Tran Vikalp - 39 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 39

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૯

હર્ષદરાય દયામણો ચહેરો કરીને સુહાસિની સામે જુએ છે. મનમાં વિચારે છે ‘આ સ્ત્રીને મેં કેટલી હેરાન કરી છે. કોઈ દિવસ પત્ની તરીકેનું માન નથી આપ્યું. એ સ્ત્રી અત્યારે મને સાથ આપવા માટે ઉભી છે. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. મેં ખરેખર સ્ત્રીઓને સમજવામાં ભૂલ કરી. સ્ત્રીઓનો પ્રેમ સમજવા માટે તો આખી ઉંમર ઓછી પડે. મેં મગજમાં શું બધું ભરીને આખી જિંદગી સ્ત્રીઓને નફરત કરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ અને માફી ના મળે એવા અનેક અપરાધ થયા.’

હર્ષદરાય વારાફરતી સુહાસિની, કામિની અને નિમિતાની તરફ જોતા હતા. નિમિતા હજુ પણ અનુપના ફોટાને જોઈ રડતી હતી. હર્ષદભાઈ વિચારે છે કે અનુપે આ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી, તે છતાંય આ છોકરી એને હજુ પ્રેમ કરે છે.

કામિનીની માફી માંગવા હર્ષદરાય તેની સામે આવે છે. કામિની દૂરથી જ હાથ ઊંચો કરી એમને રોકે છે: “હર્ષદ, મારી માફી તને અત્યારે નહીં મળે... જેટલી છોકરીઓની તેં જિંદગી બરબાદ કરી છે એ બધી છોકરીઓની માફી પહેલા માંગ... એ લોકોની જિંદગી સુધારી પછી મારી પાસે આવજે... ત્યાં સુધી મને તારું મોઢું બતાવીશ નહીં... ત્યાં સુધી હું તને માફી પણ આપીશ નહીં...” આટલું બોલી કામિની જવા લાગે છે.

માધવ એને રોકે છે: “આંટી પ્લીઝ... આ રીતે તમે ના જશો... પપ્પા, આંટી કહે છે એમ બધી છોકરીઓની માફી માંગવા તૈયાર થઈ જાવ...”

હર્ષદરાય: “નાનકા હું બધી છોકરીઓની માફી માંગીશ... છતાં મારો અનુપ મને પાછો મળશે નહીં... મેં મારા હાથે મારા દીકરાની જિંદગી બરબાદ કરી છે... અનુપની માફી હું કેવી રીતે માંગીશ?”

માધવ: “પપ્પા કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે... ભાઈની જિંદગી તમે બરબાદ કરી છે, તો ભાઈની માફી પણ તમારે જ માંગવી પડશે...”

હર્ષદરાય: “હા હવે તો ભગવાનના ઘરે જઈને પહેલાં અનુપની માફી માંગવી છે...”

માધવ: “એના માટે તમારે ભગવાનના ઘરે જવાની જરૂર નથી... બસ પાછળ ફરીને જુઓ...”

હર્ષદરાય પાછળ જુએ છે. આનંદ અને ધ્રુવ વ્હીલચેર લઈને આવ્યા હોય છે. હર્ષદરાય વ્હીલચેર પર બેઠેલા માણસને ધારીને જુએ છે. એ માણસ અનુપ છે એવી ખાતરી થાય છે એટલે એ એની નજીક આવે છે: “નાનકા આ તો આપણો અનુપ છે!”

બધાના ચહેરા પર સહેજવાર માટે હલકી ખુશી આવે છે. વ્હીલચેર પર અનુપ ખુલ્લી આંખોએ કોમાની ગાઢ નિંદ્રામાં હતો અને નિમિતા ફોટાને છાતીએ વળગાડીને રડતી હતી. શુભ હજી પણ નિમિતાની બાજુમાં બેસી રડતો હતો. બધાને અનુપ અને નિમિતાની દશા જોઈ દુ:ખ થાય છે. શુભને માતાની હાલતની ખબર પડતી હોય એમ રડતો જોઈ વધારે દુ:ખ થાય છે. વાસંતી આવી શુભને લે છે.

માધવ વ્હીલચેર લઈ નિમિતા તરફ જાય છે. નિમિતાની નજીક આવી નિયતિ એના હાથમાંથી ફોટો ખેંચે છે. નિમિતા ફોટો ફિટ પકડી રાખે છે. માધવ ત્યાં સુધી વ્હીલચેર નજીક લાવ્યો હોય છે. નિયતિ ફરી નિમિતા પાસે આવે છે: “દીદી... જો ને કોણ આવ્યું છે...”

નિમિતાની દુનિયા બસ ફોટામાં ખોવાઈ હતી. માધવ વ્હીલચેર બિલકુલ નિમિતાની સામે ઊભી રાખે જેથી અનુપની નજર એના પર પડે. થોડીવાર રૂમમાં સન્નાટો છવાઈ જાય છે. અનુપ અને નિમિતાની નજર એક થાય ત્યારે શું થશે એ વિચાર દરેકના મનમાં આવે છે. નિમિતા ભાનમાં હોવા છતાં ભાનમાં નહોતી અને અનુપ બેભાન હોવા છતાં ભાનમાં હતો.

અનુપની નજર નિમિતા પર પડે છે. એની નિસ્તેજ આંખોમાં ચમક આવે છે. હાથની આંગળિયોમાં થોડું હલનચલન થાય છે. ચાર મહિનાથી શરીરમાં કોઇ હલનચલન થયું ન હોવાથી આંગળીઓ હલી શકતી નથી. અનુપ તેનું ડોકું હલાવવાની કોશિશ કરે છે. પરંતુ નિમિતાની નજર એના પર પડતી નથી. એ બસ ફોટો જોયા કરે છે. માધવ બન્નેની વચ્ચે બેસી જાય છે. બીજી બાજુ માધવની સામે નિયતિ પણ બેસી જાય છે.

માધવ: “ભાઈ તું જો આ કોણ છે?”

અનુપ એનો હાથ ઊંચો કરવાની કોશિશ કરે છે, પણ થઇ શકતો નથી. નિયતિ ફરી પૂરી તાકાત સાથે ફોટો ખેંચે છે. ફોટાના બે ટુકડા થઈ જાય છે. નિમિતા ગુસ્સે થઈ જાય છે અને નિયતિને હડસેલો મારે છે. ચીસ પાડી ‘અનુપ’ બોલી ફોટાના બન્ને ટુકડા લેવા હાથ લંબાવે છે. નિયતિ ફોટાના બન્ને ટુકડા બિલકુલ અનુપના ચહેરા આગળ લાવી અટકી જાય છે. નિમિતાની નજર જેવી બન્ને ટુકડા પર પડે છે તરત નિયતિ ફોટાના બન્ને ટુકડાને અનુપના ખોળામાં મૂકે છે. નિમિતાની નજર અનુપના ખોળા પર પડે છે. અનુપની આંખોમાં આંસુ વહેવાના શરૂ થયા હોય છે. એક ટુકડો એ એના હાથ નીચે દબાવવા માથે છે. નિમિતા બેઠી બેઠી બે ડગલાં આગળ આવે છે. ત્યાં સુધી અનુપે બધી તાકાત એકઠી કરી એક ટુકડો હાથ નીચે દબાવી દીધો હતો. બીજો હાથ ઊંચો કરી નિમિતા તરફ લંબાવવા જતો હોય છે. માધવ એનો હાથ પકડી મદદ કરે છે. અનુપનો એક હાથ ફોટા ઉપર અને બીજો હાથ નિમિતાના માથા સુધી પહોચે છે. નિમિતાનો એક હાથ પકડી નિયતિ અનુપના હાથમાં મૂકે છે. નિમિતાને જાણીતા સ્પર્શનો અનુભવ થયો હોય એમ હાથ ફિટ પકડી લે છે. બીજા હાથે પણ અનુપનો હાથ પકડે છે. અનુપનો હાથ જોતાં જોતાં ધીરેથી એ એનો ચહેરો જુએ છે. અનુપને ઓળખાતા એને સહેજ પણ વાર થતી નથી. નિમિતાના શરીરમાં અનુપને જોઈ એક નવો જુસ્સો આવે છે. એ ઊભી થઈ એના બન્ને હાથથી અનુપની છાતી પર મુકકીઓ મારવાનું શરુ કરે છે.

નિયતિ: “દીદી... આ એ જ અનુપ છે જેણે તારા પર અનેક અત્યાચાર કર્યા હતા... આજે એને છોડીશ નહીં...” નિમિતા જેટલી તાકાત આવે છે એટલા જોરથી ઉપરાછાપરી મુક્કી મારતી રહે છે. અનુપ પણ જાણે એનો માર ખાવા માંગતો હોય એમ એની આંખમાંથી આંસુ બંધ થાય છે અને ચહેરા પર હાસ્ય આવવા લાગે છે. નિમિતા અટકે છે એટલે અનુપ એનો હાથ પકડે છે. નિમિતા હાથ છોડાવવા માથે છે પણ એ એનો હાથ છોડતો નથી. ઝપાઝપીમાં નિમિતા વધારે તાકાતથી હાથ ખેંચે છે. અનુપ ખુરશી પરથી નીચે પડે છે. હર્ષદરાય એને પકડવા આગળ આવે છે. માધવ હાથ ઊંચો કરી એમને રોકે છે.

નિયતિ: “દીદી... જોઈ શું રહી છું... હજી વધારે માર એને... રોકાઈ કેમ ગઈ...”

નિમિતાનો હાથ હજી પણ અનુપના હાથમાં હતો. અનુપ તાકાત લગાવી નિમિતાને નીચે ખેંચે છે. નિમિતા જમીન પર ફસડાય છે. અનુપ ધીરેથી એનું માથું નિમિતાનાં ખોળામાં મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. નિમિતા પણ અનુપના માથા પર પોતાનું માથું મૂકી રડવા લાગે છે. ત્યાં હાજર દરેકની આંખોમાં હરખના આંસુ આવે છે.

વાસંતીનાં હાથમાંથી શુભને લઈ માધવ એ બન્નેની સામે બેસાડે છે. શુભને પણ જાણે ખબર પડી ગઈ કે એના માતા-પિતા એને ભૂલી જશે. એના નાના હાથથી એ બન્નેને વ્હાલ કરવા લાગ્યો. બન્નેનું ધ્યાન એના તરફ ના ગયું તો એ અનુપની છાતી પર એનું માથું મૂકી હસવા લાગ્યો. એનો અવાજ સાંભળી નિમિતા એને પોતાના ખોળામાં લે છે. અનુપ એને જોયા કરે છે એટલે નિમિતા એક હાથ પોતાના પેટ પર મૂકી ઈશારો કરે છે. અનુપ પણ સમજી ગયો હોય એમ શુભને વ્હાલ કરવા લાગે છે.

હર્ષદરાય જોડે આવી માધવ કહે છે: “જોયું પપ્પા... પ્રેમમાં કેટલી તાકાત હોય છે...”

હર્ષદરાય બન્ને આંખો સાફ કરી સોફા પર બેસે છે: “સુહાસિની... કંસારનું આંધણ મૂકજો... આજે સાચા અર્થમાં આ ઘરની લક્ષ્મી, દીકરો અને પૌત્ર આવ્યા છે...” માધવ સામે જુએ છે: “નાનકા... મેં સેજલ અને એંજલને પણ ખૂબ દુ:ખી કર્યા છે...”

માધવ પિતા પાસે જઇ બેસે છે: “પપ્પા અત્યારે તમારા ભૂતકાળમાં લીધેલા અનેક નિર્ણય બધી તકલીફનું કારણ છે... અતિતના ખોટા પગલાં વર્તમાન પર ભારે પડ્યા છે. તો અત્યારે લીધેલા સારા નિર્ણય ભવિષ્યમાં સારું પરિણામ આપશે... આજથી તમારા માટે ભવિષ્ય બીજું કશું નથી પપ્પા... તમારા આજના લીધેલા નિર્ણયનું ફળ હશે...”

નિમિતા અને અનુપ થોડા સ્વસ્થ થયા હતા. બધા રૂમમાં જ્યાં ઠીક લાગે ત્યાં એક પ્રકારની શાંતિનો અનુભવ કરતાં બેસે છે. આગળ શું કરવું હવે એના પર ચર્ચા થવા લાગી હતી. સુહાસિની ખુશીથી રસોડા તરફ આગળ વધી હતી. નિયતિ અને વિદ્યા એમની મદદ માટે ગયા હતા. સેજલ અને સંતોષ ક્યારના એકબીજાનો ચહેરો જોયા કરતાં હતાં.

હર્ષદરાય સૌથી પહેલા અનુપ પરણેલો છે અને સેજલને અન્યાય થયો છે તો આ બાબત કેવી રીતે થાળે પાડી શકાય એ વાતનો ઉલ્લેખ કરે છે. સેજલ અને સંતોષ બન્ને એકસાથે માધવ સામે જુએ છે. માધવ પણ એ બન્ને સામે જુએ છે: “પપ્પા... સેજલ અને એંજલ આપણી કોઈ સમસ્યા છે જ નહીં...”

હર્ષદરાય દીકરા તરફ અને સેજલ સામે જુએ છે. એટલામાં ઉપરથી એંજલ નીચે આવતી દેખાય છે. એંજલ ઘરમાં વધારે લોકોને જુએ છે અને સીડીઓ પર અટકી જાય છે. એની નજર સેજલને શોધતી હોય છે. પણ એને પહેલા અનુપ દેખાય છે.

એંજલ દોડતી અનુપ પાસે આવે એને ભેટે છે: “પપ્પા... તમે ક્યાં જતાં રહ્યા હતા?”

અનુપ પોતાની દીકરીને છાતીએ લગાવે છે. સેજલને શોધી ઈશારો કરી પાસે બોલાવે છે. એના બન્ને હાથ જોડી સેજલનાં પગ આગળ નમી પડે છે. સેજલ એને ખભેથી પકડી ઊભો કરે છે. એંજલ અને અનુપ બન્નેને સોફા પર બેસાડે છે. નિમિતાને ઊભી કરી શુભને તેડે છે. એ બન્નેને પણ અનુપની બાજુમાં સોફા પર બેસાડે છે.

સેજલની આ ગતિવિધિ જોઈ અનુપ અને હર્ષદરાય સમજી શકતા નથી કે શું કરવું જોઈએ.

ક્રમશ: