Emporer of the world - 25 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) - 25

જગતનો સમ્રાટ (ભાગ-25)



આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ઘરેથી પરત ફરતી વખતે જૈનીષ ગુરુજીએ કહેલ વાતોના કારણે ચિંતિત હોય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ બંને પોતાની રીતે શું વાત છે તે જાણવાનો પ્રયત્ન કરે છે પણ જૈનીષ કોઈ પ્રતિસાદ આપતો નથી અને દિશા કોઈ ખાસ વાત નથી એમ કહીને જવાબ આપવાનું ટાળે છે. કંટાળીને બીનીતભાઈ કારમાં સંગીત ચાલુ કરે છે અને આ તકનો લાભ લઈ દિશા જૈનીષની સાથે બધી વાત કરી લે છે તથા જૈનીષનો મૂડ ફ્રેશ કરવા એની સાથે થોડી મજાક મસ્તી પણ કરે છે. સામે પક્ષે જૈનીષ પણ થોડી હળવી મસ્તી કરે છે. બીજા દિવસે રીસેસમાં મળવાનું નક્કી કરી જૈનીષ અને દિશા સ્કુલમાં અભ્યાસ કરવા લાગે છે. અને ગુરુજી પણ કૈલાશધામ ખાતે નીકળતા પેહલા એકવાર સ્કુલની મુલાકાતે જવાનું નક્કી કરે છે અને રાજેશભાઈ સાથે તેઓ સ્કુલે આવવા નીકળે છે. હવે આગળ,



#######~~~~~~~#######~~~~~~~#######




રાજેશભાઈનો ફોન આવ્યા બાદ આચાર્ય સાહેબ ગુરુજીને ફરી એકવાર શાળાએ આવકારવા સજ્જ બને છે. ગઈ કાલ રાત્રે જે ઘટના બની અને જે રીતે ગુરુજીએ તેને સમજીને તેનો જે ઉપાય સુજવ્યો હતો તેનાથી આચાર્ય સાહેબ ખુબ પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ત્યારે જ નક્કી કર્યું હતું કે ગુરૂજી કૈલાશધામ જવા નીકળે તે પહેલાં રાજેશભાઈને કહીને ગુરુજીને એકવાર જરૂરથી મળવું છે. જાણે એમની ઈચ્છાને આજે ભગવાને પણ તથાસ્તુ કીધુ હોય એમ રાજેશભાઈનો ફોન સામેથી આવે છે અને ગુરૂજી જતા પેહલા સ્કુલ ની મુલાકાત લેવા માંગે છે એવા સમાચાર આપે છે. આ સમાચારથી આચાર્ય સાહેબ આજે ખુશ દેખાઈ રહ્યા હતા.



સ્કુલનું પ્રથમ સત્ર પૂરું થવાની તૈયારીઓ હતી અને દિવાળી વેકેશન પડવાનું હોવાથી ખાસ કોઈ કામ પણ નહોતું. એવામાં આચાર્ય સાહેબની કેબિનમાં પટાવાળો આવે છે અને તેમને કોઈ મળવા માંગે છે એવું જણાવે છે. આચાર્ય તેમને અંદર મોકલવાનું કહે છે, એટલે પટાવાળો તરત બહાર જતો રહ્યો અને આચાર્ય સાહેબ પડ્યા વિચારમાં, કે કોણ આવ્યું હશે. અચાનક તેમના વિચારોમાં ખલેલ પડી, જ્યારે એક તેમની જ ઉંમરના વ્યક્તિ આવીને તેમની કેબિનના દરવાજે ઊભા રહ્યા અને અંદર આવવાની પરવાનગી માંગી. આવનાર વ્યક્તિને જોઈને આચાર્ય સાહેબને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો.



આવનારને જોઇને આચાર્ય સાહેબ પોતાની જગ્યાએ જ થીજી ગયા. આવનાર વ્યક્તિ સ્મિત કરતાં કરતાં બસ આચાર્ય સાહેબને જોઈ રહ્યા, જાણે એમને ખબર જ હતી કે આવું જ કંઈક થશે. થોડી ક્ષણોના અંતરાલ બાદ આવનાર વ્યક્તિ આચાર્યને સંબોધીને કહે છે, "ગુણવંત, મને દરવાજે જ ઊભો રાખવો હોય તો હુ પાછો જતો રહું." અને તે વ્યક્તિના શબ્દોની અસર થઈ હોય એમ આચાર્ય સાહેબ જાગ્યા. અરે જાગ્યા શું ? રીતસરના પોતાના સ્થાનેથી દોડ્યા અને આવનાર વ્યક્તિને ભેટી પડ્યા. "ઈશ્વર, કેટલા વર્ષો વિતી ગયા મારા મિત્ર તને જોયે. અચાનક આમ સામે આવી જઈશ તો ગુણવંત તો ચોંટી જ જાય ને મારા યાર." આટલું બોલતા બોલતા તો આચાર્ય સાહેબની આંખો હર્ષથી ભીની થઈ ગઈ.



સામે પક્ષે આવનાર વ્યક્તિના પણ એવા જ હાલ હતા. વર્ષો બાદ આજે જૂના મિત્રો મળી રહ્યા હતા એટલે લાગણીઓનું વહેવું તો નક્કી જ હતું. અમુક ક્ષણોના ભાવુક મિલન બાદ બંને એકબીજાથી અલગ થયા અને આચાર્ય સાહેબ પોતાના મિત્રને અંદર લઈ ગયાં. પટાવાળાને ચા અને નાસ્તો લઈ આવવાનું પણ કહી દીધું. "તો આખરે મારો ગુણવંત આચાર્ય બની ગયો એમને ?" ઈશ્વરભાઈ એ ફરી વાતોનો દોર શરૂ કર્યો. "હા મિત્ર ઈશ્વર, છેલ્લા 10 વર્ષથી આચાર્ય પદ પર છું અને થોડા વર્ષો બાદ નિવૃત્તિનો સમય પણ આવી જ જશે." ઈશ્વરભાઈને જવાબ આપતા આચાર્ય બોલ્યા. "ઈશ્વર આટલા વર્ષો બાદ આજે અને એ પણ આમ અચાનક ? "



આચાર્ય સાહેબએ સીધો જ પ્રશ્ન પોતાના મિત્રને પૂછી લીધો. પોતાના મિત્રને લાંબા અંતરાલ બાદ મળ્યા નો આનંદ તો હતો જ પણ સાથે સાથે તેમને નવાઈ પણ લાગી હતી. આતુરતાવશ એમણે પોતાના મિત્ર ઈશ્વરભાઈને પૂછી જ લીધું. "અરે મિત્ર ગુણવંત, તારી સાથે મુલાકાત તો ઓચિંતી જ થઈ એમ કહું તો ચાલશે. હુ તો મારા પૌત્રને લઈ જવા આવ્યો હતો." ઈશ્વરભાઈએ જવાબ આપ્યો. તેમની વાત સાંભળીને આચાર્ય વિચારમાં પડી ગયા. આચાર્ય સાહેબને એ તો સમજાય ગયું કે તેમનાં મિત્ર ઈશ્વરભાઈનો પૌત્ર અહીંયા ભણે છે, પણ એ કોણ છે તે જાણવાની ઉત્સુક્તા વધવા લાગી.


આચાર્ય:- "શુ વાત કરે છે ઈશ્વર ? તારો પૌત્ર અને મારી શાળામાં અભ્યાસ કરે છે ? મને નામ તો જણાવ તારા પૌત્રનું ?" આટલા બધા પ્રશ્નો એ વાતના સાક્ષી હતા કે સાહેબ ખૂબ ઉત્સુક હતા તેમનાં મિત્રના પૌત્ર વિશે જાણવા.


ઈશ્વરભાઈ:- "અરે ગુણવંત, મારા મિત્ર. મારા પૌત્રએ તો અમારા કુટુંબનું નામ આખા રાજ્યમાં ઉજાળી દીધું છે. મને જ્યારથી સમાચાર મળ્યા છે ત્યારનો હું ખૂબ જ ઉત્સુક છું એને મળવા માટે. એટલે જ અમે તાત્કાલિક અહીંયા આવી ગયા. હું મારા પૌત્ર અને પરિવાર સાથે યાત્રા કરવા માંગુ છું, માટે જ સવારે ગામથી આવ્યા એવો તરત ઘરેથી એની સ્કુલનું સરનામું લઈ અહી આવ્યો. રજા તો આચાર્ય આપશે એવું જાણવા મળ્યું તો તું મળી ગયો."


ઈશ્વરભાઈએ તેમનાં મિત્ર આચાર્યને અહી કેવી રીતે આવ્યા તે બધી વાત જણાવી અને તેમનાં પૌત્ર વિશે પણ જણાવ્યું. તેમની વાત સાંભળીને આચાર્ય ગુણવંતભાઈ તરત સમજી ગયા કે તેઓ કોની વાત કરી રહ્યા છે. "તો જૈનીષ તારો પૌત્ર છે ?" આચાર્ય સાહેબને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું. તેમનાં મિત્રનો પૌત્ર એટલે એમનો પણ પૌત્ર સમાન જૈનીષ તેમની જ સ્કુલમાં હતો. આજનો દિવસ તો આચાર્ય સાહેબ માટે ખરેખર જાદુઈ સાબિત થઈ રહ્યો હતો. વર્ષો બાદ તેમનો જીગરી મિત્ર મળ્યો અને બીજી વાત કે એમના પૌત્ર સમાન જૈનીષ તેમની જ સ્કુલમાં ભણતો હતો.


ત્યારબાદ બંને મિત્રો ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા. પોતાના જૂના સમયને યાદ કર્યો. કઈ રીતે પોતપોતાના જીવનમાં આગળ વધ્યા અને બીજી ઘણી બધી વાતો. આ ઈશ્વરભાઈ બીજું કોઈ નહીં પણ જૈનીષના દાદા જ છે. રાજ્ય કક્ષાએ મેળવેલ સફળતાની ખુશી તેમને અહી ખેંચી લાવી. ઘણા સમય સુધી વાતો કર્યા બાદ ઈશ્વરભાઈ આચાર્ય સાહેબને જૈનીષને પોતાની સાથે લઈ જવા માટેની પરવાનગી માંગે છે.



આચાર્ય સાહેબ પોતાના મિત્ર ઈશ્વરભાઈને લઈને જૈનીષના ક્લાસમા જાય છે. વેકેશન પૂર્વેના વર્ગો હોવાથી ખાસ કોઈ અભ્યાસ ચાલતો નથી. માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. તેવામાં આચાર્ય સાહેબ ક્લાસમાં પ્રવેશ કરે છે એટલે થોડી શાંતિ પથરાય જાય છે. તેઓ ક્લાસમાં આવતાંની સાથે જ જૈનીષને ઉદ્દેશીને કહે છે, " તારા માટે એક સરપ્રાઈઝ છે જૈનીષ." એમ કહીને આચાર્ય સાહેબ ક્લાસના દરવાજા તરફ હાથ કરે છે. દરવાજામાં પોતાના દાદાજીને જોઈને જૈનીષ ભાવુક થઈ ગયો.



સમય અને સ્થાનનું ભાન ભૂલીને જૈનીષ દોડીને દાદા પાસે પહોંચી ગયો. દાદાના ચરણસ્પર્શ કરવા જુક્યો પણ ઈશ્વરભાઈએ તો તેને પોતાની છાતી સરસો જ ચાંપી દીધો. ઘણા લાંબા સમય બાદ દાદાને જોયા હોવાથી જૈનીષની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. આ દૃશ્ય જોઈને આચાર્ય સાહેબ પણ ભાવુક થઈ ગયા. દિશાને પણ આ દાદા પૌત્રનું મિલન જોઈ રહી હતી. ત્યારબાદ જૈનીષ અને ઈશ્વરભાઈ ઘરે આવવા નીકળે છે અને દિશા પણ તેમની સાથે જ આવવાની જીદ કરે છે એટલે આચાર્ય દિશાને પણ રજા આપે છે. ત્રણેય સ્કુલથી ઘરે આવી ગયા.



બીજી તરફ ગુરૂજી સ્કુલ આવવા નીકળ્યા પણ આજે નિયતિ એ કઈક અલગ જ વિચાર્યું હોય એમ તેમનો કાફલો ટ્રાફીકમાં ફસાઈ જાય છે. ઘણી રાહ જોયા બાદ ટ્રાફિક ક્લીઅર તો થાય છે પણ જેવા તેઓ સ્કુલના રસ્તે આગળ વધે છે તે રસ્તે આગળ અકસ્માત થતાં તેઓ ફરી ટ્રાફીકમાં ફસાઈ જાય છે. દેખાવમાં સામાન્ય લાગતી આ ઘટનાઓ ગુરૂજી સમજી જાય છે પણ તેઓ પણ કંઈ જ કરી શકવા માટે અસમર્થ હોય છે. ગુરુજીને કૈલાશધામ પરત જતા પેહલા માત્ર એકવાર જૈનીષને મળવાની ઇચ્છા હોય છે, માટે જ તેઓ સ્કુલ જવાનો નિર્ણય લે છે. પણ રસ્તામાં આવતા વિઘ્નો ગુરુજીને ચિંતિત બનાવી દે છે.


#######~~~~~~~#######~~~~~~~#######


શુ છે ગુરુજીની ચિંતાનું કારણ ?

ઈશ્વરભાઈનુ આગમન શુ નિયતિનો સંકેત છે કે સહજ ઘટના ?

શુ ગુરૂજી મળી શકશે સમ્રાટ ને ?

જોઈશું આવતા ભાગમાં,



હર હર મહાદેવ

રાધે રાધે