રાણી દુર્ગાવતીની શોર્યગાથા ઘણા લાંબા સમય સુધી ફક્ત એટલા માટે દબાવી દેવામાં આવી હતી કે તેમણે મુઘલ શાસકો સામે સંઘર્ષ કર્યો હતો અને એક નહિ પણ ત્રણ- ત્રણવાર અકબરની મુઘલ સેનાને પરાજિત કરી હતી. પંદરમી શતાબ્દીમાં મુઘલ સમ્રાટ અકબરનાં ધ્વજ તળે મુઘલ સામ્રાજ્ય પોતાનાં મૂળ આખા ભારતમાં ફેલાવી રહ્યા હતા. ઘણા હિન્દૂ રાજાઓએ ઘૂંટણ ટેકવી દીધા તો ઘણા રાજાઓ યુદ્ધ કરી વિરગતિને પ્રાપ્ત થયા.
રાજપુતાનાથી થઈને અકબરની નજર મધ્ય ભારત સુધી પહોંચી ગઈ હતી પરંતુ મધ્ય ભારત જીતવું મુઘલો માટે બિલકુલ પણ આસાન નહોતું અને તેમાં પણ ખાસ કરીને ગોંડવાના. ગોંડવાના પ્રદેશ જીતવો મુશ્કેલ એટલા માટે નહોતો કે તે પ્રદેશ ખૂબ મોટો હતો અથવા તેની પાસે સૈન્યબળ ઘણું હતું પરંતુ ગોંડવાનાની એક હિન્દૂ રાણી પોતાના પુરા સ્વાભિમાન સાથે પોતાના રાજ્યને બચાવવા અડગ હતી. તે રાણી એટલે "રાણી દુર્ગાવતી".
રાણી દુર્ગાવતીનો જન્મ 5 ઓક્ટોબર 1924 માં ઉત્તરપ્રદેશનાં બાંદા જિલ્લામાં કાંલીજરનાં રાજા કીર્તિસિંહ ચંદેલને ત્યાં થયો હતો. તેમનાં પિતા ચંદેલ શાસનનાં સૌથી મોટા રાજા હતા. તેમણે પોતાની સાહસ અને વીરતાથી મોહમ્મદ ગજનવીને હરાવ્યો હતો. તેમજ તેમણે વિશ્વ ધરોહર ખજુરાહો મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું, અને તેટલા માટે જ તે સમયે કીર્તિસિંહ એ સમયનાં ખૂબ પ્રસિદ્ધ રાજા હતા.
રાણી દુર્ગાવતી પોતાનાં પિતાના એકમાત્ર સંતાન હતા. તેમનો જન્મ દુર્ગા આઠમનાં દિવસે થવાને કારણે તેમનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. નામને અનુરૂપ તેજ, સાહસ, શોર્ય અને સુંદરતાને કારણે તેમની ખ્યાતિ ચારે તરફ હતી. તેમને નાનપણથી જ તલવારબાજી અને તિરંદાજીનો શોખ હતો, સાથે-સાથે તેમને ઘોડા સવારીનો પણ શોખ હતો.
તેઓ પોતાનાં પિતા સાથે વધુ સમય વિતાવતા હતા અને ક્યારેક પોતાના પિતા સાથે શિકાર ખેલવા પણ જતા હતા અને શિકાર કરવામાં એકદમ નિપુણ હતા. તેમને સિંહ અને ચિત્તાનો શિકાર કરવાનો શોખ હતો. દુર્ગાવતીએ પોતાનાં પિતા સાથે રહીને રાજ્યનું તમામ કામ શીખી લીધું હતું. રાજ્યનાં કામકાજમાં તેઓ તેમના પિતાની મદદ પણ કરતા હતા. તેઓની અંદર એક રાણી બનવાના તમામ ગુણો પહેલાથી જ હતા.
જ્યારે રાણી દુર્ગાવતી વિવાહયોગ્ય થયા ત્યારે તેમના પિતા દુર્ગાવતી માટે રાજુકુમાર ગોતી રહ્યા હતા પરંતુ રાણી દુર્ગાવતીને દલપતશાહ પસંદ હતા, તેઓ દલપતશાહનાં શોર્ય અને વીરતાથી ખૂબ પ્રભાવિત હતા પરંતુ દલપતશાહ રાજકુમાર ન થઈને એક ગોંડ (ભીલ) જાતિનાં હતા. એટલા માટે જ રાણી દુર્ગાવતીનાં પિતા કીર્તિસિંહ આ સંબંધ માટે રાજી નહોતા.
ગોંડવાના ક્ષેત્રમાં રહેવાવાળા ગોંડ શાસકો 4 પ્રદેશો પર શાસન કરતા હતા - ગઢા મંડળ, દેવગઢ, ચંદા અને ખેરલા. દલપતશાહનાં પિતા સંગ્રામ શાહ હતા કે જેઓ ગઢા-મંડળનાં શાસક હતા. દુર્ગાવતીની વીરતાથી સંગ્રામ શાહ પણ ખૂબ પ્રભાવિત હતા અને તેઓ દુર્ગાવતીને પોતાની પુત્રવધુ બનાવવા માંગતા હતા. પરંતુ દુર્ગાવતીનાં પિતા નહોતા ઇચ્છતા કે તેમની પુત્રી દુર્ગાવતીનાં વિવાહ ગોંડ જાતિમાં થાય.
તેથી દલપતશાહનાં પિતા સંગ્રામ શાહએ દુર્ગાવતીનાં પિતા સાથે યુદ્ધ કર્યું અને તેઓને હરાવી પણ દીધા. ત્યારબાદ સન.1542માં દુર્ગાવતીનાં પિતાએ દુર્ગાવતીનાં વિવાહ દલપતશાહ સાથે કરાવી દીધા. દુર્ગાવતીનાં પિતા ભલે આ વિવાહથી સંતુષ્ટ નહોતા પણ આગળ જતાં દુર્ગાવતી અને દલપતશાહનાં વિવાહ એક સારો રાજનીતિક વિકલ્પ બન્યો.
પ્રથમ વાર એવું બન્યું હતું કે જ્યારે એક રાજપૂત રાજકુમારીનાં વિવાહ એક ગોંડ વંશમાં થયા હતા. ગોંડ લોકોની મદદથી જ ચંદેલ વંશ તે સમયે શેર શાહ સૂરીનાં આક્રમણ સામે પોતાના દેશની રક્ષા કરવા માટે સક્ષમ બન્યો હતો. સન.1545માં રાણી દુર્ગાવતીએ એક બાળકને જન્મ આપ્યો અને જેનું નામ "વીર નારાયણ" રાખવામાં આવ્યું હતું.....
આગળનાં ભાગોમાંં વાંચો - રાણી દુર્ગાવતીનું મુઘલ સમ્રાટ અકબર સાથેનું યુદ્ધ.......
આગળ પણ વાંચતા રહો રાણી દુર્ગાવતીની શોર્ય કથા....