ત્રણ વિકલ્પ - 20 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 20

ત્રણ વિકલ્પ - 20

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૦

 

નિમિતા વિચારમગ્ન અવસ્થામાં અજય અને રાકેશને વિદ્યા ઉપર જોર-જબરજસ્તી કરતાં જોતી હતી.  એનું દિલ માનવા તૈયાર નથી કે અનુપ બધી છોકરીઓની ગરીબીનો ફાયદો ઉઠાવી વાસનાપૂર્તિ કરે છે.  એનું મગજ સુન્ન થયું હોય છે.  કોઈ એની સાથે ગંદી મજાક કરતું હોય એવું એને લાગે છે.  અંધારામાં વીજળી ચમકે એ રીતે એનું દિલ ઓચિંતું બોલે છે ‘અનુપ કોઈ દિવસ આવા દુષ્કર્મ કરે નહીં.’  અત્યારે પણ નિમિતાનાં મગજ ઉપર દિલ હાવી થાય છે. 

નિમિતામાં કોણ જાણે ક્યાંથી તાકાત આવે છે.  એના બરફની જેમ થીજી ગયેલા શરીરમાં ઓચિંતા ગરમ લોહી વહેવા લાગે છે.  એ લોમડીની ઝડપથી અજય ઉપર ત્રાટકે છે.  અજયના હાથ પર પોતાના ધારદાર નખથી ઉઝરડા પાડે છે.  અજયના હાથમાંથી વિદ્યાનું ગળું છૂટે છે અને એના મોઢામાંથી ચીસ નીકળે છે.  નિમિતાએ અજયના હાથ પર વાર કર્યો એ જોઈને રાકેશ જાતે વિદ્યાના હાથ છોડે છે.  અજય અને રાકેશના પ્લાનમાં નિમિતા આ રીતે બચાવની કોશિશ કરશે એ નહોતું.  નિમિતા વિલંબ કર્યા વગર અજયને ધક્કો મારી વિદ્યાથી દૂર કરે છે.  રાકેશ પોતાની જાતે દૂર જઈ અજય જોડે ઊભો રહે છે.  અજય પોતાના હાથ પર થયેલા નખના ઉઝરડા જુએ છે તો તેમાથી લોહીની ટીશિયો ફૂટી હતી. 

નિમિતા ધીરેથી વિદ્યાને ઊભી કરી બાજુમાં ખુરશી પર બેસાડે છે.  વિદ્યાના મોઢામાંથી કાપડનું ડૂચું કાઢે છે.  દોડીને જગમાંથી પાણીનો ગ્લાસ ભરી વિદ્યાને આપે છે.  વિદ્યાને હજી પણ ધવા વળી નહોતી.  એનું ગળું સુકાવા લાગ્યું હતું અને શરીર ધ્રુજતું હતું.  એ એક ઘૂંટડે ગ્લાસ ખાલી કરે છે.  નિમિતા બીજો ગ્લાસ પાણી આપે છે તો એ પણ વિદ્યા ઝડપથી ગટગટાવી જાય છે.  પાણી પીવાથી વિદ્યાને થોડી રાહત થાય છે.  વિદ્યાને સ્વસ્થ જોઈને નિમિતા પણ જગમાંથી પાણી કાઢીને પીવે છે.  અજય અને રાકેશ એ બન્નેને પાણી પિતા જોઈને ગેલમાં આવી જાય છે.  

અજયે આ કાવતરું ઘડવામાં પૂરા એક અઠવાડિયાનો સમય લીધો હતો.  કોઈ પણ પાસું ઊલટું પડે તો અનુપના ગુસ્સાનો સામનો તથા રંગરલિયાથી દૂર થવું પડે તેમ હતું.  એટલે અજયે રાકેશને ઓફિસના જગમાં પાણીની અંદર નસાની ગોળી ભેળવવાનું પહેલેથી કહી રાખ્યું હતું.  રાકેશે એ જગમાં માદક દ્રવ્ય પહેલેથી ઉમેરી રાખ્યું હતું.  એ નસાવાળા પાણીની અસર નિમિતા અને વિદ્યા પર થોડી વારમાં થવાની હતી.  પાણી જેટલું વધારે પીધું હોય એટલી એની અસર થવાની હતી.  વિદ્યાએ બે ગ્લાસ પાણી પીધું એની ખુશીમાં અજય પોતાના હાથમાં થતી બળતરા પણ ભૂલી ગયો.

નિમિતા પાણી પીધા પછી વિદ્યા પાસે જઈ એને ભેટે છે.  વિદ્યા પણ નિમિતાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડે છે.  અજય અને રાકેશ એ બન્નેને રોકતા નથી.  નસાવાળું પાણી બન્નેએ પીધું એમાં અજય અને રાકેશ જીતની વધારે નજીક પહોચ્યા હતા. 

વિદ્યાની પીઠ પર નિમિતા હાથ ફેરવતા ફેરવતા સવાલ કરે છે: “વિદ્યા...  અજય અને રાકેશ જે બોલે છે તે બધુ સાચું છે?”  નિમિતા માટે અનુપની સચ્ચાઈ જાણવાની ખૂબ જ જરૂરી હતી.  નિમિતા સત્ય જાણવા માટે વિદ્યા સામે આજીજી ભરી નજરે જોઈ રહે છે.  વિદ્યા પણ નિમિતાની પરિસ્થિતિ ખૂબ સારી રીતે સમજતી હતી.  સચ્ચાઈ જણાવવાની વિદ્યાને પણ ખૂબ ઇચ્છા હતી.  એ બોલવાની કોશિશ કરે છે પણ સ્વરપેટીમાંથી અવાજ બહાર આવતો નથી.  અજયે ગળું એટલી કારીગરીથી દબાવ્યું હતું કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના પડે પણ સ્વરપેટીને નુકસાન થાય.  વિદ્યાની ઇચ્છા હોવા છતાં એના ગળામાંથી શબ્દ બહાર આવતો નથી.

વિદ્યાને ખબર પડે છે પોતાના ગળામાંથી અવાજ બહાર નહીં નીકળે, સાથે નિમિતા પણ સમજી જાય છે કે અજયના ગળું દબાવવાના કારણે વિદ્યા બોલી શકતી નથી.  નિમિતા અને વિદ્યા એકબીજાની સામે અસહાય નજરથી જુએ છે.  વિદ્યા ની આંખોમાંથી દડદડ આંસુ બહાર આવે છે.  વિદ્યા અને નિમિતાની  નિ:સહાયતા ઉપર અજય અને રાકેશ સિસોટી મારી ને હસે છે.  

અજય હસતો હસતો નિમિતાને દૂર હડશેલી, વિદ્યાના ગાલ પર હાથ ફેરવતા બોલે છે: “બોલ વિદ્યા...  અનુપની સચ્ચાઈ બોલ...  કહી દે નિમિતાને અનુપ કેવો છે...  તું તો બધું જાણે છે...  બચાવ નિમિતાને અનુપથી...  બચાવ...  ક્યાં ગઈ નિમિતાને બચાવવાની તારી તાલાવેલી?  તારી સહન-શક્તિ ક્યાં ગઈ?”  અજય વિદ્યાના વાળ ખેંચીને આગળ બોલે છે: “તારું ગર્ભાશય અનુપે બળજબરીથી કઢાવી નંખાયું એ પણ કહી દે...  તું એના બાળકની મા બનવાની હતી એટલે અનુપે એવું કર્યુ એ પણ કહી દે...  તારામાં તાકાત હોય તો નિમિતાને બચાવીને બતાવ...  તને આ નરકમાંથી હું છુટકારો અપાવીશ.”

અજયની આ વાતથી નિમિતાનો રહ્યો-સહ્યો હોશ ઊડી જાય છે.  નિમિતાનું જીવન એવી નાજુક સ્થિતિ પર આવ્યું હતું, જેમાં એ અનુપ વગરના જીવનનો વિચાર પણ કરતી નહોતી.  એક બાજુ પરિવારમાં જણાવ્યા વગર પરણેલા પુરુષની સાથે લગ્ન કરવાનો નિર્ણય હતો, તો બીજી બાજુ અનુપને ખોવાનો ડર હતો.  ઓછું હોય એમ અનુપ વિષે જે ધારણાઓ બાંધી હતી એનાથી વિપરીત સાંભળવા મળ્યું હતું.  અનુપ એક દયામણો પત્નીના પ્રેમથી વંચિત, દરેક સ્ત્રીની ચિંતા કરતો વ્યક્તિ હશે એવી છાપ નિમિતાનાં માનસપટ પર ઉપસી હતી.  પોતાના પ્રેમથી અનુપના જીવનમાં ખુશીઓના રંગ ભરી શકશે એવો વિશ્વાસ નિમિતાને થયો હતો.  એટલું જ નહીં એ અતૂટ વિશ્વાસનું બળ નિમિતાને બીજી પત્ની બનવા માટે હિંમત આપતું હતું.  અનુપ સ્ત્રીઓને કોઈપણ પ્રકારનું નુકસાન કરી શકે નહીં, નિમિતાના એ વિશ્વાસના ટુકડે-ટુકડા થયા હતા.  એ હજુ પણ સ્વીકારી શકતી નહોતી કે અનુપ સ્ત્રીઓને રંજાડી શકે. 

અજય અને રાકેશે સ્વાર્થવૃત્તિમાં અંધ બની હલકટઇની દરેક સીમાઓ ઓળંગી હતી.  નિમિતા સચ્ચાઈ સ્વીકારી શકતી નહોતી.  વિદ્યા સચ્ચાઈ બોલી શકતી નહોતી.  અજય સચ્ચાઈને અતિ ભયંકર રીતે રજૂ કરતો હતો.  રાકેશ આ બધી ગતિવિધીની મજા લેતો હતો.  અનુપ અજાણતા ફરી એકવાર ખાસ મિત્રના હાથનું ચાવીવાળું રમકડું બનવાની અણી પર હતો.

 

ક્રમશ:

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Hitesh patel

Hitesh patel 9 months ago

Munjal Shah

Munjal Shah 10 months ago

Harsh Parmar

Harsh Parmar 10 months ago