The whole life - travel contained in 2 chakras - 2 in Gujarati Human Science by Jitendra Patwari books and stories PDF | સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2

પ્રકરણ 2.

કુંડલિની

ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં પ્રથમ લેખમાં આભામંડળ (Aura) વિષે જાણ્યા બાદ 'કુંડલિની' વિષે થોડું સમજીએ.

ચર્ચા શરુ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા. ઘણા લોકો 'કુંડળી' અને 'કુંડલિની' બંને શબ્દોને સમાનાર્થી સમજે છે. ખરેખર તેમ નથી. જન્મસમયના ગ્રહો આધારિત જ્યોતિષશાસ્ત્ર મુજબ જે બને તે 'કુંડળી'. અહીં જેની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’. ઇંગ્લીશમાં તેને Serpentine Power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં - પાનમાં 'કી', ચીનમાં 'ચી', ઇજિપ્તમાં 'આઈસીસ(Isis), અન્ય સંસ્કૃતિઓમાં કોઈ અન્ય નામે - કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે જ.

કુંડલિની એટલે શું?

શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( Basic Life Force) એટલે કુંડલિની - એમ સરળ શબ્દોમાં કહી શકાય. ગર્ભાવસ્થામાં ચોથા મહિના આસપાસ માતાના સહસ્ત્રાર ચક્ર (માથાંનું તાળવું) થકી બાળકના શરીરમાં આ શક્તિ પ્રવેશી જાય, કરોડરજ્જુના નીચેના છેડા પાસે સ્થિત થાય. (ચિત્ર પરથી તેના સ્થાન વિષે ખ્યાલ આવશે.) માટે જન્મ સાથે જ - રંક હોય કે તવંગર, પુરુષ હોય કે સ્ત્રી - દરેકને કુદરતી રીતે જ આ શક્તિ પ્રાપ્ત થઈ જ જાય. તેથી જ આ વિષયની થોડી જાણકારી તો આવશ્યક છે જ. કેરળનાં પદ્મનાભસ્વામી મંદિરનો ખજાનો પણ વામણો લાગે તેવો અધધધ ખજાનો છે આ. કમનસીબી એ છે કે દરેકને પ્રાપ્ત આ શક્તિનો એક બહુ જ નાનો ભાગ (કદાચ 5 થી 7 %) વાપરીને મનુષ્ય જિંદગી પુરી કરી નાખે છે. એવું માનવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી વિભૂતિઓ પણ 10%થી વધુ આ શક્તિનો ઉપયોગ કરી શકી નથી. દરેક જગ્યાએ વાંચીએ કે સાંભળીએ છીએ મનુષ્ય પાસે અગાધ શક્તિ છે. એ અગાધ શક્તિ એ જ 'કુંડલિની'. એ શક્તિનો મહાસાગર છે જેમાંથી થોડી આચમની લઈને જ જીવન પૂરું કરી નાખીએ છીએ.

કુંડલિની જાગૃતિ:

યોગશાસ્ત્ર મુજબ આ શક્તિ સૌથી નીચેનાં ચક્ર પાસે સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે, આ શક્તિની સામાન્ય રીતે ગતિ નીચે તરફ હોય છે. રતિક્રિયા સમયે, જાતીય સંબંધ સમયે જે શક્તિનો વિસ્ફોટ અનુભવાય છે તે આ શક્તિનો જ હોય છે. આ જ શક્તિ ઉર્ધ્વગતિ કરે તો તેને કુંડલિની જાગૃતિ કહેવામાં આવે છે. જયારે તે જાગૃત થાય ત્યારે ધીરે- ધીરે પ્રાણશરીરનાં ચક્રોને ભેદતી ઉપર તરફ ગતિ કરે છે, સ્થૂળ તથા પ્રાણશરીરની તમામ અશુદ્ધિઓ આ સમયે દૂર થતી રહે છે, મનુષ્ય પાસે જે શક્તિઓનો છુપાયેલો ખજાનો છે તે વધુ ને વધુ ખૂલતો જાય છે; પરિણામ દેખાય છે સર્વાંગી પ્રગતિના રૂપમાં. આધ્યાત્મિક પ્રગતિ તો ખરી જ સાથે-સાથે બોનસમાં સ્વાસ્થ્યમાં સુધાર, માનસિક શાંતિ અને આંતરિક ખુશીમાં વધારો, વિવિધ દુન્યવી ફાયદાઓ વિગેરે સ્વરૂપે પ્રગતિ થાય. આ ઉર્ધ્વગતિ દરમ્યાન શરીરના કોષોમાં અને ચેતાતંત્રમાં વિવિધ બદલાવ આવે, પરિણામે વ્યક્તિ અનેક અનુભવોમાંથી પસાર થાય છે જેને કુંડલિની જાગૃતિના અનુભવો તરીકે જાણવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં પણ આ વિષય અંગે છેલ્લા થોડા દાયકાઓમાં, ખાસ કરીને 1960 બાદ, ખૂબ જ જાગૃતિ આવી છે.

એક નોંધપાત્ર વાત એ છે કે કુંડલિની કન્સેપટને DNA સાથે એકદમ સરખાવી શકીએ કારણ કે આપણા જીન્સનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો એટલે કે Genealogists 2%થી પણ ઓછા DNA વિષે જાણી શક્યા છે, બાકીના 98%થી પણ વધારે DNA ને તેઓ Junk DNA કહે છે. વિદેશોમાં હવે DNA Activation તરીકે જે નવા પ્રયોગો થઈ રહ્યા છે તે મૂળભૂત રીતે હજારો વર્ષોથી પૂર્વના દેશોમાં પ્રચલિત કુંડલિની જાગૃતિનું જ નવું સ્વરૂપ છે. કાર્લ જંગ, સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત એવા મહાન મનોવૈજ્ઞાનિક, મનોવિશ્લેષક હતા કે જેમના નામે અનેક સિદ્ધિઓ નોંધાયેલ છે; Analytical Psychology સંપૂર્ણરૂપથી તેમનું પ્રદાન છે અને તે ઉપરાંત તેમના મહામૂલાં પ્રદાન નૃવંશવિજ્ઞાન, પુરાતત્વવિદ્યા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ વિગેરે ક્ષેત્રોમાં રહયાં છે. તેમને કહેલું “When you succeed in awakening the Kundalini, so that it starts to move out of its mere potentiality, you necessarily start a world which is totally different from our world. It is the world of eternity.” (ભાવાનુવાદ: “જ્યારે તમે કુંડલિનીને જાગૃત કરવામાં સફળ થાવ છો, ત્યારે તમામ સંભાવનાઓથી તે આગળ વધે છે, ત્યારે ચોક્કસપણે તમે એવી દુનિયામાં પ્રવેશો છો જે આપણા વિશ્વથી તદ્દન અલગ છે, તે અનંત કાળનું વિશ્વ છે.)

પ્રચલિત ભ્રમણાઓ

કુંડલિની વિષે ઘણા ઓછા લોકો જાણે છે; જાણે છે તે લોકોમાં પણ અનેક ભ્રમણાઓ છે. થોડી જોઈએ।

1) કુંડલિની જેવી કોઈ વસ્તુ જ નથી.

આ વિષયમાં ઘણું રિસર્ચ થયેલું છે, લાખો લોકો જાગૃત રીતે કુંડલિની જાગૃતિના અનુભવમાંથી પસાર થયા છે, ઋષિ-મુનિઓ અને યોગીઓ તો પહેલેથી કહી ગયા છે, લખી ગયા છે અને હવે તો આધુનિક વિજ્ઞાન પણ કુંડલિનીનું અસ્તિત્વ સ્વીકારે છે.

2) કુંડલિની જાગૃતિ માટે સન્યાસી બનવું પડે.

ભ્રામક માન્યતા છે આ. મનુષ્યમાત્ર પાસે કુંડલિની હોય. સન્યાસી પાસે પણ હોય અને અન્ય પાસે પણ. જે વ્યક્તિને પોતાના આ આંતરિક શક્તિના ખજાનાનો ઉપયોગ કરવો હોય, ફાયદા મેળવવા હોય તે તમામ આ માર્ગ પર આગળ વધી શકે.

3) કુંડલિની જાગૃતિ માટે ગુરુ અનિવાર્ય છે:

અનિવાર્ય નથી. જો કે એ જરૂરથી સત્ય છે કે યોગ્ય ગુરુનાં માર્ગદર્શન અને આશીર્વાદ દ્વારા આ માર્ગ પર બહુ ઝડપથી આગળ વધી શકાય. સામાન્ય રસ્તો શોધવા માટે પણ ગૂગલ મેપ જેવા માર્ગદર્શકની મહત્વની ભૂમિકા રહે છે; વા વિશિષ્ટ માર્ગ પર તો રહે જ ને!

4) કુંડલિની જાગૃતિ જોખમી પ્રક્રિયા છે.

જી નહિ. આ પ્રક્રિયા દરમ્યાન શરીરના કોષો અને ચેતાતંત્રમાં અનેક ફેરફારો થાય છે જેની મનુષ્યને આદત હોતી નથી. જેના વિષે ખ્યાલ ન હોય, જેનો અનુભવ ન હોય તેવી કોઈ વસ્તુ બને તો ડર કદાચ લાગી શકે, પરંતુ ખરેખર તો આ ફેરફારો 'સારા' માટે થાય છે, તે યાદ ખાવાનું રહે.

5) કામવાસના ભડકાવે છે.

પહેલાં વાત થઈ તેમ આ એ જ શક્તિ છે કે જે રતિક્રિયા દરમ્યાન નીચે તરફ ગતિ કરે છે. જયારે આ ખજાનામાંથી વધુ શક્તિ કુંડલિની જાગૃતિને કારણે પ્રવાહિત થાય, ઉર્ધ્વગતિ કરે ત્યારે થોડી અસર નીચેનાં ચક્રો પાસે આવેલાં જાતીય અવયવોને કરે. માટે એક કામચલાઉ તબક્કો એવો આવે કે જાતીય ઉત્તેજના વધે. તે તબક્કો ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્ર (નીચેથી બીજું ચક્ર) ઓળંગી ઉપરના ચક્રોમાં સદૈવ સ્થિત થાય.

'કુંડલિની' અત્યંત વિસ્તૃત વિષય છે. ભવિષ્યમાં એક અલગ પુસ્તકમાં વિવિધ આનુસંગિક મુદ્દાઓ આવરી લેવાની ઈચ્છા છે. હાલમાં આ સિરીઝમાં મુખ્ય ફોકસ 'ચક્ર' પર છે. માટે ફક્ત અતિ પ્રાથમિક માહિતી અહીં આપેલી છે. હવેના હપ્તે 'નાડી' અંગે ચર્ચા કરીશું.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾


FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/

FB: https://www.facebook.com/jitpatwari

jitpatwari@rediffmail.com
7984581614:

Rate & Review

Ronak shah REIKI MASTER

સર દ્વારા લખવામાં આવેલ શબ્દો રેકીના છે. જે માત્ર અનુભૂતિ નો અનુભવ કરાવે છે. આપનો આભારી રેકી માસ્ટર રોનક શાહ

Rutviksinh Mahida
Jyoti Ramaiya

Jyoti Ramaiya 3 years ago

Hitesh Devasthali
Hetal Togadiya

Hetal Togadiya 3 years ago

Share