Sundaratano khuni khel - 1 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૧

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ - ૧

મારી પ્રથમ નવલકથા ‘ત્રણ વિકલ્પ’ને માતૃભારતી પર આપલોકોના સાથ સહકારથી ખૂબ સારો પ્રતીભાવ પ્રાપ્ત થયો એના બદલ હું આપલોકોની ખૂબ આભારી છું. હવે તમારી સમક્ષ મારી પ્રથમ લધુનવલ લઈને આવી છું. આશા રાખું છું એ તમને લોકોને ખૂબ પસંદ આવશે. આ એક કાલ્પનિક વાર્તા છે. એક સ્ત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેવી રીતે ખૂની ખેલ કરે છે તે સમજાવવાનો પ્રયાસ કરેલો છે.

દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર રમણીય દરિયા કિનારો. સહેલાણીઓ માટેનું મનગમતું સ્થાન. રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. દીવનાં દરિયા કિનારે મોજાઓના અવાજ સિવાય નીરવ શાંતિ પથરાયેલી હતી. રાતનો સમય અને ઠંડીનો ચમકારો હતો એટલે દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતો નહોતો. સુસવાટા મારતો પવન એકધારી ગતિએ એનું કામ કરતો હતો. ઉનાળાના દિવસોમાં આવા પવનમાં સહેલાણિયો આખી રાત ઠંડા પવનની મજા લેતા. દરિયા કિનારે દારૂની અને જાતજાતની વાનગીઓની મહેફિલ જામતી. એ દિવસોમાં ગુજરાતી લોકોને કોઈ પરદેશમાં આવ્યા હોય એવી મજા આવતી. પણ શિયાળાની રાત હતી એટલે દરિયા કિનારો સૂમસામ હતો. જાણે ઠંડીમાં જનજીવન પણ ઠરીને ઠુકરું થઈ ગયું હતું. દરિયા કિનારા નજીક લારી અને ખાણીપીણીની બંધ દુકાનો હતી. દરિયા કિનારાથી થોડે દૂર દીવનો દગાચી જંગલ વિસ્તાર શરૂ થતો હતો. જંગલના આદિવાસી વિસ્તારમાં ગમે તેવી મોસમ હોય જનજીવન ચોવીસ કલાક ધબકતું રહેતું.

દરિયા કિનારા નજીક આવેલા જંગલમાં એક છોકરી અર્ધ રાત્રીએ પોતાનો જીવ બચાવવા દોડતી હતી. એ છોકરીએ આટલી ઠંડીમાં માત્ર નાઈટડ્રેસ પહેરેલો હતો. વાળ વિખરાયેલા હતા. જેટલું બને એટલું ઝડપથી કાંટાળી જમીન પર એના ડગલાં આગળ વધતાં હતાં. પગમાં કશું પહેરેલું ના હોવાથી પગમાં થોડાક કાંટા વાગ્યા હતા. કાંટા વાગવાથી પગમાં ખૂબ પીડા થતી હતી પણ એ છોકરી પોતાનો જીવ બચાવવા પીડા ભૂલી દોડતી રહી. અંધારામાં રસ્તો બરાબર દેખાતો નહોતો એમાં પણ જંગલમાં રાત્રે એકલાં નીકળવું જોખમ ભરેલું હતું. જમીનમાં સાપ કે અન્ય જીવ ક્યાંથી આવે એ કહેવું મુશ્કેલ હતું. થોડી થોડી વારે એ રસ્તો ઓળખવાની કોશિશ કરતી પણ જંગલમાં બધાં નાના ઝાડી-ઝાંખરાં અને મોટા ઝાડ એક સરખા જ દેખાતા હતાં.

છોકરી દેખાવે સુંદર હતી. એકધારું દોડવાથી એની દૂધ જેવી ચામડી પર પરસેવાની બુંદીઓ ઉપસી આવી હતી. એના એક હાથમાંથી થોડું-થોડું લોહી નીકળતું હતું. એની પણ પરવાહ કર્યા વગર એ દોડતી રહે છે. છોકરીનું આ પ્રકારે દોડવું ખૂબ મોટી મુસીબત આવી હોય એવું પ્રતીત કરતું હતું. સતત દોડવાથી એને શ્વાસ ચડે છે. શરીરમાં લોહી ઓછું થવાથી એને ચક્કર શરૂ થાય છે. એક વિશાળ ઝાડ નીચે થાક ઉતારવા માટે બેસે છે. મનમાં ડર સાથે આજુબાજુ નજર કરે છે કોઈ એને જોતું તો નથી પણ ત્યાં બસ ઝાડ દેખાતા હતા. એને સહેજ રાહત લાગે છે. નાઈટડ્રેસનાં ટોપમાંથી કાપડ ફાડી હાથમાં લોહી નીકળતું હોય છે એના પર પટ્ટી બાંધે છે. પગમાંથી જેટલા કાંટા નીકળે એટલાં કાઢે છે. પાયજામા જુદા કરી બન્ને પગના તળિયામાં કસીને બાંધે છે.

દૂર મોજાઓનો અવાજ સંભળાતો હતો. છોકરી મનમાં વિચારે છે એકવાર જંગલથી દુર રસ્તા પર આવી જઈશ તો કદાચ જીવ બચાવી શકીશ. મારી એકલીનો જ નહીં બીજી છોકરીઓના જીવ પણ હું બચાવી શકીશ. હાથ અને પગમાં થોડી રાહત થાય છે એટલે છોકરી હિંમત એકઠી કરી ધીરે ધીરે ચાલવાનું શરૂ કરે છે. એટલામાં દૂરથી કૂતરાઓનો અવાજ સંભળાય છે. છોકરીને સમજતા વાર નથી લાગતી કે આ કુતરાઓ તેને શોધવા માટે આવી રહ્યા છે. છોકરી ફરીથી જેટલું બને એટલું સ્પીડથી દોડી રોડ પર પહોંચવાની કોશિશ કરે છે. પરંતુ થાક અને ચક્કરના કારણે એની તાકાત ઘટી ગઈ હોય છે. દોડી શકશે નહીં એવું લગતા આગળ પાછળ નજર દોડાવી સંતાવા માટેની જગ્યા શોધે છે. એક વિશાળ ઝાડના થડીયા પર ચઢી શકાય એવું લાગતાં એ ઝાડ પર ચઢવા લાગે છે. ઝાડનું થડિયું બહુ પહોળું હોવાથી ઉપર ચઢી શકતું નથી. ઝાડની બીજી તરફ આવે છે તો થડિયું થોડું ઢોળાવ વાળું હતું. એ ઢોળાવવાળા થડ પર કોશિશ કરતાં છોકરીને વધારે મુશ્કેલી નથી પડતી. એ સાવચેતીથી ઝાડ પર ચઢી બે મોટી ડાળીઓ વચ્ચે લપાઈને બેસે છે. અંધારામાં જોવું મુશ્કેલ હતું પણ એને દૂર બે કૂતરાઓની સાથે બે માણસ દેખાય છે. બન્ને માણસના હાથમાં ટોર્ચ હોય છે જેનો પ્રકાશ દૂર સુધી ફેલાતો હતો. બન્ને માણસ થોડીવારમાં છોકરી જે ઝાડ પર સંતાઈ હતી એની નજીક આવી જાય છે. એ માણસો અંદરોઅંદર વાતચીત કરતાં હોય છે છોકરી એ લોકોની વાત સાંભળવાની કોશિશ કરે છે.

પહેલો માણસ: “સાલી ક્યાં ગઈ દેખાતી નથી...”

બીજો માણસ: “ભાગી ને વધારે દૂર જઇ નહીં શકે... એના હાથની નસ કપાઈ છે... લોહી નીકળી રહ્યું છે... એટલે તે વધારે દૂર જઈ શકશે નહીં... જંગલના કોઈ ખૂણામાં બેભાન થઈને પડશે...”

પહેલો માણસ: “અલા... પણ આટલા મોટા જંગલમાં એને ક્યાં શોધીશું... જો નહીં મળે તો મેડમ અને સર આપણો જીવ લઇ લેશે...”

બીજો માણસ: “તું ચિંતા ના કર... આપણા બે શેર છે ને, એ પેલી છોકરીને સો ટકા શોધી નાખશે...”

બન્ને વાતો કરતા હતા એટલામાં એક કૂતરો જોર જોરથી ભસવા લાગે છે. પહેલા માણસના હાથમાંથી પટ્ટો છોડાવી કૂતરો દોડે છે. છોકરી જે ઝાડ પર સંતાઈ હોય છે એ ઝાડ નીચે આવી કૂતરો અટકી જાય છે. ઝાડની આગળ પાછળ આંટા મારવા લાગે છે. કૂતરો લાળ ટપકાવતો એ ઝાડ નીચે ઊભો ઊભો ભસવા લાગે છે. બીજો કૂતરો પણ જોર જોરથી ભસવાનું શરૂ કરે છે. બન્ને માણસને ઝાડની આસપાસ કૂતરાઓને આંટા મારતા અને ભસતા જોઈ નવાઈ લાગે છે. પહેલો માણસ ટોર્ચ ઉંચી કરી ઝાડના થડિયામાં જુએ છે એને કશું દેખાતું નથી. ઝાડ ખૂબ જ ઘટાદાર હતું અને છોકરી બે મોટી ડાળીઓ વચ્ચે ઠૂંઠિયું વળી બેઠી હતી એટલે એને દેખાઇ નહીં.

પહેલો માણસ: “ઝાડ પર કશું દેખાતું નથી... પણ આપણો શેરું અહિયાંથી ખસતો નથી... નક્કી એને કોઈ ગંધ આવે છે... તું ઝાડની બીજી બાજુ જા એટલે ખબર પડે...”

બન્નેની વાતો સાંભળીને છોકરીને કડકડતી થડીંમાં પરસેવો થયો હોય છે.

ક્રમશ: