Laalni raninu aadharcard - 19 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯

‘શું નામ છે તમારું?'
થોડીવાર લાલસિંગ સામે જોઈને પેલી સ્ત્રી બોલી,

‘રાણી’

રાણી જાદવ. શ્યામ વર્ણ ધરાવતી બાવીસથી ચોવીસ વર્ષની આસપાસની ઉંમર. શહેરને છેડે આવેલી શ્રમિકવર્ગની બેથી ત્રણ હજારની વસ્તીના વિસ્તારમાં આવેલાં એક કાચા મકાનની ઓરડી, એ રાણીનું રહેણાંક. જયારે રાણીની ઉંમર દસેક વર્ષની હશે ત્યારે અચાનક આભ ફાટ્યું હોય એવા પ્રચંડ વિનાશકારી પૂરના પ્રકોપમાં શહેર અને તેની આસપાસના વિસ્તારને ધમરોળીને કુદરતે જે કાળો કેર વર્તાવ્યો હતો, એ હૈયાં વલોવી નાખે તેવી હોનારતમાં રાણીના માતા-પિતાએ જાન ગુમાવી દેતાં અબુધ રાણી અનાથ થઇ ગઈ. પેટની ભૂખ અને વાત્સલ્યની ઉણપની સાથે સાથે શરુ થયા રાણીની જીવન સંઘર્ષના બોધપાઠ. સમય જતાં રાણીની વયના પ્રમાણ કરતાં વધુ તેના યૌવનમાં આવેલાં ઉભારો પર રાણી કરતાં આસપાસના લોકોનું વધુ ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું. શરૂઆતનાં દિવસો તો નાની મોટી છૂટક મજુરી કરી કે માંગી ભીખીને દિવસો પસાર કરતી રહી. પણ જે દિવસે ખબર પડી કે દુનિયામાં પેટની ભૂખ કરતાં બીજી એક શરીરની પણ ભૂંડી ભૂખ છે, એ સમજણ આવતાં જીવન કેટલું દોજખ જેવું દુશ્વાર છે, તેનો આંશિક અંદાજો રાણીને આવવા લાગ્યો. એ પછી જેમ જેમ ધીમે ધીમે જિંદગી સંઘર્ષની એરણ પર ઘસાતી ગઈ તેમ તેમ તેની તરલબુદ્ધિથી તુલના કરતાં સમજણની તીક્ષ્ણતા તેજ થઇ ગઈ. રાણીએ તેના જોબનને જ તલવાર અને ઢાલ બનાવી જુગાર જેવી જિંદગી સામે ખેલ પાર પાડવાનું નક્કી કર્યું. એક આકસ્મિક મુલાકાતમાં તેના જ વિસ્તારમાં રહેતાં રણજીત સાથે પરિચય થયો. જેટલું કુતરાને હાડકું વ્હાલું એથી વધુ રણજીતને પૈસો વ્હાલો હતો. રૂપિયા માટે ગુનાહિત કાર્ય સિવાય કોઈપણ કામ કરવા રણજીત અડધી રાત્રે પણ તૈયાર થઇ જતો.

રાણીની ફાટફાટ થઈ રહેલી ભરજુવાનીનો લટકાવેલા ગાજરની માફક ઉપયોગ કરી, શોર્ટકટ મારીને મેરેથોન જેવી જિંદગીની રેસમાં કઈ રીતે આસાનીથી વિકટરી લાઈન ક્રોસ કરી શકાય, તેવી ફિલોસોફીની ફૂંક રણજીતે રાણીના કાનમાં મારીને તેની દેશીમાં સમજાવી દીધી. પણ..આઝાદ રાણીની એક શર્ત હતી કે તે ક્યારેય કોઈપણ સંજોગોમાં, કોઈપણ કિંમતે, કોઈને પણ તેના શરીરને હાથ સુદ્ધાં નહીં લાગવવા દયે.

રાણીની અપેક્ષાની મહત્તમ ચરમસીમા તેની આજીવિકા પુરતી જ માર્યાદિત હતી. અને રણજીતના મેલાં મનની એક જ મલીન મુરાદ કે, જે દિવસે તેણે નિર્ધારિત કરેલી આર્થિક રકમ સાથે એ સ્થાયી થઇ જાય તો રાણીને તેના દિલની રાણી બનવવાવી એકમાત્ર પ્રબળ ઈચ્છા હતી.

એ સમય દરમિયાન એક દિવસ જેવા રણજીતના કાનમાં લાલસિંગની વાતના વાવડ પડ્યા. પણ રણજીતને લાલસિંગનું નામ નહતું ખબર. પણ કોઈ મોટા શેઠને કોઈ સ્ત્રી બાળક પેદા કરીને આપે તેની સામે સારી એવી મ્હોં માંગી મોટી રકમ આપવાની કંઇક વાત છે. એટલી ખબર હતી. એટલે તરત જ રાતોરાત લખપતિની સાથે સાથે અને રાણીના પતિ બનવાના મનોરથનો માંડવો નાખવા માંડ્યો.

રાત્રે જમી લીધા પછી નિરાંતે રાણીની ઓરડીમાં જઈ તેની સામે બેસીને કઈ ચતુરાઈ કરીને ચુંગાલની ચોપાટના ચોકઠાં ફેંકવા, એ વિચાર્યા પછી રણજીત બોલ્યો.

‘એ... રાણી ઓલી વાર્તા તો હાંભરી છે ને તેં?’
‘કઈ વાર્તા?
‘ઓલી, એક ઘા મારીને મરઘીના સોનાના હંધાય ઈંડા એક જ રાતમાં હોંહરવા કાઢી નાખવાની વાર્તા.’
‘હા, તો ઈનું શું છે?' રાણીએ પૂછ્યું.
‘એક મરઘી મારા નજરમાં આવી છે.’ રણજીત બોલ્યો.
‘એલા તું આ ગોળ ગોળ વાતું કરવાનું બંધ કરીને મૂળ વાત પર આવ તો મારા ભેજામાં કાંક ઉતરે.’ રાણી બોલી.
એક મોટા શેઠને ઘેર સેર માટીની ખોટ છે, તો વાત એવી છે કે કોઈ બાઈ તેની કોખ ઉછીની આપીને તેના ખાનદાન હાટુ છોકરું પેદા કરી આપે તો...એ શેઠ મ્હોં માગી રકમ આપવાં તૈયાર છે.’


‘તો ઈમાં આપણે શું કરીએ?' રાણીએ પૂછ્યું.

હવે રણજીત થયું કે, કઈ રીતે ફોડ પાડીને રાણીને સમજાવું કે સોનાના ઈંડા માટે મારી મનગમતી રાણી ને જ મરઘી બનાવવાની છે.

છતાં સ્હેજ બીતાં બીતાં હિંમત એકઠી કરીને રણજીત બોલ્યો,
‘એલી રાણી.. તું રોજ ઉઠીને કો'ક દાણા નાખે ત્યારે ચણવા જાય, ઇના કરતાં આ મોટા શેઠ તું જીવે ત્યાં લગણ દાણાથી તારું ઘર ભરી દે તો ઈમાં ખોટું શું છે?'

બીજી જ પળે રણજીતના દિમાગમાં ખદબદતા રાણીના ચરિત્રને ચૂસીને ચૂંથી નાખવાના ચિત્રનો ચિતાર રાણીની સમજણની દ્રષ્ટિ સામે સ્પષ્ટ થઇ જતાં...

‘એ... ભડવા... હમણાં આ ચામડાનું ચપ્પલ એવું ઠોકી દઈને તારા થોબડાં પર. આખો જન્મારો કોઈને ચોકઠું દેખાડવા જેવું નઈ રે' હમજ્યો? હાળા હલકટ... હટ અઈથી.’

જેમ કોઈ ઈમાનદાર અમલદાર લાંચની ઓફર સાંભળીને ભડકે એમ રાણી તેના સ્વભાવગત તેવરથી છંછેડાઈ જતાં, રણજીતને થયું કે હવે આ કોપાયમાન કન્યા થોડી કૂણી પડે પછી આ જ ટ્રેલર ફોર કે એચ.ડી કવોલીટીમાં બતાવીને છેલ્લી વાર ટ્રાય કરું તો કદાચ આખી ફિલ્મ બની જાય.

થોડીવાર બન્ને ચુપ રહ્યાં. રણજીતને લાગ્યું કે હવે રાણીનો ઘુઘવાટ થોડો ધીમો પડ્યો છે, એટલે બોલ્યો,

‘જો .. રાણી પે'લા તું તારી તુંબડીની તપેલી તપાવ્યા વગર મારી વાત હાંભરી લે. પછી હું કઈ નઈ બોલું. બસ? આ જે મેં તને વાત કરી ઈ માતર વાત નથ. રાતોરાત આખુ આયખુ ધનના ઢગલામાં આળોટવાનો ચમત્કાર જેવો ચાનસ છે. વે'તી ગંગામાં હંધાય હાથ ધોવા લેનમાં ઉભાં છે. અને તને તો હાથ ધોવડાવવા ગંગા જ તારી ઘેર આવી છે. ઈમ હમજી લે. આ રોજ પેટનો ખાડો પુરવા ધોમ ધગતા તાપમાં દેહ બાળવો, ઈના કરતાં એક જ વાર બંધ બારણે બે ઘડી દેહ બાળીને આખા જીવતરની ટાઢક મલતી હોય તો ઈમા ખોટુ શું છે? અને જો એ શેઠ આપણે ક્યે ઈમ, આપણે જે શરત મુકીએ ઈમ, મરતા સુધી આપણે ક્યે ન્યા, રેવાની અને રોટલાપાણીની ગરનટી ઈના ગળે લેતો હોય તો પછી, આ તો જાણે રામાપીર રીજ્યા હોય ઈવી વાત થઇ. ટાલને ટાઢી પાડીને વચારજે. જીવતર ભરનો ટેસડો પડી જાય એવો ચાનસ છે. અને તું ના પાડેય તોય ખોટ તને જાહે. બાકી બીજી કોઈપણ બે ઘડીક અંધારું કરીને શેઠની અને એનું આખું આયખુ રંગીન કરી જ લેહે.’


આટલું બોલીને ફટાકડામાં પલીતો ચાંપ્યા પછી ફૂટશે કે નહીં તેવા ડર સાથે રણજીત ચૂપ થઇ ગયો.
‘તું હમણાં મારી ડગી ગયેલી ડગરીના ડાકલાં ન વગાડ. હાલ તું હાલતો થા. મારે સુવાનો ટેમ થય ગ્યો છે.’ એમ કહીને રાણીએ સ્વીચ ઓફ કરીને ઓરડીમાં ઝીણો પ્રકાશ ફેકતા એક બલ્બની રોશનીને અંધકારમાં ફેરવી દીધી.

અને... બહાર નીકળતા, એ અંધારા સાથે રણજીતના અરમાનની ઓરડીમાં પણ અંધારું છવાઈ ગયું.

અંધારી ઓરડીના ખાટલે પડી રાણીના દિમાગમાં દસ્તક દીધા, રણજીતની બેધારી તલવાર જેવી વાસ્તવિક જિંદગીના ટકોરાબંધ નગ્ન સત્યના પહેરેદારે!
રાણીએ અસમંજસમાં પડેલી જાતને ઢંઢોળતાં પૂછ્યું, કે સાચે જિંદગીમાં એવું કઈ જાદુમંતર થાય કે આપણા મરસિયા ગવાય ત્યાં સુધીની આધિ, વ્યાધિને ઉપાધિનો ઉકેલ એક ઝાટકે આવી જાય? આમ જુઓ તો બે વખતના પેટનો ખાડો પુરવા કરતાં, વાસના ભૂખ્યા વરુ જેવા બેપગાળા જનાવરથી જાતને બચાવીને જીવાતું જીવતર નરકથી પણ બદતર છે. અને અંતે બેમોઢાળી દુનિયા જવાબદારી ઝાટકીને એમ જ કહે કે.. ઈ બાઈનો જ કઇક વાંક હશે.

નિરાધાર થયાં પછી આજે ભર જુવાનીમાં પ્રવેશેલી કાયાને સાચવવામાં, ભૂતકાળમાં થયેલા અનેક ઘૃણાસ્પદ ઘટનાઓની એક હારમાળા રાણીની નજર સમક્ષ તરી આવી.

ક્યાં સુધી સાચવીશ આ કાયાને? અને કોનાં માટે? અને જેના માટે સાચવીશ, એ જ મને અંધારા રાખીને મારો સોદો નહીં કરી નાખે તેની કઈ ખાતરી? કોઈની સાથે ઘર માંડીને જુગાર રમું, તેના કરતાં એક જ વાર પહેલેથી જીતેલું અને જોખમ વિનાનું જુગટું કેમ ન રમાય? એ પણ આપણી શરતે.

પણ... એ પછી? હું ક્યાં જાઉં? જો આ સવાલનો સંતોષકારક અને સલામતીભર્યો ઉત્તર મળે, તો એકવાર લૂગડાં ઉતારવામાં શેની શરમ? મહાયુદ્ધ જેવા આટલાં મનોમંથન પછી જોશમાં આવીને સ્વેચ્છાએ, તન અને મનથી નગ્ન થવાની પ્રબળ ઈચ્છા પર મનોમન રાણીએ મહોર મારી જ દીધી.

બીજા દિવસે એક શરતે રણજીતને વાત કરી કે, એ શેઠ મારી તમામ શરતોને આધીન થશે તો જ હું તેને આધીન થઈશ. એ પછી છેક લાલસિંગનું તળ શોધી, તેની શરત મુજબ રણજીત આજે રાણીને લઈને આવ્યો હતો લાલસિંગ પાસે.


‘તમને વાંધો ન હોય તો ઘૂમટો હટાવી શકો છો.' સ્હેજ શરમાતાં લાલસિંગે કહ્યું.

એટલે તરત જ પેલી સ્ત્રીએ ઘૂમટો હટાવી લીધો.
લાલસિંગ, તેની જિંદગીમાં પ્રથમવાર કોઈ પર સ્ત્રી સાથે આ રીતે વાત કરી રહ્યો હતો. એક જ પળમાં તે સ્ત્રીના ચહેરા પરથી લાલસિંગે નજર હટાવી લીધી. એ પછી થોડો સ્વસ્થ થઇને લાલસિંગે શરતો સાથેની માંગણીની સવિસ્તાર વાત રજુ કર્યા પછી પૂછ્યું.
‘શું નામ છે તમારું?'
થોડીવાર લાલસિંગ સામે જોઈને પેલી સ્ત્રી બોલી

‘રાણી’

‘શું કરો છો?

‘મજૂરી.’ રાણી બોલી.

‘મારી શરતો તમને ખબર છે?’ લાલસિંગે પૂછ્યું.
‘મારી શરતનું શું?' રાણીએ સામો સવાલ કર્યો.
‘શું શરત છે તમારી બોલો? ‘ લાલસિંગે પૂછ્યું.
એટલે રણજીતને ખ્યાલ ન આવે તેમ રાણીએ, ઇશારાથી લાલસિંગને સંકેત આપ્યો કે આ સી.સી.ટી.વી. અહીં થી હટાવો પહેલાં.


‘તું થોડીવાર બહાર બેસ હમણાં, હું બોલવું પછી આવજે.' રણજીતને ઉદ્દેશીને લાલસિંગ બોલ્યા.

‘એ હો.’ કટાણું મોઢું કરીને રણજીત બહાર આવતાં મનોમન બબડ્યો, કે એલા હું અહીં કઈ ઈના ખાનદાની ખજાનાના ભાગલામાં ભાગ લેવા આવ્યો છું?'


‘હા, બોલો.’ લાલસિંગ બોલ્યા.
‘ના, પહેલાં તમારી શરતો બોલો. એમાં કંઈ ઘટશે કે ગળે નહીં ઉતરે તો હું બોલીશ.’
રાણી સ્હેજ પણ નર્વસ થયા વગર બોલી.

ખુરશી તરફ ઈશારો કરતાં લાલસિંગ બોલ્યાં
‘અહીં બેસો, કહું છું. ચા-કોફી કૈક લેશો?’
ખુરશી પર બેસતાં રાણી બોલી, ‘ના.’ એ પછી મનોમન હસતાં બોલી,

આ શેઠ જે રીતે મને માન, સન્માન અને આદર આપીને વાતચીત કરે છે, તે જોતા રાણીને થયું કે કયાંય મને તેના ઘરમાં બેસાડવાનો તો પ્લાન નથીને? કારણ કે કોઈ પુરુષે આવી નજર અને ઈજ્જત સાથે રાણી જોડે વાત નહતી કરી. અને સૌથી મોટી વાત એ હતી કે, એક એવી સ્ત્રી કે જે સામેથી તેનું શરીર સોંપવા આવી છે તેની જોડે ‘આપ’ કહીને વાત કરે છે. એ વાત લાલસિંગની ખાનદાની છતી કરતી હતી.

‘આપના પરિવારમાં કોણ કોણ છે? અને આ પગલું તમે પહેલી વાર...?’ એટલું બોલીને લાલસિંગ અટકી ગયો.

એ પછી ટૂંકમાં રાણીએ તેની આપવીતી કહી સંભળાવી. અને અહીં આવવાનું પ્રયોજન પણ.

રાણીની વાત સાંભળીને લાલીસિંગને ખૂબ નવાઈ લાગી. એકવાર તો એમ થયું કે, આ વ્યક્તિ સંજોગનો શિકાર છે. નહીંતર આ જેટલી દેખાય છે એટલી સામાન્ય તો નથી જ.
થોડીવાર ચુપ રહીને લાલસિંગ બોલ્યા..

‘ઠીક છે, હવે ધ્યાનથી સાંભળો. આપણી વચ્ચે એક જ વખતના શારીરિક સંબંધ પછી જો બાળકની અવતરવાની ખાતરી થઇ જાય તો... જ્યાં સુધી એ બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમારે મારા ફાર્મ હાઉસ પર તમને જોઈતા મદદગાર વ્યક્તિની વચ્ચે તમારે રહેવું પડશે. તમારી બધી જ જરૂરિયાત અને સગવડ પૂરી પાડવામાં આવશે. એ પછી...તમારે અહીંથી એટલું દૂર જતું રહેવાનું છે, કે જ્યાં તમને તમારો પડછાયો પણ ઓળખી ન શકે. એ સઘળી વ્યવસ્થા કરી આપવાની જવાબદારી મારા શિરે. એ સિવાય તમારી આજીવન આજીવિકાની સંપૂર્ણ બાહેંધરી પણ હું આપું છું. અને તે ઉપરાંત તમે જે રકમ કહો એ પણ. પણ..... આ બધું જ આવનારા વારસના અવતરણ પર આધારિત છે... બીજી એક વાત... જો તમે મને બાળક નહીં આપી શકો, તો પણ...મેં હમણાં જે કહ્યું તેનાં તમે હક્કદાર છો જ.’


એક સેકન્ડ માટે રાણીને થયું કે હું કઈ દુનિયામાં આવી ગઈ છું આ વ્યક્તિ બોલે છે એ ખરેખર વાસ્તવિકતા છે કે મારી ભ્રમણા? શું બોલવું હવે? અપેક્ષા હતી જીવનભરના બે ટંકના રોટલાની અને આને તો છપ્પન ભોગના અન્નકૂટના થાળની લાઈન લાગવી દીધી.


‘જી, હવે આપની શરતો બોલો.' લાલસિંગ બોલ્યા.
સ્હેજ ભીની આંખોની કોરે રાણી બોલી,

‘શેઠ, તમે જેટલું આલશો ઇવડું. મોટું મારી પાસે પાતર નથ. બસ એટલું આલજો કે ફરી કોઈની આગળ લૂગડાં ઉતારવા ન પડે. બસ.’

કાચા ખોરડામાં રહેતી એક અભણ સ્ત્રીની મજૂબત મનોબળ સાથેની ખાનદાની જોઇને લાલસિંગને તેના પર માન થઇ પડ્યું.

ત્યારબાદ બધું જ બન્નેની સહમતી સાથે મંજૂર થઇ ગયા પછી આવતીકાલે નક્કી કરેલા સમય અને સ્થળ પર રાણીને આવી જવાની સૂચના આપ્યા બાદ બંને છુટ્ટા પડ્યા.
તે રાત્રે... મોડી રાત સુધી રાણી સુઈ ન શકી. લાલસિંગની નજર અને વાતો પરથી વર્ષોથી ભૂતકાળમાં અનેક પુરુષો દ્વારા બિભત્સતાની હદ વટાવીને થયેલા જાત અનુભવ પરથી રાણીનાં દિમાગમાં પુરુષ પ્રત્યે ઘર કરી ગયેલી ગ્રંથિની ગાંઠ આજે છૂટી ગઈ. લાલસિંગને તેના સામ, દામ, દંડ અને ભેદના મદમાં રાણીને ભોગવી લેવાની લેશમાત્ર લાલસા લાલસિંગની આંખોમાં નહતી દેખાઈ. અને હવે રાણીએ મનોમન નક્કી કરી લીધું હતું કે આવતીકાલે તેની જિંદગીનો એ પ્રથમ અને અંતિમ ઉપભોગ હશે. એ તેના કૌમાર્યભંગ અને શરમાળ લાલસિંગ સામે બેશરમ થઈને માણી લેવાની મનોસૃષ્ટિમાં ખોવાઈને સુઈ ગઈ.

બીજા દિવસે મોડી રાત્રે.. નક્કી કરાયેલાં સમય અને સ્થળ મુજબ રાણી આવી પહોંચી...


આજે રાણી તેના અસલી મિજાજના કિરદારમાં હતી...આજની રાત, રાણીને દિલ ફાડીને જીવી લેવી હતી. રાણીને ખબર હતી, એક આજની આ રાત તેનાં જીવનના શ્રેષ્ઠ સંભારણાનું ભાથું બની રહેશે. કદાચ આજ પછી બધું જ મળશે પણ....લૂગડાં ઉતાર્યા પછી પણ સ્ત્રી સામે નાગો ન થાય એવો પુરુષ નહીં મળે.

શરમાળ લાલસિંગ સાથે મજાક કરતાં તમે પરથી સીધી તું પર આવતાં રાણી બોલી..

‘આજે મારાથી કાંક બોલાય જાય તો માફ કરી દેજે’

ક્યાંય સુધી ચૂપચાપ રાણીને જોઈ રહેલા લાલસિંગની ટીખળ કરતાં રાણી બોલી..

‘હાય હાય! હું તો હાળું એમ સમજતી’તી હતી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કંઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’

રાણી આટલું બોલી ત્યાં જ....
બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં રાણીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક લાલસિંગએ બેડરૂમના લાઈટની સ્વીચ ઓફ કરી એટલે રાણીએ પૂછ્યું.

‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ ક્યરુ તેં ?’

‘પણ.. પણ..મને શરમ આવે છે. મેં કયારેક કોઈ અજાણી સ્ત્રી સાથે આ રીતે કોઈ દિવસ..’ શરમાતા શરમાતા લાલસિંગ આટલું માંડ બોલ્યા.

‘હા.. હા.. હા.. એટલે તું અંધારામાં જ ગોળીબાર કરવાનો એમ? અને આમ પણ ખાવા બેઠાં હોઈ ને તઈ લાઈટ જતી’રે તોય મોઢાનો કોળીયો તો મોઢા જ જાય ને. હા હા.. હા..’ મને એવું લાગે છે કે તારા લૂગડાં અને શરમ, ઈ પણ મારે જ ઉતારવાના છે કે શું? તો તો એનો ચારજ હું અલગથી લઈશ. હોં, હા.’
સાવ નફ્ટાઈથી રાણી બોલી.

અને આટલું સાંભળ્યા પછી અચાનક લાલસિંગની અંદરના જન્મજાત પુરુષત્વનો દૈત્ય ફૂંફાડા મારતો રાણી પર તૂટી પડ્યો. પણ.......... થોડી જ વારમાં લાલસિંગની હાલત હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવી થઇ ગઈ.


વહેલી સવારના અંધકારમાં રાણીને લાલસિંગના ફાર્મ હાઉસ પર લઇ જવામાં આવી. લાલસિંગે ત્યાંના સ્ટાફને રાણીની ઓળખ તેના કોઈ દૂરના સંબંધી તરીકે આપવામાં આવી. ત્યાં તમામ પ્રકારની સુખ સગવડ સાથેની રજવાડી વ્યવસ્થા જોતાં રાણીને એમ થયું કે જાણે કોઈ રાજાના મહેલમાં આવી પહોંચી હોય...

રાણી અને તેના સ્ટાફને જરૂરી સૂચના આપી લાલસિંગ તેના બંગલે આવવા રવાના થયાં.
રણજીતની મુલાકાતથી લઈને છેક રાણીને ફાર્મ હાઉસ પર મૂકી આવ્યાની બધી ઘટનાથી લાલસિંગે કુસુમને વાકેફ કરી. એક સેકન્ડ માટે કુસુમને એવું લાગ્યું કે જાણે હળવેથી કોઈએ કાળજામાં કટારી ઉતારી દીધી હોય. ‘મારો લાલ...’ કહેતા... કુસુમના ચહેરે ઉતરી આવતી લાલાશ હવે ઝાંખી પડી ગઈ.

‘હું તમારા માટે પાણી લાવું.’ એવું બહાનું બતાવીને કુસુમ જેવી કિચનમાં આવી ત્યાં તેની અશ્રુધારા તેની કાબુ બહાર જઈને વહેવા લાગી.

બે અઠવાડિયા પછી....
રાણીને પ્રથમવાર અનુભવાતાં તેનાં શારીરિક લક્ષણોના ફેરફાર પરથી એવું તારણ નીકળ્યું, કે તે ગર્ભવતી છે. આ સંદેશાના આંનદાવેશમાં આવીને લાલસિંગે લાખો રૂપિયા દાન ધર્મ અને ભૂખ્યાના ભોજન પર ઉડાવી દીધા.

કાળ ચક્ર ફરતું રહ્યું...
જેમ જેમ સમય સરતો રહ્યો, તેમ તેમ ધીરગંભીર થતી રહેલી રાણીની સોચ પણ ગહેરી થવાં લાગી. માતૃત્વની ફૂંટેલી કૂંપળથી રાણીના શરીરમાં સ્પંદિત લાગણી સંચારની અસર તેના તન કરતાં તેના મન પર વધુ થઇ રહી હતી. તેની ઉછીની કોખની અવેજીમાં લાલસિંગએ આપેલી આજીવન અમર્યાદિત વરદાન જેવી ઓફર હવે રાણીની દ્રષ્ટિમાં મામુલી લાગવા માંડી. શું આપવાનું છે મારે લાલસિંગને? શેનો સોદો કર્યો મેં? મારાં અંશનો? મારાં જીવનો? મારા લોહીનો? રાણીને લાગ્યું કે, તે એક એવા પરમ પાપની પરિસીમા પાર કરવાં જઈ રહી છે, કે જેનું પ્રાયશ્ચિત તે સાત ભવમાં પણ નહીં કરી શકે. મા થઈને નાળસંબંધ કાપવાનું આળ? આ વિચાર માત્રથી કંપારી છુટી ગઈ રાણીને.

ત્રણ મહિના પછી...

વ્હેલી પરોઢે લાલસિંગના બંગલાનો લેન્ડલાઈન ટેલીફોન રણક્યો..
બેડની બાજુમાં પડેલો ફોન ઉઠાવતાં લાલસિંગ બોલ્યા..

‘હેલ્લો..’

‘શેઠ... શેઠ...રઘુ બોલું. ઓલા તમારાં મહેમાન.. ફાર્મ હાઉસમાં નથી.’

‘હેં....ફાર્મ હાઉસમાં નથી એટલે?’ સફાળા બેડ પરથી ઊભા થતાં લાલસિંગે પૂછ્યું.
‘શેઠ.. અમે સૌ અડધી કલાકથી તેમની શોધખોળ કરતાં લગભગ આખું ફાર્મ હાઉસ અને આજુ બાજુના વિસ્તાર પણ ખુંદી વળ્યા પણ... તેમનો ક્યાંય પત્તો નથી લાગતો..’

‘તમને બધાને તો હું ગોળીએ વીંધી નાંખીશ, જો એ નથી મળી તો.. યાદ રાખજો.
દોડાવો ચારેકોર બધાને, હું આવું છું હમણાં.’

એમ કહીને પ્રચંડ ક્રોધાગ્નિમાં લાલચોળ થતાં લાલસિંગે કાર દોડાવી ફાર્મ હાઉસ તરફ.

ત્રણ મહિનાના પાંગરેલા ગર્ભ સાથે, અડધી રાત્રે જ રાણી લાલસિંગની મબલખ મિલકતને ઠોકર મારીને તેની મમતાની માયાને મહેફૂઝ રીતે સંકેલીને ભાગી છૂટી.

-વધુ આવતાં અંકે....


© વિજય રાવલ

Vijayraval1011@yahoo.com
9825364484