Sundaratano khuni khel - 3 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૩

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૩

બાઉલ ભરાઈ જાય છે એટલે ચમન જોડેથી કદરૂપી સ્ત્રી એ બાઉલ લઈ લે છે. કદરૂપી સ્ત્રી ઊંધી ફરે છે ત્યારે એની આંખમાંથી આંસુંનાં થોડા ટીપાં બાઉલમાં લોહી સાથે ભળી જાય છે.

સુંદર સ્ત્રી છોકરીનાં વાળ ફરી પકડી એનું માથું ઊંચું કરે છે: “કંઈ પણ કહો આ છોકરી છે ખરેખર ખૂબ સુંદર...” કદરૂપી સ્ત્રી સામે જોઈ બોલે છે: “શું કહેવું છે તારું રૂપા... આ છોકરીની સુંદરતા બાબતે... તું પહેલાં જેટલી સુંદર હતી એટલી સુંદર તો છે જ...” રૂપા કશું કર્યા વગર ત્યાં જ સ્થિર ઊભી રહે છે. સુંદર સ્ત્રી છોકરીના વાળ છોડે છે. છોકરીનું માથું નીચે ઢળી પડે છે અને બાથટબનાં ખૂણામાં અથડાય છે. સુંદર સ્ત્રી આંખો પટપટાવતી આગળ બોલે છે: “અરરર… ચમન... આ રૂપા તો દુ:ખી થઈ ગઈ... આપણે ફરી એને યાદ અપાવ્યું કે એ પહેલાં ખૂબ સુંદર હતી...”

ચમન, કરસન અને સુંદર સ્ત્રી હસવા લાગે છે. જ્યારે રૂપાની આંખમાંથી આંસું વહેવા લાગે છે. રૂપા એક પણ શબ્દ બોલતી નથી, બાઉલ મસાજ ટેબલની બાજુનાં સ્ટેન્ડ પર મૂકે છે અને પોતે મસાજ ટેબલ પાસે સ્ટૂલ પર બેસે છે. હાથથી પોતાની આંખ સાફ કરી સુંદર સ્ત્રી સામે જોઈ હસે છે.

સુંદર સ્ત્રી: “અરે હું તો ભૂલી ગઈ રૂપા... તું તો બોલી શકતી નથી... પણ તું જ્યારે સુંદર હતી ત્યારે તારા લોહીથી ન્હાવામાં મને મજા આવતી હતી...” સુંદર સ્ત્રી રૂપા પાસે આવી એની દાઢીને પકડી ઉપર ખેંચે છે: “ચમન તેં જ આ રૂપાની જીભ કાપી હતી ને? અને કરસન તેં એનાં ચહેરા પર એસિડવાળો રૂમાલ લપેટયો હતો, એટલે કેટલી કદરૂપી થઈ ગઈ બિચારી... તમારા બન્નેનાં દિલમાં દયા જેવુ કશું નથી... રૂપા તું કદરૂપી થઈ એટલે તો જીવું છું... નહિતો ઘણી પહેલાં ઉપર જતી રહી હોત... ચૂપચાપ દર મહિને મને લોહી આપી દેતી તો કદરૂપી થવાનો વખત ના આવ્યો હોત... મારા સિવાય બીજી સુંદર સ્ત્રીઓ પ્રત્યે મારા દિલમાં પણ દયા નથી...”

રૂપા આંખમાંથી ફરી આંસું ના આવે એટલાં માટે હાથથી આંખો સાફ કરે છે. સુંદર સ્ત્રી રૂપાની પીઠ થાબડી બોલે છે: “ખૂબસરસ રૂપા... મારી સામે રડવાની ભૂલ કદી કરતી નહીં... આ જ તારી કિસ્મત છે એમ સમજી મારી સેવા કરતી રહે... આ છોકરીનાં લોહીથી મારા શરીરનાં દરેક અંગને એવી માલિશ કર કે મારી સુંદરતામાં ચારચાંદ લાગી જાય..."

આટલું બોલી સુંદર સ્ત્રી અરિસામાં જોઇ પોતાના ચહેરા પર હાથ ફેરવતી બોલે છે: "મારે આજીવન સુંદર રહેવાનું છે..."

સુંદર સ્ત્રી ચમનને હાથનો ઈશારો કરી બહાર જવાનું કહે છે. ચમન અને કરસન છોકરીને લઈ બાથરૂમની બહાર જાય છે. સુંદર સ્ત્રી ગાઉન કાઢી મસાજ ટેબલ પર સૂઈ જાય છે. રૂપા લોહીથી ભરેલા બાઉલમાંથી લોહી લઇ સુંદર સ્ત્રીનાં શરીર પર માલિસ કરવા લાગે છે. રૂપા સુંદર સ્ત્રીના શરીર પર દરેક ભાગ પર સતત બે કલાક સુધી છોકરીનું લોહી સ્ત્રીનાં શરીરમાં પૂરી રીતે સમાઇ જાય એટલી માલિશ કરે છે. માલિશ જેમ થાય છે એમ સુંદર સ્ત્રીની ચામડી પરની કરચોલીઓ દૂર થાય છે અને ચામડી ચમકવા લાગે છે. માલિશ પૂરી થાય છે એટલે સુંદર સ્ત્રી ટેબલ પરથી ઊભી થઈ બાથટબમાં જાય છે. માત્ર મોઢું બહાર રાખી પૂરું શરીર બાથટબનાં લોહી મિશ્રિત પાણીમાં ડૂબાડી સ્નાન કરવા લાગે છે. લાલ પાણીમાં પોતાનાં શરીરને જોઇ ખુશ થવા લાગે છે. રૂપા સામે જોઇ બોલે છે: "વાહ ઘણાં દિવસો પછી આવું લાલ પાણી જોવા મળ્યું છે... રૂપા તારા હાથ આ બાથટબમાં બરાબર ધોઇ લે જેથી એ લોહી પણ આ પાણીમાં મિક્સ થઈ જાય." ત્રણ-ચાર કલાક સુધી સુંદર સ્ત્રી બાથટબનાં લાલ પાણીમાં બેસી સ્નાન કરતી રહે છે. રૂપા સુંદર સ્ત્રીનાં માથા પર સતત ટબલરથી પાણીની ધાર કરતી રહે છે. સુંદર સ્ત્રી પોતાના શરીરના અંગેઅંગને જાણે તાજગી મળતી હોય એવો અહેસાસ કરે છે. બાથટબની બહાર નીકળ્યા પછી પણ સુંદર સ્ત્રી અરિસામાં પોતાના શરીરને જોયા કરે છે: “રૂપા મારા શરીરની ચામડીમાં કેટલી બધી ચમક આવી ગઈ... તારા સુંદર હાથમાં પણ જાદુ છે... તું તારા સુંદર હાથથી એટલી સરસ માલીસ કરે છે કે મારા શરીરમાં તાજગી આવી જાય છે...”

***

સવારના દસ વાગ્યાની આસપાસ બંગલાનાં ડાઈનિંગ ટેબલ પર સુંદર સ્ત્રી તથા એક વૃધ્ધ પુરૂષ નાસ્તો કરતાં હોય છે. ચમન હાંફળો-ફાંફળો ડાઈનિંગ હોલમાં આવે છે. એના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી. સપ્રમાણ ઊંચાઈ, ચહેરાનો રંગ ઘઉંવર્ણો અને શરીર ભારે હતું. શરીર ભારે હોવાના લીધે ઝડપથી ચાલે તો પણ એવું લાગે કે, તે દોડી રહ્યો છે. પરંતુ અત્યારે એ ખરેખર એક સમસ્યા ઊભી થઈ હોવાથી દોડીને એની મેડમ પાસે આવતો હતો. આવીને સ્ત્રીને જણાવે છે: “મેડમ પેલી છોકરીની મુખ્ય નસ કપાઈ ગઈ લાગે છે... એની નસમાંથી લોહી નીકળવાનું બંધ થતું નથી...”

સુંદર સ્ત્રી આ સાંભળીને કોઈ પ્રકારનું ટેન્શન લીધા વગર નાસ્તો કરતા કરતા બોલે છે: “એમાં મને શું કરવા કહેવા આવ્યો છું... આટલી નાની વાતમાં આખો બંગલો માથા પર ઉઠાવી દીધો... અહિયાં આવ્યા વગર એનું લોહી એકઠું કરવાનું હતું તારે...”

પુરુષ સુંદર સ્ત્રીને ખવડાવતા બોલે છે: “અરે મારી રાણી... તું જમવામાં ધ્યાન રાખ... તારી તબિયત અને સુંદરતા જાળવવા માટે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી... ચમન, બોટલમાં એ છોકરીનું બધુ લોહી એકઠું કરી લે... જો મરી જાય તો તને ખબર છે તારે શું કરવાનું છે...”

ચમન: “મેડમ, સર એક બીજી સમસ્યા પણ છે... શવચેતી માટે મેં એ છોકરીનો સામાન ચેક કર્યો... એનાં સામાનમાંથી કોઈ સરકારી કોલેજનું I Card મળ્યું છે…”

સુંદર સ્ત્રી અને પુરુષ ચમન સામે જોવા લાગે છે.

ક્રમશ: