Strange story sweetheart ....- 4 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....- 4

પ્રિયા ત્યાંથી નીકળ્યા પછી મોનિકાનાં ઘરે ગઈ, નોટ્સ લીધાં ને પછી પોતાનાં ઘરે આવી. "ભાભી હું આવી ગઈ છું. " એવું કહી સીધી પોતાનાં રૂમમાં જતી રહી. ફ્રેશ થઈ નોટ્સ લખવા બેસી ગઈ. બીજા દિવસે કોલેજમાં અસાઈન્મેન્ટ્સ હતાં એની તૈયારી કરવા લાગી. થોડીવાર માંડ થઈ હશે ને માયાભાભીનો આવાજ કાને અથડાયો,

"પ્રિયાબેન.... ઓ... પ્રિયાબેન."

"હં... ભાભી."

"બહાર આવો તો..."

"આવી.. ભાભી.."

"હું શાંતામાસીનાં ઘરે જાઉં છું. હમણાં કલાકમાં આવી જઈશ. કપડાં લઈ લેજો. ભાખરી શાકની તૈયારી કરી દેજો, ત્યાં સુધી હું આવી જઈશ."

પ્રિયાએ માથું હલાવી હા પાડી. ભાભીનાં ગયાં પછી દરવાજો બંધ કરી પ્રિયાએ અસાઈન્મેન્ટની તૈયારી કરવા માંડી. ભણીને પછી સૂકાયેલાં કપડાં લીધાં, વાળીને ઠેકાણે મૂકી દીધાં. ભાખરી શાક બનાવવાની તૈયારી કરવા લાગી. માયાભાભી કલાકનું કહીને ગયાં હતાં પણ બે કલાક સુધી પાછા આવ્યા નહોતા. પ્રિયા ભાખરી બનાવી રહી હતી. ડૉર બેલ વાગી. ગૅસ સ્લો કરી પ્રિયા દરવાજો ખોલવા ગઈ. ખોલીને જોયું તો માયાભાભી પાછાં ફર્યા હતાં.

આવીને સોફા પર બેઠાં. કિચનમાં જોયું તો ઓલમોસ્ટ રસોઈ બની ગઈ હતી.

"શું કામ રસોઈ કરવા માટે ઉતાવળ કરી, હું આવીને કરત ને."

"તમને આવતાં મોડું થયું એટલે...., હું આવું ગૅસ ચાલુ છે, ભાખરી બાકી છે એ કરી લઉં."

"ભલે, ભલે."

પ્રિયા અંદર કિચનમાં ગઈ ને માયા પોતાની રૂમમાં સાડી બદલી કરવા ગઈ. પ્રિયાએ છેલ્લી જ ભાખરી કરી ને ફરી ડૉર બેલ વાગી. ખોલીને જોયું તો સામે મોટાભાઈ હતાં.

"ભાભી ક્યાં તારી?"

"અંદર રૂમમાં છે."

કમલેશ અંદર પોતાની રૂમમાં ગયો. પ્રિયા ફરી કિચનમાં ગઈ. રસોઈ બધી ટેબલ પર મૂકી દીધી. પ્લેટફોર્મ સાફ કર્યુ. બહારની રૂમમાં આવી ટી.વી. જોવા બેસી ગઈ. થોડીવાર રહીને ભાઈ- ભાભી બહાર આવ્યાં. એ લોકો પણ સિરિયલ જોવા બેસી ગયાં. સિરિયલ પતી એટલે મોટાભાઈ બોલ્યાં,

"ચાલો જમી લઈએ."

ત્રણેય જણ સાથે જમવા બેઠા. માયાભાભીએ થોડીક શાંતાબેન વિશે વાત કરી. મોટાભાઈએ થોડીક પોતાની વાત કરી. જમીને કમલેશ ટી. વી. સામે બેસી ગયો. માયા અને પ્રિયા કિચનમાં ગયાં. કિચનનું કામ પતાવી પ્રિયા પોતાની રૂમમાં ગઈ. માયા કમલેશ પાસે આવીને ટી. વી. જોવા બેઠી.

"પ્રિયા જલ્દી સૂવા માટે જતી રહી, " કમલેશ બોલ્યો.

"કાલે કોલેજમાં સવારે વહેલું જવાનું છે."

થોડીવાર ટી. વી. જોઈ કમલેશ અને માયા પણ પોતાની રૂમમાં સૂવા માટે જતાં રહ્યાં.

બીજાં દિવસે પ્રિયા કોલેજ ગઈ એટલે બધાં જ ફ્રેન્ડ્સ લોકોએ એને કોન્ગ્રેચ્યુલેટ કર્યું. લલિતે બધાંને પહેલેથી જ કહી દીધું હતું.

"પાર્ટી...પાર્ટી...." બધાં એક સાથે બોલી રહ્યાં હતાં.

"હા...હા.., જરૂર. સુશીલને આવવા દો પછી."


"ઓ...હો..." બોલી , બધાં એકસાથે હસી પડ્યાં.

પ્રિયા બધાંને સુશીલનો ફોટો દેખાડે છે. કેટલાંય ફિલ્મી હીરો સાથે સુશીલનાં દેખાવની સરખામણી કરવામાં આવી. બધાં તરફથી સુશીલ માટે મળી રહેલાં કોમ્પ્લીમેન્ટ્સ સાંભળી પ્રિયાનું મોઢું મલકાય રહ્યું હતું.

થોડી મજાક- મસ્તી કરી બધાં પોત- પોતાનાં ક્લાસમાં લેક્ચર્સ અટેન્ડ કરવાં ગયાં. લેક્ચર્સ અટેન્ડ કરી બધાં ઘરે જવા માટે નીકળી ગયાં. પ્રિયા લાયબ્રેરીમાં થોડીવાર વાંચવા માટે ગઈ. લલિત ત્યાં પહેલેથી જ બેઠો હતો. પ્રિયા એની બાજુમાં જઈ બેસી ગઈ. એક મહિના પછી ફાયનલ એક્ઝામ્સ હતી, પ્રિયા એની તૈયારી કરી રહી હતી. દોઢ કલાક પછી પ્રિયા લાયબ્રેરીમાંથી બહાર આવી. લલિત પણ એની પાછળ લાયબ્રેરીથી બહાર આવી ગયો.

"પ્રિયા..."

પ્રિયાએ પાછળ વળીને જોયું. લલિતને આવતાં જોઈ એ ઉભી રહી. લલિત આવ્યો પછી બંને સાથે ચાલવાં લાગ્યાં. લલિતનાં હાથમાં કેટલીક બુક્સ છે જે પ્રિયાને આપે છે.

"શું છે આ?"

"મારી ગયાં વર્ષની બુક્સ છે. તને એક્ઝામ્સની પ્રીપેરેશન કરવાં માટે કામ લાગશે."

"ઓહ, થેન્ક યૂ."

બુક્સ લઈ પ્રિયા પોતાની સ્કૂટી લઈ ઘરે જવા નીકળી અને લલિત ઓફિસ તરફ ગયો.
(ક્રમશ:)