વળાવી જઈએ.’

એટલું જ નહિ, કાલુ સરદાર એક બીજા કારણે પણ વીરસેનને ગામ જવા માગે છે. રૂપા ઘણી રૂપાળી, ગુણિયલ બાળા છે. એ એમને ઘણી ગમી ગઈ છે. રૂપા પણ કાલુ સરદારની બહાદુરી પર વારી ગઈ છે. મનમાં મનમાં ઘોડા ઘડે છે. આવો શૂરવીર પતિ મળે એવી આશા રાખે છે.

વીરસેન પણ એ વાત સમજી ગયો છે. એટલે એણે કાલુ સરદારને કહ્યું, ‘ભલે. અમારે ગામ આવો. અમારા પિતાજી તમને મળીને બહુ આનંદ પામશે.’

એમ કાલુ સરદાર અને એમના સાત કાળા અસવારો છેક વીરસેનના ગામ સુધી સાથે ચાલ્યા. ત્રણે બાળાઓ માટે પણ ઘોડા લઈ લીધા હતા.

ગામ આવ્યું.

ગામના લોકોએ દૂરથી જ બાર ઘોડાની ધૂળની ડમરી ઊડતી જોઈ. એક જણે એક ઊંચા મીનારા પર ચડીને જોયું. વીરસેન અને શરગતિને એણે તરત પારખ્યા. ઘોડાઓ પર બેઠેલી છોકરીઓને પણ જોઈ. એ આનંદથી પોકારી ઊઠ્યો, ‘વીરસેન આવે છે ! રૂપા-સોનાને છોડાવીને લાવે છે !’

ગામ આખામાં આ શુભ સમાચાર ફેલાઈ ગયા.

શેઠ જયસેન પોતાની હવેલીમાં બેઠા હતા. દીકરીની ચિંતા કરતા હતા. એમને પણ ખબર મળ્યા. એ તો હાંફળાફાંફળા ઊભા થયા. માથે પાઘડી મૂકી. હાથમાં લાકડી લીધી. દોડીને ગામને પાદર ગયા.

ત્યારે બારે કાળા ઘોડા પાદરમાં આવી લાગ્યા. પાદરમાં ભેગું થયેલું લોકટોળું હરખઘેલું થઈ ગયું. આનંદના પોકારો કરવા લાગ્યું.

વીરસેને ટોળાની આગળ જ ઊભેલા શેઠ જયસેનને જોયા. ઘોડેથી ઊતરીને પોતે દોડતોદોડતો ગયો. પિતાજીને પગે પડ્યો.

પાછળ ને પાછળ બીજા ઘોડેસવારો પણ ઘોડેથી ઊતર્યા. જઈને શેઠને નમી પડ્યા. શેઠે રૂપા-સોનાને છાતીસરસી ચાંપી દીધી. ત્યારે એમની આંખોમાંથી હરખનાં આંસુ વહી જતાં હતાં.

એ પછી સૌ શેઠ જયસેનની હવેલીએ ગયાં.

ત્યાં જઈને બેઠાં. એકબીજાની ઓળખાણ થઈ.

શેઠ જયસેને કાલુ સરદારનો અત્યંત આભાર માન્યો.

મીરાને કહ્યું, ‘તું અમારી દીકરી જેવી જ છે, બેટા. અહીં મઝેથી રહે. તારા દેશ તરફ અમારું વહાણ નીકળશે ત્યારે તને એમાં બેસાડી દઈશું. તારાં માતાપિતા પાસે તને હેમખેમ પહોંચાડી દઈશું.’

કાલુ સરદાર અને કાળા અસવારોને પણ રોક્યા. ઘણા દિવસની મહેમાનગતી કરી.

એક દિવસ ખાનગીમાં વીરસેને પિતાજીને રૂપાના અને કાલુ સરદારના મનની વાત કરી દીધી. એ સાંભળીને શેઠ રાજી થયા. આવો શૂરવીર અને ભાવનાશાળી માણસ પોતાની દીકરીના પતિ તરીકે મળે, તો કયો પિતા રાજી ન થાય ? શેઠ જયસેન કહે કે ચાલો, લગ્ન કરી નાખીએ.

વીરસેને આ વાત કાલુ સરદારને કરી.

પણ કાલુ સરદાર કહે, ‘અમે હમણાં લગ્ન નહિ કરીએ. અમારે માથે એક મોટું કામ છે. પણ્યબંદરનો ચાંચિયાનો અડ્ડો સાફ કરવાનો છે. એ કામ પહેલાં પતાવીએ. પછી લગ્ન કરીશું.’

એ પછી થોડા દિવસે કાલુ સરદાર અને કાળા અસવારો ગયા.

એક વહાણમાં મીરાને પણ એને દેશ મોકલી.

એમ કરતાં એક વરસ પૂરું થયું.

કાલુ સરદારના સમાચાર આવતા રહેતા. એમણે પણ્યબંદરેથી ચાંચિયાઓને કેવી રીતે નસાડ્યા, કેવી બહાદુરીથી લડાઈ લડ્યા વગેરે વાતો સંભળાતી રહી. એ બધા સમાચાર સાંભળીને રૂપાના આનંદનો પાર રહેતો નહિ. એટલામાં મીરા જે વહાણમાં ગયેલી, તે વહાણ પાછું આવ્યું. એ વહાણનો કપ્તાન બંદરે ઊતરીને સીધો જ શેઠ જયસેનની હવેલીએ આવ્યો. આવીને શેઠના હાથમાં એક કાગળ મૂક્યો.

શેઠ જયસેને કાગળ ખોલ્યો. વાંચ્યો. અંદર લખ્યું હતું :

આદરણીય શેઠજી,

અમારી દીકરી મીરા હેમખેમ પાછી આવી ગઈ છે. અમે બહુ રાજી થઈ ગયા છીએ. અમે તો દીકરીને મૂએલી જ માની લીધેલી. પણ તમારા પુત્ર વીરસેને એને સજીવન કરી છે. અમે તમારો આભાર માનીએ એટલો ઓછો.

તમે તો મહાન માણસ છો. અમારી એક વિનંતી માનશો તો અમે વધુ આભારી થઈશું. અમારી વિનંતી એવી છે કે અમારી એકની એક લાડકી, ગુણિયલ, રૂપવતી દીકરીનો હાથ આપના વીર અને ચતુર પુત્ર વીરસેનને સોંપવાની રજા આપશો. અમારી દીકરી વીરસેન વિના બીજા કોઈને નહિ પરણે. એણે તમને ત્યાં વાત કરી હોત. પણ એ વિવેકી છે. પિતાની ઈચ્છા જાણ્યા વિના વિવેકી બાળકો પગલું ભરતાં હાથી. એટલે એણે અહીં આવીને અમને વાત કરી. વીરસેનની બહાદુરીની અને બુદ્ધિની પણ વાત કરી. અમે રાજી થયા. દીકરીએ સુપાત્ર વર શોધ્યો છે, એની અમને ખાતરી થઈ.

હવે તમે મંજૂરી આપો એટલે અમે અમારી દીકરીને લઈને ત્યાં આવીએ. વીરસેન-મીરાનાં લગ્ન કરીએ.

તમારા વેપારમાં હંમેશા વૃદ્ધિ થતી રહે એવી શુભેચ્છા.

લિ.

જયમલ જાડેજા.’

શેઠ જયસેને પત્ર વાંચ્યો.

પત્રમાં જાણે એમના જ મનની વાત લખી હતી.

મીરાને પોતે જોઈ ત્યારથી જ એ તેમને ગમી ગયેલી. પણ એના પિતાની મરજી જાણ્યા પહેલાં કશું બોલાય નહિ.

શેઠે વીરસેનને બોલાવ્યો. એને કુંવર જયમલ જાડેજાના પત્રની વાત જણાવી.

વીરસેને શરમાતે મુખે વાત સાંભળી. હા પાડીને એ જતો રહ્યો.

તરત ને તરત શેઠ જયસેને પોતાના વહાણવટીઓ બોલાવ્યા. કહ્યું, ઝડપીમાં ઝડપી વહાણ લો. જયમલ જાડેજાને દેશ જાવ. ત્યાંથી વહુરાણીને તેડી લાવો.

વહાણવટીઓ ગયા. તે જ દિવસે એક પવનવેગી વહાણ સાગરનાં પાણી કાપવાં લાગ્યું.

શુભ હેતુથી અને શુભ વિચારથી કરેલું કામ પરિણામ લાવે છે. સિદ્ધિ મેળવે છે. સુખશાંતિ અપાવે છે.

વીરસેનનો હેતુ શુભ હતો.

કાલુ સરદારનો હેતુ શુભ હતો.

એમણે ઘણી મુશ્કેલીઓ વેથી. ઘણી વાર મોતના મોં સુધી ધક્કેલાઈ ગયા.

પણ દર વખતે બચી ગયા.

રૂપા, સોના ને મીરા કેદમાંથી છૂટ્યાં.

કાલુ સરદારે ફરી પાછી લોકરાજની સ્થાપના કરી. પણ્યબંદરેથી ભૂંડા ચાંચિયાઓનો ટાંટિયો ટાળી દીધો.

વીરસેનને રૂપગુણવતી પત્ની મળી – મીરા.

કાલુ સરદારને પણ મનગમતી પત્ની મળી – રૂપા.

સૌ આનંદ પામ્યાં.

જીવ્યાં ત્યાં લગી સુખે જીવ્યાં.

(સમાપ્ત)