Tran Vikalp - 40 - last part books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 40 (અંતિમ પ્રકરણ)

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૪૦ (અંતિમ પ્રકરણ)

હર્ષદરાય અને અનુપ બન્ને સેજલને જોઈ રહ્યા હતા. સેજલ એકપણ શબ્દ બોલ્યા વગર સંતોષની બાજુમાં જઈને ઉભી રહે છે. સુહાસિની, નિયતિ અને વિદ્યા ટ્રેમાં થોડો નાસ્તો અને ચા લઈને આવે છે.

સુહાસિની: “સાંભળો... આપણી સેજલને સંતોષ સાથે વળાવી દેવાની છે... એ અને સંતોષ એકબીજાને પ્રેમ કરતાં હતાં... તમારી અને અનુપ બન્નેની બળજબરીનો ભોગ એ પણ બની છે. માફી માંગવાની અને પ્રાયશ્ચિત કરવાની શરૂઆત ઘરમાંથી જ કરો તો સેજલને પણ ન્યાય મળશે...”

હર્ષદરાયને મોટી સમસ્યાનો આટલો સરળ ઉપાય મળ્યો એની ખુશી થાય છે. પણ અનુપ દીકરી એંજલ સામે ઇશારો કરે છે. અનુપના દિલની વાત માધવ સમજી જાય છે. એની સામે જોઈ માધવ બોલે છે: “પપ્પા, ભાઈ એંજલ ઘરની દીકરી છે... અને આ ઘરની દીકરી રહેશે... આપણા ઘરની બાજુમાં જે ખુલ્લો પ્લોટ છે ત્યાં એંજલનું મકાન બનાવીશું... મુંબઇની જે ફેક્ટરી થોડા સમયમાં ચાલુ થવાની છે તે ફેક્ટરી પણ એંજલના નામે કરીશું... એંજલ, સેજલ અને સંતોષ બાજુમાં નવા ઘરમાં આપણી આંખોની સામે રહેશે... સંતોષ મુંબઈ આવતો જતો રહેશે ફેક્ટરીનું કામ સંભાળશે... ભાઈ અને નિમિતાનાં લગ્ન કરાવીશું...”

હર્ષદરાય અને અનુપ મૂક સંમતિ આપે છે. સેજલ અને સંતોષ સાથે બધાનાં ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે.

હર્ષદરાય: “બેટા બીજી બધી છોકરીઓની માફી કેવી રીતે માંગવાની છે?”

નિયતિ: “એ પહેલાં મને માફ કરી દો અંકલ... મેં પણ તમારું દિલ બહુ દુભાવ્યું છે...”

હર્ષદરાય: “ના... દીકરી... તેં જે કઈ પણ કર્યું એનાથી મારી આંખો ખૂલી છે... મારો અનુપ પાછો આવ્યો એ તારો ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહીં...”

કિશન અને આનંદ પણ હાથ જોડી હર્ષદરાયની સામે ઊભા રહે છે. હર્ષદરાય એ બન્નેને સામે હાથ જોડી બોલે છે: “માફી તો મારે તમારી માંગવાની છે... મારા કારણે તમારા ઘરમાં બે વ્યક્તિનાં મોત અને રાજેશભાઈ અપંગ થયા છે...”

રાજેશ: “એ ખરેખર કુદરતનો ખેલ છે... મારી બન્ને ભણીઓને તમે અપનાવી એમાં હું બધા દુ:ખ ભૂલી ગયો... અને તમે પણ બીજી અત્યાચારનો ભોગ બનેલી છોકરીઓને ન્યાય આપશો એટલે કુદરત પણ તમને સાથ આપશે...”

નિયતિ: “પહેલાં આપણે નાસ્તાને ન્યાય આપીએ... મને અને દીદીને બહુ ભૂખ લાગી છે...” બધા હસીને નાસ્તો કરવા લાગે છે. વરસો પછી સવિતવિલાસમાં જમ્યા પછી બધાને પેટ ભરાયું હોય એવી અનુભૂતિ થાય છે.

હર્ષદરાય: “નાનકા, ફરી સમસ્યા તો એ જ છે... શરૂઆત ક્યાંથી કરીશું?”

કામિનીની સામે જોઈને માધવ બોલે છે: “આંટી તમે જ કોઈ રસ્તો બતાવો..”

કામિની: “હું કેવી રીતે બતાવી શકું... એ હક સુહાસિનીનો છે... મારા કરતાં વધારે સુહાસિનીએ સહન કર્યું છે... જે દિવસે મારો દીકરો ઘરે પાછો આવશે... મારી દીકરીના ચહેરા પર ખુશી આવશે અને મારી પૌત્રી તંદુરસ્ત થશે એ દિવસે હું હર્ષદને માફ કરી દઈશ... હવે મારે અહીંયા રોકાવું નથી, હું જઈશ...” કામિની આટલું બોલી અનુપ, માધવ, નિમિતા, નિયતિ, સેજલ અને સંતોષ તથા બન્ને બાળકોના માથે હાથ ફેરવે છે. સુહાસિનીને ભેટી ઘરની બહાર જાય છે.

સુહાસિનીનો હાથ પકડી હર્ષદરાય પોતાની પાસે બેસાડે છે: “સુહાસિની સૌથી પહેલાં તો મારે તારી માફી માગવાની છે... મને માફ કરી દે...”

સુહાસિની હસીને કહે છે: “હું તમને માફ કરું છું... ભગવાન કરતા આ દુનિયામાં બીજું કોઈ શક્તિશાળી હોય તો એ સ્ત્રી છે... એ પછી મા, બહેન, પત્ની, દીકરી ગમે તે હોય... છોકરીઓ માટે સ્કૂલ બનાવવાની મારી ઈચ્છા છે... છોકરીઓની સ્કૂલ ખોલવાથી છોકરીઓનું ભલું કરવાથી, એમને સારું ભણતર આપવાથી તેઓ પગભર થશે... એમના સંતાનોનો પણ સારી રીતે ઉછેર કરી શકશે... આપણી સ્કૂલમાં ગરીબ છોકરીઓની નહિવત ફી લેવામાં આવે અને સારું ભણતર આપવામાં આવે... ગરીબ છોકરીઓ માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવે.... જે છોકરીઓની જિંદગી અત્યાર સુધીમાં તમારા કારણે બરબાદ થઈ છે એ બધી છોકરીઓનો સંપર્ક કરી, તે છોકરીઓના ભણતર પ્રમાણે સ્કૂલ, ઓફિસ, હોસ્ટેલમાં નોકરી આપવામાં આવે...”

હર્ષદરાયને પહેલી વખત એહસાસ થાય છે કે સુહાસિનીનાંમાં કેટલી બધી સુજ-બુજ છે. અત્યાર સુધી પત્નીની કોઈપણ સારી વાત પર ધ્યાન આપ્યું નહોતું. અત્યારે એના આપેલા આટલા સરસ ઉપાય માટે પહેલી વખત એનો હાથ પકડીને આભાર વ્યક્ત કરે છે. માધવ અને સંતોષ આ વાતનું માન રાખીને કામ જલ્દીથી પૂરું કરવાનો નિર્ણય લે છે.

થોડા મહિનાઓની અંદર અનુપ અને નિમિતાની તબિયત સુધરે છે. બન્ને પહેલાંની જેમ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે, એટલે નિમિતાનાં અનુપ સાથે નિયતિનાં માધવ સાથે અને સેજલનાં સંતોષ સાથે હર્ષદરાય ધામધૂમથી લગ્ન કરાવે છે. આ મહિનાઓ દરમિયાન સુહાસિનીનાં કહેવા પ્રમાણે સ્કૂલ અને હોસ્ટેલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું હોય છે. અનુપ સાજો થઈ ગયો હોવાથી તે પણ આ બધા કામમાં ધ્યાન આપવા લાગે છે. મુંબઈની ફેક્ટરી શરૂ થાય છે, જે સંતોષ સંપૂર્ણપણે સંભાળી લે છે. હર્ષદરાય અને શંભુ અત્યાર સુધીમાં જે છોકરીઓનો ભોગ લેવાયો હોય છે, તે બધી જ છોકરીઓના સરનામા લઈ તેમને મળી પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરે છે. હર્ષદરાયને જાણી ખૂબ જ દુઃખ થાય છે કે થોડી છોકરીઓ તો વેશ્યાવૃત્તિમાં સામેલ થઈ ગઈ હતી. થોડી છોકરીઓ બીજી જગ્યાએ નોકરી કરવા લાગી હતી. થોડી છોકરીઓએ લગ્ન કરી સંસાર વસાવ્યો હતો. જેમ જેમ છોકરીઓનો સંપર્ક થાય છે એમ એમના પરિવારને થોડી આર્થિક સહાય આપવામાં આવે છે. જે છોકરીઓ ફરી નોકરી કરવા માંગે એને નોકરી પર રાખવામાં આવે છે.

ત્રણ વર્ષ જેવો સમય પસાર થાય છે ત્યારે સ્કૂલ અને હોસ્ટેલ બનીને તૈયાર થાય છે. સ્કૂલનું નામ સુહીસિની ગર્લ્સ સ્કૂલ રાખવામાં આવે છે. વિદ્યા અને સેજલ સ્કૂલનું કામ સંભાળે છે. નિમિતા અને અનુપ સ્ટુડિયોનું કામ સંભાળે છે. માધવ અને નિયતિ ઓફિસ પૂરી રીતે સંભાળે છે. હેમા બન્ને હોસ્ટેલ એક સાથે સંભાળે છે. ગરીબ છોકરીઓને સારી શિક્ષા આપવાનું સેવકાર્ય શરૂ થાય છે. થોડા મહિનાઓમાં આ સેવકાર્યનું કામ પૂરા ગુજરાતમાં વખણાય છે. પહેલાં જે પરિવાર હર્ષદરાય અને અનુપને શ્રાપ આપતા હતા એ પરિવાર એમને આશીર્વાદ આપે છે. હર્ષદરાયનો અંતરાત્મા આ કાર્યથી તૃપ્ત થતો નથી. એમને કામિનીની માફી જોઈતી હતી. પરંતુ કામિની ક્યારે આવશે એ સવાલ રોજ પરેશાન કરતો હતો. ઘણીવાર એમને સપનું આવતું કે કામિની એમને માફ કરવા આવી છે. પણ આંખ ખૂલે એટલે સપનું હાથતાળી આપી જતું રહે.

એક દિવસ એ પ્રતિક્ષાનો અંત આવે છે. કામિની સાચે હર્ષદરાયને મળવા આવી હતી. સાથે એનો દીકરો અને દીકરી તથા પૌત્રી આવી હતી. એ બધાની પાછળ માધવ અને નિયતિ આવતાં હતાં. હર્ષદરાય સમજી જાય છે કે કામિનીને માધવ અને નિયતિ લઈને આવ્યા છે.

કામિની: “હર્ષદ, આ તારો નાનકો ખરેખર જાદુગર છે... મને એણે શોધી નાખી હતી... તને ખબર છે જ્યારે હું અહિયાંથી ગઈ એના બીજા જ દિવસે એ મને મળવા આવ્યો હતો... તું જે પણ કામ કરતો હતો એ બધા કામ મને ફોન કરીને જણાવતો હતો... હું વચને બંધાઈ હતી કે બધી છોકરીઓનું ભલું થશે પછી અને મારા પરિવાર પર આવેલી મુસીબત દૂર થશે પછી હું તને માફ કરીશ... માધવ કહે કે એ ક્યાં વચને બંધાયો છે... એ દર મહિને મને ઘરખર્ચ અને પૌત્રીની દવાના રૂપિયા આપી જતો હતો... મારી પૌત્રીની બીમારી સંપૂર્ણપણે મટી ગઈ છે... મારો દીકરો કાલે જેલમાંથી સજા પૂરી કરી આવ્યો છે... એને પણ માધવે ખૂબ સમજાવ્યો છે, એ હવે કોઈ ખોટી સંગતમાં ફસાસે નહીં... માધવે એને ફેક્ટરીમાં નોકરી પણ આપી છે... મારી દીકરીનાં બીજા લગ્ન માટે એણે છોકરો પણ શોધ્યો છે... એ છોકરો મારી પૌત્રીને અપનાવશે... આવતા અઠવાડિયે એ બન્નેના લગ્ન છે... બધી જવાબદારી આ નાનકા અને નિયતિએ ઉપાડી છે... મારી ઈચ્છા હતી કે મારી દીકરીનું ક્ન્યાદાન નાનકો અને નિયતિ કરે... પણ તારો નાનકો કહે છે કે તું અને સુહીસિની કન્યાદાન કરે...”

કામિનીની વાત સાંભળી હર્ષદરાયની આંખો ભરાઈ આવે છે. સુહાસિની અને કામિની બન્નેની આંખો પણ ભીની થાય છે. ત્યાં એંજલ અને શુભ રમતા રમતા આવે છે. એ બન્ને કામિનીની પૌત્રીને પણ સાથે રમવા માટે કહે છે. ત્રણેય બાળકોને રમતા જોઈ બધા ખુશ થાય છે. કામિનીની દીકરીના લગ્ન સુખરૂપ પૂરા થાય છે. હર્ષદરાય અને સુહાસિની કન્યાદાન કરે છે. એ દિવસે હર્ષદરાય એમના બા અને બાપુજીનાં ફોટા સામે પગે લાગી એમની માફી માંગે છે.

નિયતિ અને માધવ બન્ને પિતાના ચહેરા પર સંતોષ જોઈ ખુશ થાય છે. થોડા મહિના પછી નિયતિ એક સુંદર દીકરીને જન્મ આપે છે. હર્ષદરાય એ દીકરીને હાથમાં લઈને બોલે છે: “સુહાસિની, આજે ફરી કંસારનું આંધણ મૂકો... મારા ઘરે મારી બા પાછી આવી છે...”

સમાપ્ત