Strange story sweetheart ...... 11 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની......11

હૉલ પર બધાં મહેમાન પહેલેથી હાજર હતાં. સુશીલ અને એનાં ઘરનાં લોકો પણ પહોંચી ગયાં હતાં. આ લોકો પહોંચ્યા એટલે પ્રિયાને સુશીલની પાસેની ખુરશીમાં બેસાડવામાં આવી. ને પછી એનાં ચહેરા પરથી ચૂંદડી હટાવવામાં આવી. પ્રિયાને જોતાં જ સુશીલની નજર બે મિનિટ માટે એનાં ચહેરા પર જ સ્થિર થઈ ગઈ. સ્વર્ગની કોઈ અતિ સુંદર અપ્સરા સમાન પ્રિયા દેખાઈ રહી હતી. એનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. એક ફિલ્મી હિરોઈન પણ એની સામે ઝાંખી લાગે એવી સોહામણી લાગી રહી હતી. ત્યાં હાજર રહેલાં બધાં લોકો એની ખૂબસૂરતીનાં વખાણ કરતાં થાકતા નહોતાં.

બધાં જ મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલે એકબીજાંને રીંગ પહેરાવી. ફૂલોનાં વરસાદ અને તાળીઓનાં ગડગડાટથી બધાંએ એ બંનેને વધાવી લીધાં. પ્રિયા અને સુશીલની સગાઈ થઈ ગઈ. સગાઈ થઈ ગયાં પછી સુશીલ અને પ્રિયા એકબીજાં સાથે ખૂબ જ હર્યા - ફર્યા. લગભગ દરેકે દરેક દિવસ એકબીજાં સાથે ગાળ્યા હશે.રોજ સાંજે સુશીલ મોટી ગાડી લઈને પ્રિયાને લેવા આવે. પ્રિયા પણ રોજ જુદાં - જુદાં ડ્રેસ પહેરી, સરસ તૈયાર થઈ એની સાથે ફરવા ઉપડી જાય. બંનેને એકસાથે જોઈ બધાંનાં મોઢાંમાંથી એક જેવું જ વાક્ય નીકળી જતું, 'મેડ ફોર ઈચ અધર.' પ્રિયાની આજુ - બાજુમાં રહેતી કેટલીય છોકરીઓને તો પ્રિયાનાં નસીબની અદેખાઈ પણ થઈ આવતી. સુશીલ દુબઈ પાછો ગયો ત્યાં સુધી એ લોકોએ એકબીજાં સાથે ખૂબ જ સારાં દિવસો પસાર કર્યાં. પ્રિયાની આંખોંમાં અનેક મધુર યાદોનો ખજાનો મૂકી અને પ્રિયાની અલબેલી યાદોનો ગુચ્છ પોતાની સાથે લઈ સુશીલ દુબઈ પહોંચ્યો.

સુશીલનાં ગયાં પછી શરૂઆતનાં દિવસોમાં તો પ્રિયાને કંઈ જ ગમે નહિ. એનાં વગર બધું સૂનું - સૂનું લાગતું હતું. એની સાથે ફરવામાં વિતાવેલ દિવસોની યાદમાં ખોવાયેલી રહેતી હતી. મોટા ભાગનો દિવસ અંદર પોતાની રૂમમાં જ પસાર કરી રહી હતી. અચાનક એક દિવસ એનો મિત્ર લલિત ઘરે આવ્યો.

"નમસ્તે, માયાભાભી...... પ્રિયા છે કે ઘરે?"

"ન..મ..સ્તે..., તમે... કોણ..?"

"હું લલિત. પ્રિયાનો મિત્ર. મતલબ કે અમે કોલેજમાં સાથે ભણતાં હતાં."

"ઓહ..., અચ્છા..."

"હમ્મ.."

"બેસો તમે. હું પ્રિયાબેનને બોલાવું છું." એવું કહી માયા અંદર પ્રિયાની રૂમમાં એને બોલાવા માટે ગ‌ઈ. એનાં અંદર ગયાં પછી બે જ મિનિટમાં પ્રિયા બહાર આવી. ને માયા અંદર પોતાની રૂમમાં જતી રહી.

"હાય... ,લલિત. બહુ દિવસ પછી. કેમ છે તું?"

"હાય..,પ્રિયા... તું તો આજકાલ યાદ કરતી નથી અમને. એટલે થયું કે હું પોતે જાતે ઘરે જઈને જ મળી આવું. કેટલાંય દિવસથી મળી નથી. લાયબ્રેરી પણ આવવાનું હમણાં બંધ કર્યું છે. તબિયત તો ઠીક છે ને...!?"

"હા.., હા..., તબિયત એકદમ જ સારી છે. તું અંદર મારી રૂમમાં ચલ. તને બધી જ વાત કરું છું."

બંને અંદર પ્રિયાની રૂમમાં ગયાં. આરામથી બેસી એકબીજાં સાથે વાતો કરવાં લાગ્યાં. પ્રિયાએ બધી જ વાત કરી કે કેવી રીતે ઉતાવળમાં બધું નક્કી થઈ ગયું. ને સુશીલ જોડે એની સગાઈ પણ થઈ ગઈ. એણે લલિત જોડે સુશીલ અને પોતાનાં વિશે ઘણી બધી વાતો કરી. લલિત પણ એની વાત ઘણાં ચાવથી સાંભળી રહ્યો હતો. વાતો કરતાં - કરતાં ખાસ્સો સમય વીતી ચૂક્યો હતો.

"ચાલ હવે હું જાઉં.." ઘડિયાળ સામે જોતાં - જોતાં લલિત બોલ્યો.

"બેસને થોડીવાર જવાય છે હવે." પ્રિયા નાક ચડાવતા બોલી.

"પ્રિયાબેન ચા - નાશ્તો રૂમમાં આપી જાઉં કે તમે બેય બહાર આવો છો?" માયાએ મોટેથી પૂછ્યું.

"હા...ભાભી..આવીએ છીએ અમે બહાર..." પ્રિયાએ જવાબ આપ્યો.

"તમે આવ્યા તે સારું થયું લલિતભાઈ. કેટલાં દિવસ પછી આજે પ્રિયાબેનનો અવાજ સાંભળવા મળ્યો. નહિ તો સુશીલકુમારનાં ગયાં પછી સાવ જ ગુમસુમ રહેવાં લાગ્યાં હતાં. આખો દિવસ પોતાની જ રૂમમાં ભરાઈને રહેતાં હતાં." માયાએ લલિતને કહ્યું.

"એ તો માયાભાભી હવે જ્યાં સુધી સુશીલ પાછો નહિ આવે ત્યાં સુધી આવું જ રહેવાનું. પેલું ગીત યાદ છે ને..,

"કયું?"

"આજા..આઈ..બહાર..દિલ...હૈ..બેકરાર..ઓ..મેરે..રાજકુમાર..તેરે..બિન..અબ..રહા..ન..જાયે..આજા..."

"બરાબર છે. સાચી વાત છે તમારી...." હસીને માયા બોલી.

"અં..ભાભી..., લલિત....જાવ ને..." સહેજ ચિડાઈને પ્રિયા બોલી.

"વેં..વેં..." લલિતે એનાં ચાળા પાડ્યાં ને ત્રણેય જોરથી હસી પડ્યાં......

(ક્રમશ:)