Strange story sweetheart ....- 10 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....- 10

કમલેશ અને માયા ઘરે આવ્યાં એટલે અધીરી બની પ્રિયાએ સવાલો પર સવાલોનાં બાણ છોડ્યાં.

"શું કહ્યું સુશીલનાં માતા - પિતાએ? આપણાથી કોઈ ભૂલ થઈ હતી કે? કેમ તાત્કાલિક બોલાવ્યાં હતાં? વગેરે, વગેરે.

"અરે ! પહેલાં અમને અંદર તો આવવા દે, શાંતિથી ઘડીક બેસવા દે, પછી તને કરીએ છીએ બધી વાત." કમલેશે કહ્યું.

"હા..,હા.., બેસો. હું પાણી લઈ આવું છું."

પ્રિયાએ બેય જણને પાણી આપ્યું. ટી.વી. બંધ કર્યું ને બેસી ગઈ વાત સાંભળવા માટે.

"બોલો હવે..."

"કંઈક તો થયું છે." કમલેશને થોડી ગમ્મત કરવાનું મન થયું એટલે માયા સામે આંખ મારતાં બોલ્યો.

"મને પણ એવું જ લાગે છે કે કંઈક તો ચોક્કસ થયું છે." માયા પણ મોઢું જરા ગંભીર કરતાં બોલી. એ કમલેશનો ઈશારો સમજી ગઈ હતી.

આ સાંભળી પ્રિયાનાં ધબકારા વધી રહ્યાં હતાં. એને એમ થયું કે એ લોકોએ હવે ના પાડી દીધી હશે એટલે મોઢું જરા રડમસ થઈ ગયું. દબાયેલા સ્વરમાં બોલી,

"મને લાગતું જ હતું કે એ લોકો ના જ પાડશે. ક્યાં એ લોકો ને ક્યાં આપણે!"

"શુ સમજી છે તું? કેમ આવું બોલે છે?" કમલેશ મોટેથી હસતાં - હસતાં બોલ્યો.

"અમે તો એવું બોલી રહ્યાં હતાં કે કંઈક ચમત્કાર જેવું ચોક્કસ જ થયું છે." માયા પણ કમલેશની સાથે હસીને બોલી.

"ચમત્કાર! કેવો ચમત્કાર?" સરખું બોલોને જરા મોટાભાઈ..."

"હાહા...હાહા...હાહા..." મોટેથી કમલેશ હસ્યો.

"કહી દો ને હવે બિચારાને. એમનો જીવ તલપાપડ થઈ રહ્યો છે." માયા સહેજ છણકો કરી બોલી.

"સુશીલને તું ખૂબ જ પસંદ આવી ગઈ છે. એ લોકોએ કાલે જ તારી અને સુશીલની સગાઈ રાખી દીધી છે. બધી જ તૈયારી એ લોકો જ કરવાના છે. આપણે ખાલી જઈને ઉભા જ રહેવાનું છે. આપણાં એકદમ નજીકનાં સગાંઓને ફોન કરી હૉલ પર જ બોલાવી લેવાના છે." કમલેશ બોલ્યો.

"કાલે જ....." આંખનાં ડોળા મોટા કરી પ્રિયા બોલી.

પ્રિયાને નવાઈ લાગી રહી હતી. આટલું જલ્દી બધું નક્કી થઈ ગયું એ વાતનો મનમાં જરા આંચકો લાગ્યો. એ ખુશી વ્યક્ત કરે કે આ વાતનું અચરજ પમાડે એનાં વિશે નક્કી જ કરી શક્તી નહોતી.

કમલેશ અને માયાનું પેટ ભરેલું હોવાથી એ લોકોએ જમવાની ના પાડી ને અંદર પોતાની રૂમમાં જતાં રહ્યાં. પ્રિયાને કંઈ ખાવાનું મન જ ન થયું. દૂધ પીને એ પણ પોતાની રૂમમાં સૂવા માટે જતી રહી.

બીજાં દિવસે ત્રણેય વહેલાં ઉઠી ગયાં. રોજિંદું કામ પતાવી કમલેશે જે સગાંઓને આમંત્રિત કરવાના હતાં એ બધાંને ફોન કરી જણાવવા માંડ્યું. ત્રણેય જમી રહ્યાં હતાં ને ડૉર બેલ વાગી. માયાનું જમવાનું પતી ગયું હતું એટલ એ દરવાજો ખોલવા માટે ગઈ. દરવાજો ખોલીને જોયું તો સુશીલનાં ઘરની નોકરાણી રંજન એક છોકરી સાથે આવીને ઉભી હતી.

"રંજનબેન , તમે અહીંયા?" માયાએ આશ્ચર્યથી પૂછ્યું.

"હા.., માયાબેન. શેઠાણી બાએ પ્રિયાવહુને તૈયાર કરવા માટે બ્યૂટી - પાર્લરવાળાં બેન મોકલાવ્યાં છે.

"હેં..." આ સાંભળીને માયા થોડી ચમકી ગઈ.

"પ્રિયાવહુને પહેરવાં માટે આ કપડાં પણ મોકલાવ્યાં છે."

"ઓહો..." માયા આંખની ભ્રમર ઉપર કરતાં બોલી.

"બેસો તમે."

"હા."

"પ્રિયાબેન...ઓ.... પ્રિયાબેન...."

"શું ભાભી..."

"બહાર આવો ...તો..."

"આવી...ભાભી..." કહેતાં પ્રિયા બહાર આવી.

" આ...લોકો....!?" રંજન અને પેલી છોકરીને બેસેલા જોઈ પ્રિયા બોલી ઉઠી.

"સુશીલકુમારનાં ઘરેથી આવ્યાં છે. તમારાં થનાર સાસુએ તમને તૈયાર કરવાં માટે બ્યૂટી - પાર્લરવાળી છોકરી મોકલાવી છે. એમનું નામ ભાવના છે. અને સાથે સાંજે પહેરવાં માટે કપડાં પણ મોકલાવ્યાં છે."

"ઓહ ! તો આ છે પ્રિયા વહુ...બહુ જ સુંદર દેખાય છે." પ્રિયાને જોતાં જ રંજનબેન બોલ્યાં.

"તમે...?"

"આ રંજનબેન છે. એ લોકોનાં ઘરે વર્ષોથી કામ કરે છે." રંજનને બદલે માયાએ જ જવાબ આપી દીધો.

"ઓહ..., અચ્છા..."

"નમસ્તે..." રંજન અને ભાવનાએ પ્રિયાને નમસ્કાર કર્યું.

"નમસ્તે..." પ્રિયાએ પણ સામે કહ્યું.

પ્રિયા એ લોકોને લઈ અંદર પોતાની રૂમમાં ગઈ. માયા પણ થોડીવાર પછી એ લોકો પાછળ અંદર ગઈ. લગભગ ચાર કલાક પછી એ લોકો બધાં બહાર આવ્યાં. પ્રિયાનો ચહેરો એક ચૂંદડીથી ઢાંકેલો હતો. બધાં ગાડીમાં બેસી હૉલ પર જવા માટે નીકળી ગયાં. કમલેશ પણ એ લોકોની પાછળ બાઈક લઈને પહોંચ્યો.

(ક્રમશ:)







Share

NEW REALESED