Tran Vikalp - 17 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 17

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૭

નિમિતા અને અનુપનું આટલું નજીક આવવું અજય અને રાકેશને પરવડે તેમ નહોતું. બન્ને અનુપનો સ્વભાવ જાણતા હતા. એક વાર અનુપ કોઈને પ્રેમ કરે તો, પૂરો એનામાં ઓતપ્રોત થઈ જાય. બન્નેએ અનુપનો એકતરફી પ્રેમ જોયો હતો. સેજલના મોહમાં એણે બધી ખરાબ આદતો છોડી હતી. બન્ને સેજલના નિસ્તેજ ચહેરા અને ઉમળકા વગરના વર્તન પરથી જાણી ગયા કે, એ અનુપને પૂરા દિલથી અપનાવી શકી નથી. એટલે અનુપને તે સમયે અજય અને રાકેશ ફરીથી ડ્રગ્સ અને દારૂના નસામાં ગળાડૂબ કરી શક્યા હતા. પણ અત્યારે નિમિતા ખરેખર અનુપ તરફ સાચા દિલથી આકર્ષાતી હતી. નિમિતા અને અનુપ અકબીજાનાં પ્રેમમાં અદ્વિતીય સુખનાં આનંદમાં ગરકાવ થયા હતાં. અનુપ બીજા લગ્ન માટે જે પ્રમાણે ગંભીર હતો એ જોઈને અજય અને રાકેશે ફરી વાર એમનો અસલ રંગ દેખાડવાનું નક્કી કર્યુ. જે નિમિતાનાં જીવનને નરક તરફ લઈ જવાની હતી.

***

અનુપ અને નિમિતાની પ્રેમકહાની આગળ વધતી રહી. નિમિતાની ઘણી પ્રોડ્કટ માટે એડ શૂટિંગ થઈ. એની મનથી કામ કરવાની આદત અને અનુપનો સાથ, એના પરફોમન્સને ચારચાંદ લગાવતા. બે અઠવાડીયા જેવો સમય વીતી ગયો. નિમિતાની પ્રસિધ્ધિ પૂરા રાજ્યમાં ફેલાઈ હતી. અનુપનું દારૂ અને નસો કરવાનું બિલકુલ ના બરાબર થયું. નિમિતા દિવસ અને રાત અનુપ સાથે રહેવા લાગી. અનુપ મોડી રાત્રે નિમિતાને હોસ્ટેલ ઉતારી ઘરે જતો. સવારે દસ વાગ્યા પહેલા પાછો નિમિતાની બાહોમાં સમાઈ જતો.

નિમિતાને અનુપ સાથે પત્ની તરીકે સંબંધ શરૂ કર્યો એ વાતનો કોઈ રંજ નહોતો. અનુપે સમજાવી હતી કે, સેજલ સાથે છૂટાછેડા લઈ એની સાથે લગ્ન કરશે. હકીકતમાં અનુપ છૂટાછેડા આપ્યા વગર નિમિતાને બીજી પત્ની બનાવી જીવનભર પ્રેમ મેળવવા માંગતો હતો. નિમિતાએ પરિવાર સાથે કેટલા દિવસથી શાંતિથી વાત નહોતી કરી, એટલે પાર્ટીની ખુશી અને સફળતા વ્યક્ત કરવા રાધા સિવાય ઘરના દરેક સભ્યો સાથે વાત કરી: “આરૂ, મારી સફળતા માટે અનુપ સરે પાર્ટી રાખી હતી... સર બહુ જ સારા છે... બધી છોકરીઓનું ધ્યાન રાખે છે... પણ તને ખબર છે આરૂ! એમની પત્ની એમને પ્રેમ નથી કરતી...” એ દિવસે નિમિતા મન મૂકીને બધાની સાથે વાત કરે છે. એક વાર નિયતિને અનુપની સાથે બનેલી ઘટના કહેવાની ઈચ્છા થાય છે. પણ મનને મક્કમ બનાવી ચુપકી સાધે છે. બધાની સાથે વાત કરવા છતાં જીવનનાં લીધેલા સૌથી મોટા નિર્ણયને ખૂબ સારી રીતે છુપાવે છે. મનમાં બધાને છેતરી રહી હોય એવો ભાસ થાય છે. સમય આવશે ત્યારે પોતે અનુપ સાથે બધા સામે હજાર થઈને માફી માંગી લેવાનો નિર્ધાર કરે છે.

નિમિતા એની ઉપર આવનારી ભયંકર મુસીબતથી અજાણ લગ્નનાં સપનામાં ખોવાઈ હતી. અનુપે એના અને સેજલનાં ડાઈવોર્સ થવામાં છ મહિનાથી વધારે સમય લાગશે એવું વકીલ કહે છે એમ જણાવ્યુ હતું. આટલો લાંબો સમય નિમિતા પોતે અનુપ વગર રહી શકશે નહીં એવું પ્રેમમાં પાગલ મન બોલતું હતું. અનુપે પણ નિમિતાને એના વગર દૂર રહી શકશે નહીં એમ કહી છૂટાછેડા થાય એ પહેલાં લગ્ન કરવા માટે માનવી હતી. અનુપ પર નિમિતા આંખ બંદ કરીને વિશ્વાસ કરતી હતી. એ પ્રેમ અને વિશ્વાસના સહારાથી નિમિતા બીજી પત્ની બનવા રાજી હતી.

***

નિમિતા હજી પણ અનુપના અસલી પાસાની રૂબરૂ થઈ નહોતી. વિદ્યાને નિમિતાની ચિંતા થવા લાગી. વિદ્યાએ અનુપની માફી માંગી ફરીથી કોઈ ભૂલ નહીં કરે એમ કહી સ્ટુડિયો આવવા માટે મનાવ્યો. આ સમય દરમિયાન વિદ્યાએ એક વાર નિમિતાને સચેત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ શક્ય ના થયું. અજયના ચાલાક મગજે વિદ્યાનો ઇરાદો પકડી લીધો. અજય અને રાકેશ બન્ને અનુપનું જંગલીપણું બહાર લાવવા માટે પ્રપંચનો તખ્તો તૈયાર કરવા તથા, આ કપટ કરવામાં વિદ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાજી ગોઠવવામાં મશગુલ થાય છે.

રાકેશના સ્વરમાં થોડો ડર હોય છે: “અજય, તું અનુપને સારી રીતે ઓળખે છે... સેજલથી દૂર કરવામાં અને વિદ્યાને સબક શીખવાડવામાં આપણને સફળતા મળી હતી... નિમિતાની બાબતમાં આપણી કોઈ તરકીબ ઊંધી થઈ તો તારી અને મારી ખેર નથી.”

અજયના અવાજમાં આત્મવિશ્વાસ હોય છે: “રાકેશ, તું હમેંશાથી અનુપથી ડરતો આવ્યો છે... એટલે તને બીક લાગે છે... પહેલાં સેજલથી દૂર કર્યો હતો. બીજી વખત વિદ્યાને લાઇન પર લાવવા અનુપનું હેવાનિયત ભરેલું રૂપ બહાર મારે લાવવું પડ્યું હતું... આ વખતે પણ નિમિતાની હાલત અનુપ એના પોતાના હાથે... વિદ્યા કરતાં પણ બદતર કરશે... આ વાતની હું ગેરંટી લઉં છું.” બોલતી વખતે અજયના દાંતમાં કડકડાટી બોલે છે.

રાકેશ હજી પણ અનુપ સાથે કાવતરું કરવાની વિરુધ્ધ હતો: “અજય, હું તારા જેટલો હિંમતવાળો નથી... મારાથી કોઈ પ્રપંચને અંજામ આપી શકાશે નહીં...”

અજય હવે ગુસ્સે થઈ રાકેશના ખભા પકડી જંજોડે છે: “સાલા બાયલા... હવે મર્દ બન... ડોબા જેવા... બધી છોકરીઓ તને ના પડે છે, કે છોકરી ગમતી નથી એમ અમને અને તારા મનને સમજાવે છે...

રાકેશ થોડો ચિડાઈને બોલે છે: “યાર અજય, તું ઓવર કોન્ફિડન્સમાં ના રહીશ... વિદ્યાને પાઠ ભણાવવા માટે તેં અનુપના કાન ભર્યા... પણ એમાં વિદ્યા અનુપની વિરુધ્ધ હતી... સેજલ પણ અનુપથી પૂરી ખુશ નહોતી... એટલે બન્ને વાર તને સફળતા મળી... ડોબો હું નથી... તું થઈ ગયો છે... એ બન્ને કરતાં નિમિતાની વાત બિલકુલ અલગ છે... એ મૂર્ખ પણ માનીને બેઠી છે કે અનુપ સેજલને છૂટાછેડા આપશે અને એની સાથે લગ્ન કરશે... અનુપે બહુ આસાનીથી બાટલીમાં ઉતારી છે એને... અનુપ કોઈ સંજોગોમાં સેજલને છોડશે નહીં... નિમિતાને બીજી પત્ની બનાવશે... ડોબો હું નહીં તું, અનુપ અને નિમિતા છો... અનુપ ગમે તે કરે નિમિતા આજીવન બીજી પત્ની બની રહેવા શું કામ તૈયાર થાય... એને પણ ખબર પડે છે કે બીજી પત્નીને સમાજ શું કહીને બોલાવે છે… અજય તું કશું ના કરીશ... અનુપ છૂટાછેડા આપશે નહીં એટલે પેલો માખણનો લોચો જાતે એને છોડી દેશે.”

રાકેશ એકધાર્યુ વિચાર્યા વગર બોલતો હતો. અજય અવાચક બનીને એને જોતો રહે છે. અજય એકદમ ધસમસતો રાકેશને ફરીથી બાવળેથી પકડે છે: “અરે યાર… ગજબ... સાચે તું ડોબો નથી... તારા પગે પડી તને દંડવત કરવા પડશે... તેં તો મારી તકલીફ દૂર કરવા માટે સરળ રસ્તાનું માર્ગદર્શન આપ્યું...” અજય નીચે નમી રાકેશના પગ પકડે છે: “હા સ્વીકાર કરું છું, તું મહાન બુદ્ધિશાળી છે અને હું એક નંબરનો બુદ્ધિહીન માણસ છું...”

રાકેશને હજી પણ અજયનું એકાએક કાચિંડાની જેમ રંગ બદલવું સમજાતું નથી: “અજય, મને ખબર છે તું કેટલો મોટો નાટકબાજ છું... હવે તારા નાટકબાજ ભેજામાં શું રંધાય છે એ કહે... મેં તને કયો માર્ગ બતાવ્યો?”

અજય પૂરા જોશમાં આવ્યો હતો. એ રાકેશને ભેટે છે: “અરે રાકલા તેં બહુ અધરા દેખાતા કામને સરળ બનાવી દીધું... જો સાંભળ, તેં શું કહ્યું નિમિતા બીજી પત્ની બનવા તૈયાર થશે નહીં... અનુપ સેજલને છોડવાનો નથી એ પણ હકીકત છે... બસ અનુપની આ સચ્ચાઈ નિમિતાના કાને નાંખવાની જરૂર છે... એના માટે આપણે પેલી વિદ્યાનો સહારો લઈશું... આટલા ત્રાસ આપ્યા પછી પણ એ હજી નિમિતાને બચાવવા માટે પ્રયત્ન કરે છે... એની આ વાતનો ફાયદો આપણે ઉઠાવીશું... અનુપ સામે ચાલીને નિમિતાને તારી અને મારી સાથે સૂવા માટે કહેશે... તને શું લાગે છે હું નિમિતાને ભોગવ્યા વગર છોડીશ... કોઈપણ સંજોગોમાં હું નિમિતા સાથે બધા પ્રકારનું શરીરસુખ ભોગવીશ... અને તને પણ આનંદ લૂંટવા મળશે... બસ તું હવે મારી ચાલબાજી જો અને મને સાથ આપ.”

રાકેશને છોકરીઓમાં રસ પડતો પણ કાવતરા એની સમજમાં ક્યારેય આવતા નહીં. એને ખાધાખરચી નીકળી જાય એટલા રૂપિયા અને રાતે કોઈ છોકરીનો સહવાસ મળે એમાં જીવનનું તમામ સુખ મળી જતું. એક પ્રકારે એ અનુપ અને અજયનો અંગત નોકર હતો. એ બન્ને માટે દરેક પ્રકારના કામ કરવામાં એને શરમ નહોતી આવતી. રાકેશને વિદ્યા સાથે બદલો લેવાનો બાકી હતો. વિદ્યાને જ્યારે ત્રણેય મિત્રોએ પંદર દિવસ સુધી રૂમમાં કેદ કરી ત્યારની વાત છે. વિદ્યાએ રાકેશને મોઢા ઉપર સંભળાવ્યું હતું કે ‘તું આ બન્નેનો નોકર છે.’ બસ ત્યારથી રાકેશ એ વાતનો બદલો લેવા માંગતો હતો. પરંતુ તે વખતે અનુપે જે અધમ કાર્ય કર્યુ હતું તેનાથી રાકેશે સંતોષ માન્યો હતો. આ વાત અજયને સારી રીતે યાદ હતી કે, રાકેશના દિલમાં હજી વિદ્યા જોડે બદલો લેવાની આગ ભભૂકે છે. અનુપને સહેલાઇથી છેતરી શકાય એમ નહોતું, એટલે અજયને રાકેશની મદદ જોઈતી હતી. અજયે થોડા હોશિયારીભર્યા વર્તનથી રાકેશની સંમતિ મેળવી હતી.

અનુપ, અજય અને રાકેશ ત્રણેય લંગોટિયા મિત્રો હતા. અનુપના લોહીમાં પિતા હર્ષદરાયનો દયાહીન અને માતા સુહાસિનીનો દયાભાવવાળો મિશ્રિત સ્વભાવ આવ્યો હતો. અનુપના દરેક જાનવર જેવા વર્તન માટે હંમેશાં અજયનું ખૂંખાર મગજ જવાબદાર રહેતું. બાળપણથી ગુસ્સો આવે ત્યારે વિચાર્યા વગર વર્તન કરવાની અનુપની આદતનો અજય ફાયદો ઉઠાવતો. અનુપના ગુસ્સાને કાબુમાં લાવવો હોય કે વધારે આગ લગાડવી હોય બન્ને કરવામાં અજય કારગર હતો. અનુપ એકરીતે અજયના હાથની કઠપૂતળી બન્યો હતો. વસમી વાત એ હતી કે પોતે અજયનું હલતું-ચાલતું રમકડું છે, તે અનુપ ક્યારેય જાણી શક્યો નહોતો. અજયે વારંવાર અનુપને સારા અને સાચા માર્ગ પરા જતાં રોક્યો હતો. એકવાર ફરી અજય એની પેંતરાબાજીથી નિમિતાને અનુપથી દૂર કરવા તલપાપડ બન્યો હતો.

***

નિમિતા અને અનુપ મલ્ટિપ્લેક્ષમાં મૂવી જોતાં હતા. નિમિતાએ અનુપને એના ઘરના બધા સભ્યોની વાત કરી હતી. અનુપ વાતો પરથી જાણી ગયો હતો કે નિમિતા એની મમ્મી સાથે વાત કરતી નથી. બન્ને મૂવી જોવામાં મશગુલ હતા ત્યારે નિમિતાને રાધા ફોન કરે છે. સ્ક્રીન પર મમ્મી વાંચીને નિમિતા ખુશ થાય છે. જ્યારથી નિમિતાએ રાધા સાથે વાત કરવાનું ઓછું કર્યું હતું ત્યારથી રાધા પણ નિમિતાને બહુ ઓછા ફોન કરતી. નિમિતાએ વિચાર્યું કે એની સફળતા માટે મમ્મીએ અભિનંદન આપવા માટે ફોન કર્યો છે. એ અનેરા ઉત્સાહથી વખાણ સાંભળવા માટે આતુર થઈ વાત કરે છે: “હલો...”

નિમિતા માત્ર હલો બોલી ચૂપ થાય છે. એની ઇચ્છા હતી કે મમ્મી સામેથી એના વખાણ કરતી રહે અને પોતે ખુશ થતી સાંભળતી રહે. થોડી પળ માટે વાતાવરણ શાંત થાય છે.

રાધા: “નિમુ, ખૂબ તરક્કી કર દીકરી... તેં જે પણ ઇચ્છા રાખી એ બધી પૂરી થઈ... નિમુ, સાંભળે છે ને દીકરી?”

નિમિતા હજી પણ સારા શબ્દોની અપેક્ષા રાખી બોલે છે: “હા... સાંભળું છું...”

રાધા: “નિમુ, સ્નેહા અને ભાવેશ બન્નેનાં સગપળ કર્યા... એ બન્ને પણ ભાઈ-બહેન છે... એ લોકો કેનેડા રહે છે... બે મહિના પછી એ લોકો આવે ત્યારે બન્ને જોડાનાં લગ્ન લીધા છે... ઘરમાં બધા ખૂબ ખુશ છે... ધામધૂમથી સાત દિવસનો જલસો કરવાનું નક્કી થયું છે. નાના, નાની, મામા, મામી બધા આવવાના છે... તું પણ મુંબઇ લગ્નમાં આવીશને? સ્નેહા, ભાવેશ અને કિશનને સારું લાગશે.”

હ્રદયની આરપાર કોઈએ અણીદાર સોયો ભેદયો હોય એવું દર્દ નિમિતાને થાય છે. એની સફળતા માટે માત્ર ‘ખૂબ તરક્કી કર’ એટલામાં રાધાએ વાત પૂરી કરી હતી. જ્યારે સાત દિવસના લગ્નના પ્રોગ્રામની વાત લાંબી હતી. પોતે લગ્નમાં જાય તો બધાને સારું લાગશે. પણ તું આવીશ તો મને સારું લાગશે એવું નિમિતાને સાંભળવા મળતું નથી. કોઈપણ જવાબ આપ્યા વગર નિમિતા ફોન કટ કરે છે. અનુપ કઈપણ સમજે એ પહેલા નિમિતા એક શબ્દ બોલ્યા વિના રિક્ષામાં હોસ્ટેલ આવતી રહે છે. અનુપ પણ ઝડપથી હોસ્ટેલ આવે છે. નિમિતા એના રૂમમાં ઊંધી સૂતી રડતી હતી. અનુપને ખબર તો પડી કે એની મમ્મીનો ફોન હતો. એવી શું વાત થઈ કે નિમિતાએ હસવાનું બંધ કરી આંસુ સારવાનું શરૂ કર્યું હતું.

અનુપ પલંગમાં નિમિતાની બાજુમાં આડો પડે છે. નિમિતાનાં વાળમાં હળવેથી એનો હાથ પસવારે છે: “નિમિતા, તું રડે છે એ મને બિલકુલ સહન નથી થતું... તું જાણે છે, તો શું કામ આટલું બધું રડે છે? મેં તને ખુશી અને ગમ બન્નેમાં સાથે રહેવાનું વચન આપ્યું છે...” અનુપ ધીરેથી નિમિતાનું માથું એની છાતી પર મૂકે છે. નિમિતા પણ અનુપની છાતીમાં પોતાનું માથું સંતાડવાનો પ્રયાસ કરે છે. અનુપ ફરીથી નિમિતાનાં વાળ પંપાળે છે: “અરે મારી ફૂલકુમારી શું થયું એ તો કહે...”

નિમિતા બેઠી થાય છે. અનુપની છાતી પર બન્ને હાથથી મુક્કી મારવાની શરૂ કરે છે: “તું ક્યારે મારી સાથે લગ્ન કરે છે? પહેલા એ જવાબ આપ... સ્નેહા અને ભાવેશાનાં બે મહિના પછી લગ્ન થાય એના પહેલા તારા અને મારા સંબંધ વિષે મારે બધાને જણાવવું છે.”

નિમિતાનો હાથ પકડી અનુપ હસીને બોલે છે: “બસ એટલી જ વાત... મુંબઈમાં બે મહિના પછી મેરેજ છે... એના પહેલાં આપણાં મેરેજ થશે અને આપણે બન્ને સજોડે એ લગ્નમાં જઈશું... અરે મારી નાજુક કળી તારા સુંદર હોઠો પર નાજુક હાસ્ય શોભે છે... રડવાનું આ રીતે ચાલુ રાખીશ તો દુલ્હન બનીશ ત્યારે ચહેરો કરમાયેલો દેખાશે... તારી સુંદરતામાં ખામી હું ચલાવીશ નહીં.” અનુપની વાત અને મજાકથી નિમિતા થોડી હળવી થાય છે.

***

અનુપ બીજા લગ્નની તૈયારીમાં હતો. અનુપની ઊંધમાં બોલવાની આદતના કારણે સેજલ બધું જાણી ગઈ હતી. છૂટાછેડાના નાટક વિષે અને નિમિતાનું અનુપના પ્રેમમાં અંધ થવાનું પણ ખબર પડી હતી. મોકો જોઈને સેજલ સાચે છૂટાછેડા આપવા તૈયાર છે એવું અનુપને કહે છે. સેજલના છેટાછેડા આપવાની વાતથી અનુપના મગજ પર ફરીથી એક વાર શેતાન સવાર થાય છે. એ દિવસે સેજલ પણ અનુપના રાક્ષસી વર્તનથી પરિચિત થાય છે.

ક્રમશ: