bhayank safar (afrikana jangaloni) - 4 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 4

રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીના અજવાળામાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ એમને માઈકલ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો.

"મેરી મને બહુ તરસ લાગી છે. અહીંયા આજુબાજુ ક્યાંય પાણી મળશે ? રોબર્ટે ચાલતા ચાલતા મેરીને પૂછ્યું.

"હા મળી રહેશે પણ એ માટે આપણે હજુ થોડુંક ચાલવું પડશે.! પછી આગળ પહાડીના ઝરણાઓ મળી જ
રહેશે. ત્યાં આપણી તરસ છીપશે.' મેરીએ રોબર્ટને માહિતી આપતા કહ્યું.

માઈકલ જયારે મેરીને આ ઝૂંપડીમાં કેદ કરવા માટે લઈ આવ્યો હતો ત્યારે મેરી અને માઈકલ પહાડીના ઝરણાઓ પાસેથી પસાર થયા હતા. મેરીને ખ્યાલ નહોતો કે માઈકલ એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જયારે માઈકલે મેરીને હાથીઓના બચ્ચાં બતાવવાની લાલચ આપીને આ ઝૂંપડીમાં લઈ આવ્યો પછી એણે મેરી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પણ મેરીએ સાફ ઇન્કાર કરી દીધો જેથી ગુસ્સે ભરાઈને માઈકલે મેરીને ઝૂંપડીમાં કેદ કરી લીધી. પણ સંજોગાવત રોબર્ટ, જ્હોન અને ગર્ગ આ ઝૂંપડીએ આવી પહોંચ્યા અને મેરીને ઉગારી લીધી.

એક કલાક જેટલું ચાલતા રહ્યા ત્યારે પથરાળ જમીનની શરૂઆત થઈ. ચંદ્રની ચાંદનીનું અજવાળું સારું હતું એટલે ચારેય જણા કોઈપણ જાતની અડચણ વિના આગળ વધી રહ્યા હતા

"મેરી હજુ કેટલું ચાલવું પડશે.' રોબર્ટ હાંફી ગયેલા અવાજે બોલ્યો.

"બસ હવે થોડુંક જ.' આમ કહીને મેરી રોબર્ટનો હાથ પકડીને ડાબી તરફ વળી.

ગર્ગ અને જ્હોન પણ થાકના કારણે લોથપોથ થઈ ગયા હતા. ગર્ગ તો રોબર્ટે આપેલી રાઇફલ પકડીને માંડ માંડ ચાલી રહ્યો હતો. જ્હોન તો થાક્યા વગર જ એમની ચીજ વસ્તુઓના બે થેલાઓ પીઠ પાછળ લટકાવીને ચાલતો હતો.

"લો આવી ગયું ઝરણું હવે પેટ ભરીને પી લો પાણી.' મેરી સામેની દિશામાં આંગળી ચીંધતાં બોલી.

રોબર્ટ, ગર્ગ અને જ્હોને મેરીએ ચીંધેલી દિશામાં જોયું. થોડેક દૂર પહાડમાંથી નીકળેલું ઝરણું વહી રહ્યું હતું. ચાંદનીના કિરણો ઝરણાના પાણીમાં પરાવર્તિત થવાના કારણે પાણીનો ચળકાટ સપષ્ટ દેખાઈ રહ્યો. ચારેય તરસ્યા હતા એટલે ચારેય ઝરણા તરફ ઝડપથી ચાલ્યા. ઝરણા પાસે પહોંચીને બધાએ પાણી પીધું. પછી ઝરણાથી થોડેક દૂર પડેલા વિશાળ સપાટ પથ્થર ઉપર બેઠા.

"જ્હોન રાત બહુ થઈ ગઈ છે આજે તો અહીં જ સૂઈ જઈએ.' રોબર્ટ જ્હોન તરફ જોઈને બોલ્યો.

"હા પણ પેલો માઈકલ આવી ગયો તો.' ગર્ગ ચિંતિત અવાજે બોલ્યો.

"મેરી તું બોલ શું કરીએ. અહીંયા જ સૂઈ જઈએ કે પછી આગળ વધીએ ? ગર્ગની વાત સાંભળીને રોબર્ટે મેરીને પૂછ્યું.

"અહીંયા રાત વિતાવવામાં થોડુંક જોખમ તો છે. આપણે થોડાક આગળ વધીએ પછી ત્યાં કોઈક સુરક્ષિત સ્થળ જોઈને રાત વીતાવી લઈશું.' મેરીએ પોતાનો મત રજુ કર્યો.

"હા મેરીની વાત સાચી છે આપણે આખોદિવસથી થાકેલા છીએ અને જો માઈકલ એના સાથીદારો સાથે આવી ગયો તો એનો સામનો કરવો આપણા માટે મુશ્કેલ બની જશે.' જ્હોને મેરીની વાતને સમર્થન આપતા કહ્યું.

"તો પછી ચાલો જલ્દી. મારું માથું ઊંઘના કારણે સખત દુઃખી રહ્યું છે જ્યાં સુધી મારા શરીરને આરામ નહીં મળે ત્યાં સુધી મારા મનને શાંતિ નહી મળે.' ગર્ગ પથ્થર ઉપરથી ઉભા થતાં બોલ્યો.

ગર્ગ ઉઠ્યો અને એણે રાઇફલને એના ખભે ભરાવી. જ્હોને પોતાના બંને થેલા ઉઠાવીને પીઠ પાછળ લટકાવ્યા. રિવોલ્વરને સરખી રીતે ચેક કરીને કમરપટ્ટામાં ભરાવી. રોબર્ટ અને મેરી પણ ઉભા થયા.

"મેરી કઈ તરફ આગળ વધવું છે ? રોબર્ટે મેરી સામે જોઈને પૂછ્યું.

"ડાબી તરફથી આ પર્વતમાળા પાર કરીને આપણે મસાઈ લોકોના જંગલમાં પ્રવેશી શકીશું. પણ એ જંગલમાં જવું બહુ જોખમી છે કારણ કે એ લોકો માણસને તો પોતાનો ખોરાક સમજે છે.' મસાઈ લોકોની વાત કરતી વખતે મેરીના અવાજમાં થોડોક ડર ભળ્યો.

"ઓહહ.! માનવભક્ષી લોકો.' મેરીની વાત સાંભળીને ગર્ગ ડરભર્યા અવાજે બોલ્યો.

"ભલે એ લોકો માનવભક્ષી રહ્યા પણ આપણે એ જ દિશામાં આગળ વધવાનું છે. કારણ કે વિલિયમ હાર્ડી અને આપણા સાથીદારો એ જંગલ તરફ જ ગુમ થયા છે. કદાચતરફ જવાથી એમની થોડી ભાળ મળી શકે.' રોબર્ટ બધા સામે જોઈને મક્કમ અવાજે બોલ્યો.

"તમારા સાથીદારોને શોધવા માટે હું તમને પુરેપુરો સાથ આપીશ.' રોબર્ટની આંખમાં જોઈને મેરી હિંમતભર્યા અવાજે બોલી.

રોબર્ટે માનભરી નજરે મેરી સામે જોયું. બંનેએ એક બીજાને સામે જોઈને હળવું સ્મિત કર્યું. પછી રોબર્ટ ચાલ્યો આગળ મેરીએ પાછળથી એનો હાથ પકડી લીધો અને એ રોબર્ટની સાથે શરમાળ નજરે ચાલવા લાગી. આ જોઈને ગર્ગ અને જ્હોન એકબીજા સામે વિચિત્ર ઇસારો કરીને હસી પડ્યા.

ચંદ્ર વાદળાઓ સાથે સંતાકૂકડી રમતો રમતો આગળ વધી રહ્યો હતો. આકાશમાં છુટા છવાયા વાદળાઓ હોવાના કારણે ચંદ્રની ચાંદનીનું અજવાળું બધાને આગળ વધવા માટે મદદરૂપ બની રહ્યું હતું. જોકે રસ્તો થોડોક પથરાળ અને ખડકાળ હતો એટલે આગળ વધવામાં બધાને થોડીક અડચણો સહન કરવી પડતી હતી છતાં બધા એકબીજાને હિંમત આપીને આગળ વધી રહ્યા હતા.

અડધી રાત થવા આવી હતી. છેલ્લા એક કલાકથી બધા સતત ચાલી રહ્યા હતા એટલે બધાનું થાકેલું શરીર આરામ માંગી રહ્યું હતું.

"રોબર્ટ હવે અહીંયા જ આજની રાત વિતાવી દઈએ. મારાથી હવે નથી ચલાતું.' મેરીએ મૌન તોડ્યું. એના અવાજમાં થાક વર્તાઈ રહ્યો હતો.

"જો સામે પેલું ઘટાદાર વૃક્ષ રહ્યું. ત્યાં સુધી ચાલ પછી ત્યાં આપણે રોકાઇ જઈશું.' રોબર્ટ દૂર દેખાતા મોટા વૃક્ષ તરફ હાથ લાંબો કરતા બોલ્યો.

"પણ મારા પગ ખુબ દુઃખી રહ્યા છે.મારાથી તો એક ડગલું પણ આગળ નહી વધાય.' મેરી નીચે બેસી પડતા બોલી.

મેરી નીચે બેસી ગઈ એટલે બધાની સફર આગળ વધતા અટકી ગઈ.રોબર્ટ પણ મેરી પાસે બેઠો. જ્હોન અને ગર્ગ પણ ચાલતા ચાલતા અટકી ગયા.

"ચાલ હું તને ઉઠાવી લઉં.' રોબર્ટ ઉભા થતાં બોલ્યો.
આ સાંભળીને જ્હોન અને ગર્ગ ચોંકી ગયા. એમના બન્નેના મનમાં એક જ પ્રશ્ન ઉદભવ્યો કે શું સાચે જ રોબર્ટ મેરીને ઉઠાવીને એ વૃક્ષ સુધી લઈ જશે. મેરી પણ રોબર્ટની વાત સાંભળીને શરમાઈ ગઈ.

એ ઉભી થઈ અને ચુપચાપ પેલા વૃક્ષ તરફ ચાલવા લાગી. પણ એ માંડ માંડ પરાણે પોતાના પગને આગળ ધકેલી રહી હતી.રોબર્ટ મેરીની મુશ્કેલી સમજી ગયો. એણે મેરીની નજીક જઈને મેરીને કમરમાંથી પકડીને ઉઠાવી લીધી. ગર્ગ અને જ્હોન આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. મેરીએ શરમાઈને પોતાની આંખો બંધ કરી લીધી.

મેરીનું શરીર વધારે વજનદાર નહોતું છતાં રોબર્ટ એને પેલા ઘટાદાર વૃક્ષ સુધી ઊંચકીને લઈ આવતા આવતા હાંફી ગયો. મેરીને વૃક્ષ નીચે ઉતારીને ત્યાં જ બેસી પડ્યો. મેરી શરમાઈ ગઈ હતી એટલે એણે માંડ માંડ રોબર્ટ સામે નજરો મિલાવી. બન્નેની નજરો મળતા જ બંને હસી પડ્યા. આ જોઈને ગર્ગ અને જ્હોન પણ આ જોઈને મુક્તમને હસી પડ્યા.

"ચાલ ગર્ગ આપણે થોડીક સફાઈ કરી લઈએ. રોબર્ટ બિચારો થાકી ગયો હશે..' જ્હોનની વાત સાંભળીને ગર્ગ જોરથી હસી પડ્યો.

જ્હોનની વાતનો મર્મ સમજાતા રોબર્ટ પણ હસી પડ્યો. મેરી હસીને શરમથી નીચું જોઈ ગઈ.

જ્હોન અને ગર્ગે સફાઈ કરી લીધી. અડધી રાત ઉપરનો સમય થઈ ચુક્યો હતો. ચારેય થાકેલા હતા એટલે ત્યાં બધાએ લંબાવી દીધું. બધાએ જેટલી મળે એટલી આજે શાંતિથી ઊંઘ કરી લેવાની હતી. કારણ કે આવતી કાલથી મસાઈ લોકોના જંગલમાં એમની જોખમી મુસાફરી શરૂ થવાની હતી.

(ક્રમશ)