Sundaratano khuni khel - 4 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૪

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ - ૪

સુંદર સ્ત્રી: “હા... તો શું થઈ ગયું... એની ઉંમર અને સુંદરતા જોઈને જ મેં એના લોહીથી સ્નાન કરવાની ઈચ્છા કરી હતી... મને લાગ્યું હતું કે એ છોકરી ભણતી હશે...”

ચમન: “મેડમ... એક વખત I Card જોઈ લો... મને કોઈ મોટી મુસીબત આવવાની હોય એવું લાગે છે...” ચમન સ્ત્રી સામે I Card ધરે છે.

પુરૂષ ગુસ્સે થઈ બોલે છે: “ચમન, તું અત્યારે અમને શાંતિથી નાસ્તો કરવા દે... એ બધુ પછી જોઈ લેવાશે...”

ચમન ‘જી સર’ કહી જાય છે. એ વખતે ચમનની જીભ પર શબ્દો આવે છે ‘I Card એ છોકરીનું નથી પણ બીજી છોકરીનું છે, જે છોકરીને આપણે બે વર્ષ પહેલાં મારી નાખી હતી’ પણ એના સરનાં ગુસ્સાના કારણે બોલવાનું યોગ્ય નથી સમજતો. જો એ વખતે એ બન્નેએ ચમનની વાત સાંભળી હોત તો આવનારા બે કલાકમાં એ બંગલામાં જ ઘટના બનવાની હતી એ રોકી શકાત.

ચમન જાય છે એટલે સુંદર સ્ત્રી પોતાનો હાથ જોતાં બાજુમાં જે માણસ જમતો હોય છે એને પૂછે છે: “આજે મને મારા શરીરમાં ફરીથી સોળ વરસની ઉંમરમાં હોય એવી તાજગીનો અનુભવ થાય છે... આજે મારી સુંદરતમાં ફરીથી વધારો થયો છે...”

બાજુમાં બેઠેલો માણસ સ્ત્રીના કપાળ પર ચુંબન કરી બોલે છે: “અરે મારી રાણી... તું તો પહેલેથી જ સુંદર છું... આજે વધારે સુંદર લાગે છે... તારી ખુશી ઓછી ના થાય એટલે તો ચમનને મેં જવાનું કહ્યું... તેં મને કહ્યું નહીં, પેલી છોકરી રાત્રે બહુ દૂર તો નહોતી જતી રહીને?”

સુંદર સ્ત્રી: “બહુ દૂર તો નહોતી ગઈ... પણ હવે ફરીથી કોઈ છોકરી આવી રીતે ભાગી જવામાં સફળ ના થાય એનું ધ્યાન રાખવું પડશે… બે વર્ષ પહેલાં પણ નસીબથી આપણાં પર મુસીબત આવતાં આવતાં રહી ગઈ હતી... આ ભણેલી સુંદર છોકરીઓનાં મગજ પણ બહું ચાલતા હોય છે...”

પુરૂષ સ્ત્રીનો હાથ પકડી બોલે છે: “હા, હવે કોઈ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું પડશે... આ વખતે છોકરી પકડાઈ ગઈ... જો એ આપણા હાથમાંથી છટકી ગઈ હોત તો આપણા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થાત... બે વર્ષ પહેલાં પણ નસીબે આપણને સાથ આપ્યો હતો અને આજે પણ સાથ આપ્યો છે... જે ભૂલ બે વર્ષ પહેલાં થઈ હતી એને ધ્યાનમાં રાખી આપણે ખૂબ સાવચેતી રાખી છે... ચમન જે વાત કરે છે એમાં પણ નસીબ આપણી સાથે હશે... તું તારા ચહેરા પણ કોઈ ગુસ્સો કે વ્યાધિ ના લઇશ...”

વાત કરતાં કરતાં બન્ને ખૂબ સારું કામ કરતાં હોય એમ ખુશી મનાવવા હસવા લાગે છે. પરંતુ ચમન જે સમસ્યા કહી રહ્યો છે તે સાચે એ બન્નેને કર્મોની સજા અને અનેક છોકરીઓ માટે આશીર્વાદ બનવાની હતી.

***

નાગોઆ રિસોર્ટથી થોડેક દૂર વણાકબારા રોડ પર મહેશ્વર રિસોર્ટ થોડા વર્ષો પહેલાં જ બન્યો હતો. ત્રણ વર્ષની અંદર આ રિસોર્ટે ખૂબ જ પ્રગતિ કરી અને દૂર-દૂર સુધી તેનું નામ ગુંજવા લાગ્યું. ભારતના હોય કે વિદેશના સહેલાણીઓ હોય દીવ આવે તો મહેશ્વર રિસોર્ટ રહેવા માટે પસંદ કરતા. રિસોર્ટમાં રહેવા આવનાર દરેક વ્યક્તિ રિસોર્ટ અને દીવની સુંદર યાદો સાથે ખુશ થઈને પરત જતા. વણાકબારા રોડ પર વિશાળ જગ્યામાં રિસોર્ટ બનેલો હતો. રિસોર્ટના પાછલા ભાગથી દીવનું દગાચી જંગલ શરૂ થતું હતું. જંગલમાં થોડા આદિવાસી લોકો પણ વસવાટ કરતા હતા. રિસોર્ટ એરપોર્ટથી માત્ર ત્રણ કિલોમીટર દૂર હતો. ચાર માળના રિસોર્ટની અગાશી પરથી સનસેટ પોઈન્ટ જોઈ શકાય એટલો નજીક હતો. દરિયા કિનારો રિસોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હતો.

મહેશ્વર રિસોર્ટના માલિક મહેશ પટેલ અને કુસુમ પટેલ મૂળ ચરોતરના નાનકડા ગામડાના હતા. બાપદાદાની હજાર વીઘા જમીન વેચી એની આવકથી દીવમાં ફાઇવ સ્ટાર રિસોર્ટ બનાવ્યો હતો. રિસોર્ટથી થોડેક પાછળ વિશાળ ખુલ્લી જગ્યામાં મોટો બંગલો બનાવ્યો હતો. મહેશ્વર રિસોર્ટ જેટલો આકર્ષક અને સુંદર બનાવવામાં આવ્યો હતો એના કરતાં પણ વધારે બંગલો સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યો હતો. રિસોર્ટ જોઈ લોકો આહલાદક આનંદનો અનુભવ કરતાં અને હંમેશાં આવી સુંદર જગ્યામાં રહેવા મળે એવું વિચારતા. જ્યારે બંગલો જોઈ લોકો મોઢામાં આંગળી નાખી લેતા અને સ્વર્ગમાં આવી ગયા હોય એવી અનુભૂતિ કરતાં.

આવા સુંદર બંગલામાં છેલ્લા ત્રણ વર્ષથી મહેશ અને કુસુમે અનેક કુકર્મો કર્યા હતા. મહેશ અને કુસુમ અનેક છોકરીઓનાં શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પાણીમાં ભળે નહીં ત્યાં સુધી તડપાવી તડપાવી મોત આપતા. જેની ખબર કોઈને પડી નહોતી. પરંતુ બે વર્ષ પહેલાં એક નાની ભૂલ થઈ હતી જેના કારણે સુંદરતાનો ખૂની ખેલ ખૂબ જલ્દી પોત પ્રકાશવાનો હતો. કોઈ પાપ કરતાં નથી એવું માનતા મહેશ અને કુસુમ વારંવાર પાપ કર્યા પછી જાણે કશું કર્યું નથી એમ પોતાની જાત સાથે વાત કરતાં. આજે પણ બેફિકર થઈ જાણે કોઈ અપરાધ કર્યો નથી એમ એકબીજા સાથે વાતમાં ખોવાયેલા હતા અને બન્નેને માત્ર સ્ત્રીની સુંદરતાની ચિંતા હતી.

સુંદર સ્ત્રી પુરૂષનો એક હાથ પકડી બોલે છે: “મહેશ, મારી સુંદરતા ટકાવી રાખવા માટે જવાન અને સુંદર છોકરીઓ શોધવી હવે મુશ્કેલ લાગે છે... ઘણાં સમયથી આદિવાસી લોકો એમની છોકરીઓને કામ કરવા અહિયાં મોકલતા નથી... પહેલાં અહિયાં કામ કરવા આવે ત્યારે ઘેનની દવા પીવડાવી આપણને એમનું લોહી આસાનીથી મળી જતું હતું...”

મહેશ બીજો હાથ સુંદર સ્ત્રીના ગાલ પર ફેરવતો બોલે છે: “કુસુમ, હવે એ છોકરીઓ નથી આવતી તો શું થયું... જ્યારે તારે લોહીથી ન્હાવું હોય ત્યારે તને પહેલાં કરતાં પણ વધારે સુંદર છોકરીઓનું લોહી મળી જાય છે... દીવમાં સહેલાણીઓની કોઈ દિવસ ખોટ પડવાની નથી... અને જે આપણાં કામમાં વિઘ્ન ઊભું કરશે એને આપણે બંગલાની પાછળ આરામથી દફનાવી દઇશું...” મહેશ અને કુસુમ એકબીજાના મોઢામાં કોળિયો મૂકે છે નાસ્તાની મજા લેવા લાગે છે.

ક્રમશ: