Tran Vikalp - 29 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 29

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૨૯

નાની અને મામીના મનમાં હજારો સવાલ હતા, પપ્પાએ શું કરવા એકસીડન્ટમાં ચાર જણાના મોત થયા છે એમ બતાવ્યું. પપ્પાએ બહુ જ સમજદારીથી કામ લીધું હતું. રાજકોટના પોલીસ ઇન્સ્પેક્ટર પપ્પાના મિત્ર હતા એમને ખબર પડી કે હર્ષદરાયે અમદાવાદના પોલીસ કમિશ્નરને પૈસા ખવડાવી અહીંયા કોઈ પોલીસ ફરિયાદ થાય નહીં એવી ગોઠવણ કરી હતી. હું અને દીદી બન્ને મૃત્યુ પામ્યા છે એ જાણીને હર્ષદરાય ખૂબ નિશ્ચિંત થઈ જશે એવું વિચારી એમણે મારૂ અને દીદીનું પણ મૃત્યુ થયું છે તે ખોટી વાત ફેલાવી. આ બધામાં પપ્પાના પોલીસ ઈન્સ્પેકટર મિત્રએ મદદ કરી. પેપર અને ટીવી પર સમાચાર ફેલાવ્યા કે રણછોડભાઈ ઠક્કર, રાધા પંચાલ, નિમિતા પંચાલ અને આરૂ પંચાલનું રોડ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. તેની ધારી અસર થઇ હર્ષદરાય અને અનુપ બન્ને એવું માની ગયા કે હું અને દીદી પણ મૃત્યુ પામ્યા છે. એ મુશ્કેલ સમયમાં પપ્પા માટે મારી અને દીદીની જિંદગી જરૂરી હતી. મામા હમેશાં માટે અપંગ થયા હતા એટલે બે ઘરની પૂરી જવાબદારી પપ્પા પર આવી હતી. પપ્પા ફોન કરી આનંદને બધી વાત કરે છે. આનંદ દાદીને લઈ તાબડતોબ રાજકોટ આવે છે. મીનાની કરેલી ધૃણાસ્પદ હરકતથી આનંદ એની સાથેનો સંબંધ પૂરો કરે છે. ટીવી, પ્રેસ બધાની હાજરીમાં ઘરમાંથી ચાર નનામી નીકળે છે જે વાત સાચી સાબિત કરવા માટે જરૂરી હતું.

મુસીબત આવે છે ત્યારે પાછું વળીને જોતી નથી. એક પછી એક મુસીબત આવતી જ રહે છે. હજી મારી અને દીદીનાં મૃત્યુનાં ખોટા સમાચાર પૂરી રીતે ફેલાયા પણ નહોતા અને ડોક્ટર જણાવે છે દીદી મા બનવાની છે, એ વાત સૌથી મોટો આધાત હોય છે. આટલી મુસીબત ઓછી હોય એમ એમાં એક વધારો થયો હતો. દીદીની હાલત એટલી ખરાબ હતી કે એબોર્શન કરાવવું પણ શક્ય નહોતું. વાત બહુ આગળ વધી ચૂકી હતી. દીદીની જિંદગી અને મોતનો સવાલ હતો ઉપરથી એને પોતાનું ભાન નહોતું. ડોક્ટરની સલાહ મુજબ બાળકને જન્મ આપવો યોગ્ય રહેશે એવો નિર્ણય લેવાયો. દાદી અને વિદ્યાદીદી બન્ને દીદીની જવાબદારી લે છે. રાજકોટમાં હું અને દીદી સલામત નહોતા એટલે પપ્પાએ અમારા ચારેયની અહિયાં રહેવાની વ્યવસ્થા કરાવી. આ આશ્રમ પપ્પાની પહેલી પત્નીનાં પિતાનો છે.

છ મહિના પછી દીદીએ સુંદર દીકરાને જન્મ આપ્યો. મેં એ બાળકનું નામ શુભ પાડ્યું. દાદી, વિદ્યાદીદી અને હું દીદી અને શુભનું સંપૂર્ણ ધ્યાન રાખતાં હતાં. મમ્મીનાં મૃત્યુ અને વારંવાર થયેલા બળાત્કારની દીદીનાં મગજ પર એટલી હદે અસર થઈ હતી કે એ ખાવા-પીવાની વાત પણ ભૂલી ગઈ હતી. દીદીએ બાળકને જ્ન્મ આપ્યો અને મમ્મીનું મૃત્યુ એના લીધે થયું છે માત્ર એ વાત એને યાદ રહી બીજું બધુ એ ભૂલી ગઈ હતી. હમેશાં સ્થિર અને શાંત રહેતી દીદી શુભને જોઈ ક્રોધ કરવા લાગતી જાણે એના લીધે બધી ઘટનાઓ બની છે. એક માસૂમ બાળક મા અને બાપ બન્ને માટે વલખાં મારતું રહ્યું. જ્યાં સુધી દીદીની હાલત સુધરે નહીં ત્યાં સુધી શુભને એની સામે નહીં લાવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો. મહિનાઓ પસાર થવા લાગ્યા પણ મારી અને પપ્પાની ઉંધ હરામ થઈ હતી.

દીદી થોડી નોર્મલ થઈ એટલે આગળ શું કરવું એ વિચાર હું અને પપ્પા કરવાની શરૂઆત કરીએ છે. મારા જીવનમાં ફરી ત્રણ વિકલ્પે પ્રવેશ કર્યો હતો. ૧) ભૂલી જાઉં કે અમારા લોકોની સાથે શું થયું છે અને કિસ્મતના સહારે આગળની જિંદગી જીવવી. ૨) રૂપિયા આપી ગુંડાઓની મદદ લઇ અનુપ, અજય અને રાકેશને સજા અપાવવી. ૩) દીદી જે રીતે કહેતી હતી એ રીતે હું જાતે બદલો લઉં.

ફરી એકવાર હું ત્રીજો વિકલ્પ પસંદ કરું છું અને જાતે અનુપ, અજય તથા રાકેશને સજા આપવાનો નિર્ણય લઉં છું. એના માટે યોગ્ય સમય અને કુશળ યોજના હોવી જરૂરી હતી. મારે બદલો એ રીતે લેવો હતો જેનાથી હું કોઈની નજરમાં આવું નહીં અને એ માટેની મેં તૈયારી શરૂ કરી. આ બધા જ કાર્યમાં મને મારા બન્ને પપ્પાએ સાથ આપ્યો. મેં અનુપ, અજય અને રાકેશની બધી જ માહિતી વિદ્યાદીદી પાસેથી મેળવી હતી. એ લોકોની આદત, એ લોકોની જરૂરિયાત બધું જાણતી હતી. હેમા વિશે પણ તથા તારા વિશે પણ મેં બધી જ માહિતી મેળવી હતી. મેં મારી રીતે ઘણા બધા દાવપેચ વિચારી અનેક યોગ્ય તરકીબ શોધી હતી. બસ મને જરૂર હતી તો માત્ર એક મોકાની જેનાથી હું સવિતા કોસ્મેટીકસમાં નોકરી મેળવી શકું તથા વિચારી રાખેલી અનેક તરકીબોમાંથી સમય, સંજોગો પ્રમાણે કોઈ તરકીબનો ઉપયોગ કરી દીદીની કહેલી વાત સત્ય કરી બતાવું.

કિસ્મત પણ વધારે સમય રૂઠીને નથી રહેતી. તકલીફો આપે તો તકલીફ દૂર કરવાનો રસ્તો પણ એ જ આપે છે. પેપરની જાહેરાતમાં સવિતા કોસ્મેટિકસમાં સેક્રેટરીની નોકરી માટે એડ આવી હતી. આ મારા માટે સવિતા કોસ્મેટિકસમાં પગપેસારો કરવાનો સોનેરી અવસર હતો. આ નોકરી મેળવવા માટે મેં પ્રયાસ ચાલુ કર્યા જેમાં હું સફળ થઈ હતી. નસીબજોગે મારૂ ઇન્ટરવ્યુ પણ તેં લીધું હતું. મને તારી સેક્રેટરી તરીકેની નોકરી એ તેં જાતે રાખી હતી.

આટલું બોલી નિયતિ પ્રેમાળ નજરે માધવ સામે જોઈ બોલે છે: “યાદ છે એ દિવસ તને?”

નિયતિનો હાથ પકડી માધવ બોલે છે.: “હા મેં તારું ઇન્ટરવ્યુ લીધું હતું... તને જોઈ એકવાર હું પણ અવાચક થઈ ગયો હતો... પાંચ ફૂટ ચાર ઇંચની ઉંચાઇ, ઉજળો દૂધ જેવો વાન, અતિસુંદર ચહેરો, રૂ જેવા પોચા ગુલાબી હોઠ, ઝીણી કાળી આંખોમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ, મોટું કપાળ, નાજુક-નમળું નાક, પાતળી ડોક, તું નખશિખ ખૂબ જ સુંદર લાગતી હતી... તેં ચુસ્ત ફીટીંગ વાળો ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તારી છાતી, કમર અને નિતંબનો આકાર બેનમૂન આકર્ષક લાગતો હતો... તારી જવાબ આપવાની રીત પણ લાજવાબ હતી.”

નિયતિની સામે માધવ જુએ છે: “તારી સુંદરતાનાં અને આવડતનાં વખાણ પછી કરીશ... આગળ શું થયું એ મારે જાણવું છે.”

નિયતિ: “નોકરીની શરૂઆતથી બે વાત મારા ફાયદામાં હતી... આરૂ પંચાલનું સાચું નામ નિયતિ મહેતા છે એ વાત કોઈને ખબર નહોતી અને પડવાની પણ નહોતી, કારણ કે આરૂ પંચાલનું મૃત્યુ દોઢ વર્ષ પહેલાં થઈ ગયું હતું... દીદીએ કોઈ દિવસ મારૂ સાચું નામ નિયતિ છે એવું પણ કોઈને કહ્યું નહોતું... બીજી વાત એ ફાયદામાં હતી કે મને તારી સેક્રેટરી તરીકે નોકરી મળી હતી જેથી હું હમેશાં તારી સાથે રહેતી હતી... હું જાણતી હતી મારે જો સલામત રહેવું હોય તો મારે તારી સાથે રહેવું પડશે એટલે મેં મોડેલ તરીકે નોકરી મેળવવાની ક્યારેય કોશિશ કરી નહોતી... અનુપ, અજય કે રાકેશ મારી સાથે કશું અજુગતું કરી શકતા નહોતા કારણ કે હું હમેશાં તારી સાથે રહેતી હતી... મને જોઈને અજય અને રાકેશના મોઢામાં લાળ ટપકતી હતી એ મેં જોઈ હતી...

નોકરીનાં પહેલાં મહિનામાં મેં માત્ર ને માત્ર એ લોકોની દરેક કામગીરી પર નજર રાખી... એ મારી યોજનાની શરૂઆતનું પગલું હતું... હોસ્ટેલમાં હેમા પર પણ મેં નજર રાખી હતી... કોકેન અને દારૂ એ લોકો તારાથી સંતાડીને રાખતા હતા... કોકેન હોસ્ટેલમાં હેમાબેન સાચવતા હતા જ્યારે દારૂ ઓફિસમાં તને ખબર ના પડે એ રીતે સંતાડીને રાખતા... બેડરૂમમાં વાયગ્રાની પણ ગોળીઓ સંતાડીને રાખવામાં આવતી હતી... ટૂંકમાં તારી આંખ નીચે એ લોકો બધા પ્રકારની મજા કરતા હતા અને તને ખબર પાડવા દેતા નહોતા...

મને ખબર હતી તું જ્યાં સુધી અમદાવાદ હોય છે, ત્યાં સુધી એ લોકો ઓફિસમાં પાર્ટી કરતાં નથી... તું જ્યારે ઓફિસના કામથી મુંબઈ અને દિલ્લી જાય ત્યારે દારૂની પાર્ટી થતી હતી... જ્યારે તું અમદાવાદમાં હોય ત્યારે પણ એ લોકો છોકરીઓ સાથે રંગરલિયા કરતાં... એ વખતે છોકરીઓને ક્યાંથી બેડરૂમમાં લાવવામાં આવે છે એ મારે શોધવાનું હતું... તારી ઓફિસ ચોથા માળે જ્યારે બેડરૂમ છઠ્ઠા માળે હતો, એ વાત હું ત્યાં આવી એ પહેલાંથી જાણતી હતી... પણ હવસ સંતોષવાનો ખેલ કેવી રીતે ચાલુ હતો એ મને ખબર નહોતી... એક મહિનાની અંદર મેં ઓફિસ, સ્ટુડિયો અને બેડરૂમનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું...

દીદી સાથે થયેલા બનાવ પછી તેં ઓફિસમાં બધી જગ્યાએ કેમેરા મુકાવ્યા હતા... બેડરૂમમાં પણ તેં કેમેરો મુકાવ્યો હતો પણ એ કેમેરો જ્યારે એ લોકો રાતો રંગીન કરવાના હોય ત્યારે બંધ કરવામાં આવતો હતો... જેની ખબર તને નહોતી પણ હું જાણી ગઈ હતી... એ લોકો તારાથી બચવા માટે કેમેરો બંધ કરતાં હતા અને એનો લાભ મેં લેવાની શરૂઆત કરી હતી... પૂરા એક મહિનાની મહેનત પછી મને ખબર પડી કે ઓફિસની પાછળ જે નાની લોંખડની ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાની સીડી હતી, એ સીડી કોઈપણ કેમેરામાં આવતી નહોતી કારણકે એ સીડી તેં હમેશાં માટે બંધ કરાવી હતી...”

“એક મિનિટ... એક મિનિટ” માધવ એકદમ બોલે છે. “એટલે તું એ સીડીનાં ઉપયોગથી બેડરૂમ સુધી આવતી હતી?”

નિયતિ: “હા”

માધવ: “અરે એ સીડીની નીચેના ભાગમાં મેં ફેન્સીંગ કરાવી છે!”

નિયતિ: “માધવ, તું છે ને ખરેખર જેટલો ચાલક છું એટલો ભોળો પણ છું... એ સીડીનો ઉપયોગ માત્ર હું નહીં... અજય, રાકેશ અને અનુપ તથા બીજા પણ કરતાં હતા... એ સીડીનું ફેન્સીંગ ગેટની જેમ ખૂલે અને બંધ થાય એવું એ લોકોએ કરી દીધું હતું... તારાથી છુપાવી છોકરીઓને ત્યાંથી લાવવામાં આવતી હતી... મેં પણ એ રીતે ઉપયોગ કર્યો... ઉપરાંત બેડરૂમ તથા સ્ટુડિયોના ઈમરજન્સી દરવાજાની બીજી ચાવી એ લોકો પોતાની પાસે રાખતા હતા એની તને ખબર નહોતી... એ દરવાજાની ડુબ્લિકેટ ચાવીઓ પણ મેં બનાવડાવી હતી...

હોસ્ટેલ અને ઓફિસ વચ્ચે બહુ અંતર નહોતું... રોજ જોગિંગ કરવાની આદતથી એ અંતર દસ મિનિટમાં કાપવાની ટેવ મેં પાડી હતી... હોસ્ટેલમાંથી રાતે નીકળવું બહુ મુશ્કેલ નહોતું... મારો રૂમ પહેલાં માળે હતો અને ત્યાં સીડી દરવાજાની જોડે હતી... સીડી ઉતરી સીધા ગાર્ડનમાં જતાં રહેવાય અને ત્યાંથી હોસ્ટેલનો કોટ આરામથી કૂદી શકાતો... ઓફિસનો કોટ પણ તકલીફ વગર કુદવાની ખૂબ પ્રેકટીશ કરી હતી...

તું મુંબઈ ગયો એ દિવસની વાત છે... તું મુંબઈ ગયો એના બે દિવસ પહેલા જ એક નવી સુંદર છોકરીને અજયે મોડેલ તરીકે નોકરી પર રાખી હતી... હું જાણતી હતી એ રાત્રે અજય છોકરી સાથે બળજબરી કરશે... પહેલાં છોકરીને પાણીમાં નસાવાળી ગોળી નાંખીને પીવડાવશે પછી એના શરીર સાથે હવસ પૂરી કરશે... જો સૌથી પહેલા અનુપ જોડે બદલો લઇશ તો કદાચ અજય અને રાકેશ બચી જશે એવું વિચારી મેં પહેલા અજયનો શિકાર કરવાનું નક્કી કર્યું... એ દિવસે અજયનું મોત એને બોલાવતું હતું...

ક્રમશ: