Chamadano naksho ane jahajni shodh - 5 books and stories free download online pdf in Gujarati

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 5

"કેપ્ટ્ન આવીરીતે આગળ વધવું હિતાવહ નથી. પહેલા તપાસ કરી લઈએ નહીંતર બધા જોખમમાં મુકાઈ જઈશું.' થોડાંક ચિંતિત થઈને પ્રોફેસર બોલ્યા.


"તો પછી ઝરખ ગાડી ઉભી રાખો. તપાસ કરી લઈએ પછી આગળ વધીએ.' પ્રોફેસરનું યોગ્ય સૂચન સાંભળીને કેપ્ટ્ન બોલ્યા.


ઝરખગાડી ઉભી રાખવામાં આવી કેપ્ટ્ન અને પ્રોફેસર નીચે ઉતર્યા. પાછળની બે ઝરખ ગાડીઓ પણ આગળનો ઝરખગાડીને ઉભેલી જોઈને ઉભી રહી. બધા નીચે ઉતર્યા.


"શું થયું કેપ્ટ્ન આમ અચાનક કેમ સફર થંભાવી દીધી ? ફિડલે આગળ આવી પ્રશ્ન કર્યો.


"સામે જુઓ, ત્યાં કેટલીક હારબંધ ઝૂંપડીઓ દેખાઈ રહી છે. યોગ્ય તપાસ કર્યા સિવાય આગળ વધવું હાનિકારક નીવડી શકે છે.' ફિડલનો પ્રશ્ન સાંભળીને કેપ્ટ્ન બધાને સંબોધતા બોલ્યા.


"પણ ઝૂંપડીની આજુબાજુ તો કોઈ દેખાતું જ નથી.' કેપ્ટ્નને જે તરફ ઝૂંપડીઓ બતાવી હતી એ તરફ થોડીવાર એકીટશે જોયા પછી ક્રેટી બોલી.


"ક્રેટી બેટા તારી વાત તદ્દન સાચી છે પરંતુ તપાસ તો કરવી જ પડશે.નહિતર કોઈ આફત અચાનક ત્રાટકી પડે તો આપણે બધા જોખમમાં મુકાઈ જઈએ.' કેપ્ટ્ન ક્રેટી સામે જોઈને વહાલભર્યા અવાજે બોલ્યા.


"પણ ત્યાં તપાસ કરવા જશે કોણ ? પીટરે મુદ્દાનો સવાલ કર્યો.


"પીટર તું તથા જ્યોર્જ એન્જેલા અને ક્રેટી પાસે રહો. હું,પ્રોફેસર,રોકી,ફિડલ અને જોન્સનઝૂંપડીઓ સુધી જઈને જોઈ આવીએ કે ત્યાં કોઈ રહે છે કે નહીં.' કેપ્ટ્ન પીટર તરફ જોઈને બોલ્યા.


"હા ચાલો આપણે તપાસ કરી આવીએ.' પ્રોફેસર તૈયાર થતાં બોલ્યા.


"અરે પણ પહેલા તમે લોકો હથિયાર તો લઈ લો પછી જાઓ. અને કોઈ વધારે જોખમ જેવું જણાય તો અમને બુમ પાડજો અમે જલ્દી દોડી આવીશું.' જ્યોર્જે કેપ્ટ્ન અને પ્રોફેસર તરફ જોઈને કહ્યું.


"ઓહ.! હથિયાર તો અમે ભૂલી જ ગયા. ચાલો બધા એક એક ભાલો લઈ લો.' કેપ્ટ્ન હેરી ઝરખગાડી પાસે ગયા અને એમાંથી પાંચ ભાલા લેતા બોલ્યા.


