Tran Vikalp - 34 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 34

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૪

અનુપનાં મોતથી હર્ષદરાયને ઘેરો આઘાત લાગે છે. દીકરાના મોત કરતાં જે રીતે એનું મૃત્યુ થયું હતું એ કારણ વધારે આઘાતજનક હોય છે. ડોક્ટરે કહ્યું કે કોકેનનાં વધારે પડતાં નસાનાં કારણે મોત નીપજયું છે. જો પોલીસકેસ થાય તો ઓફિસમાં કોકેનની ખરીદી અને સેવન થતું હતું એ વાત બહાર આવે. સમાજમાં બદનામી અને અનુપનું નામ મૃત્યુ પછી વગોવાય એવું હર્ષદરાય ઇચ્છતા નથી. જો માધવને પણ ખબર પડે કે અનુપ કોકેનનો નસો કરતો હતો તો એને પણ દુ:ખ થાય. હર્ષદરાય એવું કશું થાય એ પહેલાં આ વાતને બંધ બારણે પતાવવાનું યોગ્ય સમજે છે.

ડોકટર પોસ્મોટર્મ કર્યા પછી અનુપનું બોડી પરત કરે છે ત્યારે એનો પૂરો ચહેરો પાટામાં વીંટીને આપે છે અને કહે છે કોકેનના કારણે ચહેરાની ચામડી બહુ ખરાબ રીતે ફાટી ગઈ હતી અને એમાંથી લોહી અને પરૂ ખૂબ નિકળ્યું છે. એટલે ચહેરો ખુલ્લો રાખવાથી ગંધ મારશે અને એના લીધે બીજા લોકો પણ બીમાર થઈ શકે છે. હર્ષદરાયને અનુપનાં અંતિમ દર્શન પણ થતાં નથી. માધવ મુંબઇથી આવે એ પહેલાં અનુપનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

અનુપનાં મૃત્યુનાં સમાચાર વાયુવેગે ફેલાય છે. ઘણી સ્ત્રીઓ એ જાણી ખુશ થાય છે. થોડી છોકરીઓ એના મોતની ઉજવણી કરે છે. સુહાસિનીની આંખોમાંથી પાણી સુકાતું નથી. જ્યારે સેજલની આંખોમાં પાણી આવતું નથી. સેજલને અનુપનાં મૃત્યુનું દુ:ખ થાય છે પણ એની કટાક્ષ ભરેલી વાણી હવે સાંભળવા નહીં મળે એની રાહત પણ થાય છે. હર્ષદરાય ગુમસુમ થઈ જાય છે. માધવ આવે છે એટલે સુહાસિની અને હર્ષદરાયની ધીરજ ખૂટી જાય છે. એ દિવસે ત્રણેયની આંખમાંથી ચોધાર આંસું વહે છે.

***

જે રાત્રે અનુપ સાથે ઘટના બને છે એ રાત્રે કિશન મારતી ગાડીએ અમદાવાદ આવે છે. દવાખાનામાં અનુપને લાવવામાં આવે એ પહેલાં આનંદ હોસ્પીટલ આવી જાય છે. નસીબજોગે કિશનના ઈન્સ્પેકટર દોસ્તનું પોસ્ટિંગ ત્યારે અમદાવાદમાં હતું. કિશન, ઈન્સ્પેકટર દોસ્ત અને આનંદ ડોકટરને મળી અનુપનાં કોમામાં જવાની વાત છુપાવવા કહે છે. ડોકટર પણ એ લોકોને સાથ આપે છે અને અનુપની જગ્યાએ એક અજાણી વ્યક્તિની લાશ હર્ષદરાયને આપે છે. અનુપ કોકેનના વધારેપડતા સેવનની આડઅસરના કારણે કોમમાં જતો રહ્યો હતો. ડોકટરે બધા પ્રકારની દવા કરી પણ અનુપની હાલતમાં કોઈ સુધારો થયો નહીં. જાણે અનુપની જીવવાની કોઈ ઈચ્છા રહી નહોતી. આનંદે અનુપની બધી જવાબદારી સ્વીકારી.

***

દિવસો પસાર થવા લાગે છે. ઓફિસમાં વાતાવરણ નોર્મલ થવા લાગ્યું હતું. છોકરીઓને જાણે પાંખો મળી હતી. હવે કોઈ એમના શરીર સાથે ગંદી રમત નહીં રમે એ વિશ્વાસ આવ્યો હતો. નિયતિ પણ એના કામમાં વ્યસ્ત થવા લાગે છે. આ વખતે પણ હર્ષદરાયે પોતે પોલીસને બધી તપાસ કરવાથી દૂર રાખ્યા હતા. એટલે એ રાત્રે અનુપ સાથે શું થયું હતું એ વાત બહાર આવી નહીં. નિયતિ ફરી એક વખત આબાદ બચી ગઈ હતી. પણ મનમાં હંમેશાં દુ:ખ થતું કે અનુપની હાલત માટે પોતે જવાબદાર છે. અનુપ જલ્દી સાજો થાય એવી ઈચ્છા નિયતિ, આનંદ અને કિશન રાખતાં હતાં. નિયતિ વિચારે છે કે જ્યારે સવિતા કોસ્મેટિક્સમાં જોડાય છે ત્યારે અનુપ સાથે અંતર રાખવાનો જે નિર્ણય હતો એ ખોટો હતો. પહેલા દિવસથી અનુપ સાથે કામ કરવાનું શરૂ કર્યું હોતું તો એના નિમિતા પ્રત્યેના પ્રેમને વહેલો જાણી શકાત.

હર્ષદરાય અને સુહાસિની સાથે માધવ વધારે સમય વિતાવવા માંગતો હોવાથી એણે ઓફિસમાં આવવાનું શરૂ કર્યું નહોતું. નિયતિ રોજ ઓફિસમાં માધવ અને રાકેશ બન્નેની રાહ જોતી. અનુપનાં મૃત્યુ પછી રાકેશને પણ આઘાત લાગ્યો હતો. અજયનું મૃત્યુ વાયગ્રાની ગોળીના કારણે અને અનુપનું મૃત્યુ કોકેનનાં વધારે સેવનના કારણે થયું હતું. ઉપરાંત બન્ને મિત્રોને એણે પોતાના હાથથી એ મોતનો સમાન આપ્યો હતો એ એના મગજમાંથી હટવાનું નામ નહોતું લેતું. રાકેશના મગજ પર એટલી ગહેરી અસર થઈ હતી કે મહિનો થવા આવે છે છતાં પોતાના રૂમમાંથી બહાર આવતો નથી.

એક મહિના પછી માધવ ઓફિસ આવે છે. માધવના ભાઈ પ્રત્યેના પ્રેમ અને એના મોતે જાણે એને ભાંગી નાખ્યો હોય એવું નિયતિને લાગે છે. માધવના ટેબલ પર પરિવારનો ફોટો હંમેશાં રહેતો. આખો દીવસ પસાર થાય છે ત્યાં સુધી એ ફોટો જોતો રહે છે. એકપણ શબ્દ માધવ બોલતો નથી એટલે નિયતિ એની સાથે વાત કરવાની કોશિશ કરે છે. પણ માધવ એના તરફ ધ્યાન આપતો નથી. એ આખો દિવસ માધવ સૂનમૂન રહે છે. માધવની આ સ્થિતિ માટે નિયતિ પોતાને જવાબદાર ગણે છે. બીજા દિવસે માધવ ઓફિસ આવે છે ત્યારે થોડું કામ કરી મનને પરોવવાની કોશિશ કરે છે. નિયતિને થોડી ખુશી થાય છે.

નિયતિ કોઈ નવું કામ શરૂ કરવાનું હતું એ વિષે માહિતી આપતી હતી. એ કામની શરૂઆત નિયતિ કહેતી હતી એ રીતે કરવું જોઈએ કે નહીં એ બાબત પર બન્ને વચ્ચે ચર્ચા થતી હતી. માધવને ખબર પડતી નથી કે શું કરવું જોઈએ. કામ કરવું પણ જરૂરી હતું. કામ કેવી રીતે શરૂ કરવાથી જલ્દી પૂરું થાય એની ચર્ચા કરતાં કરતાં માધવ બોલે છે: “નિયતિ... આ વાતની ચર્ચા આપણાં બન્ને વચ્ચે આ રીતે જ ચાલતી રહેશે... આપણે કોઈ ત્રીજા વ્યક્તિને પણ ચર્ચામાં ઉમેરવા જોઈએ એવું મને લાગે છે...” માધવ પોતાનો મોબાઈલ કાઢી અનુપનો નંબર ડાયલ કરી બોલે છે: “આપણે ભાઈને પૂછીએ શું થઈ શકે...”

નિયતિ જે વાતથી માધવને દૂર રાખવા માંગતી હતી એ સામે ચાલી નજીક આવી હતી. નિયતિ ઊભી થઈ માધવ પાસે આવી ખભા પર હાથ મૂકે છે: “માધવ! અનુપભાઇ.....” માધવ ઊંઘમાંથી જાગ્યો હોય એમ નિયતિ સામે જોઈ રહે છે. માધવ મોબાઈલ ટેબલ પર મૂકી ખુરશી પર બેઠા બેઠા ઓચિંતા નિયતિને બન્ને હાથે કમરથી ચુસ્ત રીતે પકડે છે. માથું નિયતિની છાતી પર મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. નિયતિની આંખો પણ ભીની થાય છે. એ ખૂબ પ્રેમથી એક હાથ માધવના વાળમાં અને એક હાથ પીઠ પર ફેરવવા લાગે છે. નાનું બાળક રમકડું તૂટી ગયા પછી રડે એ રીતે માધવ નિયતિને ભેટી રડતો હતો. નિયતિનાં હૈયા પર માધવનું રુદન જોઈ દુ:ખનો પહાડ તૂટી પડે છે. નિયતિને એક વાર મન થાય છે કે માધવને અનુપ જીવે છે એ કહી દે, પણ રાકેશ સાથે બદલો લેવાનો બાકી છે એ યાદ આવે છે. અનુપની સચ્ચાઈ એ દિવસે નિયતિના હોઠો પર આવી અટકી ગઈ. માધવ જ્યાં સુધી રડે છે ત્યાં સુધી નિયતિ એને સાંત્વના આપે છે. એ દિવસે નિયતિને પહેલી વખત અહેસાસ થાય છે કે એને માધવ પ્રત્યે કુળી લાગણી છે. ત્યારપછી માધવ અને નિયતિ બન્ને એકબીજા વગર રહેવાનું વિચારી શકતા નથી. નિયતિ નક્કી કરે છે રાકેશનું કામ તમામ કર્યા પછી માધવને દરેક વાતની જાણ કરશે.

એક બાજુ માધવ સાથે જીવનનાં સૌથી વધારે સુંદર દિવસો પસાર થતાં હોય છે. જ્યારે બીજી બાજુ રાકેશ ક્યારે ઓફિસ આવશે નિયતિ એની રાહ જુએ છે. અનુપના મૃત્યુને ત્રણ મહિના પસાર થાય છે પણ રાકેશ આવતો નથી. એટલે રાકેશને ફસાવવા માટે નિયતિ બીજો ઉપાય શોધવા લાગે છે. એક દિવસ રાકેશના ઘરે જઈ નિયતિ શૂટિંગને લગતી વાતો પૂછે છે. નિયતિ એ દિવસે રાકેશના વગર શૂટિંગ કરવામાં બહું તકલીફ પડે છે એ વિશ્વાસ અપાવવામાં સફળ થાય છે. એક અઠવાડીયા પછી ફરી નિયતિ એ પ્રક્રિયા કરે છે. આવું કરવાથી રાકેશને નિયતિ પર કોઈ શક થતો નથી. નિયતિ પણ ખૂબ ધીરજથી રાકેશને મળવાનું ચાલું રાખે છે. નિયતિને એક મોકાની જરૂર હતી જ્યારે એ રાકેશને પોતાની જાળમાં ફસાવે.

એક દિવસ નિયતિને એ મોકો મળે છે. એ કામનાં બહાને રાકેશને મળવા ઘરે આવે છે ત્યારે રાકેશ ઘરમાં એકલો હોય છે. નિયતિ આવે છે એટલે રાકેશ દરવખતની જેમ વાત કરે છે. નિયતિ એનો મોબાઈલ કાઢી અનુપ અને રાકેશની વાતચીતનો વિડીયો ચાલું કરે છે. નિયતિ મોબાઈલ રાકેશ સામે પકડી ઊભી રહે છે. રાકેશને એ વિડીયો જોઈ ગભરામણ થાય છે. અચાનક પૂરું શરીર ધૃજવા લાગે છે. ગળું સુકાવા લાગે છે. એને કશી સમજણ પડતી નથી કે નિયતિ પાસે આ વિડીયો ક્યાંથી આવ્યો? કોણે ઉતાર્યો હતો વિડીયો? વિડીયો પૂરો થાય છે એટલે રાકેશની નજર અનેક સવાલ સાથે નિયતિ સામે જુએ છે.

રાકેશ: “આ વિડીયો તારી પાસે ક્યાંથી આવ્યો.”

નિયતિ મોબાઈલ પર્સમાં મૂકે છે: “મેં જાતે ઉતાર્યો છે... આ વિડિયોમાં તેં તારા મોઢે સ્વીકાર્યું છે કે અજયને ગોળી તેં તારા હાથે આપી હતી... અને અનુપને કોકેન તું આપું છે એ વિડિયોમાં ચોખ્ખું દેખાય છે...”

રાકેશની જીભ થોથવાય છે: “તેં કેમ ઉતાર્યો?”

નિયતિ એક કાગળ અને પેન રાકેશ સામે ધરે છે: “તારા કારણે બન્ને મિત્રોનો જીવ ગયો એ આઘાત સહન કરી શકતો નહીં માટે હું આત્મહત્યા કરું છું... એવું આ કાગળમાં લખ અને પંખા પર દોરડું લટકાવી ગળે ફાંસો ખાઈ લે એટલા માટે ઉતાર્યો...”

રાકેશ સ્વભાવે બીકણ હતો ઉપરથી વિડીયો જોઈ વધારે ડરી જાય છે: “પણ તું મને આત્મહત્યા કરવા માટે મજબૂર શું કરવા કરે છે?”

રાકેશનાં શર્ટનો કોલર નિયતિ પકડે છે: “નિમિતાની સાથે તેં જે અપકૃત્ય કર્યું છે એનો બદલો લેવા...” રાકેશનાં પેટમાં નિયતિ ઢીંચણથી લાત મારે છે.

રાકેશ ઝીણી ચીસ પાસે છે એની આંખોમાં ડર ઉપસી આવે છે.: “એટલે તું આરૂ!” એનું મગજ આ સત્ય સ્વીકારી શકતું નથી: “પણ તું તો મરી ગઈ છું...” રાકેશ માથા પર બન્ને હાથ મૂકે છે: “એટલે અજય અને અનુપને તેં માર્યા છે!!!”

નિયતિ આંખ મારી હા બોલે છે. જ્યારે રાકેશનું મગજ સાચી હકીકત જાણ્યા પછી સુન્ન થઈ જાય છે.

ક્રમશ: