Strange story sweetheart ..... - 6 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની..... - 6

દિવસો નિયમિત રીતે પસાર થઈ રહ્યાં હતાં. પ્રિયાની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. સુશીલ દુબઈથી આવી ગયો હતો. આજે એટલે કે અઢાર તારીખે એ પ્રિયાને પહેલીવાર મળવા એનાં ઘરે આવવાનો હતો. કમલેશ, માયા અને પ્રિયા ત્રણેય સવારથી એનાં સ્વાગત માટેની તૈયારી કરી રહ્યાં હતાં. માયા અને પ્રિયા સવારથી કિચનમાં રસોઈની તૈયારી કરવા લાગી ગયાં હતાં. કમલેશ ઘરની ગોઠવણી વ્યવસ્થિત કરી રહ્યો હતો. રસોઈની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી. બસ સલાડ કટ કરવાનું બાકી હતું. કાકડી , ટમેટાં ફ્રિજમાંથી બહાર કાઢી કટ કરવા માટે પ્રિયાએ ચાકૂ હાથમાં લીધું એટલે માયાભાભી બોલ્યાં..,

"જાઓ , તમે હવે નવાં કપડાં પહેરી તૈયાર થઈ જાઓ. સુશીલકુમાર હમણાં આવતાં જ હશે, સલાડ હું કટ કરી લઈશ."

"હા.., ભાભી." કહી પ્રિયા હાથમાં પકડેલું ચાકૂ નીચે મૂકી હાથ ધોઈ અંદર રૂમમાં તૈયાર થવા માટે જતી રહી.

કમલેશ ટી. વી. નું શોકેસ ગોઠવી રહ્યો હતો ને બહારથી ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો. એને થયું કે સુશીલકુમાર આવી ગયાં લાગે છે, એણે ફટાફટ શોકેસ ગોઠવી દીધું.

"માયા....સુશીલકુમાર આવી ગયાં લાગે છે." માયા અંદર સાંભળી શકે એ રીતે કમલેશ જરા મોટેથી બોલ્યો.

કમલેશનો અવાજ સાંભળી માયાએ ફટાફટ સલાડ કટ કરી દીધું. હાથ ધોઈ સાડીનાં છેડાને ઠીકઠાક કર્યો. બહાર નીકળેલી વાળની લટને હાથેથી જ ગોઠવી દીધી. પાતળા હોઠોં પર જીભ ફેરવી દીધી. ને પછી કિચનમાંથી બહાર આવી. બંને પતિ - પત્ની દરવાજા પાસે સુશીલનાં સ્વાગત માટે ઉભાં રહી ગયાં.

સુશીલ ગાડીમાંથી બહાર ઉતર્યો. લાઈટ બ્લૂ રંગનું શર્ટ, બ્લેક જીન્સ, આંખો પર કાળાં ગોગલ્સ ને હલકા ગોલ્ડન કલરનાં સિલ્કી વાળ. ગોળ - મટોળ , ગોરો ચહેરો. એવું લાગતું કે જાણે કોઈ હિંદી ફિલ્મનો હીરો. એણે ગાડીમાંથી પર્પલ ફ્લાવર્સનો બુકે અને એક ગિફ્ટ - પેક કરેલું બોક્સ બહાર કાઢ્યું. ગોગ્લ્સ કાઢી ગાડીમાં મૂક્યા. સામે જોતાં જ કમલેશભાઈ અને માયાભાભી ઉભેલાં દેખાયાં.

"આવો, આવો, સુલીલકુમાર." બંને સાથે જ બોલ્યાં.

એ લોકોની સામે જોઈ સ્માઈલ આપી સુશીલ અંદર આવ્યો. કમલેશનાં હાથમાં બુકે આપી સોફા પર બેઠો. કોર્નરનાં ટેબલ પર બુકે મૂકી કમલેશ સામે નાના સોફા પર બેઠો. માયા પણ બાજુમાં બેઠી.

"આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને ?" કમલેશે પૂછ્યું.

"ના..., ના.., બિલકુલ નહિ."

"ઘર બરાબરથી મળી ગયું.?"

"હા..હા..."

"ભાભી...., હું થઈ ગઈ તૈયાર.." બોલતાં પ્રિયા રૂમમાંથી બહાર આવી. સુશીલ, કમલેશ અને માયા ત્રણેય જણે એની સામે જોયું.


લાઈટ ગ્રીન વરિયાળી રંગનો સલવાર સુટ પહેર્યો હતો. એની ઉપર પ્રિન્ટેડ શિફોન ડાર્ક ગ્રીન લહેર્યો દુપટ્ટો. સરસ ઓળેલા ખુલ્લા વાળ. કાનમાં સિલ્વર ઝૂમકા, ગળામાં પાતળી સિલ્વર ચેઈન. ન હતાં વધારે ભપકા કે ન હતાં વધારે મેક - અપનાં થથેડા. 'સિમ્પલ બટ સોબર' લાગી રહી હતી. જોતાં જ ગમી જાય એવી સુંદર લાગી રહી હતી. સુશીલ આંખોંનાં એકપણ પલકારો માર્યા વગર બસ પ્રિયાને નિહાળી રહ્યો હતો. એને જોતાં જ એનાં મનમાં 'ચૌદવીકા ચાંદ હો...." ગીત યાદ આવી ગયું.

"સુશીલકુમાર....., સુશીલકુમાર....., બે - ત્રણ વખત કમલેશે એમને બોલાવ્યા ત્યારે એ ચમકીને બોલ્યો, "હં..."

"આ છે મારી બહેન, પ્રિયા." કમલેશે ઓળખાણ આપી.

"હૅલો.." સુશીલ સ્માઈલ સાથે બોલ્યો.

"નમસ્તે.." પ્રિયાએ હાથ જોડીને કહ્યું.

"તમે અહીં બેસો પ્રિયાબેન. હું પાણી લઈને આવું છું." કહી માયા ઉભી થઈ કિચનમાં ગઈ. પ્રિયા સુશીલની સામે નીચી આંખ કરી બેસી ગઈ.

સુશીલે ઉભા થઈ એનાં હાથમાં પોતે લાવેલી ગિફ્ટ આપી. ગિફ્ટ લેતાં પહેલાં પ્રિયાએ કમલેશની સામે જોયું. કમલેશે ડોકું હલાવી 'હા' પાડ્યાં પછી જ પ્રિયાએ સુશીલે આપેલી ગિફ્ટ સ્વીકારી.

માયા અંદરથી પાણી લઈને આવી. સુશીલે "થેન્ક યૂ " બોલી પાણીનો ગ્લાસ હાથમાં લીધો. થોડુંક પાણી પીધું ને ગ્લાસ ટ્રેમાં મૂક્યો. માયા અંદર ગ્લાસ મૂકવા માટે ગઈ. બહાર આવી ત્યારે હાથમાં એક થેલી હતી.

"તમે બેય બેસીને વાતો કરો. અમે હમણાં જ આવીએ છીએ." માયાભાભી સુશીલની સામે જોઈ બોલ્યાં અને પછી કમલેશની સામે જોઈ ઉભા થવા માટે ઈશારો કર્યો.

"હા, હા.., તમે વાતો કરો. અમે થોડીવારમાં આવીએ છીએ." કહી કમલેશ ઉભો થયો. હાથમાં બાઈકની ચાવી લીધી અને માયા સાથે બહાર જતાં રહ્યો.