Tran Vikalp - 18 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 18

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૮

અનુપનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. સવિતા વિલાસમાં આજે ગાળો અને અપશબ્દોનો વરસાદ વરસ્યો હતો. અનુપે સેજલનું ગળું દબાવ્યું હતું. હમેશાં પત્ની સાથે પ્રેમથી રહેતો અનુપ આજે રાક્ષસ બન્યો હતો. સેજલે છૂટાછેડા આપવા માટે વાત કરી એમાં અનુપનું ઘમંડ ઘવાયું હતું. એને પપ્પાના શબ્દો કાનમાં ગુંજે છે, 'સ્ત્રીઓ કોઈ દિવસ પ્રેમ કરતી નથી, એ બસ એમનો સ્વાર્થ પૂરો કરે છે.' સેજલને ઘેરો આઘાત લાગ્યો હતો. પતિનું છોકરીઓ સાથેનું વર્તન પોતે રોજ રાત્રે અનુપના મોઢે સાંભળ્યું હતું. આજે ભોગ બની ત્યારે પીડિત છોકરીઓની સાથે પોતાના ઉપર પણ દયા આવી. અનુપના શબ્દોમાં સેજલ પાસે જે પ્રેમની અપેક્ષા હતી તે પૂરી નથી થઈ એ વાતનો આક્રોશ હતો.

અનુપ એક હાથથી સેજલનું ગળું પકડી માથું દીવાલ સાથે અથડાવે છે. બીજા હાથમાં સેજલનો એક હાથ પકડી સેજલની પીઠ પાછળ ખેંચી મરોડે છે. સેજલના મોઢામાંથી દર્દનાક ચીસ નીકળે છે. એ ચીસથી સવિતા-વિલાસની દીવાલો પણ આક્રંદ કરે છે. અનુપના એક-એક શબ્દોમાં સેજલ માટે ફરિયાદ હતી: “સેજલ, તું વિચાર પણ કેવી રીતે કરી શકે છે… કે હું તને છોડીશ... હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ... નિમિતા સાથે પ્રેમની પળો વિતાવી પછી એટલું તો સમજી શક્યો છું... કે વ્હાલ કોને કહેવાય... એની સાથે રહેવાથી પ્રેમનો અસલી રંગ જોવા મળ્યો... પ્રેમની દુનિયામાં જીવતા શીખ્યો... તારી સાથે બે વર્ષથી જે પ્રેમભર્યો સમય વિતાવવાની અધૂરી ઇચ્છા હતી એ નિમિતાએ પૂરી કરી છે...”

સેજલનું નાજુક શરીર અનુપની પકડમાંથી છૂટવા પ્રયાસરત હતું તો એના કાન અનુપની વાતો સાંભળી સુન્ન થયા હતા. એનું શરીર થરથર કાંપતું હતું. એના ગળા પર સો ટનનો ભાર મુક્યો હોય એટલી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અનુપે હાથ પાછળ ખેંચ્યો હતો એ હાથનાં ખભામાં અસહ્ય વેદના શરૂ થઈ હતી.: “અનુપ, મને છોડ... થોડી વાર વધારે મારો હાથ આ રીતે રહેશે તો ફ્રેકચર થશે અને મારૂ ગળું છોડ મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે... આપણે શાંતિથી વાત કરીએ... તારી દરેક વાત હું સાંભળીશ...”

અનુપ પત્નીને છોડે છે અને પોતાનો હાથ દીવાલ પર પછાડે છે. સેજલ રાહતના શ્વાસ સાથે બન્ને હાથ પોતાના ગળા પર મૂકે છે. હિમંત કરી બોલે છે: “અનુપ, તું મારી વાતનો ખોટો મતલબ સમજી રહ્યો છે... નિમિતા અને તું બન્ને એકબીજા સાથે ખુશ રહો એટલા માટે હું બોલી હતી... તારી નિમિતા પ્રત્યેની લાગણી અને વાતોથી એટલું તો સમજી છું કે, હું તને ખુશ રાખી શકી નથી... મારી ઈચ્છા છે કે તું આજીવન ખુશ રહે...”

અનુપનો ગુસ્સો હજુ એટલો જ હતો. એ સેજલનો હાથ ફરી પકડી પાછળ લઈ જાય છે. સેજલના હાથમાં ફરી કળતર શરૂ થાય છે. અનુપ આંખોને કપાળ તરફ ખેંચી કટાક્ષભર્યા શબ્દોથી બોલે છે: “ઓહો સેજલ… તને મારી ખુશીની આટલી ચિંતા છે... મને તો આજે જ ખબર પડી...” ચાપલૂસી વાળું હસી આગળ બોલે છે.: “હું તો ભૂલી જ ગયો... તું મારી અર્ધાંગિની છું… તો તને મારી ચિંતા નહિ થાય તો કોને થશે? સાચી વાતને ધર્મપત્ની... જીઇઇઇ...”

અનુપના શબ્દોમાં વ્યંગ, કટાક્ષ કે સત્ય શું હતું એ સેજલની સમજની બહાર હતું. એને એકાએક અનુપની બીક લાગી. પતિની હેવાનિયત અને પ્રેમ બન્ને જોયા હતા. એ કશું બોલે એ પહેલા અનુપ પત્નીનો હાથ પાછળથી આગળ લાવી પોતાના ગાલ ઉપર મૂકી બોલવાનું શરૂ કરે છે: “સેજલ, આજે મને એક વાતનો સાચો જવાબ આપ…” અનુપ પોતાનો ચહેરો સેજલનાં ચહેરાની બિલકુલ નજીક લાવે છે અને હાથની પકડ વધારે છે.: “ખોટું બિલકુલ બોલીશ નહીં... મને આગળ જતાં ભવિષ્યમાં ખબર પડી કે તું ખોટું બોલી હતી તો... જે પરિણામ આવશે એની તું કલ્પના પણ નહીં કરી શકે.” વાક્ય પૂરું કરી અનુપ એક ચુંબન સેજલનાં કપાળ ઉપર કરે છે.

સેજલ શૂન્યમન્સ્ક થઈ અનુપને જોતી રહી. શું સવાલ હશે એ વિચારમાત્રથી એનું શરીર થરથર ધૃજવા લાગ્યું. નાનકડું પક્ષી શિકારીની જાળમાં ફસાય એ રીતે સેજલ અત્યારે અનુપના શબ્દોની જાળમાં ફસાઈ હતી.

અનુપ પોતાનો બીજો હાથ સેજલના ગાલ પર મૂકી એક ગીત ગાય છે: “બોલ મેરે સાથીયા... કિતના મુજશે પ્યાર હે”

સેજલ સવાલ સાંભળી આંખનું મટકું માર્યા વગર અનુપ સામે જુએ છે. અનુપની આંખમાં જવાબ જાણવા માટેની તાલાવેલી સ્પષ્ટ દેખાય છે. ખોટો જવાબ આપવાનો કોઈ અવકાશ સેજલને દૂર-દૂર સુધી દેખાતો નથી. એ હિમંત કરીને બોલે છે: “હા... અનુપ... તું સાચું સમજ્યો છે... તું મારો પહેલો પ્રેમ નથી...”

અનુપને અપેક્ષા પ્રમાણે જવાબ મળે છે. એ સેજલને છોડી દૂર જઇને ખડખડાટ હસીને બોલે છે: “તો પછી એને દગો આપીને મારી જોડે પરણી? પપ્પા સાચું કહે છે સ્ત્રીઓ કોઈ દિવસ પ્રેમ કરતી નથી...” ધાર્યા પ્રમાણે જવાબ સાંભળવા મળ્યો હતો છતાં સત્ય સહન કરવાની અનુપમાં ધીરજ અને હિંમત બન્ને નહોતા.

સેજલનાં વિચારશૂન્ય મગજમાં અચાનક વિચારોનો પ્રવાહ વહેવાનો શરૂ થયો. સાચું બોલીને બહુ મોટી ભૂલ કરી હોવાની સમજ ખૂબ જલ્દી આવી હતી. અનુપને પોતાના પ્રેમ વિષે કદી ખબર ના પડે એની સાવચેતી બે વર્ષનાં લગ્નજીવનમાં સેજલે ખૂબ હોશિયારીથી રાખી હતી. આજે એ વાત પોતાના મોઢે બોલાઈ એ વાતનો વસવસો કરવાનો સમય પણ નહોતો એની પાસે. કોઈપણ તકલીફ ઊભી ના થાય એ માટે અનુપને સંપૂર્ણ સચ્ચાઈની જાણ ના થાય એ જરૂરી હતું.

સેજલ ખૂબ જલ્દી પરિસ્થિતીને કાબુમાં લાવવા માટે ઉપાય શોધવા લાગે છે. એટલામાં અનુપ સેજલને લાફો મારવા હાથ ઉગામે છે. સેજલ આંખ બંધ કરીને ખૂબ ઝડપથી બોલે છે.: “મારો એકતરફી પ્રેમ હતો... હું જાણતી પણ નથી કે એના દિલમાં મારા માટે શું હતું.” સેજલે ઘડીનાં છઠ્ઠા ભાગમાં વિચાર્યુ કે સંતોષ પણ એને એટલો જ પ્રેમ કરતો હતો એ અનુપને ખબર પડશે તો જોખમ ઊભું થઈ શકે છે. પરિવારની ખુશીઓ માટે આપેલું પ્રેમનું બલિદાન વ્યર્થ થશે. સેજલને પોતાના પર વિશ્વાસ નહોતો આવતો કે ખોટું બોલવાની હિંમત અને બુધ્ધિ ક્યાંથી આવી.

અનુપ પોતાનો હાથ રોકે છે. એનો ગુસ્સો થોડો શાંત થાય છે. સેજલને સોફા પર બેસાડી પોતે પણ બાજુમાં બેસે છે. ત્રિપોઇ પર પાણીના ગ્લાસ ભરેલા હોય છે, એક ગ્લાસ લઈ સેજલને પોતાના હાથથી પાણી પીવડાવે છે. સેજલની આંખમાંથી અનરાધાર અશ્રુ શરૂ થાય છે. અનુપ પોતાના રૂમાલથી સેજલની આંખ સાફ કરે છે. સેજલના ડૂસકાં ધીમે ધીમે ઓછા થાય છે.

અનુપ પોતાના ખોળામાં સેજલનું માથું મૂકી શાંત અવાજથી બોલે છે.: “સારી વાત છે... આજ સુધી કોઈનું ખૂન નથી કર્યુ અને કરવાની જરૂર નહીં પડે... નહિતો મારે એ માણસનું ખૂન કરવું પડત... સેજલ, તું મારી પત્ની છું અને રહીશ... તારું પત્ની તરીકેનું સ્થાન કોઈ લઈ નહીં શકે... નિમિતા પણ મારી સાથે રહેશે... મારા અસંખ્ય છોકરીઓ સાથેના સંબંધને તે સ્વીકાર્યો છે અને સહન કર્યો છે… નિમિતા મારી સાથે રહેશે તો તારે માત્ર એક છોકરીને સહન કરવી પડશે... તારા એકતરફી પ્રેમને દિલમાં વસાવી રાખવાની તને છૂટ છે... પણ મને આજીવન છોડવાની કોઈ દિવસ વાત કરીશ નહીં...” સેજલનું માથું અનુપના ખોળામાં હતું પણ એના મસ્તિષ્કમાં વિચારોનું વંટોળ શરૂ થયું હતું. અનુપની અને પોતાની કિસ્મત ક્યાં વળાંક લેવા જતી હતી એ કળવું મુશ્કેલ લાગ્યું હતું.

સુહાસિનીને માધવની ગેરહાજરી બહુ કનડે છે, તો હર્ષદરાય અને અનુપને મનમાની કરવાનો છૂટો મોકો મળે છે. હર્ષદરાય મનોમન ખુશ હતા. અનુપે પહેલી વાર સેજલ સાથે પ્રેમના બદલે હિંસાભર્યુ વર્તન કર્યુ એમા હર્ષદરાયને દુનિયા જીતી ગયા હોય એવો હરખ થાય છે.

***

અજય અને રાકેશ એમના પ્લાનને હકીકતનું સ્વરૂપ આપવા માટે દાવ રમવા તૈયાર હોય છે. વિદ્યાને અનુપે ત્રણેય મિત્રોની ઓફિસની સાફસફાઇનું કામ સોંપ્યું હતું. એ કામ આપીને અનુપે વિદ્યાને બધાની નજરમાં નોકરાણી બનાવી હતી. જેથી એની હાલત જોઈ બીજી છોકરીઓ શાંત રહે.

નિમિતાને પાનેતર આપી અનુપ સરપ્રાઇસ આપવા માંગતો હતો. અજયે એના ષડયંત્રને અંજામ આપવા માટે બહુ હોશિયારી વાપરીને અનુપને નિમિતા માટે પાનેતર લેવા મોકલ્યો. નિમિતા આવીને સીધી અનુપની ઓફિસમાં જાય છે. અનુપ આવ્યો નહોતો એટલે અનુપની રાહ જુએ છે. નિમિતાને અનુપ સાથે વાત કરવાની ઉતાવળ હતી. ઓફિસમાં શાંતિથી બેસવાના બદલે એ બારીની બહાર અનુપની ગાડી ક્યારે આવે તે જોતી હતી. સ્નેહા અને ભાવેશનાં લગ્નમાં આવવા માટે નિમિતાને સમજાવવા એક પછી એક બધાનો ફોન આવ્યો હતો. લગ્ન માટે અનુપને ઉતાવળ કરવાની જરૂર છે એ કહેવા માટે નિમિતા આતુર હતી.

વિદ્યા એ સમયે જ અનુપની ઓફિસમાં સાફસફાઇ કરવા આવે છે. અજય અને રાકેશ બસ આ મોકાની વાટ જોતા હતા. ઓફિસમાં નિમિતાને એકલી બેઠેલી જોઈ વિદ્યાને અચરજ થાય છે. અજય અને રાકેશ હંમેશાં વિદ્યાને નિમિતાથી દૂર રાખતા. વિદ્યા જ્યારે અનુપની ઓફિસમાં આવી ત્યારે એની નજર અજય અને રાકેશે પર પડી હતી. વિદ્યાને બન્નેની આંખોમાં શેતાન દેખાયો હતો. અજય અને રાકેશે એને રોકી નહીં એટલે વિદ્યાને સમજતા વાર ના લાગી કે કોઈ કાવતરું થઈ રહ્યું છે. એ તરત ઓફિસમાંથી બહાર જવા લાગે છે. પણ નિમિતાનું નસીબ શિકાર બનવા ઉતાવળું થયું હતું. સાથે વિદ્યાનું નસીબ પણ ફરીથી ત્રાસનો ભોગ બનવા અને નિમિતાની બરબાદીનું નિમિત્ત બનવા તૈયાર હતું. એક રીતે નિમિતાની સુંદરતા એની બદકિસ્મતીનું નિમિત્ત હતી.

વિદ્યા ઓફિસની બહાર જવા દરવાજા પાસે જાય છે. નિમિતાની નજર વિદ્યા પર પડે છે.: “અરે તમે પાછા શું કરવા જાઓ છો... તમારું કામ કરી લો… હું થોડી વાર બહાર જાઉં છું...”

નિમિતાનું વાક્ય પૂરું થાય એ પહેલા અજય અને રાકેશ ઓફિસમાં આવે છે. નિમિતા અને વિદ્યા કઈપણ વિચારે એ પહેલા અજય ચીલઝડપથી વિદ્યાની ગરદન પકડે છે. ભારે અવાજ સાથે રાડ પડે છે.: “સાલી હરમજાદી... તને કહ્યું છે ને કે તારે નિમિતાની નજીક પણ નહીં જવાનું...” અજયે ગરદન વધારે દબાવી તો રાકેશે વિદ્યાના ગાલ પર ઉપરા છાપરી ચાર તમાચ લગાવી. વિદ્યાને વધારે નવાઈ ના લાગી પણ નિમિતા માટે આ બધુ નવું અને કલ્પના બહારનું હતું. નિમિતાએ અજય અને રાકેશને શાંત જોયા હતા એ આજે એક છોકરીની ઉપર નામર્દની જેમ હાથ ઊપડતાં હતા.

નિમિતા રાકેશનો હાથ પકડવાની કોશિશ કરી બરાડે છે.: “રાકેશ, શું કરે છે? અજય છોડો તમે બન્ને એને...”

રાકેશ નિમિતાને ધક્કો મારે છે. નિમિતા એક પળ માટે ગડથોલિયું ખાય છે. આ રીતે ધક્કો મારશે એવી નિમિતાને આશા નહોતી. અજય અને રાકેશ વિદ્યાને ટેબલ પાસે ખેંચે છે. વિદ્યા બન્નેની પાછળ ઢસડાય છે. બન્ને વિદ્યાનું માથું ટેબલ પર પછાડે છે. રાકેશ ધીરેથી વિદ્યાનાં મોઢામાં હાથરૂમાલ ફસાવે છે અને વિદ્યાના બન્ને હાથ પાછળ ખેંચી મરોડે છે. વિદ્યાના મોઢામાંથી તીણી ચીસ નીકળે છે. જે ત્યાં હાજર કોઈને સંભળાતી નથી. નિમિતાને ખબર નથી પડતી કે શું કરવું. અજય અને રાકેશે વિદ્યા એકપણ શબ્દ બોલી ના શકે એટલા માટે એના મોઢામાં કપડું દાબ્યું હતું. જો વિદ્યા સાચી વાત નિમિતાને કહી દે તો પાસા ઉલટા પાડી શકતા હતા.

અજય ખેલ આગળ વધારતા બોલે છે.: “બોલ... તેં શું કહ્યું નિમિતાને... તને એની સાથે વાત કરવા માટે અનુપે સાફ શબ્દોમાં ના પાડી છે... અનુપે તને પંદર દિવસ ઓરડામાં કેદ રાખી હતી એ કહ્યું તે નિમિતાને... અનુપે તારું ગર્ભાશય કઢાવી નાંખી તારી જિંદગી બગાડી એટલે તું નિમિતાને એનાથી દૂર કરવા માંગે છે... પણ નિમિતા દૂર નથી જવાની... તારા અનુપ અને નિમિતાને જુદા પાડવાના ઈરાદા સફળ નથી થવાના...”

અજય બોલતો વિદ્યાને હતો પણ એનું સમગ્ર ધ્યાન નિમિતાનાં હાવભાવ પર હતું. પોતાના વાક્યો સમજવાની નિમિતા કોશિશ કરે છે એ જોઈને અજયને બાજી હાથવેંતમાં દેખાય છે.: “અરે અનુપે નિમિતાને એના હજારો છોકરીઓ સાથે વિતાવેલી રાતો વિષે વાત કરી છે... અનુપને રોજ નવી છોકરી જોઈએ છે એ પણ નિમિતાને ખબર છે...”

અજય ફરીથી વિદ્યાને ગરદનથી ઊંચી કરી માથું ટેબલ પર પછાડે છે.: “તું શું એવું માને છે કે નિમિતા બધી હકીકતથી અજાણ છે... મારો મિત્ર આ છોકરીને પ્રેમ કરે છે... હા એ સેજલને પણ પ્રેમ કરે છે... એટલે તો સેજલને છૂટાછેડા આપ્યા વગર એ નિમિતાને બીજી પત્ની બનાવવાનો છે...” અજયની રંગ બદલવાની અને સામેવાળી વ્યક્તિને પોતાની વાતમાં જકડી રાખવાની કાબેલિયત ખતરનાક રીતે કામ કરતી હતી.

નિમિતાને પોતાના કાન પર વિશ્વાસ નથી થતો. અનુપ વિષે જે સાંભળી રહી હતી એ કોઈ દિવસ વિચાર્યું નહોતું. એના પગ નીચે કોઈએ ગુંદર લગાવ્યો હોય એમ જમીન સથે ચોંટી ગયા હતા. એનું શરીર બરફ જેવુ ઠંડુ થવા લાગ્યું હતું. એના કાનમાં હજારો તમરા અવાજ કરતાં હોય એટલો કર્કશ અવાજ સાંભળતો હતો.

વિદ્યા સમજી ગઈ હતી કે અજય અને રાકેશે ફરી એકવાર અનુપને જંગલી બનાવવા માટે આ પ્રપંચ કર્યું છે. એની સામે પણ બન્નેએ આ રીતે જ અનુપને ઉશ્કેર્યો હતો. આજે ફરીથી એ ઓફિસમાં એક બીજી છોકરીનો ભોગ થવાની શરૂઆત થઈ હતી. વિદ્યાનાં મોઢામાં રાખેલા કપડાંનાં કારણે એના શબ્દો જીભમાં કચરાયા હતા. વિદ્યાને પોતાના ઉપર થઈ રહેલા અત્યાચાર કરતાં પણ વધારે માસૂમ એક જંગલીના પ્રેમમાં પાગલ નિમિતાની ચિંતા વધારે હતી.

અજય આ વખતે પણ જીતવાનાં દાવ રમતો હતો તો અનુપ એની મસ્તીમાં મસ્ત નિમિતા સાથે નવી દુનિયા વસાવવા માટે ખરીદી કરતો હતો.

ક્રમશ: