Tran Vikalp - 28 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 28

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૮

છેલ્લા ત્રણ દિવસ માધવ માટે અનેક આશ્ચર્ય લઈને આવ્યા હતા. ભાઈને કાલે મળ્યો, નિમિતા પણ જીવે છે એ જાણ્યું. નિમિતા અને ભાઈ બન્નેનો સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવવાનું વિચારતો હતો. એમાં એક માસૂમ બાળકનો સમાવેશ થયો હતો. માધવ સામે એક પછી એક રહસ્યો ખૂલતાં હતા. વાસંતી જોડેથી બાળક લઈ નિયતિ આશાભરી નજરે માધવ પાસે આવે છે. માધવ ચૂપચાપ એ બાળકને જોયા કરે છે સાથે બધા સભ્યો પણ શાંત થઈ માધવની પ્રતિક્રિયા જોવા તત્પર હોય છે.

રૂમમાં માત્ર બાળકની કાલી-ઘેલી અવાજ સિવાય નીરવ શાંતિ થઈ જાય છે. માધવ બાળકને હાથમાં લે છે. બાળકના ચહેરા પર ખિલખિલાટ હાસ્ય આવે છે. એ શાંતિથી માધવના હાથમાં જઈ એના ખભા પર માથું મૂકે છે જાણે એને ઓળખે છે.

નિયતિ બાળક સામે જોઈ પ્રેમથી બોલે છે: “માધવ, આનું નામ શુભ છે.” માધવની આંખોમાં શુભ પ્રત્યે અનહદ પ્રેમ વર્તાય છે. માધવ ભાવવિભોર થઈ નિયતિને પૂછે છે: “ભાઇનું બાળક છે?”

તન્વીથી આટલી શાંતિ અને માધવનો ઉત્સાહ સહન થતો નથી: “એ તો ભગવાન જાણે... આ અભાગિયાને જન્મ નિમિતાએ આપ્યો છે... મા એ કોઈ દિવસ હાથમાં લીધો નથી... મા કોણ છે એ તો જાણતો નથી બિચારો... અને બાપ કોણ છે એ પણ જાણતો નથી... અપશુકનિયાળ છે... પેટમાં હતો ત્યારે મા પર બળાત્કાર થયા, નાની અને પરનાનાની હત્યા થઈ... જન્મ્યો ત્યારથી મા પાગલ થઈ ગઈ છે...”

તન્વી ચૂપ નહીં રહે એમ વિચારી મયુર એને બહાર લઈ જાય છે. પણ એનાં શબ્દો માધવના હ્રદય પર અનેક ઘા કરી ચૂક્યા હોય છે. અનુપ જે જાણતો નથી કે નિમિતા જીવે છે. નિમિતા પણ નથી જાણતી કે અનુપ જીવે છે. એક માસૂમ બાળક છે જે માતા-પિતા બન્નેના વાત્સલ્યથી વંચિત છે, ઉપરાંત એ પણ નથી ખબર કે એની રગોમાં કોનું લોહી ફરે છે. માધવ માટે અનેક ઘટનાઓ લઈને આજનો દિવસ આવ્યો હતો. આગળ શું કરવું એ મોટું ઘર્મસંકટ હતું માધવ માટે. કિશન ખુરશી પર બેસવા માધવને કહે છે. પણ માધવ શુભની સાથે નિયતિને આલિંગન આપે છે. નિયતિનાં કપાળ પણ હળવું ચુંબન આપી બોલે છે: “તેં મારા પરિવારની લાજ રાખી નિયતિ.”. શુભને વાસંતીનાં હાથમાં આપી નિયતિ સામે જોઈ માધવ બોલે છે: “આપણે બહાર જઈને વાત કરીએ... ઘણી વાતો કરવાની છે.” માધવ અને નિયતિ દરિયા કિનારે આવી રેતી પર બેસે છે.

નિયતિ: માધવ, મને ખબર છે તમારા મનમાં ઘણા સવાલો છે... હું તમને બધી વાત કરીશ... સ્ટુડિયોમાંથી તમે દીદી અને વિદ્યાદીદીને છોડાવ્યા... આખા રસ્તે દીદી મમ્મીનાં ખોળામાં માથું મૂકી રડતી રહી... એ લોકો મામાના ઘરે આવ્યા ત્યારે મમ્મી નાની સામે જોઈ બોલી ‘મમ્મી આજે મારો પરિવાર પૂરો થઈ ગયો. મારી દીકરી મારી પાસે છે. નિમૂ, ચિંતા ના કરીશ. બધુ સારું થઈ જશે. મમ્મી કિશન, સ્નેહા અને ભાવેશ થોડીવારમાં આવી જશે. આજે મારો પૂરો પરિવર એકસાથે જમવા બેસસે.’

મમ્મી માટે એ દિવસ બહુ ખુશીનો હતો... પહેલી વખત દીદી પપ્પા સાથે જમવા બેસવાની હતી... દીદી રડવાનું બંધ કરે એ માટે નાના, મામી, મામા, નાના બધા પ્રયત્ન કરતાં હતા પણ દીદીના આસું બંધ નહોતા થતાં... હું દીદીની હાલત જોઈ હબક ખાઈ ગઈ હતી... મારી હિંમત નહોતી થતી એની સાથે વાત કરવાની... એના એ દિવસના ડૂસકાં હજી પણ મને ઘણીવાર સંભળાય છે... દીદી મને ચારેતરફ શોધવા લાગી એટલે હું હિંમત કરી એની પાસે ગઈ તો એ મને વળગીને હૈયાફાટ રડવા લાગી... હું એને શાંત કરું એ પહેલા બહાર કોઈનો મોટેથી અવાજ સંભળાયો...

વિદ્યાદીદી બોલી ‘નિમિતા, અનુપ આવ્યો લાગે છે’ દીદી એકદમ ગભરાઈ મને કહે ‘આરૂ અહીંથી જતી રહે. એ નરાધમ તારી સુંદરતાને રહેશી નાખશે.’ હું કે બીજા કોઈ કશું સમજે એ પહેલા ટેબલ પર પડેલા કુંડામાંથી માટી લઈ દીદી મારા ચહેરા પર લગાવે છે. ‘તારો ચહેરો સંતાડ આરૂ, પેલો રાક્ષસ આવે છે.’ ઘડીના છઠ્ઠા ભાગમાં અનુપ, અજય, રાકેશ અને શંભુ ઘરમાં આવી બધા પર હાથ અને પગ ઉપાડવા લાગે છે...

અજય મમ્મીનો ચોટલો પકડી ફંગોળે છે અને જમીન પર પટકે છે. શંભુ દંડો અને રાકેશ બંદૂક લઈ બીજા બધાને હાલવાની ના પડે છે. અનુપ દીદીનું ગળું દબાવતા બોલે છે ‘મને ઘમકી આપીને આવી હતી. પોલીસ-ફરિયાદ કરીશ તું. ક્યાં છે તારી આરૂ? એ બદલો લેવા આવશે? એની હાલત પણ તારા જેવી કરીશ’ વિદ્યાદીદી મને લઈને રૂમમાં જવા લાગી એટલે અનુપે દીદીને જોરથી ધક્કો માર્યો. દીદી વિદ્યાદીદી ના પગ પર પડી. વિદ્યાદીદીનું બેલેન્સ ના રહેતા એ પણ નીચે પડયા. દીદી ચીસો પડી મને કહેવા લાગી ‘આરૂ, ભાગી જા.’ મને શું કરવું એ ખબર પડતી નહોતી.

અજય મમ્મીને ખેંચી મારી પાસે આવે છે. મમ્મી એની પાછળ ધસડાતી આવે છે. એ મારી નજીક આવી બોલે છે ‘અનુપ, આની સુંદરતાના વખાણ અને બદલો લેવાની વાત કરતી હતી નિમિતા. આ તો પોતાનો ચહેરો માટીવાળો કરીને આવી છે. રાકેશ જરા પાણી લાવ એટલે આ રૂપસુંદરીની શકલ જોવા મળે.’ અજયની વાત સાંભળી મમ્મી એને લાત મારે છે. રાકેશના હાથમાંથી બંદૂક લેવાની કોશિશ કરે છે પણ અજય તરત ઊભો થઈ મમ્મીનો ચોટલો ફરી પકડે છે અને મમ્મીનું માથું દીવાલ પર વારંવાર પછાડવા લાગે છે. નાના રાકેશના હાથમાંથી બંદૂક ખેંચી દૂર ફેંકે છે. મામા શંભુનો સામનો કરવા આગળ આવે છે. નાની મને લઈ અંદર રૂમમાં આવે છે. શંભુ મામા પર દંડાથી એક રાક્ષસની જેમ વાર પર વાર કરવા લાગે છે. રાકેશ નાનાને છાતી પર લાતો મારવા લાગે છે. અનુપ દીદી અને વિદ્યાદીદીને બેલ્ટથી મારવા લાગે છે. મામી અનુપને રોકવાની નાકામ કોશિશ કરે છે. ચારેય એવી રીતે મમ્મી, દીદી, વિદ્યાદીદી, નાના અને મામા પર તૂટી પડ્યા હતા કે સામે બચાવ કરવા માટે કોઈ વિકલ્પ રહ્યો નહોતો. મને રૂમમાં મૂકી નાની બંદૂક લઇ અનુપ સામે ધરે છે. એ રાકેશની બંદૂક હતી જે નાનાએ દૂર ફેંકી હતી. બંદૂક જોઈ એ લોકો અટકી જાય છે. પણ ત્યાં સુધી ઘણું મોંડું થઈ ગયું હતું. ના બનવાનું ઘણુબધું બની ચૂક્યું હતું.

એ લોકો પાંચ મિનિટની અંદર કાળો કેર વર્તાવી ‘પોલીસ ફરિયાદ કરી છે તો જીવતા નહીં છોડે’ એવી ધમકી આપી જતાં રહ્યા. પણ આ બનાવમાં નાનાને ભારે એટેક આવ્યો જેમાં એમનો જીવ ગયો. મમ્મીનું માથું જમીન અને દીવાલ પર દસ થી પંદર વાર પટકાયું હતું એટલે બ્રેઇન હેમરેજથી એનું પણ મૃત્યુ થયું. મામાની કરોડરજ્જૂ પર તીવ્ર વાર થવાથી એ અપંગ બન્યા. નાની, મામી, વિદ્યાદીદી અને હું એ આધાતમાંથી બહાર આવીએ એ પહેલા ઘરમાં બે લાશ અને બે બીમાર વ્યક્તિ લાચાર અવસ્થામાં પડ્યા હતા. દીદી આ આધાત સહન ના કરી શકી. એ પથ્થર બની ગઈ. કોઈ પ્રકારના હાવભાવ વગરની જીવતી જાગતી લાશ બની ગઈ.

એ લોકો ગયા પછી મેં એમ્બુલન્સ બોલાવી. અમેબધા જેમતેમ હોસ્પિટલ આવ્યા. થોડીવારમા પપ્પા, સ્નેહા અને ભાવેશ પણ હોસ્પિટલ આવ્યા. એ રાત મારા પરિવાર માટે કારમી રાત હતી. વિદ્યાદીદી પૂરી રીતે સ્વસ્થ હતી. એણે બધી વાત અમને બધાને કરી. સ્નેહના પતિ અને ભાવેશની પત્ની બન્ને કેનેડા પાછા જવાના હતા એટલે પપ્પા મારી અને મમ્મી સાથે આવી શક્યા નહોતા એ વાતનો ત્રણેય ખૂબ અફસોસ કરતાં હતા.

મયુરભાઈ અને તન્વીભાભી સ્નેહા અને ભાવેશના લગ્ન પછી ફરવા ગયા હતા. એ લોકો બીજા દિવસે સવારે પાછા આવે છે ત્યારે ભાઈ પણ ખૂબ દુ:ખી થાય છે. ભાભીના ટોણાંઓનો વરસાદ શરૂ થાય છે. નાનીની હાલત બહુ કફોડી થાય છે. એક રાતમાં પતિ અને દીકરી મૃત્યુ પામ્યા હતા. દીકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. દીકરીની દીકરી પાગલ થઈ ગઈ હતી.

બીજા દિવસે સવારે દવાખાને પોલીસ બધી માહિતી લેવા આવવાની હતી. દાદી અને મામી પોલીસને બધી સાચી માહિતી આપવાનું અને એ લોકોને સજા અપાવવાની વાત કરતાં હતા. પપ્પા કોઇની સાથે ફોન પર વાત કરતાં હતા. એકદમ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. હું દીદી સાથે બેઠી હતી. એકદમ પપ્પા આવ્યા મને અને દીદીને એક રૂમમાં બંધ કર્યા. દાદી અને મામી પપ્પાને પૂછે એ પહેલાં પોલીસ આવી ગઈ. પપ્પાએ નાનીને કહ્યું પોલીસ છે ત્યાં સુધી આરૂ અને નિમૂ બહાર નહીં આવે. નાની અને મામી એવું સમજ્યા કે પપ્પા નથી ઇચ્છતા કે પોલીસ અમને કોઈ સવાલ પૂછે. રાજકોટ પોલીસ સાથે અમદાવાદના પોલીસ કમિશ્નર પણ આવ્યા હતા. એ પપ્પા સાથે કોઈ વાત કરે છે. દાદી બધું પોલીસને કહેવાનું શરૂ કરે એ પહેલાં પપ્પા દાદીને રોકે છે. પપ્પા પોલીસને જણાવે છે એક કાર અકસ્માતમાં ઘરનાં ચાર સભ્યોનાં મૃત્યુ થયા છે. અમદાવાદના પોલીસ કમિશ્નર વ્યંગમાં હસતાં હસતાં બહાર જતાં રહે છે. દાદી અને મામી પપ્પા પર ગુસ્સે થાય છે કે તમે કેમ પોલીસને બધી ખોટી માહિતી આપી.

ક્રમશ: