ત્રણ વિકલ્પ - 33

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૩

 

રાકેશે જે વાત કહી એનાથી અનુપ ખૂબ હતાશ થયો હતો.  અત્યાર સુધી એ વિચારતો હતો નિમિતાએ પ્રેમનું નાટક કર્યું હતું.  એના પ્રેમ સાથે રમત રમી હતી.  ફેમસ મોડેલ બનવા માટે એનો ઉપયોગ કર્યો હતો.  જ્યારે હકીકત એ હતી કે પોતે નિમિતાનાં પ્રેમનો વિશ્વાસઘાત કર્યો હતો.  એની જિંદગી બરબાદ કરી હતી.  પત્ની બનાવવાના સપના દેખાડી અસંખ્ય વખત બળાત્કાર કર્યો હતો.  માત્ર નિમિતાનાં શરીર પર નહીં એના સપનાઓ, એની માન-મર્યાદા, એનો પ્રેમ, એનો વિશ્વાસ બધાનો બળાત્કાર થયો હતો.  એટલું ઓછો હોય એમ એને મૃત્યુ પણ પોતાના હાથે આપ્યું હતું.  સેજલ પ્રત્યે પણ પોતે અણગમો રાખ્યો હતો.  બળજબરીથી સેજલ સાથે લગ્ન કરી એની જિંદગી પણ બરબાદ કરી હતી.

બન્ને સ્ત્રીઓ સાથે કરેલા અન્યાય વિષે અનુપ મનોમન વલોપાત કરતો હતો, તો રાકેશ એક મિત્ર સાથે દગો કરવા બદલ ‘મને માફ કર’ ની માળા જપતો હતો.  અનુપને મિત્રોએ એના હાથે અનેક પાપ કરાવ્યા એનું વધારે દુ:ખ હતું.  જે મિત્ર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો, જે મિત્ર માટે પોતે જીવ આપવા તૈયાર રહેતો, એ મિત્રએ એના હાથે નિર્દોષ અને લાચાર યુવતીનું મોત કરાવ્યું હતું.  સાચી વાત જાણ્યા પછી અનુપ દારૂની એક આખી બોટલ ગટગટાવી ગયો.  ખાલી બોટલનો રાકેશ પર છુટ્ટો ઘા કર્યો.  રાકેશને બોટલ સહેજ માટે વાગતા રહી ગઈ.  રાકેશ એકદમ હેબતાઈ ગયો. 

રાકેશ ઊભો થાય એ પહેલા અનુપ એને લાત મારી બોલે છે: “ચાલ્યો જા અહિયાંથી...  નહિતો આજે મારા હાથે તારું ખૂન થઈ જશે...”

અનુપની આંખમાં ગુસ્સાની જ્વાળા જોઈ રાકેશ ડરી જાય છે.  પોતે કેટલી મોટી મૂર્ખામી કરી એ વિચારતો એક શ્વાસે દરવાજો ખોલી બહાર જતો રહે છે.  અનુપ પોતાના પર કાબૂ ગુમાવી ચૂક્યો હોય છે.  દારૂની બીજી બોટલ ખોલી પીવા લાગે છે.  બન્ને ઘૂંટણ પર બેસી જોરથી રાડ પાડી “નિમિતા” બોલી રડવા લાગે છે. 

રાકેશ જતો રહ્યો એટલે નિયતિ બાલ્કનીમાંથી અંદર આવે છે.  મુખ્ય દરવાજો લોક કરી અનુપ પાસે આવે છે.  અનુપ ઘૂંટણ પર બેસી રડતો રહે છે.  અનુપની બાજુમાં બેસી ત્રિપોઇ નજીક ખસેડે છે.  ત્યાં સુધી અનુપને ખબર પડતી નથી કે કોઈ એની પાસે આવીને બેઠું છે. 

અનુપના હાથમાંથી બોટલ લઈ નિયતિ બોલે છે: “દારૂના નસાથી તારા કરેલા પાપો તું ભૂલી શકીશ નહીં...”

અનુપ બાહુકની જેમ નિયતિ સામે જોઈ રહે છે: “તું અહિયાં કેમ આવી છું?  માધવે આ બેડરૂમમાં છોકરીઓને આવવાની મનાઈ કરી છે...”

નિયતિ ખંધું હસે છે: “અચ્છા...  એટલે રોજ છોકરીઓને પાછલી સીડી પરથી અહિયાં લઈ આવે છે...”

અનુપ ગુસ્સામાં બોલે છે: “એટલે તું બધુ જાણે છે!  તું અત્યારે અહિયાંથી જતી રહે...  મારૂ મગજ ઠેકાણે  નથી...  તારે જે વાત કરવી હોય એ પછી કરજે...”

નિયતિ કોકેનનું પેકેટ કાઢી ત્રિપોઇ પર એની લાંબી લાઈનો બનાવવા લાગે છે: “મારે અત્યારે જ તારી સાથે વાત કરવી છે...”

અનુપ: “તું કોકેન ક્યાંથી લાવી?”

નિયતિ હજી પણ લાઇન બનાવતી રહી: “હોસ્ટેલમાંથી...  જ્યાં તું અને તારા નઠારા દોસ્તો સંતાડીને રાખો છો...”

અનુપ: “તું ઘણુબધું જાણે છે...  મને એનાથી કોઈ ફરક પડતો નથી કે તું શું શું જાણે છે...  પણ એક વાત કહેવી છે...  જે ઘણાં સમયથી મનમાં દબાવી બેઠો છું...  હું તને જ્યારે પણ જોઉં છું ત્યારે મને બીજું કોઈ યાદ આવે છે...”

નિયતિ ઉભી થઈ બેડ પર બેસે છે: “કોની યાદ આવે છે મને જોઈને?”

અનુપ આંખો કાઢી બોલે છે: “એ તારે જાણવાની જરૂર નથી...”  એ વખતે અનુપની આંખમાં નિયતિને એક અજીબ પ્રકારનો ગુસ્સો અને હતાશા બન્ને દેખાય છે.

નિયતિ બેડ પર પાછળ તરફ બન્ને હાથ કરી બોલે છે: “નિમિતા...”  નિમિતાનું નામ સાંભળી અનુપ એકદમ શાંત થઈ જાય છે.  તોફાન પછી જે શાંતિ લાગે એવી શાંતિ એની આંખોમાં દેખાય છે.

અનુપ એકદમ શાંત અવાજે બોલે છે: “તું એ પણ જાણે છે, એ વાતની મને કોઈ નવાઈ નથી હવે...”  અનુપના બદલાયેલા આ રૂપથી નિયતિને નવાઈ લાગે છે.  નિયતિની આંખમાં આંખ પરોવી અનુપ આગળ બોલે છે: “તું આરૂ છે ને?”  નિયતિની આંખમાં પાણી આવી જાય છે.  “તું નિમૂનાં મોતનો બદલો લેવા આવી છું ને?  નિમૂ કહેતી હતી ‘મારી આરૂ તને પાઠ ભણાવશે’...  મેં નિમૂ સાથે બહુ અન્યાય કર્યો છે...”  અનુપ બોલતા બોલતા કોકેનની લાઇન નાક દ્વારા શ્વાસમાં લેવા લાગે છે.  એક, બે, ત્રણ કરતાં છ લાઇન ફેફસામાં ખેંચે છે.  “આરૂ, તું જીવે છે...  પણ મારી નિમૂને તો મેં મારા હાથે મારી નાંખી હતી...  મારે મારી નિમૂ પાસે જઈ એની માફી માંગવી છે.”

અનુપ નસાની હાલતમાં નિમિતા સાથે વિતાવેલી પ્રેમની વાતો બોલવા લાગે છે.  નિયતિ અચરજ સાથે અનુપની વાતો સાંભળતી રહે છે.  છેલ્લી લાઈન નાકમાં હવા સાથે ભરી અનુપ નીચે પડેલા પેકેટને સીધો સુંગવા લાગે છે: “તારે મને મારવાની જરૂર નથી...  હું જાતે જ મારી નિમૂ પાસે જવા માંગુ છું...”  નિયતિ વિચાર કરતી રહી અનુપે આખું પેકેટ સુંગવાનુ ચાલુ રાખ્યું.  નિયતિ કઈ સમજે એ પહેલા જુએ છે કે અનુપના નાકમાંથી લોહી આવવાનું શરૂ થયું છે.  અનુપને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.  એનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું હતું.  એનામાં બેસવાની તાકાત ના રહેતા એ નીચે પડે છે.  નિયતિ નજીક આવી એનો હાથ પકડે છે.  

અનુપ પણ નિયતિનો હાથ પકડી બોલે છે: “આરૂ, હું જાઉં છું મારી નિમૂ પાસે...  માધવને કહેજે મારી એંજલનું ધ્યાન રાખે અને સેજલ જેને પ્રેમ કરે છે એની સાથે એના લગ્ન કરાવે...”

અનુપના નાક અને મોઢામાંથી સતત લોહી પડવા લાગે છે.  નિયતિ પણ ગભરાઈ જાય છે કે શું થઈ રહ્યું છે.  એ કિશનને ફોન કરી બનેલી ઘટના ઝડપથી કહે છે.  કિશન સામેથી કોઈ સલાહ આપે છે.  સારું પપ્પા હું કોશિશ કરું છું કહી નિયતિ ફોન મૂકે છે.  અનુપના તરફડિયાં ખૂબ વધી ગયા હતા.  નિયતિ ઝડપથી દરવાજાનું લોક ખોલી પાછી બાલ્કનીમાં આવી સીડીઓથી ખુબજ સાવચેતી સાથે સ્ટુડિયોમાં આવે છે.  નસીબથી કોઈની નજર એ વખતે પણ નિયતિ પર પડતી નથી.  નિયતિ આજુબાજુ જોઈ રાકેશને શોધે છે, પણ એ દેખાતો નથી.  નિયતિ સમજી ગઈ કે અનુપે જે પ્રમાણે વર્તન કર્યુ એના પછી રાકેશ જેવો બીકણ માણસ ત્યાં રોકાય નહીં.  અનુપ પાસે સમય ખૂબ ઓછો છે, એની નિયતિને ચિંતા થાય છે.  નિયતિના ધબકારા પણ વધી ગયા હોય છે.  એ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લે છે. 

આંખ ખોલે છે તો સામે શંભુ દેખાય છે.  એ સીધી શંભુ પાસે જઈ બોલે છે: “તમે અનુપસરને નીચે બોલાવો...  જાહેરાત માટે એમણે મને ડાયલોગ લખવાના કહ્યા હતા એ તૈયાર છે...”

શંભુ અકળાઇને બોલે છે: “એ છોકરી...  એ સાહેબ છે...  એમની મરજી થશે ત્યારે નીચે આવશે...  બહું કહ્યાગરી ના જોઈ હોય તો...”

હવે નિયતિને ગુસ્સો આવે છે.  એને થાય છે કે શંભુનું ગળું દબાવી દે, પણ અત્યારે અનુપ પાસે જવું જરૂરી હતું: “પણ મને તો સરે કહ્યું હતું કે કામ થઈ જાય એટલે શંભુને બોલાવવા મોકલજે...  મેં તો એટલે તમને કહ્યું...  બાકી તમારી મરજી...”  નિયતિ બોલીને ત્યાંથી ચાલવા લાગે છે.

શંભુ: “તો એમ વાત કરને...  હું બોલવું છું એમને...”

નિયતિને થોડી રાહત થાય છે.  ભગવાનને પ્રાથના કરવા લાગે છે કે પપ્પાએ કહ્યું એ પ્રમાણે અનુપને ખૂબ જલ્દી હોસ્પિટલ લઈ જવો પડશે.  નિયતિ અને કિશનને અંદાજ નહોતો કે અનુપ ખરેખર નિમિતાને અનહદ પ્રેમ કરતો હતો.  અજય અને રાકેશની ઉશ્કેરણીના કારણે અનુપ ના કરવાના અનેક કામ કરતો હતો.  નિયતિનાં ધર્યા પ્રમાણે શંભુ બીજી જ મિનિટે અનુપને ઊંચકીને નીચે આવ્યો હતો. 

શંભુ બરાડા પડતો અનુપને લઈ લિફ્ટ પાસે આવે છે: “અરે કોઈ લિફ્ટ ખોલો...  કોઈ એમ્બ્યુલન્સને ફોન કરો...  અનુપસરને તાત્કાલિક દવાખાને લઈ જવા પડશે...”

શંભુ લિફ્ટમાં નીચે આવે છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ આવી ગઈ હોય છે.  નિયતિએ સ્ટુડિયોમાં આવી તરત એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો.  બધા આધાતમાં આવી ગયા હતા કે અનુપના નાક અને મોઢામાંથી આટલું બધુ લોહી કેમ આવી રહ્યું છે.  થોડી મિનિટોમાં અનુપ હોસ્પિટલનાં OTમાં હતો.  શંભુએ હર્ષદરાયને ફોન કરી હોસ્પિટલ બોલાવ્યા હતા.  હર્ષદરાય OTની બહાર ડોક્ટરની રાહ જોતા ભગવાનને પ્રાથના કરતા હતા.  દીકરાને મોતની નજીક જોઈ એક બાપ પોતાની ઉંમર દીકરાને મળે એવી યાચના કરતો હોય છે.  એ સમયે હર્ષદરાય પણ એવું કરી રહ્યા હતા.  OTની લાઇટ બંધ થાય છે.  પિતા પોતાના વ્હાલસોયા પુત્રની સલામતીના સમાચાર સાંભળવા ઉત્સુકતાથી ડોક્ટર સામે જુએ છે.

ડોક્ટર: “માફ કરજો મિ. મહેતા...  મેં બહુ કોશિશ કરી...  અનુપ હવે આ દુનિયામાં નથી...”

હોસ્પિટલમાં એકાએક સન્નાટો વ્યાપી જાય છે.

 

ક્રમશ:

Rate & Review

Heena Suchak

Heena Suchak 2 days ago

ATULCHADANIYA

ATULCHADANIYA 6 days ago

Niketa

Niketa 2 weeks ago

Parash Dhulia

Parash Dhulia 2 weeks ago

Parth Kapadiya

Parth Kapadiya Verified User 2 weeks ago