The turn of destiny - 10 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | નસીબ નો વળાંક - 10

નસીબ નો વળાંક - 10

આપણે આગળ ના પ્રકરણ માં જોયું કે હવે સુનંદા અને અનુરાધા ને તો જાણે નવો અવતાર મળી ગયો હતો.... પેલા માલધારી દંપતી પણ હવે સંતાન ખોટ વીસરી ગયા હતા... અને બધા જોડે જ નેહડા માં રહેવા લાગ્યા હતા.


હવે આગળ,


"દુઃખ ની સવાર"


આમ હવે સુનંદા અને અનુરાધા સગી દિકરીઓ ની જેમ આ માલધારી દંપતી જોડે રહેવા લાગી હતી. બન્ને ને હવે માં નો ખોળો અને બાપ ની છાતી મળી ગઈ હતી. રાજલ અને દેવાયત પણ હવે સુખે થી બન્ને દિકરીઓ ને લાડકોડ થી રાખતાં અને એમની ઉપર હેત નો વરસાદ વરસાવતા.


ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા હતાં. માલધારી અને અનુરાધા રોજ ઘેટાં બકરાં ચરાવવા સવારના નીકળી જતાં અને આ બાજુ સુનંદા નેહડે રહી રાજલને ઘરનાં જીણા-મોટા કામમાં મદદ કરતી. આમ અનુરાધા દેવાયત ની લાડકી બની ગઈ હતી.. જ્યારે સુનંદા રાજલ ની સુહાની બની ગઈ હતી.


દેવાયત તો જંગલ ના દરેક નદીનાળાં, ઝાડવાં, ઝરણાં, વાંકીચૂકી કેડીઓ થી એકદમ વાકેફ હતો. એટલે એણે (દેવાયતે) અનુરાધા ને પણ આ બધાથી પરિચિત કરાવી દીધી હતી અને જંગલ ના દરેક રસ્તા થી પણ પરિચિત કરાવી દીધી હતી. અનુરાધા તો જાણે દેવાયત ની ગાઢ મિત્ર બની ગઈ હોય એમ એની જોડે એકદમ નિખાલસ ભાવે બધી જ વાતો કઢાવી લેતી અને દરેક વાતે સવાલ-જવાબ કરવા લાગતી.. દેવાયત ને પણ અનુરાધા ની આવી નિર્દોષતા ખૂબ જ ગમી ગઈ હતી એટલે એ પણ એની જોડે એક મિત્ર તરીકે જ વર્તતો. ક્યારેક તો રાત્રે અનુરાધા પણ દેવાયત સાથે બહાર જ ખાટલો ઢાળીને સૂઈ જતી.


આ બાજુ સુનંદા પણ રાજલ ને બધી વાતો ની આપ- લે કરવા લાગી. વાતો માં ને વાતો માં એણે પોતાની બધી જ હકીકત પણ રાજલ ને જણાવી દીધી હતી. આમ હવે બધાં જ સુખે થી રેહવા લાગ્યાં હતાં.ધીમે ધીમે બધું જ સરસ ચાલી રહ્યું હતું...


એક દિવસ ની વાત છે. રાતે બધાં જમી પરવારી ને રોજની માફક નેહડા ની બહાર ખાટલા પાથરીને બેઠા હતા અને થોડવાર અહીં તહીં ની વાતો કરી અને ખૂબ જ મસ્તી મજાક કર્યો. ત્યારબાદ દેવાયતે રોજની માફક પહેલ કરતાં કહ્યું કે ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે... અત્યારે સૂઈ જાવ!!!! કાલે વહેલા ઉઠવું પડશે... આમ પણ હવે અડધી રાત થવા આવી છે."આટલું કહી દેવાયત પોતાની પાઘડી ઉતારીને ખાટલા નીચે મૂકવા લાગ્યો. એવામાં અચાનક અનુરાધા કહેવા લાગી કે" બાપુ આજે હું તમારી જોડે બહાર જ સૂઈ જાવ તો???"આમેય હમણાં કેટલાં દિવસ થી આમ બહાર સૂતી નથી.... શું કહો છો બાપુ??


દેવાયત ને તો ખબર જ હતી કે અનુરાધા એકવાર જે જીદે ચડે છે પછી એને પૂરી કર્યા સિવાય પાર જ ના માને!!! એટલે એણે હસતા મોઢે કહ્યું કે,"હા માતાજી!! કેમ નહિ!! આમેય તમને થોડી ના પડાય?? આમ કહી બન્ને બાપ દીકરી એકબીજા સામે હસવા લાગ્યા. આમ મસ્તી મજાક કરતાં અને હસતાં ખેલતા બધાં સૂઈ ગયા હતા..પણ કહેવાય છે ને કે "ચાર દિવસની ચાંદની જાતા નહીં લાગે વાર, આજે સુખ નો દહાડો તો કાલે વળી દુઃખ ની સવાર" ... આ માલધારી દંપતી જોડે પણ કંઇક એવું જ બન્યું.


બીજા દિવસે અનુરાધા ની આંખ વહેલી સવારે ખુલી ગઈ હતી... એ થોડીવાર આળસ મરડીને પછી જેવી ખાટલેથી ઉતરવા જઈ રહી હતી ત્યાંજ એણે સામેના ખાટલે સુતેલા દેવાયત સામું નજર કરી ત્યાં તો એના હોંશ ઉડી ગયા ..... જાણે કે અનુરાધા નું ગળુ સાવ જતું રહ્યું હોય એમ એના મોઢામાંથી થોડીવાર તો કઈ શબ્દો નીકળી જ ન શક્યા...પણ થોડીવાર પછી અચાનક એના મોઢામાંથી એકાએક રાડ નીકળી ગઈ,..."હે રામ!!! બાપુ... બાપુ..... ઉઠો બાપુ......ઉઠો!!! શું થઈ ગયું તમને????.... હે મારા રામ આ શું કર્યું???? ઓય માડી!!!


અનુરાધા ની આવી કઠોર હૈયે પાડેલી રાડોથી અંદર સૂતેલી સુનંદા અને રાજલ તરત દોડતી બહાર આવી અને જોયું તો અનુરાધા ના ખોળામાં દેવાયત નું માથું રાખેલું હતું અને અનુરાધા એના ગાલ ઉપર હાથ રાખી દેવાયત ને જગાડી રહી હતી.... રાજલ આગળ આવીને જોવે ત્યાં તો દેવાયત ના મોઢામાંથી સફેદ ફીણ ની ધાર નીકળી રહી હતી અને દેવાયત ની આંખો પણ બંધ જ હતી...


આવું અણધાર્યું દૃષ્ય જોઈ રાજલ તો ખાટલા ના ટેકે એકદમ નીરસ ભાવ સાથે નીચે ભોં ઉપર ઢળીને બેસી ગઈ... સુનંદા પણ એકદમ ચકિત થઈ એકીનજરે દેવાયત સામું જોઈ રહી હતી...


કોણે ધાર્યું હતું કે આમ સાંજે હસતાં ખેલતા પરિવાર ના નસીબ માં આવી સાવ અણધારી સવાર થવાની... આમ તો ઊગતો સૂરજ ઉલાસ અને ઉત્સાહના કિરણો પ્રસરાવતો આવતો હોય છે પણ આ માલધારી પરિવાર કુટુંબ નો ઊગતો સૂરજ દુઃખ નો દહાડો લઈને આવ્યો હતો... કહેવાય છે ને કે "વિધિ ના લેખ માં કોઈ મેખ ના મારી શકે".. આમ જ આ માલધારી પરિવાર ની દુઃખની સવાર વિધિએ જ લખેલી હતી તો કોઈ કેમ એને ટાળી શકે???


હવે તો ઘર નો મોભી એવો દેવાયત જ દુનિયા માંથી પોતાના પરિવાર ને તરછોડી ને સ્વર્ગે ચાલ્યો ગયો...તો હવે આ ત્રણેય માં-દિકરીઓ નો આવડા વિશાળ જંગલમાં સહારો કોણ થાશે?? શું હવે બદલાશે આ ત્રણેય માં- દિકરીઓ નું પ્રારબ્ધ???

જાણો આવતાં.... ભાગ- 11....." એકલતા ની લડાઈ "... માં


*********************************************


નોંધ :


જય શ્રી કૃષ્ણ🙏🙏 મારા બધા મિત્રો અને વડીલો ને!!


આ નોંધ ખાસ હું એટલા માટે આજે લખી રહી છું કારણ કે મે તમને આગળ કહ્યું હતું કે આ મારી બીજી નવલકથા "નસીબ નો વળાંક"કે જે મારી પ્રથમ નવલકથા"પ્રારબ્ધ ના ખેલ" નું એક નવું જ સ્વરૂપ અને નવો વળાંક છે જેમાં આપણે ઘણા બધા વળાંકો જોયા અને હજુ તો ઘણા બધા વળાંકો જોવાના બાકી છે... અને હું તમને ખાતરી આપું છું કે આ નવા વળાંકો તમારા માટે હજુ વધુ રોચક અને રસદાયક બનવાના છે... કે જે તમારી જિજ્ઞાસા અને આતુરતા ને કાયમ રાખશે... તો એક નમ્ર વિનંતિ કરું છું કે જેમ અત્યાર સુધી મારી નવલકથા ને તમારું સમર્થન અને અભિભાવ આપ્યાં છે એવી જ રીતે આગળ આપતાં રહો... ધન્યવાદ...🙏🙏🙏

Rate & Review

Kalyani Pandya

Kalyani Pandya 3 months ago

Shruti Desai

Shruti Desai 11 months ago

Psalim Patel

Psalim Patel 2 years ago

Aarohi

Aarohi 2 years ago

hr Shilp

hr Shilp 2 years ago