VAHUE VAGOVYA MOTA KHORDA - 23 books and stories free download online pdf in Gujarati

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૩

કરણુભાના ડેલા પરથી છુટેલી બગી પવનવેગે દેવલ અને ભીખુભાને લઈને સેજકપર જવા નીકળી ગઈ. બજારને વીંધતી બગી ઝડપથી સુલતાનપુર બહાર નીકળી ગઈ. સમશેરસિંહ તો પોતાનું ભાવુક હ્રદય લઈને ખેતર જવાની તૈયારી કરવા લાગ્યા. કાશીબા અને સરસ્વતીને તો જાણે એક હેરાન કરવા માટેનું પારેવું ભાગી ગયું હોય એવું દુઃખ લાગ્યું. જ્યારે કરણુભાએ ભગવાનને પ્રાર્થના કરી કે દીકરી જેવી વહુ સેજકપર વધુ રહે જેથી એના દુઃખના દિવસો ઓછા થાય.

રસ્તાથી બહાર નીકળતા જ તળાવ અને ત્રણ કૂવા આવ્યા. દેવલનું ધ્યાન ઝમકુ પડી હતી એ કૂવા તરફ ગઈ.
" કાકા, ઓલો વચ્ચેનો કૂવો રયો ને ન્યાં આપડા ગામની ઝમકુબુન પડી 'તી ઇમ ગામની બાઇઓ વાતો કરતી 'તી "
" ચ્યો ? ઓલો અવાવરું લાગે ઇ ? "
" હા ! ઇ જ. ન્યાં કાકા કોઈ અતારે પાણી ભરવાય નથી જાતું. ન્યા કાકા ઇ ભૂત થાતી હશે ? "
" ઇ ભોળી સસલા જેવી છોડી શું ભૂત થાય ? ભૂત તો બધા આ જીવતા જાગતા હતા. બટા તને ઇ આખી વાત ખબર સે ? "
" મને આખી વાત તો ખબર નથી. પણ થોડી ઘણી વાતો અયાંના બૈરાં કે'તાતા. અને થોડુંક મને યાદ સે, ઝમકુબુન આપડા ગામમાં આવી 'તી .. અને બા પાંહે બેઠી બેઠી રોતી 'તી અને બધી વાત કરતી 'તી. "
" ઇ તો તારી બાને જ કે' ને. ઇ તારી બીજી બોન હતી. તારી બાએ ઈને પોતાની છોડીની જેમ જ મોટી કરી 'તી. "
" કાકા એવું તે શું બન્યું 'તું કે તમારે શંકરાને મારવો પડ્યો ? "
" ઈમાં એવું બન્યું 'તું કે... " આટલું બોલી ભીખુભાએ આખી વાત કરી અને દેવલ જાણતી હતી છતાં ફરીવાર ભીખુભાએ કહ્યું એનું સગપણ શા કારણથી અહીં કરવામાં આવ્યું છે એ જણાવ્યું.
" અને તમારું ઘર સે ને બટા ! ન્યાં જ મેં શંકરાને મારી નાખ્યો 'તો. "
" તો કાકા ઇ વખતે તો તમારું લોહી આટલું બધું ઉકળતું 'તું ? "
" બટા, ભૂલ થઈ જઇ. અમને નો'તી ખબર કે એક દી' તને અયાં જ દેવાની થાશે. "
" કાકા, એટલી તમને ખબર નૉ પડી કે કો'કના ગામમાં આપડે દખલ નૉ દેવાય. "
" બટા, ખબર તો બધી પડતી 'તી પણ અમે ઇ સોડીને અમારા ભરોસે આયા મૂકી ગયા હતા. અમે વિઠલને હમજાવ્યો 'તો તોય આવું બન્યું. મારા અને તારા બાપ વિશે આપડું ગામ કેવી વાતો કરતું 'તું ઇ તને ખબર સે ? શામજીની દશા તો તું જોવે સ... ને . બાપડો કામનો માણહ ગાંડો થઈ ગયો. અને તોય અમે કરણુ પાંહે ન્યાય માંગવા જ જ્યા 'તા પણ ઇ તો અમારી હારે નૉ બોલવાનું બોલવા મંડ્યો. અને તારી હાહુએ બોલતી 'તી. બસ પસી તો શંકરો મારી પાંહેથી ભાગવા જ્યો અને મેં મારી જામૈયાથી મારી નાંખ્યો; પણ તું આજ આવું ચમ બોલેશ. તને કંઈ તકલીફ હોય તો કે' હું હજુ બગી પાસી વાળું. કાકો ઘરડો થયો સે તાકાત હજી એવી જ સે હો ! "
" બસ આખી જિંદગી આ જ કર્યું સે. કોઈની માફી માંગતા તો આવડતું નથી. " દેવલના નેત્રો સજળ થઈ ગયા. મન દુઃખ ગાવું કે ના ગાવું એની દુવિધામાં હતું. પોતે કાકાને કહેશે તો કાકા કંઈક ઉતાવળિયું પગલું તો નહીં ભરી લે ને ? આવા સવાલો મનમાં જગ્યા બનાવતા જતા હતા.
" કંઈ નથી કાકા, દાયકા જેવા દી' અને ઘડીઓ જેવી રાતો વીત્યા કરે સે. " દેવલની આવી ગુઢભાષા ભીખુભા સમજી ના શક્યા પણ એટલો તો અણસાર આવી ગયો કે કંઈક તો દેવલ છુપાવે છે. બગીના ઘૂઘરાનો અવાજ અને ઘોડાના ડાબલાના અવાજ સિવાય વાતાવરણ શાંત થઈ ગયું. બેય માણસોની જીભો સિવાઈ ગઈ. કદાચ વિચારો મગજમાં ચાલુ થઈ ગયા હતા.

