A glimpse of you - 7 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૭

તારી એક ઝલક - ૭

તારી એક ઝલક


તેજસ અને ઝલકને જૂનાગઢ જતાં જીવદયાબેન જોઈ ગયાં. પણ તેઓ ઝલકને જોઈ નાં શક્યાં. તેજસ ક્યાં ગયો છે? એ જાણવાં જગજીવનભાઈ તન્વીની ઓફીસે પહોંચી ગયાં. પણ કાંઈ જાણી નાં શક્યાં.


ભાગ-૭

ઝલક અને તેજસ જૂનાગઢનાં જંગલોમાં પહોંચી ગયાં હતાં. વરસાદની ઋતુ, ને એવામાં ચારેકોર છવાયેલી હરિયાળી ઝલકના મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવતી હતી. જે તેનાં ચહેરા પર દેખાતી હતી. ચારેકોર ફૂટી નીકળેલાં નાનાં નાનાં ઝરણાં જોઈને ઝલક હરખાઈ ગઈ હતી.

"તને આ કંઈ જગ્યા છે, એ ખબર છે?"

"નાં, પણ તને તો ખબર જ હશે‌. તો મને આ જગ્યા વિશે જણાવ ને!!"

"આ જગ્યા જૂનાગઢનું સખી દાતાર છે. આ ૨,૭૭૯ ફૂટની ઊંચાઈએ આવેલું છે. દાતાર હિલ ગિરનાર પર્વતની પાંચ સિદ્ધાંત શિખરોમાની એક છે. આ હિલ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે, કારણ કે એમાં જમીયાલ શાહ દાતારનું મંદિર છે. ડુંગરની નીચેની દરગાહ મુસ્લિમ સંત જમાલ શાહ દાતારની સમાધિ છે. જૂનાગઢનાં નવાબોની સમાધિ મકબરા જેવી શૈલીમાં જ શણગારીને કોતરકામ કરવામાં આવેલ છે, ને વિશાળ ડુંગળીનાં ગુંબજ અને નાનાં મિનારાઓથી તાજ પહેરાવવામાં આવેલ છે. ઈલાજની આશામાં રક્તપિત્ત દર્દીઓ દ્વારા આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે."

"વાહ, આની સ્ટોરી તો ખૂબ જ રસપ્રદ છે. હજું જણાવ ને!!"

"હવે હું તને બધું બતાવીશ. અહીં આવ્યાં છીએ તો જોવાનું હોય. સાંભળવાનું થોડી હોય!!"

સંત સાથે સંકળાયેલ ડુંગરની શિખર પર એક મંદિર છે. એ મંદિર પર જવા માટે બ્રિટિશરો દ્વારા કલવા નદી પર વેલિંગ્ટન ડેમ બાંધવામાં આવ્યો છે, ત્યાંથી એ મંદિરે પહોંચવા ૩,૦૦૦ પગથિયાં બનાવવામાં આવ્યાં છે. તેજસ એ પગથિયાં ચડવા લાગ્યો. ઝલક પણ તેની સાથે સાથે પગથિયાં ચડવા લાગી. ઝલક માટે આ નવો જ અનુભવ હતો. તે બધું જોવાં ને જાણવાં ખૂબ જ ઉત્સાહિત હતી.

"આ સ્થળ ચોમાસું હોવાથી વધું મનોહર બની ગયું છે. અહીં સાચી મઝા ચોમાસા દરમિયાન જ આવે છે." આગળ તેજસ દાતારનું વર્ણન કરતો હતો. પાછળ ઝલક એ વર્ણન સાંભળતાં સાંભળતાં પગથિયાં ચડી રહી હતી.

નાનાં નાનાં ધોધ ને ટેકરીઓ જોતાં જોતાં સવારે પગથિયાં ચડવાની શરૂઆત કરી હતી. એ આખરે બપોરે પૂરી થઈ ગઈ હતી. ઉપર શિખર પર પહોંચતા બંને કોયલા વજીર મંદિર અને દિગંબર જૈન ભગવાન નેમિનાથ મંદિરની મુલાકાત લેવામાં વ્યસ્ત થઈ ગયાં. મંદિરની મુલાકાત લીધાં પછી ઝલકે શિખર પરથી નીચે જોયું. એ જોતાં જ તે રોમાંચિત થઈ ગઈ. શિખર પરથી શહેરની શોભા કંઈક અલગ જ નજર આવતી હતી.

"તને આ મંદિરની ખાસિયત ખબર છે?" તેજસ મંદિર તરફ જોતાં જોતાં એ મંદિરનો ઇતિહાસ વાગોળવા લાગ્યો. ઝલક 'ખાસિયત' શબ્દ સાંભળીને તરત જ તેજસ પાસે આવી.

"દર વર્ષે અહીં પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન હિંદુ અને મુસ્લિમના ઓછામાં ઓછાં લાખો ભક્તો દાતારના દર્શન કરે છે, જે સાચી ભારતીય બિનસાંપ્રદાયિક સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિક છે. મુસ્લિમો મંદિરમાં ચાદર ચઢાવે છે, જ્યારે હિંદુઓ પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ ઉર્ષની પ્રથમ રાત્રિ દરમિયાન, મંદિરનાં તમામ ઘરેણાં, જે વર્ષભર ગુફાની અંદર રાખવામાં આવે છે, જેને ફક્ત એક રાત માટે 'દર્શના' અંગે જાહેર પ્રદર્શન કરવામાં આવે છે." તેજસ બધું કહેતાં કહેતાં જૂનાં ઈતિહાસમાં ખોવાઈ ગયો. ઝલકે બધું ધ્યાન આપીને સાંભળ્યું.

સુરતની અંદર જ જગજીવનભાઈ અને આસુતોષભાઈએ પાંચ વર્ષ પહેલાં શરૂ કરેલો કાપડનો બિઝનેસ આજે સુરતમાં ખૂબ જ વખણાતો હતો. જેને આસુતોષભાઈ એકલાં હાથે ચલાવતાં. જગજીવનભાઈ મહિને એકાદવાર ત્યાં આંટો મારી આવતાં. જગજીવનભાઈએ આસુતોષભાઈના કહેવાથી એમાં રૂપિયા રોક્યા હતાં. બસ એ બિઝનેસમાં એમનો એટલો જ પણ મહત્વનો ફાળો હતો. બાકી તેમને એ બિઝનેસમાં કોઈ વધું રસ નહોતો.

એ કાપડના બિઝનેસને જ વધું વિકસાવવા માટે આજે જૂનાગઢમાં સૌથી વધું પૈસાદાર ગણાતાં અનિકેતભાઈ ડોબરીયા સાથે તેમની મિટિંગ હતી. એ મિટિંગ માટે જ આસુતોષભાઈ ક્યારનાં ઉતાવળા થતાં હતાં.

"જગજીવન, જલ્દી કર ને!! અનિકેતભાઈ સમયનાં બહું પાક્કા વ્યક્તિ છે. તેમને મિટિંગમાં મોડું થાય. એ બિલકુલ પસંદ નથી."

"અરે, ચિંતા શાની કરે છે?? આપણે સમય પર જ પહોંચી જાશું." જગજીવનભાઈ હજું એ વાક્ય બોલ્યાં. ત્યાં ટ્રેનનો સમય થતાં આગળ જોષીપુરા તરફ જતાં રસ્તે ટ્રાફિક જામ હતો. કેટલીયે બાઈક, કાર, હાથલારી અને ઓટો રિક્ષા પછી છેલ્લે જગજીવનભાઈની કાર ઉભી હતી.

અનિકેતભાઈને મળવાનો સમય બે વાગ્યાનો હતો. આસુતોષભાઈએ ટ્રાફિક તરફ એક નજર કરીને પોતાની રિસ્ટ વોચ તરફ એક નજર કરી. એ એક ને ત્રીસ મિનિટનો સમય બતાવતી હતી. આમ તો હવે જોષીપુરા દૂર નહોતું. રસ્તો બસ દશ મિનિટનો જ હતો. પણ ટ્રાફિક જામ ખુલે ત્યાં સુધીમાં જ એ ત્રીસ મિનિટ પૂરી થઈ જાય એમ હતી. પછીની બીજી દશ મિનિટ ત્યાં પહોંચતા થાય. તો બે ને ઉપર દશ મિનિટ થઈ જાય. અનિકેતભાઈના બંગલે જવાનો બીજો‌ કોઈ રસ્તો નહોતો.

આસુતોષભાઈ થોડીવાર રિસ્ટ વોચ તરફ તો થોડીવાર ટ્રાફિક તરફ જોઈને ઉંચા નીચા થતાં હતાં. પણ જગજીવનભાઈનો ચહેરો જોતાં તેમને કોઈ ખાસ્સી અસર થતી હોય. એવું લાગતું નહોતું.

"આપણે ત્યાં પહોંચતા સુધીમાં મોડું થઈ જાશે. એ વાત તું જાણે છે. છતાં તારાં ચહેરા પર ચિંતાની એકેય લકીર ફરકતી નથી. એવું કેમ??"

"તને એનું કારણ ખબર જ છે. મારી પાસે અઢળક સંપત્તિ છે. પણ એમાં મારાં દિકરા કે દિકરીને કોઈ રસ નથી. તો મારે વધું સંપત્તિ એકઠી કરીને ક્યાં જવું!! દિકરી તેની રીતે કમાવા માંગે છે. સામે દિકરો પણ કમાય છે. પણ એ પોતાની કમાણી ક્યાંથી લાવે છે? એ આજ સુધી હું જાણી શક્યો નથી. તેની પાસે રહેલી Yamaha FZS-FI V3 સ્પોર્ટ્સ બાઈક એક લાખ ને ત્રણ હજારની છે, ને હજું એ Jaguar F-Type ની ૯૦.૯૩ લાખની સ્પોર્ટ્સ કાર લેવાનું વિચારે છે. પણ કોણ જાણે એ એટલાં રૂપિયા લાવશે ક્યાંથી??"

"અરે, તું અત્યારે આ કેવું પ્રકરણ ખોલીને બેસી ગયો!! આપણે જલ્દી અનિકેતભાઈની ઘરે પહોંચવાનું છે. ટ્રાફિક હવે ખુલી રહ્યો છે. તો જલ્દી કાર ભગાવ!!"

ગાડીનાં પસાર થતાં જ બધાં વાહનોએ ગતિ પકડી લીધી હતી. જગજીવનભાઈએ પણ કાર જોષીપુરા તરફ આગળ વધારી. દશ મિનિટનો રસ્તો પાંચ મિનિટમાં કપાઈ ગયો. તો પણ બે ને ઉપર પાંચ મિનિટ તો થઈ જ ગઈ હતી. અનિકેતભાઈ સમયનાં એકદમ પાક્કા!! પાંચ મિનિટ હોય કે પાંચ સેકન્ડ!! તેમને મોડું થાય એ જરાં પણ પસંદ નહોતું.

આછો ગુલાબી અને સફેદ રંગનો વિશાળ બંગલો, નાનો એવો ગેઈટ, એની બંને બાજુની પાળી પર દરેક રંગનાં ગુલાબનાં છોડ લગાવેલાં કુંડા, અંદર જતાં ભવ્ય લાકડાનો દરવાજો, દરવાજા પાસે તુલસીનું કુંડુ, પાર્કિંગ એરિયામાં ત્રણ કાર, નાનો એવો પણ સુંદર બગીચો ને એમાં ઝૂલો લગાવેલ હતો‌. આસુતોષભાઈ તો એ બધું જોતાં જ રહી ગયાં. પણ જગજીવનભાઈને કાંઈ ખાસ્સો ફરક પડ્યો નહીં.

બહારની વસ્તુઓનું નિરિક્ષણ કર્યા પછી આસુતોષભાઈએ દરવાજા પાસેની દિવાલ પર લગાવેલ ડોરબેલ વગાડી‌. તેનો અવાજ સંભળાતાં જ એક પચાસેક વર્ષની સહેજ શ્યામ પણ એકદમ નમણી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. એ સ્ત્રી અનિકેતભાઈને ત્યાં ઘરકામ કરવા આવતી. તેનું નામ સુલક્ષણા!! અનિકેતભાઈ આમ તો અમદાવાદનાં હતાં. પણ જૂનાગઢ સાથે તેમનો ખાસ સંબંધ હોવાથી તેમણે અહીં પણ એક બંગલો બનાવેલો. જેથી તેઓ અહીં અાવે તો હોટેલની જગ્યાએ પોતાનાં બંગલે જ રહી શકે. ધન સંપત્તિની બાબતમાં અનિકેતભાઈનુ નામ જૂનાગઢનાં ધની લોકોમાં લેવાતું.

"જી, અમારે અનિકેતભાઈને મળવું છે. આજે અમારી તેમની સાથે મિટિંગ છે‌." દરવાજો ખુલતાં જ આસુતોષભાઈ ઉતાવળા અવાજે બોલવા લાગ્યા.

"તમે ભેંસાણથી આવવાનાં હતાં. એ અસુતોષભાઈ અને જગજીવનભાઈ જ ને??" પેલી સ્ત્રી જાણે પહેલેથી બધું જાણતી હોય. એમ પૂછવા લાગી.

"હાં... હાં અમે એ જ!!"

"તે અંદર પોતાનાં સ્ટડી રૂમમાં છે, તમારી જ રાહ જોવે છે."

"પણ, જરાં શાંતિથી વાત કરજો. એ ગુસ્સે થાય, તો સામે ગુસ્સો નાં કરતાં." સુલક્ષણાએ પાછળથી ઉમેર્યું.

સુલક્ષણાની વાત સાંભળી આસુતોષભાઈના પગ લથડાયા. પણ જગજીવનભાઈ તો એમ જ અદાથી ચાલતાં હતાં. જાણે તેમને અનિકેતભાઈના ગુસ્સાનો કોઈ ડર જ નહોતો. સ્ટડી રૂમનો દરવાજો થોડો એવો ખુલ્લો હતો. આસુતોષભાઈએ તેમાંથી અંદર ડોકિયું કર્યું. અનિકેતભાઈ ટેબલ પર ફાઈલોનો ઢગલો કરીને ખુરશી પર બેઠાં હતાં. અચાનક જ તેમની નજર આસુતોષભાઈ પર પડી.

"એ રીતે ચોરની માફક જોઈને, વધું સમય બરબાદ કરવાની જરૂર નથી. તમે બરાબર પાંચ મિનિટ મોડાં પડ્યાં છો. પણ ખેર જે હોય તે, હવે અંદર આવો તો મિટિંગ શરૂ કરીએ."

અનિકેતભાઈના શબ્દો સાંભળી આસુતોષભાઈ સીધાં અંદર ગયાં. પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય. એમ અનિકેતભાઈ આસુતોષભાઈ તરફ જોતાં હતાં. આસુતોષભાઈના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા હતાં. ત્યાં જ જગજીવનભાઈ અંદર આવ્યાં. તેમને જોઈને અનિકેતભાઈના ચહેરાનો રંગ બદલાયો. જગજીવનભાઈ મંદ મંદ હસી રહ્યાં હતાં.

"હરામી, તું અહીં?? આટલાં વર્ષો પછી આવ્યો છે. તને શરમ નથી આવતી??"

"તે મોકો જ ક્યારે આપ્યો મને કે હું તને મળી શકું. કોલેજ પૂરી કરીને મુંબઈ જતો રહ્યો. ત્યાં એ.કે. પ્રાઈવેટ લિમિટેડ ની મોટી કંપની ખોલી નાખી. પછી તો નાં કોઈ ફોન કે નાં ક્યારેય મળવાનું, આજે મળે છે, તો પણ કામ માટે જ!!"

"અરે, તમે બંને એકબીજાને ઓળખો છો??"

"હાં, ઓળખું જ ને!! આ મારી સાથે જ કોલેજ કરતો. મારો પાક્કો મિત્ર છે. મારો ભાઈ કહું તો પણ ચાલે!!"

"તો પહેલાં કેમ નાં કહ્યું?? હું કેટલો ડરતો હતો. આપણે મોડું થયું હતું. મેં તને એમનાં ગુસ્સા વિશે પણ જણાવ્યું હતું. તો પણ તે કાંઈ નાં કહ્યું." આસુતોષભાઈ નાનાં બાળકની જેમ રિસાઈ ગયાં.

"મને તને હેરાન કરવામાં મજા આવતી હતી. જો હું તને અગાઉ આ બધું જણાવી દેત. તો મજા કેવી રીતે આવત??" જગજીવનભાઈ ફરી હસવા લાગ્યા.

આસુતોષભાઈ અને અનિકેતભાઈ પણ હસવા લાગ્યા. પછી બધાંએ મળીને મિટિંગ શરૂ કરી.

"ઝલક, એક વાત પૂછું??"

"મને ખબર જ છે, તું મને શું પૂછવા માંગે છે!!"

"તો તારી રીતે જ મને બધું જણાવી દે‌."

"પહેલાં તો હું કોઈ જાસૂસ નથી. મને કોલેજ સમયથી જ બીજાનાં રાઝ જાણવાનો શોખ હતો. એ માટે જો તે લોકો જાતે મને નાં જણાવે. તો હું તેમનાં પર નજર રાખી તેમનાં અંગે જાણતી. જેનાં લીધે મારાં બધાં મિત્રો મને જાસૂસ કહેતાં. કોલેજ સમયની જાસૂસી આજે પણ મારી અંદર જીવીત છે. જે મને મારાં ખુદના જીવનનાં રાઝ જાણવામાં મદદરૂપ થઈ રહી છે. મેં લંડનમાં હાઈગેટ જુડો ક્લબમાં જુડોની અને લંડન કરાટે ક્લબમાં કરાટેની સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે. મારો માઈન્ડ પાવર અને જુડો ને કરાટેની ટ્રેનિંગ બંનેથી બધાં હકીકતમાં મને જાસૂસ સમજવા લાગ્યાં હતાં. જેનાં લીધે કાળુંએ મને ગુંડી કહી, તો મને જાસૂસ શબ્દ જ દિમાગમાં આવ્યો. તો મેં એ કહી દીધું."

"તો તું હકીકતમાં જાસૂસ નથી. પણ તારાં જીવનનાં રાઝ જાણવા તું ખુદને જાસૂસ કહે છે‌."

"હાં, એ રાઝ જાણવા જ હું અહીં સુધી આવી છું. તું કોઈ ગુંડો નથી. એ મને પહેલેથી જ ખબર હતી. હું તો બસ મેં તારાં વિશે જે જાણ્યું હતું. એ સાચું છે કે ખોટું એ જાણવાં જ તને ગુંડો કહીને હેરાન કરતી હતી."

"તે શું અને ક્યાંથી મારાં વિશે જાણ્યું??"

ઝલકે તેજસના સવાલનો જવાબ નાં આપ્યો. ચારેતરફ અંધારું થવા લાગ્યું હતું. વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. વરસાદ આવવાનાં પૂરાં અણસાર દેખાતાં હતાં. ઝલક ઉભી થઈને પગથિયાં ઉતરવા લાગી. તેજસને હવે પોતે ઝલક વિશે આગળ કાંઈ જાણી શકશે, એવું તેને લાગતું નહોતું. જેનાં લીધે તે પણ ઝલકની સાથે નીચે ઉતરવા લાગ્યો.

હજું એ બંને એક હજાર પગથિયાં જ ઉતર્યા હશે‌. ત્યાં જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદની બુંદો બંનેને એવી રીતે ભીંજવી રહી હતી, કે જાણે એ વરસાદની એક એક બુંદ કહી રહી હતી, કે હવે ઝલક અને તેજસના જીવનમાં એક અલગ જ પરિવર્તન આવવાનું છે.

ત્રીસ મિનિટના એ વરસાદમાં બંને સંપૂર્ણપણે ભીંજાય ગયાં હતાં. ધીમે-ધીમે ઠંડો પવન તેની ગતિ પકડી રહ્યો હતો. તેમ છતાંય ઝલક ઉપર એકેય વસ્તુની અસર નહોતી થતી. ઝલક જાણે આટલાં વર્ષોમાં આ બધી વસ્તુઓથી ટેવાઈને એક અડિખમ પથ્થર બની ગઈ હોય. એમ તેનાં પર વરસાદ કે ઠંડા પવનની જરાં એવી પણ અસર નહોતી થઈ રહી. એ બસ એની જ ધુનમાં ચાલ્યે જતી હતી.

"સોંદર્યથી ભરપૂર, એક નાજુક નમણી છોકરી, જે વરસાદમાં ભીંજાયા બાદ ઠંડા પવનથી થરથર કાંપવી જોઈએ. ઠંડી તેની અંદર પ્રસરી જવી જોઈએ. તેની જગ્યાએ આ છોકરી કોઈ ચાવી ભરેલ ગુડિયાની માફક ચાલ્યે જ જાય છે. શું આને કોઈ વસ્તુની અસર નહીં થતી હોય??" તેજસ ઝલકને જોઈને મનમાં જ બોલતો હતો.

થોડીવાર થતાં જ વાતાવરણ એકદમ શાંત બની ગયું હતું. અચાનક આવેલાં વરસાદે રોડ-રસ્તા પાણી પાણી કરી દીધાં હતાં. સુરજ પણ ધીમે-ધીમે અસ્ત થવાની તૈયારીમાં હતો. જેનાં લીધે સંધ્યાની કેસરી લાલીમાથી આકાશ કેસરી રંગે રંગાઈ ગયું હતું.

દાતાર ઉતરીને તેજસ પોતાની બાઈક પાસે ઉભો રહીને પોતાનાં ભીના કપડાં જોવાં લાગ્યો. ઝલક એકીટશે તેજસ સામે જ જોતી હતી.

"હવે આમ શું જોવે છે?? આપણે આ રીતે તો ઘરે નહીં જ જઈ શકીએ."

"હાં, તો આ રીતે જવાનું કહે છે કોણ!! ચાલ બાઈક કોઈ હોટેલ પર લઈ લે."

ઝલકનો જવાબ મળતાં જ તેજસે બાઈકને એસ.ટી. રોડ તરફ ભગાવી. ઝલક તો પાછળ બેસીને લાઈટોથી ઝગમગતા જૂનાગઢને જોઈ રહી હતી. તેજસે હોટેલ વિશાલા પાસે બાઈક ઉભી રાખી. ઝલક બાઈક પરથી ઉતરી, એટલે તેજસે બાઈકને પાર્કિંગમાં પાર્ક કરી. પછી બંને હોટેલની અંદર ગયાં. તેજસે બે અલગ-અલગ રૂમ બુક કર્યા. બંને પોતપોતાના રૂમની ચાવી લઈને રૂમમાં ગયાં.

આઠ વાગતાં બંને કપડાં ચેન્જ કરીને નીચે હોલમાં આવ્યાં. તેજસે નીચે આવીને જમવાનું ઓર્ડર કર્યું. બંનેએ જમવાનું પૂરું કર્યું. ત્યાં જ અર્પિતાનો મેસેજ આવ્યો.

"ઘરે આવતાં કેટલીવાર લાગશે?" મેસેજ વાંચીને ઝલકે એક નજર તેજસ તરફ કરી. તેજસ બિલ ચુકવીને ઝલક અને પોતાનું બેગ લઈને હોટેલના દરવાજે ઉભો હતો. "બસ હવે નીકળીએ જ છીએ." અર્પિતાનો મેસેજ વાંચીને ઝલકે રીપ્લાય આપી દીધો.

ઝલક જવા માટે હોટેલનાં દરવાજા તરફ આગળ વધી. ઝલકના આવતાં જ તેજસ બાઈક લઈને આવ્યો. બંને ભેંસાણ પરત જવાં માટે નીકળી ગયાં.

જગજીવનભાઈ અને આસુતોષભાઈ મિટિંગ પૂરી કરીને ધારા કોમ્પલેક્ષ પર આવ્યાં. જગજીવનભાઈએ એ સમયે જ તેજસને ઝલક સાથે ત્યાં જોઈ લીધો. તેજસને જોતાં જ જગજીવનભાઈના મોતિયા મરી ગયાં. તેજસ આ સમયે કોઈ છોકરી સાથે જૂનાગઢમાં ફરતો હતો. એ વાત જ તેમનાં માટે વીજળીના ઝટકા સમાન હતી.

ધારા કોમ્પલેક્ષ આસુતોષભાઈના મિત્રનો હતો. તેઓ તેમને મળવા માટે જ અહીં આવ્યાં હતાં. જેનાં લીધે જગજીવનભાઈએ તેજસને ઝલક સાથે જોઈ લીધો.

"યાર, હવે કેટલીવાર છે?? મારે જલ્દી ઘરે જવું છે." જગજીવનભાઈ તેજસ વિશે જાણવાં અધીરા બન્યા હતાં.

"હાં, બસ એક જ મિનીટ!!"

જગજીવનભાઈ જ્યારે ઉતાવળ કરે ત્યારે કોઈ ખાસ કારણ હોય. એ વાતથી વાકેફ એવાં આસુતોષભાઈ તરત જ તેમનાં મિત્રને મળીને બહાર નીકળી ગયાં.
(ક્રમશઃ)

જગજીવનભાઈ તેજસને ઝલક સાથે જોયાં પછી શું કરશે?? ઝલક તેજસ વિશે શું જાણે છે?? એ વાત તેજસ ઝલક પાસેથી જાણી શકશે??


Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 4 weeks ago

Swati

Swati 9 months ago

Pradyumn

Pradyumn 9 months ago

Vijay

Vijay 12 months ago

Geerakalpesh Patel