Tran Vikalp - 26 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 26

માધવ વરસતા વરસાદમાં ફુલ સ્પીડમાં ગાડી ચલાવી જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો.  એના મગજમાં હજારો વિચાર એકસાથે ચાલતા હોય છે.  એ વિચારે છે આટલી વહેલી પરોઢે ભાભી સાથે વાત કરવી યોગ્ય રહેશે કે નહીં, સવાલોના જવાબ મેળવવા પણ એટલા જરૂરી હતા.  એ નક્કી કરે છે અત્યારે ભાભીને ઉઠાડી બધા સવાલોના જવાબ જાણશે.  મગજમાં જેટલા પણ સવાલો ઉત્પન્ન થયા છે એ બધાનો જવાબ પોતે મેળવીને ઝંપશે.  ભગવાનને પ્રાર્થના કરે છે, ‘જે ઉમ્મીદ જાગી છે તે સત્ય હોય તો સારું.’  

સવારના ૫:૦૦ વાગે માધવ ગાડી ચલાવતો હતો.  સંતોષ અને સેજલ એકબીજાની સાથે ફોન પર વાત કરતા હતા.  કાન્તાનાં ઘરમાં ફટાફટ તૈયાર થઈને વેરાવળ જવા માટેની ધમાલ થતી હતી.  નિયતિ અને કિશન કોઈ વાત પર ચર્ચા કરતાં હતા.  હર્ષદરાયની ઊંઘ ઉડી ગઈ હતી, એ શંભુના ફોનની રાહ જોતા હતા.  સુહાસિનીને ચેન નહોતું પડતું એણે આખી રાત પાસા ફેરવતા વિતાવી હતી.  દરેક પોતાની રીતે પોતાના કામમાં વ્યસ્ત હતા.  

આ બધા બનાવો વચ્ચે એક જોગાનુજોગ બન્યો હતો.  જે સમયે માધવનાં મગજમાં ગડમથલ ચાલતી હતી.  એ સમયે નિયતિનાં મગજમાં પણ ગડમથલ ચાલતી હતી.  જે સચ્ચાઈ માધવ જાણવાની કોશિશ કરતો હતો.  એ સચ્ચાઈ માધવ જાણશે ત્યારે કેવી પ્રતિક્રિયા આપશે, એ બાબત પર નિયતિ અને કિશન ચર્ચા કરતાં હતા.  નિયતિને વિશ્વાસ હતો કે માધવ એ સત્ય ખૂબ જલ્દી જાણી જશે.  એટલો વિશ્વાસ માધવને પણ નિયતિ પર હતો કે, જે આશા જાગી છે એ સાચી સાબિત થશે. 

માધવ ઘરમાં આવી સૌથી પહેલાં અનુપનાં ફોટા સામે ઉભો રહે છે.  એક બાજુ આંખમાં આંસુ અને દિલમાં દુ:ખ હતાં તો બીજી બાજુ ભાઈના સ્ત્રીઓ પ્રત્યેના વર્તનથી અણગમો પણ હતો.  મનમાં બોલે છે ‘ભાઈ તું મારી આસપાસ જ છું મને ખબર છે’.  

માધવ ભાભીને કેવી રીતે ઉઠાડું એ દુવિધામાં સેજલના રૂમ તરફ આગળ વધતો હતો.  એને ખબર નહોતી કે સેજલ આખી રાત ઊંઘી નથી, સંતોષ સાથે ફોન પર વાત કરતી હતી.  નિયતિ કેટલા વાગે વેરાવળ જવાની છે તે ખબર નહોતી એટલે સંતોષે આખી રાત જાગવાનું નક્કી કર્યુ હતું અને સેજલે આખી રાત વાત કરીને એમાં સાથ આપ્યો હતો.  સેજલનાં રૂમનો દરવાજો ખુલ્લો હતો.  માધવ સીધો અંદર જાય છે.  સેજલ અને સંતોષ ફોન પર વાત કરતા હતા.  માધવ થોડી વાતો સાંભળી જાય છે.  માધવને સમજતા વાર નથી લાગતી કે સેજલ અને સંતોષ એકબીજાને પ્રેમ કરે છે.  સેજલને અચાનક એવું લાગે છે કે પાછળ કોઇ ઊભું છે.  એ સંતોષ સાથે વાત કરવામાં એટલી મગ્ન હતી કે બેડરૂમનો દરવાજો લોક નથી કર્યો તે પણ તેને યાદ નહોતું રહ્યું.  માધવ એની વાત સાંભળી ગયો છે તે સેજલને ખબર પડી જાય છે.  

“માધવ તું ક્યારે આવ્યો?” બોલી સેજલ ફોન કટ કરે છે.  સંતોષને પણ ખબર પડે છે કે માધવ એમની વાત સાંભળી ગયો છે.  

માધવ પણ કોઈ વાત છુપાવવા માંગતો નથી: “બસ તમારી વાત સાંભળતો હતો, હમણાં જ આવ્યો છું.”  

માધવની નજીક જઈને સેજલ પૂછે છે: “તું મને સવાલ નહીં પૂછે માધવ…  હું કોની સાથે વાત કરતી હતી?”  

માધવ હસતા હસતા બોલે છે: “ભાભી એ તો હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી...  હું જાણું છું કેવી પરિસ્થિતીમાં તમે ભાઈ સાથે લગ્ન કર્યા હતા...  એક પ્રકારે તમારી સાથે અન્યાય થયો હતો...  મારે તમારી પાસેથી કોઈ ખુલાસો જોઈતો નથી...  ખેર, અત્યારે મારે બીજી વાત જાણવી છે...  અંતિમ-સંસ્કાર માટે દવાખાનેથી ભાઇનું ડેડબોડી આવ્યું ત્યારે તમે ચેક કર્યું હતું કે ભાઈ છે કે નહીં?” 

આ સવાલ સાંભળીને સેજલ આશ્ચર્યચકિત થઈ જાય છે.  એને કંઈ સમજ પડતી નથી કે શું જવાબ આપવો.  સેજલ કહે છે: “આ કેવો સવાલ છે માધવ?  મને સમજણ નથી પડતી તું પૂછવા શું માંગે છે?”  

માધવ કહે છે: “બસ ભાભી એટલું જ, ડેડબોડી ભાઈનું છે કે નહીં એ તમે ચેક કર્યું હતું?”

સેજલને હજી પણ નવાઈ લાગે છે: “એમાં શું ચેક કરવાનું હતું?  હોસ્પિટલમાં અનુપનું મૃત્યુ થયું હતું.  પોસ્ટમોર્ટમ કર્યા પછી ડોક્ટરે બોડી પાછું આપ્યું હતું...  જેટલું બને એટલું વહેલું અંતિમ-સંસ્કાર કરવા કહ્યું હતું…”

સેજલ એ દિવસની ઘટના યાદ કરી બોલતી રહી.  માધવ જેમ સાંભળે છે તેમ એના ચહેરા પર ફરી રહસ્યમય હાસ્ય આવે છે.  સેજલ બોલતી વખતે માધવના ચહેરાના હાવભાવ સમજવા મથે છે. 

આ વાત ચાલતી હતી એટલામાં એંજલ ઊંઘમાં ‘પપ્પા...  પપ્પા’ કરીને રડવા લાગે છે.  સેજલ દીકરીના માથા પર હાથ ફેરવે છે. 

માધવ પૂછે છે: “ભાભી એંજલ રોજ આ રીતે ઊંઘમાં ભાઈને યાદ કરે છે?” 

સેજલ દીકરીને વ્હાલ કરતી બોલે છે: “હા એંજલ હજુ પણ અનુપને ખૂબ યાદ કરે છે...”  ઊંડો શ્વાસ લઈ સેજલ બોલે છે: “માધવ, મને એવું લાગે છે! તું એવો સવાલ પૂછે છે જેનો જવાબ તું પોતે જ જાણે છે!”  

માધવ બેડ પર એંજલ પાસે જઈ આડો પડે છે.: “ખબર નથી ભાભી...  એક આશા જાગી છે...”  માધવ ફરી રહસ્યમય હશે છે: “હા ભાભી હું જે સવાલ પૂછી રહ્યો છું એનો જવાબ હું એકલો જ જાણું છું.”  

સેજલ માયુસ થઈને માધવ સામે જુએ છે.: “એટલે માધવ તું શું કહેવા માગું છું કે અનુપ???”  

એ સમયે બહાર વરસાદ બંધ થઈ જાય છે.  વરસાદનો અવાજ બંધ થાય છે સાથે રૂમમાં સન્નાટો છવાઈ જાય છે.  

માધવ કહે છે: “હું નથી જાણતો ભાભી...  બસ અનુમાન છે...  મને ઊંઘ આવે છે ભાભી...  હું થોડી વાર સુઈ જવા માંગુ છું...  એ પણ એંજલ સાથે...  મારો ફોન તમે રાખો...  સંતોષનો ફોન આવે તો તમે એની સાથે વાત કરી લેજો...” 

સેજલનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ માધવ કહે છે: “ભાભી ભાઈ છે કે નહિ આ દુનિયામાં હું નથી જાણતો...  પણ સંતોષના અને તમારા લગ્ન હું કરાવી આપીશ એટલું તમને વચન આપું છું...  હવે તમારે કોઈ અન્યાય સહન નહીં કરવો પડે.” 

એ દિવસે સેજલ પહેલી વખત મંદિરમાં દીવા કરે છે.  આટલી વહેલી સવારે મંદિરમાં દીવા જોઈ સુહાસિનીને પણ અચરજ થાય છે.  એ સેજલના માથે હાથ મૂકી બોલે છે: “શું વાત છે બહુ દીકરા આટલા વર્ષોમાં તું પહેલી વખત જાતે મંદિરમાં આવી પૂજા કરું છું?”  

સેજલના ચહેરા પર એક અનોખા પ્રકારની ખુશી સુહાસિનીને દેખાય છે.  ચહેરા પર જે ચમક હતી એવી સુહાસિનીએ ક્યારેય સેજલના મોઢા પર જોઇ નહોતી.  એમણે હંમેશા સેજલને ઉદાસ ચહેરે જોઈ હતી.  

સેજલ હળવું સ્મિત કરી બોલે છે: “મમ્મી આજે બહુ વર્ષો પછી મને ભગવાન પર શ્રદ્ધા બેઠી છે એટલે હું પૂજા કરી રહી છું...  તમે પણ ખુશ થાવ મમ્મી...  ખુશ થવાના દિવસો બહુ નજીક છે.”

સાસુ-વહુ ભગવાનની પૂજામાં પરોવાય છે તો રાજકોટમાં એ સમયે નિયતિ અને તેનો પરિવાર વેરાવળ જવા માટે નીકળે છે.  નિયતિની ધારણા પ્રમાણે એના ઘરની બન્ને ગાડીથી થોડા અંતર દૂર સંતોષની ગાડી પણ રસ્તો કાપી રહી હતી.  નિયતિ મનમાં ખુશ થઈ વિચારતી હતી, જે બે વાત છુપાવી છે એમાંથી એક વાત જાણવા આજે માધવ ચોક્કસ હોસ્પિટલ જશે.  એ જ વખતે માધવને સંતોષ ફોન કરે છે.  સેજલ ફોન ઉપાડી જણાવે છે: “માધવ સુઈ ગયો છે...  એ ઊઠીને ફોન કરશે.”  સંતોષને આશ્ચર્યભરી ખુશી થાય છે, જ્યારે સુહાસિનીને માધવના ફોન પર સેજલને કોઈની સાથે વાત કરતી જોઈ નવાઈ લાગે છે.  સેજલ: “બધા વેરાવળ જવા નીકળી ગયા?”  સંતોષ જવાબ આપી ખુશી સાથે ફોન મૂકે છે.  સેજલ ટૂંકમાં બધી વાત સુહાસિનીને સમજાવે છે.  સાસુ અને વહુ ઘણા દિવસો પછી શાંતિથી સાથે બેસી ભગવાનની પૂજામાં વ્યસ્ત થાય છે.

મનમાં જાગેલી ઉમ્મીદ સાચી પડે એવા સપના સાથે માધવ એક ઘરની બહાર ઊભો હોય છે.  એ ઘર મીનાનું હતું.  માધવને જોઈ મીનાનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી જાય છે.  મીના બોલે એ પહેલા ધૃવ ઝડપથી માધવના હાથમાં નાની ચિઠ્ઠી પકડાવીને બોલે છે: “તમે પ્લીઝ અહીંયા થી જતા રહો પપ્પા આમારી સાથે રહેતા નથી...”  

માધવ એક પણ શબ્દ બોલ્યા વગર બહાર ગાડીમાં આવીને બેસે છે.  ચિઠ્ઠી ખોલીને જુએ છે, એમાં લખ્યું હોય છે ‘બહાર કોફી શોપ ઉપર મારી રાહ જુઓ હું પંદર મિનિટમાં આવું છું.’  

માધવ કોફી શોપ પર ઝડપથી જાય છે.  થોડીવારમા ધૃવ મોહક હાસ્ય સાથે આવી સીધો માધવને પગે લાગી એને ભેટી પડે છે.  પાછળ દિવાલના હોત તો માધવ ખુરશી સાથે નીચે પડ્યો હોત.  

ધૃવ ઉત્સાહ સાથે બોલે છે: “સોરી...  સોરી...  હું હરખમાં ભૂલી ગયો કે તમે ખુરશી પર બેઠા છો...  આરૂદીદી કહેતી હતી કે, તમે આજકાલમાં જ પપ્પાને શોધવા આવશો...  ચાલો હું તમને પપ્પા સાથે લઈ જાઉં છું.”

 ધૃવ અને માધવ એક નાની હોસ્પિટલમાં પ્રવેશ કરે છે.  હોસ્પિટલમાં સ્વચ્છતાનું ખૂબ જ પાલન હતું.  એક રૂમની બહાર જઈ ધૃવ ટકોરા મારે છે.  આનંદ દરવાજો ખોલે છે: “દીકરા માધવ આવ્યો?”  માધવને સાંભળીને કોઈ નવાઈ લાગતી નથી. એ જાણતો હતો કે નિયતિ એની સાથે શું કરાવવા માંગતી હતી.  માધવ સીધો રૂમમાં જાય છે.  રૂમમાં બેડ પર એક વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતી, જેની સેવા આનંદ કરતો હતો.  એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અનુપ હતો.  અનુપ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતો.

 

ક્રમશ: