The house of 'Ba' books and stories free download online pdf in Gujarati

'બા' નું ઘર



આજે કમલાબા ઘણાં ખુશ નજરે પડતા હતાં. આટલાં ખુશ એમને ક્યારેય જોયાં નહોતા. આમ તો, એમનો ચહેરો રોજ જ હસતો જ હોય પણ આજે એમના ચહેરા પર ગજબનું તેજ હતું. રોજના કરતાં અલગ આનંદ એમના ચહેરા પર આજે નજરે પડતો હતો.

ઘર બહારનો બધો સામાન એ ઘરમાં મૂકી રહ્યા હતાં. એ જોઈને પાડોશની બે સ્ત્રી ત્યાં આવી પહોંચી.

"આજે તો તમે અલગ જ મૂડમાં છો…! આજે કંઈ જાવ છો કે શું?" એમાની એક સ્ત્રી બોલી.

"હા! આજે વિનય આવે છે. ગઈકાલે રાત્રે જ એના ભાઈબંધના પર ફોન આવેલો મને લેવા આવે છે. તો હું હવે ત્યાં એની સાથે ત્યાં જ રહીશ ને દીકરીની ખબર પણ જોતી આવીશ." અનેરા આનંદ સાથે એમણે જવાબ આપ્યો. જાણે કે, કોઈ દુર્લભ આનંદ પ્રાપ્ત થયો હોય.

"ઓહો…… કમલા આ તો ખુબ સારા સમાચાર છે પણ તારા ગયા બાદ અહીં અમને નહીં ગમે. તું કાયમ જ બધાની મદદ માટે હાજર હોય." એમની જ ઉંમરના એક વૃદ્ધા બોલ્યાં.

"હા! યાદ તો મને ય આવશે ને મારા ગામની, તમારા બધાની, ને મારા આ…… ઘરની." આંખમાં આવેલા આંસુ લૂછતાં કમલાબા બોલ્યાં.

ત્યાં હાજર સ્ત્રીઓએ એમને ઘરનો સમાન સરખો મુકવામાં મદદ કરી. એ પછી જેવા એ લોકો ઘરે ગયા કે, કમલાબા ઘરમાં આંટા મારતા, આંખોમાં ઝળઝળિયાં સાથે એક - એક ખૂણામાં નજર નાંખીને ધ્યાનથી જોઈ રહયાં. ત્યાં જ એમનો દીકરો વિનય આવી પહોંચ્યો. એને જોઈને એમને આનંદ થયો પણ દરવખતે એને જોઈને જે ભાવ ને પ્રેમ ઉમળતા એ આજે નહોતાં. એવું કેમ? એ પોતે પણ મનોમન વિચારી રહ્યા હતાં કે આજે એમનું હૃદય, આંતરમન પેહલાંની જેમ કેમ ખુશ અને આશ્વસ્ત નથી.

જેવા કમલાબા એમના દીકરા સાથે જવા નિકડયા કે, પાડોશમાંથી બધા એમને મળવા આવ્યા. એ બધાને જોતાં જ એ રડવા લાગ્યાં. પોતાના ઘરને ફરી - ફરીને જોઈ રહયાં હતા.

દીકરાના ઘરે પહોંચતા જ પૌત્ર દોડતો આવ્યો. અને એમને વીંટળાઈ ગયો. એ હરખાઈ ગયા. દીકરાની વહુ હમણાં આવીને આશીર્વાદ લેશે પણ એમની પુત્રવધુ આવીને પાણીનો ગ્લાસ આપીને "જય શ્રી કૃષ્ણ બા…!" એમ કહીને તરત જ રસોડામાં ચાલી ગઈ. પૌત્ર સાથે વાતો કરવામાં સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર ન પડી. જમીને દીકરો ફોનમાં અને પુત્રવધુ ટી.વી. જોવામાં વ્યસ્ત થઈ ગયા, પોત્રએ ગેમ રમવામાં લાગી ગયો. એમને હતું કે, આજે તો ઘણાં સમય બાદ આવ્યા તો એ બંને એમની સાથે ખૂબ વાતો કરશે ને પોતે ગામમાં ઘટેલી બધી જ ઘટનાઓ એમને જણાવશે પણ એવું કંઈ બન્યું નહીં. એ ઘર બહાર મૂકેલાં હીંચકા પર બેઠાં હિંચકો ઝૂલી રહ્યાં હતાં. એ સાથે ગામની યાદો, પોતાના ઘર યાદ કરી રહયાં હતા.

આખી રાત પડખા ફરતાં રહયાં પણ દીકરાના ઘરે એમને ઊંઘ આવી નહિ. એમ જ સવાર થઈ. એ વહુ ઊઠે એની રાહ જોઈ રહયાં. પુત્રવધુને આવતા જોઈ. "દીકરા! હું તો ક્યારની રાહ જોવ કે, તું ક્યારે ઉઠીને આવે!" એમ કહીને એની સામે જોઈ રહયાં.

"અરે 'બા મારો સવારમાં ઉઠવાનો આજ સમય છે." એમ કહીને તરત એ રસોડામાં ચાલી ગઇ.

"રોજનો આ… સમય !" એમ આશ્ચર્ય સાથે બોલીને એ ઘરના મંદિર પાસે જઈને પૂજા - વિધિમાં લાગી ગયાં.

થોડાં દિવસો આ રીતે પસાર થઈ ગયા. જેમ દિવસો પસાર થતાં હતાં એમનું મન બેચેન થઈ રહ્યું હતું. એ વધુ મૂંઝવણ, ઘૂંટન અનુભવવા લાગ્યાં. આ શહેરની એક અલગ જ દોડધામ અને વ્યસ્તતા એમની સમજણમાં આવતી નહોતી. એમનો સમય પણ અહીં પસાર થતો નહોતો. ગામમાં ક્યાં દિવસ પૂરો થઈ જાય ને રાત્રે પણ બધા સાથે મોડા સુધી વાતચીત કરતાં. એવું કંઈપણ અહીં નહોતું. અહીં હતું માત્ર એકાંત.

કમલાબા તો અહીં આવી ગયાં પણ એમનો જીવ જાણે ત્યાં પોતાના ગામ ને ઘરમાં જ રહી ગયો. આવ્યા ત્યારે કેટલી આશ લઈને આવ્યાં હતાં કે, જીવનનો શેષ સમય દીકરા અને પૌત્ર સાથે આનંદથી પસાર કરશે અને પુત્રવધુ એમની ખૂબ કાળજી રાખશે. અત્યાર સુધીના એકલવાયા જીવનનો અંત આવશે પણ એ શહેરની દિનચર્યામાં ઢળી શકયાં નહીં.

"તમે ક્યાં જાઓ છો?" પુત્રવધુએ પૂછ્યું.

"દીકરા! હું મારા ગામ ને મારા ઘરે જવાની તૈયારી કરી રહી છું. વિનય તું મને બસમાં બેસાડી દે. હું આજે અત્યારે જ નિકડીશ." સામાન સમેટતા બોલ્યાં.

"કેમ તમને અહીં શું તકલીફ છે?" વિનય બા સામે જોઈ રહ્યો.

"ના……! ના…! મારે શું તકલીફ હોય!! પણ અહીં મારો સમય નથી જતો. તમે આટલાં દિવસ મને સારી રીતે રાખી. હું ખુશ છું વળી પાછું મન કરશે તો બે દિવસ રહેવા આવીશ."

પોતાના સામાનની નાની બેગ લઈને કમલાબા ઘરના મુખ્ય દ્વાર તરફ ચાલવા લાગ્યાં ને વિનય એમની પાછળ જાય છે.

✍……ઉર્વશી.