The struggle of life books and stories free download online pdf in Gujarati

જીવન સંઘર્ષ

દર્શનભાઈ ખેતરની પાળ પર ઊભા ઊભા કમોસમી વરસાદ વરસતો જોઈ રહ્યા હતા. મનોમન ભગવાનને જાણે પૂછી રહ્યા હતા કે ભગવાન હજી કેટલી કસોટી બાકી છે જીંદગીની ?
એમની નજર સામેથી જાણે જીંદગી પસાર થઈ રહી. બાળપણમાં રમવાની જગ્યાએ પાળેલાં પશુઓની ચાર લાવતાં, પૂરતું ખાવાનું પણ નહીં. એમને યાદ છે આજે પણ, કોઈના ઘરે મહેમાન આવતાં તો ત્યાં પહોંચી જતાં એ આશાએ કે ચા પીવાની મળશે કે નાસ્તો મળશે. ઘરના કામ, પાળેલાં પશુના કામ કરી જેમતેમ ભણતર પૂરું કરી નોકરી પર લાગ્યા. એક જ બહેન હતી તેને સારું ઘર જોઈ પરણાવી. પોતાના લગ્ન થયા. ઘરની જવાબદારી સાથે સામાજિક રિવાજો નિભાવવાના. પિતા તો હતા પણ ન હોય એવા જ. માતાએ જેમતેમ મોટા કર્યા હતા. જમીન હતી, પણ એટલું દૂર ખેતર કે ત્યાં સુધી જઈને ખેતી પણ ન થઈ શકે. ગણોતના પૈસા આવતા તે પિતા લઈને દારૂ પીવામાં પતાવી દેતાં. એટલે કોઈ બચત જેવું પણ નહીં. અચાનક એક દિવસ પિતાનું મૃત્યુ થયું. એક સમય એવો પણ આવ્યો કે દિકરાની દવા લાવવા માટે પણ પૈસા ન હતા. પત્ની સમજદાર હતી. એણે ટ્યુશન શરુ કર્યા. સાથે શિક્ષિકા તરીકે નોકરી શરુ કરી. ધીમે ધીમે જીંદગી થોડી સારી રીતે વિતવા લાગી. એમને ત્યાં દિકરીનો જન્મ થયો. એમના કાકા અમેરિકાથી આવ્યા. કાકાએ કહ્યું આ જમીન ફક્ત તમારી છે. હું મારું નામ કઢાવી નાંખુ છું. આમાં અમારો કોઈ ભાગ નથી એ તો તારા પપ્પાને પીવાની આદત હતી ને એટલે જમીન વેચી ન નાખે એટલા માટે જ અમારું નામ હતું હવે કંઈ જરૂર નથી અને એમણે નામ કઢાવી નાખ્યું. દર્શનભાઈને મન તો કાકા ભગવાન થઈને આવ્યા એવું લાગ્યું. પછી તો એમણે ગામના એક માણસની મદદ લઈ હાથભાગે ખેતી શરૂ કરી. આવકમાં થોડો વધારો થયો. એમની અને એમના પત્નીની રાત દિવસની મહેનત રંગ લાવી રહી હતી. દિકરો અને દિકરી ભણવામાં ખૂબ આગળ હતા. પણ હવે ઉચ્ચ અભ્યાસ માટે વધારે પૈસાની જરૂર હતી. એમને થયું થોડી જમીન વેચી દઈએ તો શહેરમાં ઘર શકાય અને સંતાનોના ભણવા માટે ખર્ચ પણ નીકળી જાય. પણ નસીબ એટલું ટૂંકું કે આટલી દૂર જમીન કોઈ લેવા તૈયાર જ ન થયું.
જેમ તેમ જીંદગી ચાલી રહી હતી ત્યાં સારું ઘર જોઈને સાસરે વળાવેલી બહેન ઘરે પાછી ફરી. એમના બનેવીએ કરોડો રૂપિયાનું દેવું કર્યું અને હવે એમની પાસે રૂપિયા માંતા હતા. દર્શનભાઈ ઘર જેમ તેમ ચલાવતા હતા એમાં બનેવીને રૂપિયા ક્યાંથી આપે ? બસ, બેન સંતાનો સાથે પિયર આવી ગઈ. દર્શનભાઈ અને એમના પત્ની રાત દિવસ મહેનત કરવા લાગ્યા અને બધું સારું થઈ જશે એ આશા જીવંત રાખીને જીંદગી વિતાવવા લાગ્યા.
આ બધાની વચ્ચે કાકા કે જેમણે જાતે જમીન દર્શનભાઈને આપી હતી તેમણે થોડી જમીનની માગણી કરી. દર્શનભાઈએ કહ્યું હું જરૂરથી તમને આપું પણ પહેલાં મારા દિકરાને ભણીને સેટ થઈ જવા દો. કાકાએ માન્ય રાખ્યું. પણ આ બધી વાતોની દર્શનભાઈના મન પર એટલી ઊંડી અસર થઈ કે એમને હ્રદયરોગનો હુમલો આવ્યો. જેમતેમ બચ્યા. એમની પત્નીએ કહ્યું કે કંઈ જ ન વિચારો. બધું સારું થઈ જશે. આપણે થોડી વધારે મહેનત કરીશું. અને એ બંનેએ નોકરી ઉપરાંત સીઝન પ્રમાણે પાપડ, પાપડી, વેફર્સ વગેરે બનાવીને વેચવાનું શરૂ કર્યું.
ખેતીનો પાક આ વખતે સારો હતો એવું લાગ્યું કે થોડી રાહત થશે પણ કમોસમી વરસાદ આવ્યો અને એમની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. દર્શનભાઈને લાગ્યું કે એમની જીંદગી પણ જાણે પાણી પાણી થઈ ગઈ. વિચારી રહ્યા કેવી રીતે બધું પાર પડશે ? દિકરાના ઉચ્ચ અભ્યાસ માટેનો ખર્ચ ભારી છે. દિકરીનું સપનું છે ડૉક્ટર બનવાનું. અને તેઓ ઘરે આવ્યા પણ મન મક્કમ કરીને. બધું જ થશે બસ હિંમત નથી ખોવાની અને પત્નીને કહ્યું બસ તું સાથે રહેજે દરેક મુશ્કેલી સરળ કરી દઈશું અને ફરી વધારાની આવક મેળવવાના પ્રયત્નો ચાલુ કરી દીધા.