Chamadano naksho ane jahajni shodh - 7 books and stories free download online pdf in Gujarati

ચામડાનો નકશો અને જહાજની શોધી.. - 7

"બહુજ લુચ્ચું પ્રાણી છે આ તો શિયાળવાંઓ કરતા પણ.' પીટર બોલ્યો.

પ્રોફેસર જયારે શારુંત પ્રાણી વિશે બધાને માહિતી આપી રહ્યા હતા ત્યારે પીટર અને એન્જેલા પણ બહારથી આવી ગયા હતા.

"હા લુચ્ચાઈ ના કરે તો બિચારા ભૂખે મરી જાય. પેટનો ખાડો પૂરવા કંઈક તો કીમિયો અજમાવવો પડેને એમને પણ.' રોકી મજાકના મૂડમાં બોલ્યો.

"પણ આટલા લુચ્ચા પ્રાણીનો પણ ફિડલે શિકાર કરી નાખ્યો એટલે ફિડલ તો શારુંત પ્રાણીઓ કરતા પણ વધારે લુચ્ચો છે.' ચૂપ ઉભેલા જોન્સને ફિડલની ટીખળ કરી.

જોન્સનની ટીખળ સાંભળીને બધા જોરથી હસી પડ્યા.ખુદ ફિડલ પણ ખડખડાટ હસી પડ્યો.

"ફિડલ એકલાની વાત નથી આખી માણસજાત જ લુચ્ચાઈથી ભરેલી છે.' બધા હસતા બંધ થયા એટલે કેપ્ટ્ન હેરી બોલ્યા.

"હા દુનિયામાં માણસ જેટલું લુચ્ચું પ્રાણી બીજુ કોઈ ના હોઈ શકે.' પ્રોફેસરે કેપ્ટ્નની વાત સાથે સમર્થન આપ્યું.

"કેપ્ટ્ન હવે ઝરખ ગાડીઓનું શું કરીશું ? હવે પહાડી પ્રદેશોમાં તો આપણે પગપાળા જવુ પડશે. ત્યાં તો એમને લઈ નહીં જવાયને.' જ્યોર્જે વાતનો વિષય બદલતા કેપ્ટ્નને પૂછ્યું.

"ઝરખ ગાડીને હવે અહીંયા જ પડતી મુકવી પડશે. થોડાક ઉપયોગી હથિયારો અને ખાવાનો જે સામાન બચ્યો છે એમને સાથે લઈ લઈશું.' કેપ્ટ્ન બોલ્યા.

"તો પછી આ બિચારા ઝરખોને કેમ બાંધી રાખ્યા છે એમને તો છોડી મુકો એટલે એ તો બિચારા શાંતિથી હરીફરી શકે.' ક્રેટી ઝરખ ગાડી સાથે બાંધેલા ઝરખ તરફ જોતાં બોલી.

"હા હવે એમને છોડી દઈએ. રોકી જા તું એ ઝરખોને છોડી મૂક. ભલે બિચારા હવે જ્યાં જવુ હોય ત્યાં જાય આપણને અહીં સુધી આવવામાં ખુબમદદ કરી છે એમણે.' કેપ્ટ્ને ઝરખો તરફ વાત્સલ્યપૂર્ણ નજરે જોઈને રોકીને કહ્યું.

રોકી ઉભો થયો અને એણે ઝરખગાડી સાથે બાંધેલા ઝરખોને છોડી મુક્યા. ઝરખોને છોડી મુક્યા છતાં ઝરખો ત્યાં જ ઉભા રહ્યા. એમણે જરાય ભાગી જવાનો પ્રયત્ન ના કર્યો.

"આ ઝરખો હજુ કેમ ઉભા છે ? એમને મુક્ત કરી દીધા છતાં એ ભાગી જવાનો પ્રયત્ન કેમ નથી કરતા ? એન્જેલાએ ઝરખોને ત્યાં જ ઉભેલા જોઈ પ્રશ્ન કર્યો.

"એ હવે આપણી સાથે રહેવા માટે ટેવાઈ ગયા છે એટલે એ મુક્ત હોવા છતાં ભાગી જતાં નથી.' કેપ્ટ્ન બધા સામે જોઈને બોલ્યા.

મૂંગા પ્રાણીઓની આ સમજદારી ઉપર બધાને માન થઈ આવ્યું.

"ફિડલ હવે તું જમવાનું તૈયાર કરને મને ખુબભૂખ લાગી છે.' પ્રોફેસરે પોતાના પેટ ઉપર હાથ ફેરવી ફિડલને કહ્યું.

"હા કરી દઉં તૈયાર હમણાં જ. રોકી તું થોડાંક વધારે લાકડા આ તાપણા ઉપર નાખ એટલે આને તો શેકી દઈએ.' ફિડલે પ્રોફેસર અને રોકી તરફ જોઈને કહ્યું.

બધા તાપણાંથી થોડાક દૂર ખસ્યા. પછી રોકીએ તાપણાં ઉપર થોડાક વધારે પ્રમાણમાં લાકડા નાખીને તાપણાની આગને મોટી કરી ત્યારબાદ રોકીએ ફિડલે જે શારુંત પ્રાણીનો શિકાર કર્યો હતો એને તાપણાંની આગમાં શેકવા મૂક્યું.

લગભગ અડધો કલાક સુધી શારુંત પ્રાણીને આગમાં શેકવા મૂક્યું ત્યારે એ સારી રીતે એ શેકાઈ રહ્યું. પછી ફિડલે ઝરખ ગાડીમાં જે ખાદ્યસામગ્રી પડી હતી એ લાવી અને શારુંત પ્રાણીના શેકેલા માંસના નાનકડા ટુકડાઓ સાથે મિશ્ર કરી જોરદાર વાનગી તૈયાર કરી. પછી બધા જમવા બેઠા.

"વાહ ફિડલ તું તો શિકારીની સાથોસાથ રસોઈયો પણ ઉત્તમ છે.' પ્રોફેસરે જમતા-જમતા ફિડલની પ્રશંશા કરી.

"હા પ્રોફેસર તમારી વાત સાચી છે ફીડલ શ્રેષ્ઠ રસોઈયો છે જો એ આપણી સાથે ના હોત તો આપણને દરરોજ આવી ચટાકેદાર વાનગીઓ ખાવા ના મળત.' કેપ્ટ્ન પ્રોફેસરની વાત સાથે સંમત થતાં બોલ્યા.

બધાએ ફિડલની પ્રશંશા કરી. અને ખરેખર ફિડલ પ્રશંશાને પાત્ર હતો કરણ કે એ જાતે જઈને શિકાર શોધીને શિકાર કરી લાવતો અને પછી બધાને જોરદાર રસોઈ બનાવીને જમાડતો. આખી સફર દરમિયાન ફિડલે બધાના દિલમાં પોતાનું સ્થાન જમાવી દીધું હતું.

ઠંડીએ વધારે જોર પકડ્યું હતું. ગરમ ખોરાક ખાધો છતાં હાડકાં થીજી જાય એવી કડકડતી ઠંડીના કરણે બધાના શરીર ધ્રુજી રહ્યા હતા. અંધારું પણ હવે ધીમે-ધીમે જામી રહ્યું હતું.

"બધા હવે પોત-પોતાની ઝરખ ગાડીમાં જઈને સૂઈ જાઓ સવારે વહેલા ઉઠવાનું છે.' કેપ્ટ્ન હેરી તાપણાં પાસેથી ઉભા થતાં બોલ્યા.

"હા સવારે બધા વહેલા ઉઠી જજો કાલે બર્ફીલા પહાડો તરફ ઉપડવાનું છે.' પ્રોફેસરે બધાને કહ્યું.

કેપ્ટ્ન અને પ્રોફેસર એમની ઝરખ ગાડી તરફ ચાલ્યા ગયા. બાકીના બધા પણ પોત પોતાની ઝરખ ગાડીમાં જઈને સુવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારબાદ બધા સૂઈ ગયા. ધીમે-ધીમે રાત વહેવા લાગી. સવાર પડી. આજે બધા સૂર્યોદય પહેલા ઉઠી ગયા હતા કારણ કે બર્ફીલા પહાડો તરફની ભયકંર સફરે નીકળવાનું હતું.

"રોકી પેલા બધા તીર અને કામઠું મને આપી દે તમે બધા ફક્ત એક એક ભાલો જ લઈ લો બાકીના હથિયાર અહીંયા જ છોડી દો.' કેપ્ટ્ન રોકી સામે જોઈને બોલ્યા.

પેલી રહસ્મય ઝૂંપડીમાંથી મળેલા તીર-કામઠાં રોકીએ કેપ્ટ્નને આપ્યા. બાકીના બધાએ પોતાના શરીરના રક્ષણ માટે એક એક ભાલો લઈ લીધો. ખાદ્ય સામગ્રી હતી એનું એક પોટલું બાંધવામાં આવ્યું. પછી બધાએ બર્ફીલા પહાડ તરફ પોતાની સફરનો આરંભ કર્યો.

બધા બર્ફીલા પહાડો તરફ જવા લાગ્યા. એમની સાથે પેલા ઝરખ પ્રાણીઓ પણ આવવા લાગ્યા. દરરોજ કેપ્ટ્ન અને એમના સાથીદારો સાથે રહેલા ઝરખ પ્રાણીઓને હવે એમની સાથે રહેવાની આદત બની ગઈ હતી.

સૂર્યોદય થઈ ગયો હતો. ઠંડીનું પ્રમાણ હજુ પણ ખુબ જ વધારે હતું. બધા ત્રણેક કલાકમાં તો બધા લાઓસ પર્વતમાળાની બીજી ટેકરીઓ વટાવીને બધા બર્ફીલા પહાડો પાસે આવી પહોંચ્યા હતા.

લાઓસ પર્વતમાળાના ચાર પર્વતો હંમેશા બરફથી ઢંકાયેલા રહેતા. ઉનાળાની ઋતુમાં પણ આ પર્વતો ઉપરનો થોડોગ બરફ પીગળતો. આ ચાર પહાડોની વચ્ચે ભયાનક રસ્તો હતો એ પાર કરીને પેલી બાજુ નદી હતી એ તરફ જવાનું હતું. પહાડોની ટોચ ઉપર જામેલો બરફ સૂર્યપ્રકાશના કારણે સ્પષ્ટપણે ચળકી રહ્યો હતો.

"મુસાફરી તો જોખમી છે ખરેખર હો જ્યોર્જ.' ક્રેટીએ કોઈ ના સાંભળે એ રીતે જ્યોર્જના કાનમાં કહ્યું.

જ્યોર્જે સ્મિત કરીને હકારમાં માથું હલાવ્યું અને પછી ધીમે રહીને ક્રેટીના ગાલ ઉપર ટપલી મારી.

"કેપ્ટ્ન હવે વધીએ આગળ ? જોન્સન કેપ્ટ્ન તરફ જોઈને બોલ્યો.

"હા ચાલો પણ સાવચેતી રાખજો.' કેપ્ટ્ન બર્ફીલા માર્ગ ઉપર આગળ વધતા બોલ્યા.

કેપ્ટ્ન અને પ્રોફેસર એકબીજાનો હાથ પકડીને બર્ફીલા માર્ગ ઉપર આગળ વધી રહ્યા હતા જયારે જ્યોર્જ અને ક્રેટી તથા પીટર અને એન્જેલા પણ એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહ્યા હતા. ખાદ્ય સામગ્રીનું જે પોટલું બાંધ્યું હતું એને ફિડલ પોતાના માથા ઊંચકીને ચાલી રહ્યો હતો.

"ક્રેટી થોડીક ધીમે ચાલ. રસ્તો ઢોળાવ વાળો છે જો વધારે લીસ્સો બરફ આવી ગયો તો તું લપસી પડીશ.' ક્રેટી ઉતાવળી ચાલી રહી હતી. એટલે જ્યોર્જ એને ટોકતા બોલ્યો.

બધાથી આગળ રોકી અને જોન્સન ચાલી રહ્યા હતા. બે બર્ફીલા પહાડનો રસ્તો બધા વટાવી ચુક્યા હતા હવે ફક્ત બે જ બર્ફીલા પહાડોનો રસ્તો વટાવવાનો બાકી હતો.

હવે અલગ જ પ્રકારનો રસ્તો શરૂ થતો હતો. અહીંયાના રસ્તાની બન્ને બાજુ તરફનો નરમ બની ગયેલો બરફ નીચે રહેલી ખીણમાં પડતો હતો.

જોન્સન અને રોકી આગળ જઈને બર્ફીલા રસ્તાની એક તરફ જઈને બેઠા. ત્યાં તો અચાનક બરફ હાલ્યો અને એકદમ બધો બરફ ખીણમાં પડ્યો. રોકી અને જોન્સન આ જ બરફ ઉપર બેઠેલા હતા. જેવો બરફ ખીણ તરફ ખસ્યો અને એની ઉપર બેઠેલા ફિડલ અને રોકી પણ ખીણમાં ખાબક્યા.

ક્રેટી જોન્સન અને રોકીને ખીણમાં પડતા જોઈ ગઈ હતી.

"જ્યોર્જ જોન્સન અને રોકી નીચે ખીણમાં પડી ગયા છે દોડ જલ્દી .' ક્રેટી ચિંતાભર્યા અવાજે બોલી અને જ્યાંથી રોકી અને જોન્સન બર્ફીલા પહાડની ખીણમાં ખાબક્યા હતા એ તરફ એણે દોટ મૂકી.

(ક્રમશ)