" કાં તો મારું ભાગ્ય નબળું હશે અને કાં તો આ દુઃખનું કારણ મારી ઝમકુબુન હશે. " દેવલના મને વિચારને વળાંક આપ્યો. એક સામાન્ય માનવ સ્વભાવ છે જ્યારે દુઃખ નિયતિના દરવાજા પર ટકોર મારે ત્યારે બીજા પર દોષારોપણ કરવાનું સુઝે છે. આજે દેવલ જેવી સંસ્કારી છોકરી વર્ષો બાદ સ્વર્ગ સિધાવેલી નિર્દોષ ઝમકુ દોષ દેતી હતી. એને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આવી દશા તો હરેક નવી વહુની થતી હતી. દેવલને થોડું વધુ હતું પણ એનું કારણ જૂની દુશ્મની હતી. એ આજે પોતાના બાપ અને કાકાને મોટા દુશ્મન માનતી હતી. વળી, હમીરભાએ આપેલી સ્વતંત્રતા એને યાદ આવી તો મન પાછું વિચાર બદલવાની કોશિશ કરવા લાગ્યું.

ભીખુભા પણ દેવલના જવાબ પર વિચાર કરતા હતા. દેવલ શું બોલી એ આ ભોળો માણસ સમજી ના શક્યો. બસ ખાલી બગીને સેજકપર તરફ ઝડપથી ધકેલવા મથી રહ્યો હતો. " આમ તો દેવલ હાચુ જ કે સે. મારું જ લોહી ઉકળતું 'તું. કાળ કાળનું કામ કરીને જતો રહ્યો પણ સાથે મારી નફ્ફટાઈ અને આ છોડીની ચંચળતા પણ લેતો ગયો. કાલે હું જેની સાથે મશ્કરી કરીને મારવાની વાત કરતો હતો એ છોકરી સામે આજે હું નજર પણ મેળવી શકતો નથી. એનું કારણ શું હશે ? " આવા અનેક વિચારોએ ભીખુભાને પરસેવો વાળી દીધો. આમાં થોડો દોષ તો બપોરના તપતા તડકાનો પણ હતો. સવારથી નીકળેલી બગીએ બપોર થતા અડધો રસ્તો તો કાપી નાંખ્યો હતો. હવે તો કોઈ સારો વિહામો આવે તો સાથે લીધેલ ભાત ખાવાનો સમય થઇ ગયો હતો. થોડા આગળ જતાં જ એક લીલીવાડી આવી ત્યાં ભીખુભાએ વિહામો કરવાનું નક્કી કર્યું.

" રામ.. રામ ભઈ ! " ભીખુભાએ બગી ઊભી રાખતા જ એ વાડીના ખેડૂતને રામ રામ કર્યા.
" રામ રામ ! આવો બાપા આવો ! "
" ભઈ, અમારે સેજકપર જવાનું સે. પણ થોડીવાર અયાં રોંઢો કરવા રોકાવું સે. તમે જો હા પાડો તો ! "
" અરે બાપા ! ઈમાં કંઈ પુસવાનું હોય. સોડો બગી હાલો. હાલો બાપા, મારેય બાકી જ સે. બધા હારે બેહીને ખઈ લેવી. "
" ના... ભઈ ના ! અમે ભાત હારે લાયા સી. "
" અરે હવારનું ભાત થોડું અતારે ખવાઈ. આ જોવોને મારી બાયડી અતારે જ બનાવીને લાવી સે. ઊનું ઊનું જ ખવાય ને. " એ ખેડુ જેના ફાટેલા કપડા એની નિર્ધનતાના સાક્ષી હતા પણ એની આંખો એક ધનિક માણસને પણ અંજાવી દે એવી હતી. એનું મોટું મન એક રાજા જેવો ભાસ કરાવતું હતું. ભીખુભાએ બગી છોડી દીધી ત્યાં તો એ ખેડૂત પણ એક દાંતરડું લઈને ઘોડા માટે નિરણ વાઢવા નીકળી ગયો. એ ખેડૂતની પત્ની દેવલને એક તરફ લઈ ગઈ અને જેવી સુવિધા હતી એવું પાથરીને બેસાડી. ભીખુભાએ ઘોડાને પાણી પાઈને થોડું પાણી ઘોડા પર છાંટીને એક ઝાડ સાથે બાંધી દિધો. એટલામાં તો પેલો ખેડુ એક મોટો લીલા ચાહટીયાનો ભારો બાંધીને આવી ગયો. કશું જ પૂછ્યા વિના ઘોડાને નાંખી દીધો.
" તું શું બેઠી સુ ? ખાવાનું કાઢ મેં'માન સે. પસી ઇમને મોડું થાશે. " ખેડુએ એની પત્નીને થોડી ઉતાવળ કરવા માટે મોટેથી કહ્યું. એની પત્ની પણ પતિનો હુકમ મળતા ઉતાવળ કરવા લાગી. જ્યાં ભાત ખુલતી વેળાએ ગામડાની એ અભણ સ્ત્રીએ આંખથી કોઈ ઈશારો કર્યો એટલે એ ખેડૂત સમજી ગયો.
" બાપા ! અમે નાનું વરણ સીએ. તમે અભડાશો તો નઈ ને ? તમે અને બેનબા તો કો'ક મોટા વરણના લાગો સો અટલે પુસુ સુ. "
" અરે ભલામાણહ ! તારો આવકારો આટલો મીઠો તો તારું અન્ન ચેટલું મીઠું હશે ! હવે તો ખાવું જ પડશે. " ભોજન પીરસાય ગયું. જમતા જમતા વાતો ચાલુ થઈ.
" તો બાપા ચાં જવાનું સે તમારે ? "
" સેજકપર. "
" હા... હું તો ભૂલી ગ્યો 'તો તમે આવતા વેંત જ કીધું પણ મારા મગજમાંથી નીકળી જયુ 'તું. તો તો પુગતા હાંજ પડી જાશે કાં ? "
" હા. "
" તો આજ આપડા ઘરે રોકાઈ જાવ. કાલે હવારે નિકળજો. "
" ના... બાપા ! અમારે હાંજે તો ઘેર પહોંચવાનું સે. "
" બવ ભીં તો નઈ કરું પણ મારી ફરજ સે તમને કેવું. સેજકપર તો હમીરભાનું ગામ કાં ? "
" હા ! હું ભીખુભા, હમીરનો ભઈબંધ. "
" ઓહો..ઓહ ! તમે પોતે જ ભીખુભા, મારા તો ધન ઘડીને ધન ભાગ કે તમે મારા મેં'માન બન્યા. તો તમે તો ચાથી અભડાવ ? હવથી પે'લી શરૂઆત તમે જ કરી 'તી. નાત જાતના ભેદ સેટા કરવાની. "
" હા ભઈ, હું તો ખાલી હમીરની હામાં હા ભણતો 'તો બાકી બધો વિચાર તો હમીરનો જ હતો. "
" હા .. અમે વાતો હાંભળી સે કે અમારી એક સોડી હાટુ તમેં મરેલા વેર પાસા જીવતા કર્યા 'તા. કુદરત તમને ઝાઝુ દે .. બાપા. આમ ચ્યાંથી આયા બાપા ? "
" સુલતાનપુરથી આયા. આ હમીરની અને મારી છોડી દેવલ સે ઈને તેડવા જયો 'તો. "
" હા .. હાસુ... હાસુ. હાંભળ્યુ સે કે વેર પાર પાડવા છોડીએ જ લગન કરવાની હા પાડી 'તી. ધન સે આ છોડીનેય... આમ પણ મોરના ઇંડાને થોડા ચીતરવાના હોય. જેનો બાપ આટલો દેવપાઈ માણહ હોય ઇની છોડીય થોડી ઓસી ઉતરે. બાકી આજકાલ તો ચ્યાં કોઈ છોડીઓને ફકર હોય સે ! "

આવી મીઠી વાતો સાથે બધા મીઠા ઓડકાર ખાઈને ઊભા થયા. ભીખુભાએ બગી જોડવાનું શરૂ કરી દીધું. એ માણસ થોડીવાર આરામ કરવા માટે મનાવતો રહ્યો પણ ભીખુભા ના માન્યા. ભીખુભાએ હાલતા હાલતા એક રૂપિયો મેં'માનગતિ કર્યાનો આપ્યો. એ નાના માણસે બહુ આનાકાની કરી પણ ભીખુભાના આગ્રહને વશ થઈને એ એક રૂપિયો લેવો પડ્યો.
" બા, હું નાનો માણસ તમને શું આપું ? તોય આ એક નાનકડી ભેટ મારી પાંહે સે ઇ લઈ લ્યો. હમીરભા જો અમારી છોડીને પોતાની માને તો અમેય ઇમની છોડીને પોતાની માનવી .. ને . " એ ખેડૂત પોતાના હાથમાં બે ઘઉંના ડૂંડા પકડીને ઊભો હતો. એની આંખો પોતાની પાસે કશું ના હોવાનો અફસોસ કરતી હતી. દેવલે પણ હેતથી એ ડૂંડા લઈ લીધા પછી પગે લાગીને બગીમાં બેસી ગઈ.
" હાલો રામ રામ ભઈ ! કો'કવાર સેજકપર આવો તો આવજો ઘેર. "
" હા રામ... રામ. આવીશ તો જરૂર ભેગો થઈશ. "

પાછો એ જ ઘૂઘરાનો અવાજ ચાલુ થઈ ગયો અને બગી સેજકપરના રસ્તે ચાલતી થઈ ગઈ.
" જોયું બેટા ! તારા બાપની આબરૂ કેવી સે ? "
" હા કાકા ! મેં તો કેટલાય નૉ કરવાના વિચાર કરી લીધા. પણ એ વખતે તમે હાચા હતા. શંકરાને તો ઇ જ જરૂર હતી. "
" જો બટા ! ઇ વખતે અમે આવું પગલું નૉ ભર્યું હોત તો તારો બાપ લાખ રૂપિયાનો માણહ આજ હાવ રાખનો થઈ જ્યો હોત "
" હા હવે, બવ બેયના વખાણ કરવા રે'વા દો. " આટલું બોલી દેવલ વહુના વિચાર મૂકીને પાછી છોકરી બની ગઈ. ધીમેથી કાકાની મૂછ ખેંચી લીધી. અને બેય હસી પડ્યા. દિવસ પણ ધીમે ધીમે અથમવા લાગ્યો હતો.

બીજી બાજુ ચોરા પર ડાયરામાં હમીરભા ભીખુભાના આવવાની રાહ જોતા બેઠા હતા. એમનું ધ્યાન આજે ડાયરા કરતા રસ્તા ઉપર વધારે હતું. એટલામાં ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો.

ક્રમશ: ...
લેખક: અરવિંદ ગોહિલ