રોકી,જોન્સન,ફિડલ અને પ્રોફેસરે કેપ્ટ્ન પાસેથી એક એક ભાલો લઈ લીધો. પછી આ પાંચેયની ટોળકી પેલી ઝૂંપડીઓ તરફ જવા લાગી. તેમણે ઝરખગાડી ઉભી રાખી હતી ત્યાંથી ઝૂંપડીઓ સુધીનું અંતર લગભગ બે-અઢી માઈલ સુધીનું હતું એટલે કેપ્ટ્ન હેરીના સાહસિકોની ટોળકીને એ ઝૂંપડી સુધી પહોંચતા જ અડધો કલાક જેટલો સમય જતો રહ્યો.


"કેપ્ટ્ન બહારથી જોતાં તો ઝૂંપડીઓ એકદમ જર્જરિત હોય એવું લાગે છે.' ઝૂંપડીથી થોડાક દૂર રહ્યા એટલે જોન્સને કેપ્ટ્નને કહ્યું.


"હા અને આજુબાજુ કોઈ માણસ પણ દેખાતું નથી. મને તો આ ઝૂંપડીઓ અજીબ અને રહસ્યમય લાગી રહી છે.' કેપ્ટ્ન બધા તરફ જોઈને બોલ્યા.


બધી ઝૂંપડીઓનો પાછળનો ભાગ કેપ્ટ્ન અને એમના સાથીદારો તરફ હતો. ઝૂંપડીઓનો પાછળનો ભાગ મજબૂત લાકડાઓથી બનેલો જણાતો હતો પરંતુ એ બધા લાકડાઓ ઉપર ઉધઈ પોતાનો કબજો જમાવી ચુકી હતી. ઝૂંપડીઓનો પાછળનો ભાગ જોતાં લાગી રહ્યું હતું કે ઘણા વર્ષોથી આ ઝૂંપડીઓની કાળજી લેવાવાળું કોઈ નહોતું.


"હવે બધા સાવધાન થઈ જજો.' કેપ્ટ્ન હેરીએ ઝૂંપડીઓની આગળની બાજુ તરફ ચાલતા બધા સાથીદારોને કહ્યું.


બધા પોત-પોતાના ભાલાઓની અણીને આગળ કરી અને ઝૂંપડીની આગળની બાજુ તરફ આગળ વધવા લાગ્યા. ઝૂંપડીઓની આગળ આવી ગયા છતાં કોઈ નજરે ના ચડ્યું.


"કેપ્ટ્ન ઝૂંપડીની અંદર જોઈ પણ નથી શકાતું.' રોકી ઝૂંપડીઓ બનાવવા માટે ઉપયોગીમાં લેવાયેલા લાકડાઓને ખસેડવાનો વ્યર્થ પ્રયત્ન કરતા બોલ્યો.


"તો ચાલો આ દરવાજાને જ તોડી નાખીએ.' કેપ્ટ્ન હેરીએ ઉધઈ ચડેલા દરવાજા તરફ ઇસારો કરતા કહ્યું.


"હા ચાલો તોડી જ નાખીએ.' ફિડલ પોતાના ભાલા સાથે આગળ વધ્યો અને જોરથી દરવાજાને એક લાત મારી.


એક લાતથી દરવાજો ના તૂટ્યો એટલે ફિડલે દરવાજાની ઉપર જ ચાર પાંચ લાતોનો વરસાદ વરસાવ્યો. આમેય દરવાજો ઉધઈએ ખાધેલો હતો એટલે ફિડલની ચાર-પાંચ લાતમાં તો દરવાજો કડડડડ કરતો તૂટી પડ્યો.


જેવો દરવાજો તૂટ્યો એવા તરત જ ફિડલ અને રોકી ઝૂંપડીની અંદર ઘૂસી ગયા. પણ અંદર જતાં જ તેઓ ત્રાસી ઉઠ્યા. ઝૂંપડીની અંદર ફેલાયેલી સડેલી દુર્ગંધથી એમનું માથું ચકરાવા લાગ્યું. બન્ને જણ ઝૂંપડીમાં શું છે કે શું નથી એ કંઈ જોયા વિના જ બહાર આવી ગયા.


"શું થયું રોકી ? અંદર શું છે ? આ બન્નેને આમ એકદમ બહાર આવેલા જોઈને કેપ્ટ્ન હેરીએ એકસામટા બે પ્રશ્નો કર્યા.


"અંદર શું છે એ તો અમે નથી જોયું કેપ્ટ્ન.! પરંતુ ઝૂંપડીની અંદર માથું ફાટી જાય એવી દુર્ગંધ ફેલાયેલી છે. એ અમારાથી સહન ના થઈ એટલે અમે કંઈ પણ જોયા વિના બહાર દોડી આવ્યા.' રોકી ઊંડો શ્વાસ લેતા બોલ્યો.


"ચાલો કેપ્ટ્ન આપણે અંદર જઈને જોઈએ.' પ્રોફેસર મોંઢા ઉપર કપડું વીંટાળતાં બોલ્યા.


"હા પ્રોફેસર હવે આપણે જ તપાસ કરવી પડશે.' આમ કહીને કેપ્ટ્ન હેરીએ પણ પોતાના મોંઢા ઉપર કપડું વીંટાળીને બુકાની બાંધી.


દરવાજો તોડી નાખ્યો હતો એટલે ઝૂંપડીમાં આછો સૂર્યપ્રકાશ પથરાઈ રહ્યો હતો. કેપ્ટ્ન અને પ્રોફેસરે એમના મોઢે સજ્જડ કપડું વીંટાળ્યું હોવા છતાં પણ એમનું માથું દુર્ગંધથી ચકરાઈ રહ્યું હતું.


"પ્રોફેસર ત્યાં તો જુઓ.' કેપ્ટ્ન ઝૂંપડીની ડાબી બાજુએ લાકડાઓની દીવાલ હતી એ તરફ ઇસારો કરતા બોલ્યા.


"ઓહહ.! મનુષ્યના હાડપિંજરો.! ડાબી બાજુ લાકડાની દીવાલ તરફ જોતાં જ પ્રોફેસરના મુખમાંથી શબ્દો સરી પડ્યા.


ઝૂંપડીની જે ડાબી બાજુ તરફની દીવાલ હતી. ત્યાં હારબંધ લગભગ વીસ કરતા પણ વધારે મનુષ્યોના હાડપિંજરો આમતેમ પડ્યા હતા. એ હાડપિંજરો જોતાં લાગી રહ્યું હતું કે અમૂક માણસો ઘણા સમય સુધી આ ઝૂંપડી કેદ રહ્યા હશે અને પછી ખાવા-પીવાનું ના મળતા અહીંયા આ ઝૂંપડીમાં જ મૃત્યુ પામ્યા હશે. આ હાડપિંજરો લગભગ એકાદ વર્ષ પહેલાના હશે એવું અનુમાન પ્રોફેસરે બાંધ્યું. થોડીવાર એકીટશે હાડપિંજરોને જોયા બાદ કેપ્ટ્ન અને પ્રોફેસર હાડપીંરો પાસે આવ્યા. દુર્ગંધ અસહ્ય હતી છતાં પ્રોફેસર હાડપિંજરો પાસે બેસીને તાગ મેળવવા લાગ્યા કે આમાં કેટલા હાડપિંજરો સ્ત્રીના છે અને કેટલા હાડપિંજરો પુરુષના.


"કેપ્ટ્ન આમાં એકહાડપિંજર સ્ત્રીનું છે બાકી બધા હાડપિંજરો પુરુષોના છે.! પ્રોફેસરે સામે પડેલા અગિયાર હાડપિંજરોના હાડકાઓની રચના તપાસ્યા બાદ કહ્યું.


"ઓહહ.! પણ આવી રીતે આ લોકોને કેદ કોણે કર્યા હશે ? આષ્ચર્યથી દિગ્મૂઢ બનેલા કેપ્ટ્ન હેરી બોલ્યા.


"જે હોયપણ આ લોકોનો દુશ્મન બહુજ તાકતવર હોવો જોઈએ નહીંતર અગિયાર લોકોને એકજ ઝૂંપડીમાં કેદ કરી રાખવા બહુજ મુશ્કેલીભર્યું કામ છે.' પ્રોફેસર હાડપિંજરો પાસેથી ઉભા થતાં બોલ્યા.


"હા હવે ચાલો બહાર બીજી ઝૂંપડીઓ પણ તપાસી લઈએ.' કેપ્ટ્ન હેરી ઝૂંપડીના દરવાજા તરફ આગળ વધતા બોલ્યા.


પ્રોફેસર અને કેપ્ટ્ન બહાર નીકળતા હતા ત્યાં રોકી, જોન્સન અને ફિડલ પણ ઝૂંપડીની અંદર આવી ગયા. અને હાડપિંજરોને વિસ્મયભરી નજરે જોવા લાગ્યા.


"હવે ચાલો બધા બહાર અંદર હાડપિંજરો જ છે બીજું કંઈ જ નથી.' કેપ્ટ્ને બધાને સંબોધીને કહ્યું.


ત્યારબાદ બધા બહાર નીકળી ગયા આ ઝૂંપડીમાંથી અને બીજી ઝૂંપડીઓ તરફ આગળ વધ્યા. બાકીની ત્રણ-ચાર ઝૂંપડીઓ તો સાવ ખાલી નીકળી પરંતુ છેલ્લે જે એક ઝૂંપડી બચી હતી એ સાવ ખુલ્લી હતી અને અંદર પ્રવેશતાની સાથે જ બધા ચોંકી ગયા.


એક સાત ફૂટ લાંબો પુરુષ ઝૂંપડીની નીચે ઘાસની બનાવેલી પથારી ઉપર સૂતો હતો. એની બધી દાઢી સફેદ થઈ ચુકી હતી. મોંઢા ઉપર અમૂક જગ્યાએ કરચલીઓ પડી ગઈ હતી. ગુપ્તાંગોને ઢાંકવા એણે કમરની ફરતે થોડુંક કપડું વીંટાળ્યું હતું.બાકીનું એનું આખું શરીર નિર્વસ્ત્ર હતું.એની પથારીની બાજુમાં જ જૂના થઈ ગયેલા પરંતુ મજબૂત રીતે બનેલા તીરકામઠાં પડ્યા હતા. એક લાંબી લાકડી એના પગ પાસે જ પડી હતી. બાકી આખી ઝૂંપડી ખાલી હતી.


"તો પેલા લોકોને કેદ કર્યા એ લગભગ આ જ માણસનું કારસ્તાન હોવું જોઈએ.' રોકી ધીમેથી ગણગણ્યો.


"હા એ પણ હોઈ શકે.! આમ કહીને કેપ્ટ્ને સૂતેલા માણસના પગની નીચે ભાલાની અણી ખુંચાડી. છતાં એ માણસ જરા પણ સળવળ્યો નહીં.

બધા એકબીજા તરફ વિસ્મયભરી નજરે જોવા લાગ્યા. પ્રોફેસર આગળ વધ્યા અને એ માણસનો જમણો હાથ પોતાના હાથમાં લઈને નાડી તપાસી. ત્યારબાદ છાતી ઉપર કાન માંડ્યો.પણ એ માણસના ધબકારા બંધ હતા.

"કેપ્ટ્ન આ તો મરી ચુક્યો છે.' પ્રોફેસર ઉભા થતાં બોલ્યા.

"ચાલો એ પણ બલા ટળી.' કેપ્ટ્ન બબડયા.

ત્યારબાદ ઝૂંપડી બહાર એક ખાડો હતો એની સાફસફાઈ કરીને કેપ્ટ્ન તથા એમના સાથીદારોએ ખિસ્તી ધર્મની પરંપરા મુજબ એ મૃતદેહને ત્યાં દફનાવીને એક નાનકડો લાકડાનો કૃષ એના ઉપર ઉભો કર્યો. ત્યારબાદ ઝૂંપડીમાં આ માણસના જે તીરકામઠાં પડ્યા હતા એ લઈને ઝરખગાડી તરફ ચાલવા લાગ્યા.

(ક્રમશ)