Tran Vikalp - 36 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 36

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૬

વેરાવળનાં દરિયાકિનારે મોટા પથ્થર પર બેઠેલાં નિયતિ અને માધવ ભૂતકાળમાં ખોવાયેલા હતાં. પાણીનાં મોજાઓની સાથે થોડું ખારું પાણી બન્નેનાં ચહેરા પર અથડાઈને પાછું જતું હતું. નિયતિ એની વાત પૂરી કરે છે, ત્યારે એની આંખોમાં પશ્ચાતાપ અને આંસુ દેખાય છે. વાત શરૂ થઈ ત્યાંથી વાત પૂરી થઇ ત્યાં સુધી નિયતિએ માધવનો હાથ છોડ્યો નહોતો. માધવ એનો બીજો હાથ નિયતિનાં બન્ને હાથ પર મૂકે છે. નિયતિનાં રોકી રાખેલા અશ્રુઓ ગાલ પરથી સીધા માધવના હાથ પર પડે છે. માધવ પોતાના હાથથી નિયતિનાં ગાલ પર આવેલા આંસુને લૂછે છે. નિયતિ અને માધવની આંખો મળે છે. નજરની સાથે દિલની ધડકન પણ એક થાય છે. નિયતિની આંખો ઘણું બધું બોલે છે ‘મારે આવું અધમ કૃત્ય નહોતું કરવું, પણ સંજોગો અને અન્યાયની સામે બીજો વિકલ્પ નહોતો.’ માધવ એકપણ શબ્દ બોલતો નથી પણ નિયતિને ઘણાં શબ્દો સંભળાઈ જાય છે ‘ચિંતા ના કરીશ, જે થયું એ આપણે બન્ને જોઈ લઈશું.’

માધવની આંખોમાં પોતાનાં માટે પ્રેમ અને વિશ્વાસ જોઈ નિયતિ આંખો બંધ કરે છે. માધવના ખભા પર માથું ઢાળી લે છે. કેટલીય વાર સુધી માધવ એનો હાથ નિયતિનાં વાળમાં ફેરવ્યા કરે છે. કોઈ સંવાદ નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ વિરોધ નહીં, બસ હતીતો બન્નેને મનની શાંતિ હતી. નિયતિને બધી વાત કહ્યાંનો સંતોષ હતો, તો માધવને ખૂબ જલ્દી બધું સારું થઈ જવાનો વિશ્વાસ હતો. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. પાણીમાં સુરજના લાલ-કેસરી કિરણો દૂર-દૂર સુધી દેખાતા હતા. માધવ અને નિયતિની આસપાસ બીજું કોઈ માણસ દેખાતું નહોતું. એક અનોખું મિલન દરિયા કિનારે થયું હતું જ્યાં માત્ર લાગણીનાં અહેસાસથી વાતો થતી હતી. એકબીજાનાં દિલની વાત સાંભળવા અને સમજવામાં બન્ને થોડીવાર એકમેકમાં ખોવાઈ જાય છે.

અંધારું થાય છે એટલે માધવ ધીરેથી કહે છે: “નિયતિ, ચાલો અંધારું થઈ ગયું છે... ઘરે જઈએ...”

નિયતિ આંખો ખોલી માધવ સામે જોઈ આત્મવિશ્વાસથી બોલે છે: “અંધારું તો બે વરસથી હતું... કાલે સવારે સૂરજ ઉગશે, ત્યારે એક નવું અજવાળું, એક નવી આશા લઈને આવશે...”

માધવ આંખોના પલકારાથી નિયતિને સાંત્વના આપે છે.

બન્ને ઘરે આવે છે ત્યારે બધા તેમની રાહ જોતા હોય છે. માધવને બધાંનાં ચહેરા ઉપર અનેક સવાલ દેખાય છે. માધવને શું બોલવું એવી સમજ પડતી નથી. નિમિતા વ્હીલચેર પર બેઠી હતી. માધવ ધીમા પગલે નિમિતા તરફ જાય છે. નિમિતાનાં ખોળામાં માધવ માથું મૂકી દે છે. નિમિતા કોઈપણ પ્રકારનો રીપ્લાય આપતી નથી. નિયતિ આવીને માધવના ખભા પર હાથ મૂકે છે. માધવ ઉભો થઇ નિમિતાને કપાળ પર હળવું ચુંબન કરે છે. હળવા ચુંબનથી જાણે નિમિતાનાં નિસ્તેજ શરીરમાં ચેતના પ્રગટ થઈ હોય એમ માધવ સામે જુએ છે. માધવને જોઈ નિમિતાનાં હોઠો પર હલકી મુસ્કાન આવે છે. આ હળવું હાસ્ય જોઈને દરેકને આશ્ચર્ય સાથે ખુશી થાય છે.

નિયતિ: “માધવ, દીદી બે વર્ષ પછી આજે પહેલી વખત થોડું હસી છે.

માધવ: “હવે નિમિતાને રડવાનું કોઈ કારણ નહીં રહે... હવે તો હસવાનું છે... એના બધાં જ સપના પૂરા થશે... એની જિંદગીમાં ફરીથી રંગો ભરાશે...”

કિશન બે હાથ જોડીને માધવને કહે છે: “મારી દીકરી એ કોઈ ભૂલ કરી હોય તો, હું એની માફી માગું છું...”

કિશનના બન્ને હાથ પકડીને માધવ કહે છે: “મારા ભાઈ અને એના મિત્રોના લીધે તમારા પરિવારને જે તકલીફ થઈ છે, એના બદલ હું તમારી માફી માગું છું... જો તમે કહો તો કાલે આપણે બધાં અમદાવાદ જઈએ, એવી મારી ઈચ્છા છે...”

કિશનના ચહેરા પર ચમક આવે છે. રાજેશ સામે જોઈને બોલે છે: “મેં કહ્યું હતુંને રાજેશ, માધવ આપણને બધાને અમદાવાદ લઈ જવાની વાત કરશે...” રાજેશ અને ઘરનાં તમામ સભ્ય ખુશ થાય છે.

વેરાવળમાં ખુશીનો માહોલ જામ્યો હોય છે. ત્યારે અમદાવાદમાં હર્ષદરાયની એક એક મિનિટ ઉચાટમાં વ્યતીત થતી હોય છે. સુહાસિની અને સેજલને ખબર પડે છે કે, હર્ષદરાય આતુરતાથી શંભુની રાહ જુએ છે. સુહાસિની અને સેજલ મનમાં ખુશ હોય છે, જ્યારે હર્ષદભાઈના ચહેરા પર ગુસ્સો અને ચિંતા બન્ને દેખાતા હોય છે. થોડીવારમાં શંભુ આવે છે એટલે હર્ષદરાય એને લઈ એમના રૂમમાં જાય છે.

સુહાસિની વાત સાંભળવા પાછળ જાય છે ત્યારે સેજલ એમને રોકે છે: “મમ્મી ના જશો... એ બન્નેને જે વાતો કરવી હોય તે કરવા દો... માધવ બધું બરાબર કરી દેશે...” સુહાસિનીને પણ સેજલની વાત યોગ્ય લાગે છે.

હર્ષદરાય અતિભારે અવાજથી ગુસ્સા સાથે શંભુ ને કહે છે: “કેટલા દિવસ લગાવી દીધા... મુંબઈથી એક છોકરીને લાવવામાં... બસ મારે જાણવું છે, તું પેલી છોકરીને લઈને કેમ નથી આવ્યો?”

શંભુ થોડાક ડર સાથે બોલે છે: “પણ સાહેબ કેવી રીતે લાવું એ છોકરીને? મુંબઈનું એ લોકોનું જે સરનામું છે, એ સરનામા પર તો કોઈ રહેતું જ નથી... તે મકાન એ લોકોએ બે વર્ષ પહેલાં વેચી દીધું છે. એમની દુકાન પણ એ લોકોએ વેચી દીધી છે. હવે નિયતિ એના પપ્પા ત્યાં કોઈ રહેતું નથી...”

હર્ષદરાય ટેબલ પરથી ફ્લાવરપોટ લઈ શંભુને છૂટ્ટો મારે છે: “તો આટલો સમય ત્યાં જઈને તેં કર્યું શું? આટલો સમય લીધા પછી ત્યાં જઈને બસ આટલી વાત કરવા તારું થોબડું બતાડવા આવ્યો... એના કરતા ના આવ્યો હોત તો સારું થાત... તમને લોકોને હું મફતનું ખાવાનું ખવડાવતો હોય એવું મને લાગે છે... તમારા કરતા બીજા કોઈને પૈસા આપીને મેં કામ કરાવ્યું હોત... તો અત્યારે એ છોકરી મારા ઘરમાં હોત... એને મારા નાનકાની સામે ઊભી કરી દીધી હોત... ખબર નહીં નાનકો પણ ક્યાં જતો રહ્યો છે? સવારથી ફોન પણ ઉપાડતો નથી...”

હર્ષદરાયનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થયો હતો. એમને શંભુને ચાબુકથી મારવાની ઇચ્છા થાય છે. શંભુ પર એમને એટલો વધારે ગુસ્સો આવ્યો હતો કે, જો એમના હાથમાં બંદૂક હોત તો એના શરીરમાં બધી ગોળીઓ આંખ બંધ કરીને મારી દેતા. એક દીકરાને ગુમાવ્યો હતો. બીજા દીકરાને એક સ્ત્રી પાછળ જિંદગી બરબાદ કરતો જોઈ શકતા નહોતા. કરે તો કરે પણ શું? નિયતિ ક્યાં છે એ પણ ખબર નહોતી. નિયતિને મનમાં હજારો ગાળો બોલે છે. એમનો બધો ગુસ્સો ફરી સ્ત્રી નામનાં શબ્દ પર આવીને હંમેશાની જેમ સ્થિર થઈ જાય છે: “ખબર નથી આ સ્ત્રીઓ મારા પરિવારને ક્યારે શાંતિથી જીવવા દેશે... કોઈ દિવસ પ્રેમ કરતી નથી અને પુરુષોની લાગણી સાથે રમત રમતી હોય છે... પાછું દરેક સ્ત્રીને ખૂબ પ્રેમ કરે છે આવું અભિમાન હોય છે... એક વાર એ છોકરી મારા હાથમાં આવી જાય તો એનું બધુ અભિમાન ઉતારી દઉં... એ છોકરીને ગમે ત્યાંથી શોધીને એનું જીવવું હરામ કરીશ પછી મને શાંતિ થશે...”

શંભુએ ફ્લાવરપોટ પકડી લીધો હતો. એ સાહેબના ગુસ્સાને બરાબર જાણતો હતો. મુંબઇથી એ જે માહિતી લાવ્યો હતો એ બોલવાની એનામાં હિંમત નહોતી. શંભુ જાણતો હતો જો એ વાત હર્ષદરાય જાણશે તો એમનો ગુસ્સો એમનાથી જ સહન થશે નહીં.

હર્ષદરાય ફરી તડૂકીને બોલે છે: “હવે ચૂપચાપ ઊભો છું શું કરવા? ચાલ્યો જા અહીંયાથી... તારું સડી ગયેલું ડાચું મને બતાવતો નહીં...” હર્ષદરાય એને જવાનો ઈશારો કરી આરામ-ખુરશી પર બેસે છે.

શંભુ બે હાથ જોડી બોલે છે: “પણ સાહેબ... મુંબઇથી બીજી એક માહિતી લઈને આવ્યો છું... એ માહિતી મને રૂબરૂ આપવાની યોગ્ય લાગી એટલે આવ્યો છું...”

હર્ષદરાય: “તો ભસતો કેમ નથી… જલ્દી બોલ કઈ માહિતી છે?”

શંભુ: “સાહેબ, નિયતિ અને એના પપ્પા ઘર તથા દુકાન વેચીને રાજકોટ રહેવા ગયા છે... ઘણાંબધા લોકો જોડે પૂછપરછ કરી ત્યારે મને એ વાતની ખબર પડી...”

હર્ષદરાયનો પિત્તો જાય છે. એ શંભુને લાત મારે છે. શંભુ નીચે પડે છે.: “આ વાત તારે રૂબરૂ કરવાની હતી?”

શંભુ ઊભો થઈ હર્ષદરાયના પગ પકડે છે: “ના, માલિક... બીજી પણ અગત્યની વાત છે... બીજા બધાની સાથે વાતચીત કરતા ખબર પડી, કે નિયતિ અને એના પપ્પા રાજકોટમાં રણછોડભાઈના ઘરે રહે છે...”

હર્ષદરાય અકળાય છે: “હવે આ રણછોડભાઈ કોણ છે?”

શંભુ ધીરેથી ડર સાથે બોલે છે: “સાહેબ, રણછોડભાઈ! પેલી નિમિતાનાં નાના.....”

હર્ષદરાયને એકદમ આંચકો લાગે છે. તે આરામ-ખુરશી પર બેસી જાય છે: “નિમિતા એટલે... પેલી અનુપ વાળી?”

શંભુ હકારમાં માથું ધુણાવે છે. શંભુ મોબાઈલમાંથી કોઈ ફોટો કાઢી હર્ષદરાય સામે ધારે છે: “સાહેબ, નિયતિ અને નિમિતા બન્ને બહેનો છે... પેપરમાં આપણે આરૂ પંચાલનું નામ વાંચ્યું હતું... આરૂ પંચાલનું સાચું નામ નિયતિ મહેતા છે...”

હર્ષદભાઈના રૂમમાં જોરદાર સન્નાટો છવાઈ જાય છે.

ક્રમશ: