Tran Vikalp - 32 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 32

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૨

નિયતિ એના રૂમમાં આવી રાહતનો શ્વાસ લે છે. એના કપડા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. હોસ્ટેલ આવે છે ત્યારે ૩:૩0 થવા આવ્યા હોય છે. સૌથી પહેલા કપડાં બદલે છે અને મોઢું ધોઈ ફ્રેશ થાય છે. મોબાઇલ લઇ એક ફોન લગાવે છે. કિશન દીકરીના ફોનની રાહ જોતો હોય છે, એક રીંગ પૂરી વાગે એ પહેલા કિશન ફોન ઉપાડે છે. નિયતિ બોલે છે: “પપ્પા એકના પ્રાણ ઊડી ગયા આજે... એક વ્યક્તિ સાથે બદલો પૂરો થયો...” કિસન “શાબાશ બેટા” કહી ફોન મૂકી દે છે.

નિયતિની આંખોમાંથી ઊંઘ તો ક્યારની ગાયબ હતી હવે ઊંઘ આવવાની નહોતી. અજયના મૃત્યુને અનુપ અને હર્ષદરાય કેવી રીતે પબ્લિક સામે રજૂ કરે છે એ જોવાની તાલાવેલી હતી. બારી આગળ ખુરશી મૂકી નિયતિ હોસ્ટેલના ગેટને જોવા લાગે છે. એક-એક મિનિટ નિયતિ માટે કિંમતી હોય છે. ઘડીકમાં ખુરશીમાં બેસે તો ઘડીક રૂમમાં આંટા મારે છે. અનુપ, રાકેશ અને હેમાને અજયના મૃત્યુની જાણ થઈ કે ના થઈ તે પણ ખબર નથી. એ લોકોનું રિએક્શન જોવા માટે જીવ અધીરો બને છે. પહેલી સફળતા ત્યારે જ મનાવી શકાય જ્યારે ખબર પડે કે અજય સાચે મૃત્યુ પામ્યો છે, તેના વગર ખુશીઓ મનાવવી વ્યર્થ હતી. એક સમયે નિયતિને એવો વિચાર આવે છે કે અજયને લઈ એ લોકો હોસ્પિટલ જતા રહેશે તો એનો જીવ બચાવી શકાશે, અને જો ખરેખર જો એવું થશે તો આગળનો બદલો લેવાનું કામ અધુરું રહેશે. ઉપરાંત પોતે જેલ ભેગા થવું પડશે. નિયતિને આ બધી બાબતોનો ખ્યાલ હતો અને માટે અજય સાચે મૃત્યુ પામ્યો છે કે નહીં તે જાણવું જરૂરી હતું. પાંચ વાગવા આવ્યા છતાં હેમા પરત ફરી નહોતી એટલે નિયતીની ચિંતામાં થોડો વધારો થાય છે. નિયતિ વિચારોમાં અટવાઇ હતી. એક બાજુ ખુશી હતી એક બાજુ ચિંતા હતી. મૂંઝવણમાં સમય પસાર થતો હતો. અચાનક ગેટની બહાર ગાડીનો અવાજ આવે છે. નિયતિ બારીમાંથી જુએ છે તો હેમાની પાછળ શંભુ બેભાન છોકરીને ઊંચકી ચાલતો હોય છે.

અજયની નસ ચેક કરતાં અનુપને અંદાજ આવે છે કે એ મૃત્યુ પામ્યો છે. અજયના નાક, મોઢાં કાન બધામાંથી લોહી બહાર આવ્યું હોય છે, તથા તેના ગુપ્ત ભાગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સોજો આવેલો દેખાય છે. અજયને લઈ અનુપ અને રાકેશ હોસ્પિટલ જાય છે. જ્યાં ડોક્ટર જણાવે છે કે ‘વાયગ્રાનો વધારે પડતો ડોઝ કોઈવાર હાર્ટ એટેકનું કારણ બનતો હોય છે. લાગે છે આ કારણે જ અજયને હાર્ટ એટેક આવ્યો છે.’ અનુપ તરત હર્ષદરાયને ફોન કરે છે. હર્ષદરાય હોસ્પિટલમાં આવી બધી પરિસ્થિતિ સંભાળી લે છે. હાર્ટ એટેકથી મૃત્યુ બતાવવા માટે ડોકટરને કહે છે. ડોક્ટર હર્ષદરાયને જણાવે છે ‘તમે કહો તે પ્રમાણે હું પોસ્ટમોર્ટમ રીપોર્ટ બનાવીશ, પરંતુ આપણે પોલીસને તો જાણ કરવી જ પડશે નહીં તો પાછળથી મુશ્કેલી ઊભી થશે.’ હર્ષદરાય પણ વાતને સમજે છે. પોલીસ કમિશ્નરને ફોન કરી હોસ્પિટલ બોલાવે છે. પોલીસ કમિશ્નર અજયનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પંચનામામાં લખે છે.

અધૂરો બદલો લેવા માટે જરૂરી હતું કે નિયતિ સમાન્ય વર્તન કરે. એટલે નિયતિ નિત્યક્રમ પતાવી ઓફિસ જવાની તૈયારી કરે છે. રોજિંદા ક્રમ મુજબ નાસ્તો કરે છે. ઓફિસ અને હોસ્ટેલમાં પોતે કશું જ જાણતી નથી તેમ રોજની જેમ બધાની સાથે વાતચીત કરે છે. નિયતિને સામાન્ય થવા માટે આટલો સમય પૂરતો હતો. રાતે જે પ્રમાણે એ કાર્ય કરીને આવી હતી એના હૃદયના ધબકારા વધી ગયા હતા. થોડી ગભરામણ, થોડી બીક હતી જે સામાન્ય વાતચીત અને વર્તનથી દૂર થઈ હતી. હૃદયરોગના હુમલાથી અજયનું મૃત્યુ થયું છે એ વાત ફેલાવાથી નિયતિ મનમાં ખુશ થાય છે. નિયતિ મનમાં વિચારે છે ‘મારા ઉપર કોઈને શક ના જાય એ માટેનું કાર્ય અનુપ અને હર્ષદરાયે જાતે જ કરી લીધું.’ પોતાની પહેલી જીતની એને ખુશી થાય છે.

એક અઠવાડીયા જેવો સમય પસાર થાય છે એટલે પરિસ્થિતી થાળે પડવા લાવે છે. અજયના મૃત્યુ પછી રોજ રાત્રે છોકરીઓને સ્ટુડિયોના બેડરૂમમાં લાવવામાં આવતી હતી તે બંધ થઈ હોય છે. તેથી નિયતિ માટે રાકેશને મોતના ઘાટ કેવી રીતે ઉતારવો તે સમસ્યા ઉભી થાય છે. ઉપરાંત રાકેશ એટલો ડરી ગયો હતો કે એણે સ્ટુડિયો આવવાનું સદંતર બંધ કર્યુ હતું. બીજું અઠવાડિયું પસાર થાય છે છતાં પણ રાકેશ સ્ટુડિયો આવવાનું ચાલુ કરતો નથી એટલે નિયતિની ધીરજ ખૂટવા લાગે છે. કિશન, આનંદ અને નિયતિ રોજ નવી તરકીબ વિચાર કરતાં પરંતુ રાકેશ આવે નહીં એટલે બધી મહેનત પર પાણી ફરી વળતું. બદલો પૂરો કરવા માટે નિયતિ એક નવી યુક્તિ વિચારે છે. માધવને ખબર ના પડે એ રીતે એની મદદ લેવાનું નક્કી કરે છે. કિશન અને આનંદને એ યુક્તિ જોખમ ભરેલી લાગે છે, પણ નિયતિ એ બન્નેને સાંત્વનાં આપે છે કે કોઈ જોખમ લાગશે તો એ યુક્તિ પર કામ કરવાનું બંધ કરશે. એ રાત્રે ત્રણેય વચ્ચે માધવને ખબર ના પડે તેમ કેવી રીતે એની મદદ લઈ શકાય એની ખૂબ લાંબી વાતચીત કરે છે. બીજા દિવસે નિયતિ નક્કી કર્યા પ્રમાણે માધવ સાથે વાત કરે છે.

“સર... અજયસરના મૃત્યુ પછી પંદર દિવસ પસાર થઈ ગયા, સ્ટુડિયોમાં એકપણ એડનું શૂટિંગ થયું નથી... આજના ફાસ્ટ જીવનમાં લોકો રોજ નવી વસ્તુઓની ઇચ્છા રાખતા હોય છે... અનુપસર આધાતમાંથી બહાર આવે ત્યાં સુધી જો તમે કહો તો, હું સ્ટુડિયોમાં શૂટિંગની જવાબદારી લઈ શકું છું...”

માધવ મટકું માર્યા વગર નિયતિ સામે જોતો હોય છે. નિયતિ: “સર, શું વિચારો છો?”

માધવ છોભીલો થઈ બોલે છે: “હા… તારી વાત તો સાચી છે... ઘણાં દિવસથી સ્ટુડિયોનું કામ બંધ છે...” કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ માધવ બોલે છે: “પણ તારે સ્ટુડિયોના કામની ચિંતા કરવાની જરૂર નથી... હું જોઈ લઇશ...”

તરકીબ નિષ્ફળ થઈ રહી છે એ વિચારતી નિયતિ એનું કામ કરવા લેગે છે. એ દિવસે નિયતિ પહેલી વખત કામ કરતાં કરતાં માધવ સામે ગુસ્સામાં થોડી થોડી વારે જોતી હતી. અનેક વખત નિયતિ અને માધવની નજર એક થાય છે. દરેક વાર માધવ હસીને નિયતિ સામે જોતો રહે છે. ત્યારે નિયતિને પહેલી વખત ખબર પડે છે કે માધવ ચોરીછૂપીથી રોજ એને જોતો હોય છે. એ દિવસે નિયતિને માધવની જોવાની રીતથી શરમ આવે છે અને ગુસ્સો ગાયબ થાય છે. માધવની આંખોમાં નિયતિને પોતાના માટે અનહદ લાગણી અને ચિંતા દેખાય છે. પુરુષની આંખો પરથી સ્ત્રીને ખબર પડી જતી હોય છે કે પુરુષ કોઈ સ્ત્રી વિષે શું વિચારે છે. નિયતિને પણ સમજતા વાર નથી લાગતી કે માધવ એને પ્રેમ કરે છે. નિયતિ આખી રાત માધવના વિચારો કરે છે. મનમાં માધવ માટે માન ઉપજે છે. બે મહિના થવા આવ્યા છતાં એકપણ વાર માધવે અજાણતા નિયતિને touch કરી નહોતી. એ દિવસ પછી ધીરે ધીરે નિયતિ અને માધવ એકબીજાની નજીક આવે છે. એકબીજાની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવા લાગે છે. દસ દિવસની અંદર નિયતિને માધવની સાદગી, નિખાલસતા, સ્પષ્ટતાપૂર્વકનું વર્તન ગમવા લાગે છે. દિવસ-રાત એના વિચારોમાં માધવની યાદો સ્થાન લે છે. એ પ્રેમની શરૂઆતનાં દિવસોમાં નિયતિ બદલો લેવા આવી છે એ વાત એક મિનિટ માટે પણ ભૂલી નહોતી.

માધવે જાતે એડ અને શૂટિંગનું કામ સાંભળવાનું શરૂ કર્યુ. માધવ સાથે નિયતિ પણ સ્ટુડિયોમાં હાજર રહેતી. કામનાં બહાને અનુપ જોડે શૂટિંગને લગતી વાતો કરી નજીક આવવા લાગી. ત્યારે નિયતિને ખ્યાલ આવે છે કે અજયના મૃત્યુ પછી અનુપનું કોકેન લેવાનું વધી ગયું છે. વાતો વાતોમાં રાકેશને કામ પર બોલાવવા માટે અનુપને મનાવી લીધો. અનુપે રાકેશને કામ ફરી શરૂ કરવા માટે ફરજ પાડી એટલે રાકેશે સ્ટુડિયો આવવાનું શરૂ કર્યુ. રાકેશ સ્ટુડિયો આવે એ નિયતિને જોઈતું હતું એ કામ સફળ થયું. હવે માધવ ક્યારે મુંબઈ જાય એની રાહ જુએ છે. એ દિવસ પણ જલ્દી આવે છે. માધવ મુંબઈ સાથે આવવા નિયતિને કહે છે જેથી બન્ને વધારે સમય સાથે રહી શકે પણ નિયતિ ખૂબ સારી રીતે માધવને સમજાવી આવવા માટે ના પડે છે. નિયતિ બદલો લેવાના કામને આગળ વધારવા માંગતી હતી. માધવની હાજરીમાં એ શક્ય પણ નહોતું એટલે એ દૂર જાય એ ખૂબ જરૂરી હતું.

માધવ મુંબઈ જાય છે એટલે નિયતિ એના કામમાં આગળ વધે છે. હોસ્ટેલમાં હેમા કોકેન જ્યાં સંતાડી રાખતી હતી એ જ્ગ્યા નિયતિએ શોધી નાખી હતી. હેમાને ખબર ના પડે એ રીતે સંતાડી રાખેલી કોકેનમાંથી એક પેકેટ નિયતિએ પોતાની પાસે સંતાડી રાખ્યું હતું. સ્ટુડિયોમાં રાત્રે શૂટિંગ થાય એવી પરિસ્થિતી નિયતિ ઊભી કરે છે. પોતે પણ રાત્રે ઓફિસમાં કામનાં બહાને રોકાય છે. સ્ટુડિયોમાં બધાની હાજરીમાં કોઈ ખેલ કરવો શક્ય નહોતો. ઉપર બેડરૂમમાં જવાની સીડીઓમાં કેમેરો હોય છે એટલે નિયતિ સીડીઓથી ઉપર જઈ શકે તેમ નહોતું.

કોકેન લેવાનો સમય થાય છે એટલે અનુપ ઉપર બેડરૂમમાં નસો કરવા જાય છે સાથે ઈશારો કરી રાકેશને બોલાવે છે જે નિયતિને ખબર પડે છે. અનુપ અને રાકેશ ઉપર જાય છે એટલે બધાની નજર ના પડે એ રીતે નિયતિ બાલ્કનીની સીડીથી ઉપર ચઢે છે. હાથના મોજા પહેરી અવાજ ના થાય એ રીતે ચાવીથી દરવાજો ખોલે છે. દરવાજાની આડસમાંથી જુએ છે તો રાકેશ ત્રિપોઇ પર કોકેનના પાવડરની લાઈનો કરતો હોય છે અને અનુપ સોફા પર બેસી સિગારેટ પીતો હોય છે જ્યારે બીજા હાથમાં દારૂનો ગ્લાસ હોય છે.

રાકેશ ડર સાથે અનુપને કહે છે: “અનુપ, એ દિવસે અજયના કહેવાથી મેં એને વાયગ્રાની ગોળી અને દારૂ વધારે આપ્યું હતું... એના કારણે એનું કરૂણ મોત થયું... એ વાત મને શાંતિથી જીવવા નથી દેતી... દિલ પર એક ભાર લઈને રહું છું...”

રાકેશના ખભા પર હાથ મૂકી અનુપ બોલે છે: “હવે તારા દિલ પર ભાર ના રાખીશ... અજયનું મૃત્યુ આ રીતે લખાયું હશે...” અનુપ સિગારેટ સાથે કોકેન લેવા લાગે છે.

અચાનક અનુપના પગ પકડી રાકેશ બોલે છે: “બીજો પણ એક ભાર મારા દિલ પર છે... મને માફ કરી દેજે અનુપ... છોકરીઓના ચક્કરને લીધે મેં અજય સાથે મળી તને બહુ દગો કર્યો છે... અમારી વાસનાપૂર્તિ માટે તારા ભોળપણનો ફાયદો ઉઠાવી મેં અને અજયે તને ઘણીવાર મૂરખ બનાવ્યો છે...”

અનુપ કોકેન, સિગારેટ અને દારૂ ત્રણેયનાં નસામાં હોય છે છતાં રાકેશની વાત બરાબર સાંભળતો હોય છે: “કેવી રીતે મૂર્ખ બનાવતા હતા?”

રાકેશ ગૂંટણ પર બેસી બે હાથ જોડી બોલે છે: “સેજલભાભી માટે તારા દિલમાં શક અને નિમિતા માટે નફરત અમે જાણીજોઇને ઊભી કરી હતી... નિમિતા તને સાચા હ્રદયથી પ્રેમ કરતી હતી... પણ મેં અને અજયે તને વિશ્વાસ અપાવ્યો કે એની ચાલચલગત સારી નથી... મારે અને અજયને નિમિતા સાથે મજા કરવી હતી એટલે અમે એવું કર્યુ હતું...”

રાકેશની છાતી પર લાત મારી અનુપ બોલે છે: “સાલા બદમાસ આ વાત તું મને અત્યારે કેમ કરે છે?”

રાકેશ: “તું ખૂબ સારો છું અનુપ... અજયના ગયા પછી પણ તેં મારો સાથ નથી છોડ્યો એટલે આ વાત કર્યા વગર મારાથી રહેવાયું નહીં... તારે જે સજા કરવી હોય તે તું કરી શકે છે.”

નિયતિ અધખુલ્લા દરવાજામાંથી આ બધી વાતનું રેકોર્ડિંગ મોબાઇલમા કરતી હતી એ કોઈને ખબર પડતી નથી. રાકેશ સાથે બદલો લેવા નિયતિ આવી હતી પરંતુ એ ઇરાદો બદલી અનુપ સાથે બદલો લેવાનું નક્કી કરે છે.

ક્રમશ: