Sundaratano khuni khel - 5 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૫

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૫

મહેશનાં હાથ પર હાથ મૂકી કુસુમ બોલે છે: “બે વર્ષ પહેલાં એક છોકરીનાં કારણે આપણને એની હત્યા કરવાની ફરજ પડી... પછી આપણે અનેક છોકરીઓની હત્યા કરી છે... ચમન પણ કોઈ સમસ્યા થઈ છે એવું કહે છે... ખબર નથી શું સમસ્યા હશે...”

મહેશ: “ચમન જે સમસ્યા કહે છે તે આપણે જોઈ લઈશું... તારે બીજી ચિંતા કરવાની જરૂર નથી... તું બસ તારી સુંદરતાની ચિંતા કર... તારી સુંદરતામાં કોઈપણ પ્રકારની કમી તને કે મને ચાલશે નહીં...”

કુસુમ રૂમમાં ચારેતરફ નજર ફેરવી બોલે છે: “આ બંગલો અને રિસોર્ટ બહુ મહેનતથી આપણે ઊભા કર્યા છે... આદિવાસી પ્રજા ભણેલી નહોતી એટલે એમની છોકરીઓનો ફાયદો આપણને મળતો હતો... મહેશ, આપણને ટુરિસ્ટ છોકરીઓનો ઉપયોગ કરતાં કેટલી બીક લાગતી હતી... એક છોકરીનાં લોહીથી સ્નાન કર્યા પછી મને ગરમ લોહીમાં ન્હાવાની વારંવાર ટેવ પડી... રિસોર્ટની પાછળ જમીનમાં અનેક છોકરીઓની લાસ આપણે દાટી છે...”

મહેશ: “કુસુમ, ત્રણ વર્ષમાં કોઈને તારી સુંદરતા પાછળનું રહસ્ય ખબર પડી નથી અને આપણે કોઈને આ બાબતની ગંધ પણ આવવા દઇશું નહીં... તારે જેટલી છોકરીઓના લોહીથી ન્હાવું હોય એટલી છોકરીઓ હું તારા માટે હાજર કરીશ... ”

બન્ને વાતો અને નાસ્તામાં વ્યસ્ત હતા. એક નોકર આવીને કહે છે: “સર બહાર પોલીસ ઈન્સ્પેકટર આવ્યા છે... આપને મળવા માંગે છે...”

મહેશ નોકર ને કહે છે: “એમને બેસવાનું કહે હું આવું છું.” કુસુમ અને મહેશ એકબીજા સામે જુએ છે.

કુસુમનાં ચહેરા પર થોડી ચિંતા ઊભરી આવે છે: “ચમન કોઈ મુસીબતની વાત કરતો હતો... પોલીસ એના માટે આવી હશે? આપણને તો ખબર પણ નથી ચમન I Card જોઈ શું વાત કરે છે... એ I Cardમાં એવું તો શું છે જે આપણને મુસીબતમાં મૂકવાનું છે...”

મહેશ નેપકિનથી હાથ સાફ કરતો બોલે છે: “તું નાહકની ચિંતા કરે છે... પોલીસને પણ આપણે જોઈ લઈશું... અત્યાર સુધી પોલીસના હાથમાં કશું આવ્યું નથી અને આવશે પણ નહીં...”

મહેશ બંગલાના ડ્રોઇંગરૂમમાં આવે છે. ડ્રોઇંગરૂમમાં એક દીવાલ પર મહેશ અને કુસુમનો ફોટો લટકતો હતો. પોલીસ ઈન્સપેક્ટર એ ફોટાને ધ્યાનથી જોતા હતા. મહેશને પોલીસનો પાછળનો ભાગ દેખાય છે. પોલીસની હાઈટ પાંચ ફૂટ દસ ઇંચ હતી, પાછળથી પણ જોઇને ખબર પડે કે શરીર કસરત કરીને કસાયેલું છે, પોલીસની વર્દી પરફેક્ટ ઇન્સર્ટ કરેલી હતી. બ્રાઉન કલરના સૂઝ પણ ચોખ્ખા પોલીશ કરેલા હતા, યુનિફોર્મમાં સજ્જ થવાની રીત જાણે માણસની આદત બતાવે છે, કે મને બધું જ કામ કમ્પ્લિટ જોઈએ છે. ઇન્સ્પેક્ટરની બાજુમાં મહેશ આવીને ઊભો રહે છે. ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે કોઈ બાજુમાં આવ્યું છે, છતાં એ ફોટાને જ જોયા કરે છે.

મહેશ: “બોલો તમારી શું સેવા કરી શકું...”

ઇન્સ્પેક્ટર મહેશ સામે ધ્યાન આપ્યા વગર જ બોલે છે: “તમે મહેશભાઇ પટેલ છો?”

ઈન્સ્પેકટર સામે જોયા વગર વાત કરે છે એટલે મહેશને અકળામણ થાય છે: “હા, હું જ મહેશ પટેલ છું... આપણે સોફા પર બેસીને વાત કરીએ...” ઇન્સ્પેક્ટરને કોઈ અસર થતી નથી, હવે એ રૂમમાં બીજી વસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગે છે.

મહેશ ગુસ્સામાં સોફા પર બેસતા બોલે છે: “તકલીફ ના હોય તો હું જાણી શકું છું, કે તમે અહીંયા શું કરવા આવ્યા છો?”

ઇન્સ્પેક્ટર મહેશની પાછળ ઊભા રહી બંગલાને નિહારતો બોલે છે: “અત્યાર સુધી તમારા રિસોર્ટ અને બંગલા વિષે સાંભળ્યું હતું કે ખૂબ સુંદર છે... આજે જોઈને લાગ્યું લોકો સાચું કહે છે... ખરેખર તમારો બંગલો ખૂબ સુંદર છે...”

મહેશ મનમાં વિચારે છે કે પોલીસ બંગલો જોઈને આટલી ખુશ છે તો મુસીબત આવી હશે તો પણ ટળી જશે. પૈસો કોને વ્હાલો હોતો નથી. અત્યાર સુધી પૈસાના જોરે તો અપરાધ ઉપર પરદો નાખ્યો હતો. એના ચહેરા પર ખુશી ઊભરી આવે છે. એ સિગારેટ કાઢી મોઢામાં મૂકે છે. પોલીસ મહેશની બાજુમાં આવે છે. મહેશ સિગરેટનું પેકેટ પોલીસ સામે ધરે છે.

પોલીસ સિગારેટ લઈ મહેશની સામેવાળા સોફા પર બેસે છે: “હું વિજયસિંહ રાજપૂત, પોલીસ ઈન્સ્પેકટર દીવ...”

મહેશ ઇન્સ્પેક્ટરનો ચહેરો જોઈ દંગ થઇ જાય છે. રાજકુંવર જેવો દેખાવ, આંખોમાં ભરપૂર આત્મવિશ્વાસ, પાતળી લાંબી મૂછો, પોલીસને છાજે એવો કડક અવાજ અને બોલવા તથા બેસવાની રીત એક રાજપૂતને શોભે એવી. મહેશ મનમાં વિચારે છે ચહેરા પરથી વિજય ખૂબ સીધો લાગે છે. આવા કોમળ ચહેરા વાળો પોલીસ મારૂ શું બગડી શકવાનો છે.

મહેશ: “બોલો મી. વિજય... અહિયાં આવવાનું કારણ?”

વિજય સિગારેટનો કસ લેતો બોલે છે: “મારે બસ તમારી પાસે થોડા સવાલોના જવાબો જોઈએ છે...”

મહેશ એક હાથ સોફાના ટેકા પર મૂકાતા બોલે છે: “હા... પૂછો... શું સવાલ છે...”

વિજય સિગારેટ એસટ્રેમાં મૂકી બોલે છે: “મારે સવાલ તમને અને તમારી પત્ની બન્નેને કરવાના છે... એમને બોલાવો એટલે કામ આગળ વધે...”

મહેશ જે સોફા પર બેઠો હોય છે ત્યાંથી ડાઈનિંગહોલમાં જવાનો પેસેજ દેખાતો હતો. મહેશ જુએ છે કુસુમ પેસેજમાંથી એને ઈશારો કરતી હતી. મહેશ ધ્યાનથી જોવે છે તો કુસુમ દૂરથી એને ચમન જે I Card ની વાત કરતો હતો એ બતાવતી હતી. એ જોઈ મહેશ વિચાર કરવા લાગે છે, કારણકે કુસુમનો ચહેરો ચાડી ખાતો હતો કે સમસ્યા ગંભીર છે. વિજયને કુસુમ દેખાતી નહોતી છતાં એના ચહેરા પર રહસ્યમય હાસ્ય આવીને જતું રહે છે. સમસ્યા શું હશે એ વિચારતા મહેશની નજરમાં વિજયનું હાસ્ય આવતું નથી. વિજયને જાણે જીતની પહેલી સીડી મળી હોય એમ પગ પર પગ ચઢાવી રિલેક્ષ થઈ બેસે છે. કુસુમ શું કહેવા માંગે છે એ મહેશ પૂરું સમજી શકતો નથી પણ એને એટલી ખબર પડે છે કે વિજય પેલી છોકરીની તપાસ કરવા આવ્યો છે.

ક્રમશ: