Tran Vikalp - 25 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 25

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૫

ટકોરાનો અવાજ સાંભળી નિમિતાનાં હાથમાંથી ફોન નીચે પડી જાય છે. નિમિતા ફોન ઉપાડી જુએ છે તો ફોનને કોઈ નુકશાન નહોતું થયું. એ ઝડપથી ફોન લઈ દરવાજો ખોલે છે. દરવાજા પર વિદ્યા હોય છે એ નિમિતાનાં હાથમાંથી ફોન લઈ ફરી ચર્જિંગમાં મૂકે છે. રાકેશ ઉંધમાં પાસા ફેરવતો હતો એટલે વિદ્યાએ એવું કર્યું હતું. વિદ્યાની આંખોમાં નિમિતાને પ્રશ્નાર્થ દેખાય છે જે પૂછી રહી છે કે તારે વાત થઈ કે નથી થઈ? નિમિતા એ રાત્રે વિદ્યાનાં ખોળામાં માથું મૂકી ખૂબ રડે છે. ત્રણ મહિના જેટલો સમય પસાર થયા પછી, એક રૂમમાં કેદ થયેલી બે સ્ત્રીઓ એકબીજાની પરિસ્થિતી માટે પોતાને જવાબદાર માની માફી માંગતી હતી. બન્નેના નસીબથી રાકેશના ફોન પરથી નિમિતાએ એની મમ્મી સાથે વાત કરી છે, એવી કોઈને ખબર પડતી નથી. કુદરતે એ દિવસે નિમિતાનો હાથ જાલ્યો હતો. કુદરતે બીજી રીતે પણ નિમિતાને સહાય કરી હતી. એ રાત્રે માધવ ફરી અમદાવાદ પાછો આવ્યો હતો. આ વાત ત્રણેય મિત્રો માટે આધાતજનક અને બન્ને અસહાય, અત્યાચારનો સતત ભોગ બની રહેલી સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન બનવાની હતી.

***

ઘડિયાળમાં સવારના ચાર વાગ્યાના ટકોરા વાગે છે. વંટોળ સાથે થઈ રહેલા ધોધમાર વરસાદના થોડા છાંટા ઓફિસમાં આવે છે એટલે હેમા ઊભી થઈ બારી બંધ કરે છે. લીલા કોફી મૂકી પાછી જાય છે. હેમા કોફીનો કપ ઉપાડી માધવને આપે છે. ખૂબ વ્યગ્ર હ્રદય સાથે માધવ એ કપ પકડે છે: “આગળ શું થયું હતું હેમાબેન?”

હેમા ફરી ભૂતકાળમાં ડોકિયું કરે છે: “બીજા દિવસે રાધા અને નિયતિ મુંબઈથી રાજકોટ ફ્લાઇટમાં આવે છે અને રણછોડભાઈ તથા રાજેશને બધી વિગત જણાવે છે... એ જ દિવસે રાધા, રણછોડભાઈ અને રાજેશ ગાડી લઈને અમદાવાદ આવે છે... જો નિમિતાને હવશખોરો કેદ કરી શકતા હોય તો નિયતિને ખતરો થઈ શકે છે એવું વિચારી રણછોડભાઈ નિયતિને સાથે લેવાની ના પાડે છે... રણછોડરાય, રાધા અને રાજેશ પહેલા આનંદને બધી વાત કહે છે... એ ચારેય મીનાને સાચી વાત જણાવવા માટે મજબૂર કરે છે... મીના સમજી જાય છે કે સાચું બોલ્યા વગર ચાલશે નહીં... મીના ફોન કરી મને બોલાવે છે... તમે એ દિવસે અમદાવાદ આવી ગયા હતા... મને ખબર નહીં કેમ તમારી મદદ લેવા માટે કહેવાનું સુજયું અને તમને મળવા માટે સમજાવ્યા... પરિસ્થિતીની ગંભીરતા જોઈ એ લોકો માની જાય છે...”

માધવ કોફીની ચૂસકી લેતો બોલે છે: “હા મને યાદ છે... ઓફિસની બહાર તમે લોકો મારી રાહ જોઇને ઊભા હતા... રાધાએ મારા પગે પડી મારી દીકરીને બચાવી લો કહી વિનંતી કરી હતી... મને કોઈ વાતની ખબર નહોતી... તમે મને બધી વાત જણાવી... મારા માન્યામાં આવતું નહોતું કે ભાઈ કોઈ સ્ત્રી સાથે આ રીતે વર્તન પણ કરી શકે છે... મેં લોકોને બહાર ઊભા રાખ્યા હું એકલો અંદર ગયો... હું કોઈ દિવસ સ્ટુડિયોમાં જતો નહોતો, એ દિવસે સ્ટુડિયોમાં મને જોઈ ભાઈને બહુ આશ્ચર્ય થયું... મને કહે ‘નાનકા.......’ ભાઈ કશું બોલે એ પહેલા એમની સાથે વાત કર્યા વગર હું સીધો બેડરૂમમાં ગયો... મારી આ પ્રતિક્રિયા જોઈ ત્રણેય મિત્રોના હોશ ઉડી ગયા હતા અને રૂમમાં બન્ને સ્ત્રીઓની હાલત જોઈ મારા હોશ ઉડી ગયા હતા... બન્ને સ્ત્રીઓ ચીથરેહાલ કપડાંમાં હતી... બારીઓના પડદા કાઢી મેં બન્નેને ઓઢાડયા... એક વખત તો મને જોઈને નિમિતા ગભરાઈ હતી... એને એવું લાગ્યું કે કોઈ ચોથો માણસ પણ હવે એના ઉપર સિતમ ગુજારશે... મારી આંખોમાં પાણી જોઈ એની આંખોમાં પાણી આવી ગયું... વિદ્યા બોલી ‘નિમિતા આ માધવ સર છે એ તને કશું નહીં કરે’… નિમિતા મારી રાહ જોતી હોય એમ મને ભેટીને રડવા લાગી... ‘તું માધવ છું, અનુપના મોઢે મેં બહુ બધી વાર તારી વાતો સાંભળી છે, અનુપ માત્રને માત્ર તારાથી બીવે છે, મને આ નરકમાંથી બહાર લઈ જા, મને મારી મમ્મી પાસે જાઉં છે.’ બોલી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી... હું નિમિતાને પકડી બહાર લાવ્યો... ભાઈ મારી સામે નજર એક કરી જોઇ શકતો નહોતો... અજય અને રાકેશ પણ મોઢું ફેરવીને ઉભા હતા... હું ત્યાં કોઈ તમાસો કરવા નહોતો ઈચ્છતો... બહારથી એક છોકરીને બોલાવી મેં નિમિતા અને વિદ્યા માટે કપડા મંગાવ્યા... બન્નેએ કપડાં પહેર્યા એટલે હું એ લોકોને લઈને નીચે ગયો... રાધા અને નિમિતા એકબીજાને વળગી હૈયાફાટ રૂદન કરતા હતા... સાથે મારી આંખોમાં પણ અનરાધાર આંસુ નીકળી રહ્યા હતા... મેં રાધાની માફી માંગી હતી ‘મને માફ કરો, મને જો ખબર હોત કે આવું કંઈક થઈ રહ્યું છે તો હું કોઈ કાળે ના થવા દેતો, હું જાતે તમારી દીકરીને તમારી પાસે લઈને આવ્યો હોત.’ એ દિવસે રાધાએ મારો ખૂબ ઉપકાર માન્યો હતો...”

માધવને અત્યારે વાત કરતી વખતે પણ એ દિવસ જેટલું દુ:ખ થાય છે. કોફીનો કપ ટેબલ પર મૂકી બોલે છે: “હેમાબેન, કશું કહેવાનું બાકી છે?” હેમા થોડા સંકોચ સાથે બોલે છે: “હા... કહેવાની મારે એ વખતે જરૂર હતી, તો કદાચ એ દુ:ખદ ઘટના ના બની હોત... નિમિતાને લઈ એ લોકો રાજકોટ ગયા એની થોડી વારમાં અજયે અનુપસરને ફોસલાવી નિમિતા અને રાધાને ધમકી આપવા રાજકોટ જવાનું નક્કી કર્યું... તમને એવું જણાવ્યું કે અનુપ તમારી સાથે વાત કરવા માંગતો નથી એટલે ઓફિસમાં રોકાયો છે... અજય, રાકેશ, અનુપ અને શંભુ ચારેય રાજકોટ પૂરઝડપે ગાડી દોડાવી પહોચ્યા હતા.”

માધવ ટેબલ પર હાથ પછાડી ઊંચા અવાજે બોલે છે: “શું? ભાઈ જાતે રાજકોટ ગયા હતા... તો રણછોડભાઈ અને રાધાનું ખૂન ભાઈના હાથે થયું હતું.” હેમા: “મને નથી ખબર ત્યાં શું થયું હતું... એ લોકો પાછા આવ્યા એના બે દિવસ પછી પેપરમાં મેં વાંચ્યું હતું કે માર્ગ અકસ્માતમાં રણછોડભાઈ ઠક્કર, રાધા પંચાલ, નિમિતા પંચાલ અને આરૂ પંચાલનું કરૂણ મોત થયું છે...” માધવ ઊંડા વિચારમાં ગરકાવ થાય છે. માધવની તંદ્રા તોડી હેમા બોલે છે: “સર એક સવાલ પૂછું? નિયતિ મહેતા એ જ આરૂ પંચાલ છે ને?” માધવ ના ચહેરા પર અચાનક માસુમ સ્મિત ફેલાય છે: “હેમાબેન તમે થોડા તો સમજદાર છો હો... માનવું પડે મારે... તમે આ વાત પપ્પાને જણાવવી હોય તો કહી શકો છો...” હેમા ઉદાસ ચહેરે બોલે છે: “હું શું કહેવાની સર... સમય આવશે ત્યારે તમે જાતે જણાવશો એ પણ હું જાણું છું... અત્યારે તો હું એ વિચારું છું કે, નિમિતાએ કહ્યું હતું એ પ્રમાણે નિયતિએ બદલો લીધો... એ પણ કેવો બદલો... એટલું કરૂણ મોત થયું અનુપ સરનું, એમના અંતિમ દર્શન પણ કોઈના નસીબમાં નહોતા...”

બહાર વંટોળ શાંત થયો હતો પણ આ વાત સાંભળી માધવના મસ્તિષ્કમાં ઝંઝાવાત શરૂ થયો હતો. હેમાના અંતિમ શબ્દો એના મગજમાં ચકરાવે ચઢે છે. અચાનક કોઈ વાત યાદ આવે છે. અચાનક ખુરસી પરથી ઊભો થઈ હેમા તરફ ધસે છે: “હેમાબેન શું બોલ્યા તમે? ભાઈના અંતિમ દર્શન પણ શક્ય નહોતા...”

હેમા આશ્ચર્ય સાથે બોલે છે: “હા સર... તમે મુંબઈ હતા... તમને ફ્લાઇટ સાંજની મળી હતી... ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરી એમનું આખું બોડી પ્લાસ્ટિકમાં વીંટાળીને આપ્યું હતું... ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે કોકેનની એટલી ખરાબ અસર થઈ છે કે, ચહેરો કહોવાઈ ગયો છે અને લોહી નીકળી આવ્યું છે... અડધા કલાકની અંદર એમના અંતિમ સંસ્કાર કરી દો નહીં તો બોડી ગંધ મારવા લાગશે... એટલે મોટાસરે અડધા કલાકની અંદર એમના અંતિમ સંસ્કાર કર્યા હતા... તમે તેમના અંતિમ સંસ્કાર થયા પછી આવ્યા હતા એટલે તમને કશી જ ખબર નથી.”

માધવ એના મગજમાં અનુપના મૃત્યુના દિવસની વાત યાદ કરી એક પછી એક કડી જોડાવા મથે છે. વરસતા વરસાદની જેમ બધી વાતનો મગજમાં વરસાદ શરૂ થાય છે. જેમ કડીઓ ગોઠવાય છે એમ માધવના ચહેરા પર રહસ્યમય હાસ્ય ઊભરી આવે છે. હેમાનો હાથ પકડી બોલે છે: “હેમાબેન, છેલ્લે તમે મને જે માહિતી આપી એના પરથી મેં એક બીજું રહસ્ય જાણ્યું છે... ભગવાનને પ્રાથના કરજો મારૂ એ અનુમાન સાચું પડે... તમારી સજા એટલી ઓછી થશે.” માધવ એટલું બોલી એના રહસ્યમય હાસ્ય સાથે જાય છે. હેમા સમજવાની કોશિશ કરે છે કે માધવે એવું તો શું જાણ્યું કે હસતો-હસતો અહી થી ગયો?

ક્રમશ: