Tran Vikalp - 37 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 37

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૭

નિયતિ અને નિમિતા બન્ને બહેનો છે એ જાણી હર્ષદરાય સુન્ન થઈ ગયા હતા. શંભુના હાથમાંથી મોબાઈલ લઈ ફોટો જોયા કરે છે. થોડીક વાર એ શંભુ અને ફોટાને એવી રીતે જુએ છે જાણે કોઈ પાગલ આકાસમાં પોતાનો ચહેરો શોધતો હોય. આ એક એવો ખુલાસો હતો જેની કલ્પનામાત્ર કરી નહોતી. એમને એકસાથે કેટલાય વિચાર આવે છે. હકીકત સ્વીકાર કરવા એમનું મગજ તૈયાર નથી થતું. એમણે યાદશક્તિ અને બુધ્ધિશક્તિ પર જોર આપ્યું. નિયતિ જો નિમિતાની બહેન હોય તો બે વર્ષ પહેલા બન્નેનાં મોતની વાત ખોટી હતી. નિયતિ જીવે છે તો નિમિતા પણ જીવતી હશે એ સમજતા વાર નહોતી લાગી. નિમિતા બોલતી હતી મારી આરૂ બદલો લેવા આવશે. તો આરૂ બદલો લેવા નિયતિ બનીને આવી એટલે કોઈને ખબર પડે નહીં. કેટલીય વાર સુધી નિયતિનાં આવ્યા પછી શું શું થયું એ કડીઓ જોડે છે. શંભુ પણ એમને મદદ કરે છે.

ચાર કલાક જેવા સમય પછી હર્ષદરાય અને શંભુએ બધી કડીઓ જોડી હતી. એ વખતે રાતના બાર વાગવામાં થોડી મિનિટો બાકી હતી. સુહાસિની અને સેજલ શંભુ જાય એની રાહ જોતાં હતાં. બન્નેને ઉપર શું વાત ચાલે છે એ અટકળ કરવા કરતાં ભગવાનનું નામ લેવાનું યોગ્ય લાગ્યું હતું. બન્ને મંદિરમાં બેસી ગીતાપાઠ કરતાં હતા. બન્ને વિચારતાં હતાં શંભુને મુંબઇમાં કશું મળ્યું નથી એટલે હર્ષદરાયને આગળ શું કરવું એ ખબર નથી પડતી. જેટલો સમય એ શાંત રહે એ બધા માટે ફાયદામાં હતું. સંતોષે માધવના કહેવાથી સેજલને ફોન કરીને જણાવ્યું હતું કે કાલે બધા અમદાવાદ આવશે. સેજલે સુહાસિનીને કહ્યું ત્યારે એ બન્નેનાં ચહેરા પર અનેરો આનંદ થયો હતો. બન્ને ખુશ હતાં કે કાલે ઘરમાં ખુશીઓ આવશે અને બધુ બરાબર થઈ જશે.

પરંતુ આવતી કાલે શું થવાનું છે એ હર્ષદરાય નહોતા જાણતા. એમણે જ્યારે બધી કડીઓ જોડી ત્યારે એમને ખબર પડી ગઈ હતી કે અનુપ અને એના મિત્રોના મોત પાછળ નિયતિનો હાથ છે. હકીકત જાણી એ જેટલા સુન્ન થઈ ગયા હતાં એનાથી પણ વધારે અનુપની હત્યા નિયતિએ કરી છે એ જાણીને આવેશમાં આવ્યા હતા. જો એ વખતે નિયતિ એમની સામે હોત તો સહેજ પણ વાર કર્યા વગર તેની હત્યા પોતાના હાથે કરી દેતા. મોટા દીકરાની હત્યા કરનારી છોકરી પાછળ નાનો દીકરો પાગલ થયો હતો એ એમના માટે અતિ ભયંકર ગુસ્સાનું કારણ હતું. ઉપરથી માધવ સવારથી એમનો ફોન ઉપડતો નહોતો. નિયતિને સજા આપવા અને માધવને પાછો ઘરમાં લાવવા માટે અનેક તરકીબો વિચારે છે. અત્યારે એમનું શેતાની મગજ કામ કરવા લાગ્યું હતું. એ નિયતિને પોતાના હાથે સજા આપવા માંગતા હતા. કામિની પ્રત્યે વર્ષોથી પોતાના દિલમાં જે આગ બંધ દરવાજા અંદર રાખી હતી એ આગ હ્રદયનાં દરેક દરવાજા ખોલીને બહાર ભભૂકવા લાગી હતી. કામિનીને કોઈ સજા આપી શક્યા નહોતા એનો જીવનભરનો વસવસો નિયતિ પર ઉતારવા માટે ઉતાવળા થયા હતા.

હર્ષદરાય અને શંભુ નીચે આવે છે ત્યારે એમના ચહેરા પર અભિમાનથી ભરેલું હાસ્ય હોય છે. હર્ષદરાયને હસતા જોઈ સુહાસિનીને રાહત થાય છે પણ એને ખબર નહોતી કે એ પોતાની ચાલ રમી ચૂકયા હતા.

***

સવારના પાંચ વાગ્યા હતા. માધવ આરામથી સૂતો હતો. એના રૂમના દરવાજા પર ટકોરા વાગે છે એ ટકોરાનો અવાજ સાંભળી એની આંખ ખૂલે છે. દરવાજો ખોલે છે તો કિશન ઊભો હોય છે અને એના ચહેરા પર ચિંતા દેખાતી હોય છે: “ કોઈ ચિંતાની વાત છે?”

માધવનો હાથ પકડી કિશન બેઠકરૂમમાં આવે છે તો ત્યાં રાજેશ, મયુર, નિયતિ અને વિદ્યા બેઠા હોય છે. માધવ બધાની સામે જુએ છે તો બધાના મોઢા પર અનેક રહસ્યો દેખાય છે. કિશન રિમોટથી ટીવી ચાલુ કરે છે. એક ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ આવતા હતા. ‘માણેક લેધર અને સવિતા કોસ્મેટિક્સનાં માલિક હર્ષદરાય મહેતાને હ્રદયરોગનો હુમલો આવ્યો છે અને એમનો જીવ જોખમમાં છે’. એ સાંભળતા માધવને ધ્રાસ્કો પડે છે. એ માથા પર હાથ ફેરવતો નિયતિ સામે જુએ છે, જાણે કહે છે શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. નિયતિ એના ખભા પર હાથ મૂકે છે. માધવ થોડી વાર કઇંક વિચારી બોલે છે: “સંતોષ ક્યાં છે?”

નિયતિ: “વિદ્યાદીદી એમને ઉઠાડીને આવી... એ આવતા હશે...”

નિયતિનું વાક્ય પૂરું થાય એ પહેલા સંતોષ કોઇની સાથે મોબાઇલ પર વાત કરતો ત્યાં આવે છે. ફોન પૂરો થાય છે એટલે બન્ને હાથ ઊંચા કરી માધવ સામે જુએ છે. માધવના ચહેરા પર આવેલી ચિંતા એકાએક દૂર થાય છે. શાંતિથી ખુરશી પર બેસે છે: “ભાભી સાથે વાત થઈ?”

સંતોષ માથું હલાવી હા પાડે છે. માધવ: “વાત સાચી છે?”

સંતોષ: “ના... પણ તારા પપ્પા બહુ ગુસ્સે થયા છે... કાલે એમણે તને બહુ ફોન કર્યા... તેં એક પણ વખત જવાબ આપ્યો નથી... કાલે શંભુ અને એમની વચ્ચે ચાર કલાકથી પણ વધારે વાત થઈ છે... કાલે જ્યારે શંભુ અને એ છૂટા પડ્યા ત્યારે સેજલ અને તારી મમ્મીએ વિચાર્યું કે આજની રાત શાંતિથી પસાર થઇ જશે પછી તું બધુ બરાબર કરી લઇશ... એવું વિચારી બન્ને સુવા ગયા... તારા પપ્પા પણ સુવા ગયા... થોડી વાર પછી એમના મોબાઈલ પર ફોન આવ્યો... એ ફોન પર સામેવાળાને કહેતા હતા... સવાર સુધીમાં દરેક ન્યૂઝ ચેનલ પર આ સમાચાર આવી જવા જોઈએ... તારી મમ્મીને કોઈ શક ગયો એટલે એમણે તારા પપ્પાને પૂછ્યું પણ એમણે કોઈ જવાબ આપ્યો નહીં... હમણાં અડધા કલાક પહેલા એ ઊઠીને ટીવી જોવા લાગ્યા... ત્યારે એ બન્નેને ખબર પડી કે તને પાછો લાવવા માટે એમણે આ ખોટા સમાચાર ફેલાવ્યા છે...”

બધા શાંતિથી વાત સાંભળતા હતા. માધવ: “સંતોષ, મારા પપ્પાને નિયતિની અસલિયત ખબર પડી ગઈ છે... એમને એવી બીક છે કે હું એમની પાસે પાછો જઈશ નહીં... એટલે એમણે આ નાટક કર્યું છે...” કિશન સામે જોઈ બોલે છે: “અંકલ, આપણે અત્યારે જ અમદાવાદ જવા નીકળવું પડશે...”

કિશન: “તું એમની સાથે ફોનથી એકવાર વાત તો કરી લે... જેથી એ આ ન્યૂઝ તો બંધ કરે...”

માધવ: “ના... એમને થોડાક વધારે તડપવા દો… એમના કારણે ઘણાં લોકોએ અનેક રાતો રડી અને જાગીને વિતાવી છે... એમને થોડાક કલાક એ તડપનો અનુભવ થવા દો...”

પંદર મિનિટની અંદર વેરાવળથી બધા અમદાવાદ જવા નીકળે છે. અમદાવાદમાં સુહાસિની અને સેજલ બન્ને હર્ષદરાય સાથે વાત કરવાની કોશિશ કરે છે. પરંતુ હર્ષદરાય હંમેશાંની જેમ એ બન્ને સાથે ખુલ્લા દિલથી વાત કરતા નથી. માધવ અને સંતોષ છ કલાકની અંદર વેરાવળથી અમદાવાદ આવી પહોંચે છે. ઘરમાં પહેલા માત્ર માધવ આવે છે. એને જોઈ હર્ષદરાય ખુશ થઈ જાય છે. એને ભેટે છે. ત્યાં ઘરમાં બીજા બધાને આવતા જુએ છે. નિયતિને જોઈ એમનો ગુસ્સો એમની જીભ પર આવે છે.

નિયતિ તરફ આંગળી કરી હર્ષદરાય બોલે છે: “નાનકા... તું આ છોકરીને લઈને આવ્યો એ બહુ સારું કર્યુ... તને ખબર છે આ છોકરીએ અનુપની હત્યા કરી છે...”

માધવે વાત સાંભળી છતાં ના સાંભળી હોય એમ સુહાસિની પાસે જઈ એને ભેટે છે. પોતાની વાત પર માધવે ધ્યાન આપ્યું નથી એ જોઈ એમનો ગુસ્સો વધ્યો: “નાનકા, મારી વાત સાંભળીને પણ ના સાંભળી હોય એમ વર્તન કેમ કરે છે? આ છોકરીની હાલત મારે એટલી ખરાબ કરવી છે કે ફરી કોઈ છોકરી મારા પરિવાર સાથે દગો કરવાની હિંમત કરે નહીં... મારે મારા અનુપનો બદલો લેવાનો છે...”

સુહાસિની: “કેટલીય છોકરીઓ અને તેમના પરિવારનાં સભ્યોની હાય લાગી છે... તો પણ છોકરીઓ સાથેનાં તમારા વર્તનમાં સુધારો થતો નથી... મારા અનુપને એના કર્મોની સજા મળી છે... નાનકાને એની રીતે જીવવા દો... હું તમને હાથ જોડું છું...”

હર્ષદરાય સિંહની જેમ ગર્જના કરે છે: “સુહાસિની... તને કેટલી વાર કહ્યું છે તારે મારી બાબતમાં બોલવાનું નહીં... નાનકાની બધી જરૂરિયાત પૂરી કરવા માટે હું બેઠો છું...”

સુહાસિની: “તો પછી નાનકા અને નિયતિના લગ્ન કરાવી દો... એ બન્ને એકબીજાને બહુ પ્રેમ કરે છે...”

હર્ષદરાય હાથ ઉગામે છે. માધવ માતા-પિતાની વચ્ચે ઊભો રહે છે: “પપ્પા, હું સાચે નિયતિ સાથે લગ્ન કરવા માંગુ છું... હું એને ખૂબ પ્રેમ કરું છું... અને એ પણ મને એટલો જ પ્રેમ કરે છે...”

હર્ષદરાય: “નાનકા, કોઈ છોકરી પ્રેમ કરતી નથી...” નિયતિ સામે જોઈ બોલે છે: “તમે સ્ત્રીઓ બસ તમારો સ્વાર્થ જુઓ છો... પુરૂષોની લાગણી સાથે ગંદી રમત રમો છો... અનુપની હત્યા કરીને તારો જીવ ભરાયો નથી... નાનકાને પ્રેમની ખોટી વાતો કરીને ભરમાવું છું... પણ તારા કોઈ મનસૂબા પાર પડવા દઇશ નહીં... તારી દશા હું બગાડી નાંખીશ...”

માધવ: “પપ્પા, તમારી અને મોટાભાઈની આ આદત છોડાવવા માટે મેં બનતા બધાજ પ્રયત્ન કર્યા... પણ તમે સમજી શકતા જ નથી; કે સ્ત્રીઓ રમકડું નથી... તમારી સ્ત્રોઓ પ્રત્યેની નફરત મોટાભાઇને વારસામાં આપી… શું મેળવ્યું તમે બન્નેએ... શું કામ તમે સ્ત્રીઓને નફરત કરો છો ?”

હર્ષદરાય: “નાનકા, તું તારા બાપ જોડે વાત કરુ છું તેનું ભાન રાખજે... તારા અને અનુપના બધાજ સપના પૂરા કર્યા છે મેં... અનુપ મને સારી રીતે સમજી શકતો હતો, બિલકુલ મારો પડછાયો બનીને રહ્યો હતો... અને તું આ મામૂલી હત્યા કરતી છોકરીનાં માટે મારી સાથે જીભાજોડી કરે છે...”

સુહાસિની: “આજે મારે એક વાત જાણવી છે... તમારે બતાવવી પડશે... તમે સ્ત્રીઓને આટલી નફરત કેમ કરો છો?”

માધવ: “હા... પપ્પા... એ વાત તો મારે પણ જાણવી છે...”

હર્ષદરાય: “બધી સ્ત્રીઓ પ્રેમનું નાટક કરે છે... કામિની પણ મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી...”

સુહાસિની ગુસ્સામાં બોલે છે: “હર્ષદરાય... તમે મૂરખ છો...”

હર્ષદરાય: “સુહાસિની... મારૂ નામ લઈને બોલે છે અને મને મૂરખ કહે છે...”

ઘરમાં આ વાતો ચાલતી હોય છે ત્યારે એક અજાણ સ્ત્રી ઘરમાં આવે છે. એ સ્ત્રી આવીને બોલે છે: “હર્ષદ... સુહાસિની સાચું કહે છે... તું એક નંબરનો મૂરખ છે...”

એ સ્ત્રીને જોઈ હર્ષદરાય ફરી એકવાર સુન્ન થઈ જાય છે.

ક્રમશ: