Tran Vikalp - 24 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 24

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૪

મીના ધીરેથી હેમા સામે જોઈ બોલે છે: “આ વાંદરી સાચું બોલે છે... પેલી નાની વાંદરી વધારે ખતરનાક છે.” અનુપ બેફિકર થઈ બોલે છે: “એ શું કરી લેશે? એના હાલ પણ આના જેવા કરીશું.”

નિમિતા બેફિકર થઈ બોલે છે: “મીના, આ લોકો વાતની ગંભીરતા નથી સમજતા... તું સમજાવજે... તું ચિંતા ના કરીશ... આરૂ તારી સાથે પણ બદલો લેશે...” નિમિતા બિન્દાસ્ત બની સોફા પર બેસે છે. બન્ને હાથ સોફાના પાયા પર મૂકી એક પગ પર બીજો પગ ચડાવી મહારાણીના અંદાજથી બિરાજમાન થાય છે. અનુપ સામે જોઈ બોલે છે: “મારી મમ્મી મને શોધવા આવી એ જણાવી તેં મારા પર ઉપકાર કર્યો છે... હવે આખો પરિવાર મને લેવા આવશે... અને મારી આરૂ તો બદલો લેવા આવશે...” અજયથી આ હરકત સહન નથી થતી. એ નિમિતાને ચૂપ કરવા આગળ આવે છે. અજયની પરવાહ કર્યા વગર નિમિતા બોલે છે.: “અનુપ હું મૂર્ખ હતી ફિલ્મોની ચમકદમક નીચે મગજથી વિચારવાનું ચૂકી ગઈ હતી... આરૂ એવી ભૂલ કદાપિ નહીં કરે...”

નિમિતામાં ખબર નહીં કેવી રીતે હિંમત આવી એ અનુપને હાથનો ઈશારો કરી પોતાની પાસે બોલાવે છે. અનુપ યંત્રવત નિમિતા જોડે જાય છે. અનુપના ગાલ પર હાથ ફેરવી નિમિતા ધીરેથી અનુપનો કોલર પકડી બોલે છે: “અનુપ તું મને પત્ની બનાવવા માંગતો હતો... હું તો રખાત બનવા તૈયાર હતી... પણ તેં મને વેશ્યા બનાવી દીધી...” નિમિતાની આ વાત અનુપથી સહન થતી નથી. એ કોલર છોડાવી દૂર જાય છે ત્યાં પડેલી દારૂની બોટલ લઈ પીવા લાગે છે. નિમિતા જોરથી બોલે છે: “મને જેટલી હેરાન કરવી હોય એટલી કરી લે... બસ થોડાક દિવસની અંદર હું અહીંયાંથી જઈશ... તું મને અહીંયાથી જાતે જવા દઇશ... અને મારી આરૂ બદલો લેવા આવશે એટલું પણ યાદ રાખજે... અજય અને રાકેશ તમને બન્નેને પણ કહી દઉં છું... મારા ઉપર કરેલા દરેક અત્યાચારનું તમારે ફળ ભોગવવું પડશે.”

નિમિતાના શબ્દોના પડઘા રૂમમાં ગુંજે છે. એનું હાસ્ય એક રહસ્યમય તણાવ ઉત્પન્ન કરે છે. એ અનુપ પાસે જઇ બોટલ પકડી બોલે છે: “અનુપ, તું મારા જીવનમાં વારંવાર આવતા ત્રણ વિકલ્પ વિષે બધુ જાણું છું... આજે હું તને ત્રણ વિકલ્પ આપું છું... ૧) હજી પણ સમય છે, મારી સાથે લગ્ન કરી લે... ૨) ચૂપચાપ તમે ત્રણેય તમારો ગુનો સ્વીકારી જેલની સજા ભોગવો. ૩) આરૂનાં બદલાનો ભોગ બનો. અનુપ આના સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી. તું જાતે એક પસંદ કરી લે તકલીફ ઓછી થશે.”

નિમિતાની વાતો સાંભળી હવે અજયનો ગુસ્સો હદ પર કરી ગયો. એક રીતે બધાના દિલમાં એક ડર ઉત્પન્ન થયો હતો પણ કોઈ એમના ડરને બીજા પર જાહેર કરવા માંગતા નહોતા.

એ બનાવ પછી નિમિતાનું દિવસ-રાત એક જ વાક્ય ‘મારી આરૂ બદલો લેવા આવશે’ નું રટણ ચાલુ રહે છે. નિમિતાને રોજ રાધાની કહેલી એક વાત આવતી ‘નિમૂ, દીકરી... તું મારા માતા બનવાનો પહેલો અહેસાસ છે... મને ખબર છે તું મારાથી ખૂબ ગુસ્સે છે એટલે દૂર રહે છે... જીવનમાં ક્યારેય પણ તને એવો વિશ્વાસ આવે કે હું મારા બધા સંતાનોને સરખો પ્રેમ કરું છું... તો મને એક વાર તારી નજીક આવવાની તક આપજે.’ એને ઘણીવાર રાધા પોતાને યાદ કરે છે એવા ભણકારા થતાં. બીજીબાજુ નિમિતાથી અનેક કિલોમીટર દૂર રાધાને દીકરીની ચિંતા થતી રહેતી. રાધાને પણ ભ્રમ થતો કે નિમિતા એને યાદ કરે છે. સ્નેહા અને ભાવેશના લગ્ન થાય, વહુ અને જમાઈ પાછા કેનેડા જાય એટલે પોતે નિમિતાને મનાવવા જશે એવું રાધાએ વિચાર્યું હોય છે. નિમિતા અને વિદ્યાને રૂમમાં કેદ કર્યાને પૂરા ત્રણ મહિના પસાર થાય છે. એ જ દિવસે સ્નેહા અને ભાવેશના લગ્નની બધી વિધિ પૂરી થાય છે.

એ દિવસે નિમિતા પોતાને અરીસામાં જુએ છે, જે સુંદરતા પર તેને ગર્વ હતો એ શરીર અનેક યાતનાઓ વેઠી નિસ્તેજ થયું હતું. એ ચીસો પાડી બોલે છે: “અનુપ, તેં મારી લાગણી સાથે ગંદી રમત રમી છે.” પોતાની હાલત જોઈ નિમિતા નિર્ધાર કરે છે, આ તકલીફમાંથી બહાર નીકળીને જ રહેશે. નસો બંધ થવાના કારણે નિમિતા હવે મગજથી વિચાર કરવા સક્ષમ બની હતી. એને વિચારવા માટે અનુકૂળ સમય જોઈતો હતો. ત્રણમાંથી એક હંમેશા વિદ્યા અને નિમિતાની સાથે રહેતા. જેથી નિમિતા અને વિદ્યા અસહાય રહેતા. ઉપરાંત બન્ને એકબીજાની સાથે વાત પણ કરી શકતા નહોતા, પરંતુ દોજખમાંથી નીકળવા માટે બન્ને એકબીજાને મદદ કરવા તૈયાર છે એવું બન્ને ઇશારાથી સમજી ગયા હતા. નિમિતાને માત્ર એક તક જોઈતી હતી જેથી એ ફોન કરી રાધાને એની તકલીફ જણાવી શકે. નિમિતા સમજી ગઈ હતી કે એકવાર રાધાને ખબર પડશે કે પોતે સ્ટુડિયોમાં છે તો એ છોડાવવા ચોક્કસ આવશે. પણ એટલી સહેલી રીતે નિમિતાનાં હાથમાં ફોન આવે એવું અજય થવા દેતો નહીં. રાત્રે પણ રાકેશ રૂમમાં રોકાય ત્યારે એનો ફોન બહાર મૂકીને આવતો જેથી બહુ ધ્યાન રાખવું પડે નહીં.

જ્યારે તકલીફમાંથી બહાર નીકળવાનો સમય આવે ત્યારે કિસ્મત પણ તમને સાથ આપે છે. એ રાત્રે નિમિતાની કિસ્મતે એને સાથ આપ્યો. એ રાત્રે રાકેશ પોતાના ફોનને બેડરૂમમાં ચર્જિંગ કરવા મૂકે છે પછી લેવાનો ભૂલી જાય છે. નિમિતા અને વિદ્યા બન્નેનું ધ્યાન રાકેશ ઊંધે એના પર હોય છે. રાકેશના જેવા નસકોરાં બોલવાના શરૂ થાય છે, ત્યારે લાગ જોઈ વિદ્યા ફોન નિમિતાને આપી ધીરેથી બોલે છે: “તું જેની સાથે વાત કરવી હોય એની સાથે જલ્દી વાત કરી લે.” નિમિતા ફોન લઈ બાથરૂમમાં જાય છે. એક પળનો વિલંબ કર્યા વગર રાધાને ફોન લગાવે છે. દીકરા અને દીકરીના લગ્નનો થાક હજુ ઉતર્યો ના હોવાથી રાધા ગાઢ નિંદ્રામાં હતી. આખી રીંગ પૂરી થાય છે પરંતુ રાધા ફોન ઉપાડતી નથી. બીજી બાજુ નિમિતાના હૃદયના ધબકારા અનિયમિત થયા હોય છે. એ ભગવાનને પ્રાર્થના કરે છે ‘એક વાર મમ્મી ફોન ઉપાડ.’ નિમિતા ધીરજ રાખી બીજી રિંગ વગાડે છે. આ વખતે રાધા ફોન ઉપાડી હલો બોલે છે. અડધી રાત હોવાથી રાધાના અવાજમાં ઘેરી ઊંઘ નિમિતાને પ્રતીત થાય છે. રાધાનો અવાજ સાંભળી નિમિતા ભાવુક થાય છે. રાધા હલો હલો બોલે છે. નિમિતા ભારે મહેનત પછી હલો બોલે છે. નિમિતાનો અવાજ રાધા તરત ઓળખી જાય છે.: “નિમૂ, મને ખબર હતી બેટા તું મને ફોન કરીશ... શું થયું બેટા... મને ખબર છે તું કોઈ મુસીબતમાં છે... હું તને લેવા આવી હતી પણ તું મને મળી નહીં...” નિમિતાનાં ડૂસકાં સાંભળી રાધાને ગભરામણ થાય છે.: “શું થયું નિમૂ? જલ્દી બોલ મારો જીવ જાય છે...” નિમિતાનાં રડવાનો અવાજ વધે છે સાથે રાધાની ચિંતા પણ વધે છે: “નિમૂ... બોલ દીકરી... શું વાત છે... હું હમણાં જ તારી પાસે આવી જઈશ બેટા... શું થાય છે તને જલ્દી બોલ.” વર્ષો પછી રાધાને પોતાના માટે ચિંતા થાય છે એ જોઈને નિમિતા થોડી સ્વસ્થ થાય છે: “મમ્મી... મને માફ કરી દે... મારા સપનાઓએ મારી જિંદગી બરબાદ કરી દીધી... મને અહીથી લઈ જા... અનુપે મને સ્ટુડિયોના બેડરૂમમાં કેદ કરી છે... ત્રણ નરાધામો રોજ મારા પર બળાત્કાર કરે છે... મમ્મી મને તારી જોડે લઈ જા...”

રાધાની હાલત કાપો તો પણ લોહી ના નીકળે એવી થાય છે. રાધાનો અવાજ સાંભળી કિશન જાગી ગયો હતો અને બધી વાત પણ સાંભળી હતી. રાધા બોલે છે.: “દીકરી, મને ઘણા દિવસથી ભ્રમ થતો હતો કે તું મુસીબતમાં છું... પણ આટલી મોટી એ સપનામાં પણ વિચાર્યું નહોતું... દીકરી તું જરાય ચિંતા ના કરીશ... હું તને લેવા આવું છું...” કિશન બોલે છે: “નિમૂ, તું હિંમત રાખજે... તને ત્યાંથી છોડવીશું.” નિમિતા બોલે છે: “મને માફ મારી દો પપ્પા... મેં તમને ઓળખવામાં ભૂલ કરી... તમને ખૂબ તકલીફ પહોચાડી છે એનો બદલો મને ભગવાને આપ્યો છો...” કિશન: “એવું ના બોલીશ બેટા... મેં પણ તને મારી નજીક આવવા માટે મોકો નથી આપ્યો...” નિમિતા: “મને લઈ જાવ... મમ્મી હું ત્રણ મહિનાથી કેદ છું એ વાત મીના પણ જાણે છે... તારો વિડીયો એણે ઉતાર્યો એ મને બતાવવા આવી હતી... હેમાબેન પણ આ ષડયંત્રમાં સામેલ છે... મમ્મી બહુ મોટો વિશ્વાસઘાત થયો છે મારી સાથે... બસ તું મને ગમે તે રીતે લઈ જા” આ સાંભળી રાધાના દિલમાં સૂળ ભોંકાય એવું દર્દ થાય છે. નિમિતા આગળ વાત કરવા જાય એ પહેલા બાથરૂમનાં દરવાજા પર ટકોરા વાગે છે. નિમિતાનાં હાથમાંથી ફોન નીચે પડી જાય છે.

ક્રમશ: