bhayank safar (afrikana jangaloni) - 7 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 7

જંગલીઓએ ગર્ગને ઊંધો લટકાવ્યો ઝાડ સાથે.
**************************

રોબર્ટ અને મેરી આગળ ચાલતા અટકી ગયા. જ્હોને પોતાની રિવોલ્વર આગળ તાકીને ઝાડી તરફ ધીમેથી અવાજ ના થાય એ રીતે ડગ માંડ્યા. આગળ વનરાજી થોડીક ઘેઘૂર હતી એટલે વાતચીત સંભળાતી હતી પણ વાતચીત કરવાવાળા માણસો દેખાઈ રહ્યા નહોતા.

ઝાડી તરફ વિચિત્ર ભાષામાં જીણી વાતચીત જ્હોનને સંભળાઈ રહી હતી. જ્હોન ધીમે રહીને ઝાડીમાં ઘુસ્યો. અને આગળનું દ્રશ્ય જોયું તો થોડીક વાર માટે એનું હ્રદય ધબકારો ચુકી ગયું. એના હાથમાંથી રિવોલ્વર નીચે પડતા પડતા રહી ગઈ. એના પગ ધ્રુજી ઉઠ્યા. ત્યાં મેરી અને રોબર્ટ પણ જ્હોનની પાછળ ઝાડીમાં ઘૂસી આવ્યા. રોબર્ટ અને મેરીએ જયારે ઝાડીની પેલી પારનું દ્રશ્ય જોયું ત્યારે એ બંને પણ માથાથી માંડીને પગ સુધી થથરી ગયા. મેરીના મોંઢામાંથી તો ભયની ચીસ નીકળી જાત પણ રોબર્ટે સમય સૂચકતા વાપરીને મેરીના મોંઢા ઉપર હાથ ધરી દીધો.

ઝાડીની આગળ એક મોટા વૃક્ષ નીચે ગર્ગને ઊંધો લટકાવેલો હતો. ગર્ગના બન્ને પગ ઉપરની તરફ એક ડાળી સાથે મજબૂત વેલાઓ વડે બાંધેલા હતા. ગર્ગના શરીરના તમામ કપડાઓ ઉતારી નાખવામાં આવ્યા હતા. પણ ગર્ગ બેભાન અવસ્થામાં હતો એટલે ઊંધુ લટકેલું એનું શરીર હલન ચલન કર્યા વગર સ્થિર લટકતું હતું. એની નીચે ચાર પાંચ હટ્ટા કટ્ટા જંગલી માણસો લાકડાનો મોટો ઢગલો કરી રહ્યા હતા. એ માણસોની મુખાકૃતિ ઉપરથી એવું લાગી રહ્યું હતું કે આ લોકો ગર્ગને નીચે અગ્નિ સળગાવીને કાચોને કાચો શેકીને ખાઈ જવા માંગતા હતા.

"જ્હોન જલ્દી કંઈક કરવું પડશે નહીંતર આ માનવભક્ષીઓ ગર્ગને મારીને ખાઈ જશે.' ગભરાયેલા અવાજે રોબર્ટે ધીમેથી જ્હોનના કાનમાં કહ્યું.

"હા આ વખતે હું આ પાંચેયને ઠાર કરી દઈશ. જ્યાં સુધી આ લોકો જીવતા હશે ત્યાં સુધી આપણો પીછો નહીં મૂકે.' આટલું બોલતા બોલતા જ્હોનની આંખોમાં રાતાશ ઉપસી આવી. એનું શરીર ગુસ્સાથી થર-થર ધ્રુજવા લાગ્યું.

"થોડીક વાર ઉભો રહે આ લોકો આગળ શુ કરે છે એ તો જોવા દે પહેલા.' રોબર્ટ ધીમા અવાજે બોલ્યો.

"હવે ઉભા રહેવામાં માલ નથી.જો આમ જ જોતાં રહીશું તો આ લોકો થોડીક જ વારમાં આગ સળગાવીને ગર્ગને શેકી નાખશે.' જ્હોન ચિંતાથી ઘેરાયેલા અવાજે બોલ્યો.

"આપણી પાસે એક જ રિવોલ્વર છે એટલે થોડીક બુદ્ધિથી કામ લેવું પડશે નહીંતર આમાંથી અડધા જંગલમાં ભાગી જશે.' રોબર્ટે જ્હોનને સચેત કરતા કહ્યું.

"હા એ વાત પણ સાચી છે અને એ લોકો બચીને જો જંગલમાં ભાગી ગયા તો પછી આપણું આવી જ બનશે. એકવાર જો એ આપણા હાથમાંથી જીવતા જતા રહ્યા તો પછી વધારે ખૂંખાર બની જશે.' જ્હોને માથા ઉપર હાથ મૂકતા કહ્યું.

"રોબર્ટ ત્યાં જો પેલા સૂકા ઝાડના થડ પાસે ગર્ગના કપડાં પડ્યા છે ત્યાં ગર્ગ પાસે હતી એ રાઇફલ પણ પડી છે.' મેરીએ ધીમેથી રોબર્ટ તરફ જોઈને કહ્યું.

રોબર્ટ અને જ્હોને ડાબી તરફ પેલા માણસોથી થોડેક દૂર સૂકા વૃક્ષનું એક ઉધઈ ખાધેલું જાડુ થડ પડ્યું હતું એ તરફ જોયું. એ થડની પાસે જ ગર્ગના કપડાં અને રાઇફલ પડી હતી. જયારે નદીના પાણીમાં ગર્ગ એકાએક અદ્રશ્ય થયો ત્યારે રાઇફલ એની પાસે જ હતી. પણ હવે પ્રશ્ન એ હતો કે રાઇફલ લાવવી કઈ રીતે ? જો રોબર્ટ અથવા જ્હોન રાઇફલ લેવા જાય અને પેલા જંગલીઓનું ધ્યાન એમની તરફ જાય તો જંગલીઓ શાબદા બની જાય.

"જ્હોન હવે શું કરીએ ? રોબર્ટ મુંજવણભર્યા અવાજે બોલ્યો.

"એક કામ કરીએ હું જમણી તરફ જાઉં અને એ તરફ જઈને આ લોકો ઉપર ગોળી ચલાવું. એટલે એ લોકો ડાબી તરફ દોડશે. તું જલ્દી ડાબી તરફ પહોંચી જા અને જેવો કોઈ જંગલી એ તરફ આવે કે તરત જ ઠાર મારી દેજે.' જ્હોન થોડુંક વિચારીને બોલ્યો.

"હા આ ઉપાય કદાચ કામે લાગી જશે.' રોબર્ટના મોંઢા ઉપર થોડીક ચમક આવી.

"રોબર્ટ હવે હવે તું જા જલ્દી અને મેરી તું અહીંયા જ છુપાઈને બેસી રહેજે અમે ઘડીના છઠ્ઠા ભાગમાં તો આ લોકોને ઉડાવી દઈશું.' જ્હોન રોબર્ટ અને મેરી સામે જોતાં બોલ્યો.

"હા જાઓ જલ્દી.' મેરી જ્હોન અને રોબર્ટ સામે જોતાં બોલી.

મેરી ત્યાં જ છુપાઈને બેસી ગઈ. રોબર્ટ અવાજ ના થાય એ રીતે ડાબી તરફ સૂકા ઝાડના થડ પાસે પડેલી રાઇફલ લેવા માટે આગળ વધ્યો. જ્હોને રિવોલ્વર આગળ રાખીને અવાજ ના થાય એ રીતે જમણી તરફ ડગ માંડ્યા. પેલા પાંચેય જંગલી લોકો લટકી રહેલા ગર્ગના શરીરની નીચે લાકડાઓનો ખડકલો કરી રહ્યા હતા. જ્હોન ઝડપથી અવાજ ના થાય એ રીતે સરકીને ગર્ગને જ્યાં લટકાવ્યો હતો એ ઝાડ પાછળ સંતાઈને ઉભો રહ્યો.

રોબર્ટે પણ સાવચેતી પૂર્વક રાઇફલ ઉપર પોતાનો કબજો જમાવી દીધો. પછી રોબર્ટ ઝડપથી અવાજ ના થાય એ રીતે નીચે પડેલા સૂકા ઝાડના થડ પાછળ સરકી ગયો અને રાઇફલને બરોબર ચકાસી લીધી.

પેલા જંગલીઓ ગર્ગની નીચે લાકડાનો મોટો ખડકલો કરીને એની આજુબાજુ ગોળગોળ ફરીને વિચિત્ર ભાષામાં કંઈક ગાતા ઠેકડાઓ અને કૂદકાઓ મારવા લાગ્યા. પણ એમને ખબર નહોતી કે એમની આ મિજબાની ઝાઝા સમય સુધી ટકવાની નહોતી. કારણ કે જ્હોન અને રોબર્ટરૂપી મોત એમની આસપાસ ભમી રહ્યું હતું.

જ્હોને ઝાડ પાછળથી ડોકું બહાર કાઢ્યું અને સામે સૂકા ઝાડના થડ પાછળ અડધું મોઢું એની તરફ કરીને ઉભેલા રોબર્ટને તૈયાર રહેવાનો ઇસારો કર્યો. જ્હોનનો ઇસારો જોઈને રોબર્ટે એને ગોળી ચલાવવાનો ઇસારો કર્યો. જ્હોને રિવોલ્વરથી સૌથી હટ્ટા કટ્ટા લાગતા માણસનું નિશાન સાધ્યું અને ગોળી છોડી.

જ્હોનની રિવોલ્વરમાંથી તીણા અવાજ સાથે સનનન્ કરતી ગોળી છૂટી અને પેલા હટ્ટા કટ્ટા જંગલીની ખોપરી વીંધાઈ ગઈ. એક કારમી ચીસ પાડીને એ જંગલી ત્યાંજ ઢળી પડ્યો. આમ ઓચિંતા હુમલાથી આનંદમાં મસ્ત બનીને નાચી રહેલા જંગલીઓ હાકબાક થઈ ગયા. શું કરવું એ એમને સૂજ્યું નહીં.

ત્યાં એક જંગલીએ જ્હોન સામે દોટ મૂકી. પણ સામે છેડે રોબર્ટ શાબદો હતો એણે રાઇફલ વડે એ જંગલીનું નિશાન લીધું રાઇફલમાંથી ધાંય.. અવાજ સાથે ગોળી છૂટી. અને એ ગોળી એ જંગલીની ઉપરની બે પાંસળીઓ વીંધીને આરપાર નીકળી ગઈ. રાઇફલનો ભયકંર અવાજ અને જંગલીની કાળજુ કંપાવી નાખે એવી મરણચીસ થોડીકવાર જંગલમાં પડઘાતી રહી પછી લુપ્ત બની ગઈ.

હવે ત્રણ જંગલીઓ બાકી રહ્યા હતા. એમાંથી એક જ્હોન તરફ અને એક રોબર્ટ તરફ દોડ્યો. એ બંનેને તો જ્હોને રિવોલ્વર વડે ત્યાં જ વીંધી નાખ્યા. જ્હોનની રિવોલ્વરની ગોળીથી એ પણ મરણને શરણ થઈ ગયા.

હવે જે એક જંગલી બચ્યો હતો એ આ દ્રશ્ય જોઈને એકદમ સુન્ન બની ગયો. શું કરવું એ એને સુજતુ નહોતું.

"જ્હોન ઉડાવી દઉં આને.' રોબર્ટ સૂકા ઝાડની પાછળથી બહાર આવતા બોલ્યો.

"હા ઉડાવી દે.આ એકલો બચીને શું કરશે હવે.' જ્હોન શેતાનની માફક હસતા બોલ્યો.

પેલો જંગલી ગભરાઈને ક્યારેક જ્હોનની સામે જોતો હતો તો ક્યારેક રોબર્ટની સામે. જેવું રોબર્ટે એનું નિશાન લીધું કે એ પુરી ચપળતાથી વીજળીવેગે દોડ્યો અને મેરી જે ઝાડીમાં સંતાઈને બેઠી હતી એ ઝાડીમાં ઘૂસી ગયો. આ જંગલી એટલી ઝડપે દોડ્યો કે જ્હોન અને રોબર્ટ એકબીજાના મોંઢા જોતાં જ રહી ગયા.

"રોબર્ટ બચાવ મને.' ઝાડીમાંથી મેરીની વેદના ભરી ચીસ સંભળાઈ.

મેરીની ચીસ સાંભળીને રોબર્ટ ઝાડી તરફ દોડ્યો.જ્હોન પણ ઝડપથી રોબર્ટની પાછળ દોડ્યો.

(ક્રમશ)