The occasion of Yamaraj's death books and stories free download online pdf in Gujarati

યમરાજની મૃત્યુનો પ્રસંગ

પ્રાચીનકાળમાં કાલાંજરમાં રાજા શ્વેતકેતુ રાજ્ય કરતા હતા, તેઓ ભગવાન શિવનાં ઘણા મોટા ભક્ત હતા. તેમની ભક્તિથી તેમના રાજ્યમાં અન્ન અને જળની અછત નહોતી. વૃદ્ધ થવા પર રાજા શ્વેતકેતુ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગોદાવરી નદીના તટ પર એક ગુફામાં શિવલિંગ સ્થાપિત કરીને ભગવાન શિવની આરાધનામાં લાગી ગયા.

હવે તેઓ રાજા શ્વેતકેતુથી મહામુનિ શ્વેત બની ગયા હતા. તેમની ગુફાની ચારેબાજુ પવિત્રતા અને સાત્વિકતા છવાયેલી હતી. શ્વેતમુનિને ના રોગ હતો, ના શોક હતો. તેટલા માટે તેમની આયુ પુરી થઈ ગઈ છે તેનો તેમને આભાસ પણ ન થયો. તેમનું પૂરું ધ્યાન ભગવાન શિવની આરાધનામાં લિન હતું. યમદૂતોએ શ્વેતમુનિનાં પ્રાણ લેવા જ્યારે ગુફામાં પ્રવેશ કર્યો તો ગુફાનાં દ્વાર પર જ તેમના અંગ કાંપવા લાગ્યા. તેઓ ગુફાનાં પ્રવેશદ્વાર પર જ ઉભા રહીને શ્વેતમુનિની પ્રતીક્ષા કરવા લાગ્યા.

અહીંયા જ્યારે મૃત્યુનો સમય નીકળવા લાગ્યો તો ચિત્રગુપ્તે મૃત્યુદેવને પૂછ્યું "હે મૃત્યુદેવ, શ્વેતમુની હજી સુધી અહીંયા કેમ નથી આવ્યા, આપના દૂત પણ હજી સુધી પાછા નથી આવ્યા, આ બરાબર નથી"

આ સાંભળીને ક્રોધિત મૃત્યુદેવ સ્વયં શ્વેતમુનિના પ્રાણ લેવા માટે આવ્યા. પરંતુ ગુફાનાં દ્વાર પર કાંપતા યમદૂતોએ મૃત્યુદેવને કહ્યું "હે મૃત્યુદેવ, રાજા શ્વેતકેતુ હવે રાજા ન રહીને શ્વેતમુનિ બની ગયા છે. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત છે તેથી તેમના ગુફાનાં દ્વાર સુરક્ષિત થઈ ગયા છે. અમે તેમની સામે આંખ ઉઠાવીને જોવામાં પણ સમર્થ નથી"

મૃત્યુદેવે સ્વયં પાશ લઈને ગુફામાં પ્રવેશ કર્યો. શ્વેતમુનિ તે સમયે ભગવાન શિવની આરાધના કરી રહ્યા હતા. ત્યારે પોતાની સામે કાળા વસ્ત્ર પહેરીને ભયંકર વિકરાળ શરીરવાળા મૃત્યુદેવને જોઈને તેઓ ચોંકી ગયા અને શિવલિંગને સ્પર્શ કરીને બોલ્યા "હે મૃત્યુદેવ, તમે અહીંયા કેમ પધાર્યા છો, તમે અહીંયાંથી જતા રહો, જ્યારે ભગવાન શિવ મારા રક્ષક છે તો મને કોઈની બીક નથી"

મૃત્યુદેવે કહ્યું "મારાથી ગ્રસ્ત પ્રાણીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ નથી બચાવી શકતું. હું તમને યમલોક લઈ જવા આવ્યો છું.

શ્વેતમુનિએ કહ્યું "તમે કાળના પણ કાળ મહાકાળની ભક્તિને લલકારી છે, ભગવાન શિવ કણ-કણમાં છે, સાચા હદયથી બોલાવા પર તેઓ પોતાનાં ભક્તોની રક્ષા અવશ્ય કરે છે"

ત્યારે મૃત્યુદેવ બોલ્યા "મને તારા આરાધ્યથી કોઈ ડર નથી"

આવું કહીને ક્રોધિત મૃત્યુદેવે હાથમાં પાશ લઈને શ્વેતમુનિ પર રસ્સીનો ગાળિયો નાખી દીધો. ભગવાન શિવની આજ્ઞાથી શ્વેતમુનિની રક્ષા માટે તેમની સમીપ ભૈરવબાબા પ્રકટ થયા. તેમણે મૃત્યુદેવને પાછા જતા રહેવાની ચેતવણી આપી. શ્વેતમુની પર મૃત્યુદેવનું આ આક્રમણ જોઈ ભૈરવનાથથી સહન ન થયું. તેમણે મૃત્યુદેવ પર દંડાથી પ્રહાર કરી દીધો. જેનાથી સ્વયં મૃત્યુદેવની ત્યાં જ મૃત્યુ થઈ ગઈ.

યમદૂતોએ યમરાજ પાસે જઈને બધી વાત કરી. મૃત્યુદેવની મૃત્યુનાં સમાચાર સાંભળી ક્રોધિત યમરાજ હાથમાં યમદંડ લઈને પાડા પર સવાર થઈને પોતાની સેનાની સાથે ત્યાં પહોંચ્યા. શ્વેતમુનીની રક્ષા માટે ભગવાન શિવનાં પુત્ર કાર્તિકેય પણ ત્યાં પહોંચી ગયા અને યમરાજ પર શક્તિ અસ્ત્રથી પ્રહાર કરી દીધો. જેથી યમરાજનું પણ મૃત્યુ થઈ ગયું.

આ જોઈને યમદૂતોએ ભગવાન સૂર્યદેવ પાસે જઈને તેમને સમસ્ત ઘટનાનું વર્ણન કર્યું. પોતાનાં પુત્રની મૃત્યુના સમાચાર સાંભળીને ભગવાન સૂર્ય.... બ્રહ્મા અને અન્ય દેવો સાથે તે સ્થાન પર આવ્યા. જ્યાં યમરાજ પોતાની સેના સાથે મરેલા પડ્યા હતા.

દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી. ત્યારે ભગવાન શિવ પ્રકટ થયા. દેવતાઓએ કહ્યું "હે ભગવન, યમરાજ સૂર્યદેવના પુત્ર છે, લોકપાલ છે, તેમનો વધ યોગ્ય નથી. તેમની વગર સૃષ્ટિનું કાર્ય અસંભવ થઈ જશે. તેથી તેમને સેના સહિત જીવતા કરી દો, નહિતર અવ્યવસ્થા ફેલાઈ જશે"

ભગવાન શિવે કહ્યું "હું પણ વ્યવસ્થાનાં પક્ષમાં છું, મારા અને ભગવાન વિષ્ણુનાં જે સાચા ભક્તો છે અને જેઓ તપોબળથી પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી ચુક્યા છે તેઓને અમૃત પીવાની કોઈ જરૂર નથી તેઓને આપોઆપ ઇચ્છામૃત્યું મળી જાય છે. એક જ્ઞાની ઋષિનાં પ્રાણ લેવા એ સ્વયં અમારા માટે પણ પાપ સમાન છે. તેઓ જ્યાં સુધી પોતાની ઈચ્છાથી આ મૃત્યુલોક છોડવા તૈયાર ન થાય ત્યાં સુધી તેઓને તેમની ઈચ્છા વિરુદ્ધ આ મૃત્યુલોક છોડવાની ફરજ પાડી શકાય નહીં. આવા ઋષિઓને કારણે જ મૃત્યુલોકનું સંતુલન જળવાઈ રહે છે જો આવા મુનિઓ ન હશે તો આ પૃથ્વી રસાતાળ જશે. મૃત્યુનો તેઓ પર કોઈ અધિકાર નથી હોતો, સ્વયં યમરાજ અને તેમના દૂતોનો તેમના તરફ જોવું પણ પાપ છે. યમરાજ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે કે તેઓ આવા ભક્તોને પ્રણામ કરે"

ભગવાન શિવે દેવતાઓની વાત માની લીધી. ભગવાન શિવની આજ્ઞાથી નંદીએ ગૌતમી નદીની જળ લાવીને યમરાજ અને તેમની સેના પર નાખ્યું, જેથી બધા જીવિત થઈ ગયા.

યમરાજે બે હાથ જોડી શ્વેતમુનીને કહ્યું "સંપૂર્ણ લોકમાં હું અજેય હતો પરંતુ તમે મને પણ જીતી લીધો છે અને હું તમારો આભારી છું. તમે ભગવાન શિવ તરફથી મને અભય પ્રદાન કરો.

શ્વેતમુનીએ કહ્યું "ભક્ત તો વિનમ્રતાની મૂર્તિ હોય છે, તમારા ભયથી જ સમસ્ત માનવ, દાનવ, ગંધર્વ, કિન્નર સૌ કોઈ પરમાત્માની શરણ લે છે"

આ સાંભળીને યમરાજે તેમને પ્રણામ કર્યું અને પ્રસન્ન થઈને પોતાના લોક જતા રહ્યા.

મિત્રો, તમને આ સ્ટોરી ગમી હોય તો મને જરૂરથી ફોલો કરજો. કોઈ સલાહ સુચન હોય તો કોમેન્ટમાં અવશ્યથી જણાવજો....

હર હર મહાદેવ....